એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં છો! તમારો સ્નેહ. અમારા સ્નેહની પેઠે નથી ઉછાંછળો કે નથી ઉગ્ર. એ કંઈ પાર્થિવ પ્રેમ નથી. પણ એ તો છે, એક સૌમ્ય શાંતિ સૌનું કલ્યાણ કરતી. કોઈનું ય અમંગળ ન વાંછતી લીલાથી પરિપૂર્ણ સોનેરી આભા.

મા, તમે તો છો, પ્રભુની અદ્ભુત કૃતિ
શ્રીરામકૃષ્ણના પોતાના પ્રેમથી છલકાતું મધુપાત્ર.
મા, તમારી સ્મૃતિ તો છે,
સર્વ રાગ દ્વેષોના દ્વંદ્વોથી પર,
શિખરવાસિની શાંતિ સમી,
કમળપત્ર પરના ઝાકળબિંદુ જેવી,
સંસારથી અળગી ને પ્રભુમાં થરકી રહેલી.’

ભગિની નિવેદિતાએ યુરોપના દેવળમાં પવિત્ર માતા મેરીની મૂર્તિ જોઈ અને તેમાં તેમને શ્રીમા શારદાદેવીનું દર્શન થતાં પોતાની એ અનુભૂતિ વિષે તેમણે આ લખ્યું હતું. પાશ્ચાત્ય સંસ્કારોમાં ઉછરેલાં, પાશ્ચાત્ય શિક્ષણ પ્રાપ્ત કરેલાં બુદ્ધિમત્તાની ઉચ્ચ કક્ષાએ રહેલાં એક વિદેશી નારી, એવાં નિવેદિતા શ્રીમા શારદાદેવીને પ્રભુની અદ્ભુત કૃતિ ગણાવે છે. પ્રેમ અને પવિત્રતા, ત્યાગ અને સેવા, સમર્પણ અને સાધના, ઉદારતા અને સમભાવ, ધૈર્ય અને સહિષ્ણુતા, ક્ષમા અને સર્વ પ્રત્યેનો આત્મીય ભાવ – આ બધું જ શ્રીમા શારદાદેવીના રોજિંદા જીવનમાં પ્રગટ થાય છે. અને એ જ તો છે નીતિશાસ્ત્રે વર્ણવેલી ઉત્તમ આચારસંહિતા. શ્રીમા નીતિશાસ્ત્રના આદર્શોનું મૂર્તિમંત સ્વરૂપ છે. એક જ જીવનમાં એક સાથે આટલા બધા આદર્શોનો સમન્વય ક્યાંય જોવા મળતો નથી. અને એટલે જ ભગિની નિવેદિતા શ્રીમાને પ્રભુની અદ્ભુત કૃતિ ગણાવે છે.

શ્રીમાનો પ્રેમ :- સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવ વિષે કહ્યું હતું કે તેઓ Personified Love – એટલે કે પ્રેમનું જીવંત સ્વરૂપ છે. આ જ શબ્દ શ્રીમા શારદાદેવીને માટે પણ રહેલા છે. શ્રીમા પણ પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે, શ્રીમાના સમગ્ર જીવનમાં આ પ્રેમ અવિરત વહેતો રહ્યો છે, ‘મા, આ છોકરાઓ મારું કહ્યું માનતા નથી. તમે એને ઠપકો આપો.’ કોઆલપાડાના આશ્રમના અધ્યક્ષે મા આગળ બ્રહ્મચારીઓની ફરિયાદ કરતાં કહ્યું. ત્યારે એ છોકરાઓને ઠપકો આપવાને બદલે શ્રીમાએ તેમને ઠપકો આપતાં કહ્યું; એક તો તમે એને પૌષ્ટિક ખોરાક નથી આપતા અને ઉપરથી અંકુશમાં રાખો છો. આટલું કડક વર્તન કરો છો, તો આશ્રમ કેવી રીતે ચાલે? આજકાલ તો પોતાનાં છોકરાઓને કોઈ વઢે તો તેઓ પણ જુદા થઈ જાય છે. તો પછી આ તો વિદ્યાર્થીઓ છે!’ શ્રીમાએ એ બ્રહ્મચારીઓ માટે શાકભાજી અને પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરાવી અને આશ્રમના અધ્યક્ષને જે કહ્યું, તેમાં માતૃહૃદયનો પ્રેમ છલકાઈ રહ્યો છે. તેમણે કહ્યું : ‘જુઓ, પ્રેમ જ આપણું બળ છે. પ્રેમથી જ પ્રભુનો સંસાર ઘડાયો છે. ને હું તો મા છું, મારી પાસે તમે છોકરાઓના પહેરવા -ઓઢવાની ફરિયાદ શા માટે કરો છો?’ પછી એ વિદ્યાર્થીઓને શ્રીમાના પ્રેમપ્રવાહે એવા તો ભીંજાવી દીધા કે પછી એમાંના ઘણા તો રામકૃષ્ણ મિશનના સાધુઓ બની ગયા!

શ્રીમાનો આ પ્રેમ પ્રવાહ તો સર્વ ઉપર સમાન ભાવે વહેતો રહ્યો છે તેને નથી સ્પર્શ્યા કોઈ નાતજાતના ભેદ કે નથી સ્પર્શ્યા ઉચ્ચ-નીચ કે ગરીબ-તવંગરના તફાવત, કે નથી સ્પર્શ્યા સ્ત્રી-પુરુષના કે દેશી-પરદેશીના પણ ભેદ. શ્રીમાનો એ અદ્ભુત પ્રેમ તેમનું ઘર ચણનારા શેતુર મુસલમાનોને, તેમના ઘરમાં માલસામાન લાવતી મજૂરણને, પાલખી ઉંચકનારા કહારોને, અમજાદ જેવા ડાકુને, ઘરમાં ચોરી કરનાર ઉડિયા નોકરને એટલો જ મળ્યો છે, જેટલો તેમના સંન્યાસી પુત્રો કે નિકટના ભક્તોને મળ્યો છે. આ કલ્યાણકારી પ્રેમે પતિતોને પતનના માર્ગેથી પાછા વાળીને ભક્તિને માર્ગે ચાલતા કરી દીધા છે.

‘મા આ યુવાન તો ભ્રષ્ટ છે. તે વિધવાના પ્રેમમાં પડેલો છે. તે તમારી પાસે શા માટે આવે છે? તમે તેને આવવા ન દો.’ ભ્રષ્ટ યુવાનને શ્રીમા પાસે આવતો જોઈને કેટલાક ભક્તોએ શ્રીમાને કહ્યું. પણ શ્રીમાએ એ યુવાનને પોતાની પાસે આવતો અટકાવ્યો નહીં. તે આવતો જ રહ્યો. આ જોઈને કેટલાક ભક્તોએ કહ્યું, ‘મા જો એ તમારી પાસે આવતો રહેશે, તો અમે નહીં આવીએ.’ ત્યારે માએ કહ્યું તમારે ન આવવું હોય તો ન આવતા. પણ એને હું આવવાની ના નહીં પાડું, જુઓ ભૂલ કરવી એ મનુષ્યનો  સ્વભાવ છે, પણ પડેલાને કેમ બેઠો કરવો, એ તો કોઈક જ જાણે છે.’ તે યુવાન આવતો રહ્યો. શ્રીમાના પાવક પ્રેમે એ યુવાનને તો પતનમાંથી ઉગારી લીધો, પણ તેની પ્રેયસીને પણ ભગવદ્પથે વાળી દીધી! આવું જ એક પતિતા સ્ત્રીની બાબતમાં પણ થયું હતું. એ પતિતા શ્રીમા પાસે આવતી હતી. શ્રીમા તેને પ્રેમથી વાળી રહ્યાં હતાં. પણ શ્રીમા પાસે આવનારી કેટલીક શ્રીમંત સ્ત્રીઓને એ પસંદ નહોતું. એટલે બલરામ બોઝના પત્ની અને શ્રીમંત સ્ત્રીઓએ શ્રીમાને કહ્યું : ‘જો એ સ્ત્રી આવશે, તો હવે અમે નહીં આવીએ.’ શ્રીમાનો એ જ ઉત્તર હતો કે ‘તમારે ન આવવું હોય તો તમારી ઇચ્છા. પણ એ સ્ત્રીને મારી વિશેષ જરૂર છે, એ મા પાસે આવે છે. એને હું ના ન પાડી શકું.’ અને પછી શ્રીમા બોલ્યાં ‘મારું બાળક કાદવથી ખરડાઈ ગયું હોય તો તેને ગોદમાં લઈને સાફ કરવાની શું મારી ફરજ નથી?’ શ્રીમાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન કાદવથી ખરડાયેલાં બાળકોને ગોદમાં ઊઠાવી, સાફ સુથરાં કરીને ભગવત્ પથે દોડતાં કરી દીધાં છે.

ઊઠો ઓ કરુણામયી ને ખોલો કુટિરદ્વાર,
અંધારે કંઈ ભાસતું નથી, થડકે હૃદય અનિવાર,
ઉચ્ચ સ્વરે પોકારું તને હે તારા વારંવાર
દયામયી થઈને આ તારો કેવો વ્યવહાર!
શિશુને બહાર મૂકીને તું સૂતી છો અંત:પુરે
મા વિના જગતમાં કુપુત્રને કોણ સંગ્રહે…

મધ્યરાત્રિના સમયે આ કરુણગાનથી સમગ્ર વાતાવરણ ભરાઈ ગયું. પરંતુ ઘરનાં દ્વાર કોઈએ ખોલ્યાં નહીં. કેમકે રાત્રે શ્રીમા શારદાદેવીની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલા માટે સ્વામી શારદાનંદે રાત્રે કોઈને ય બારણું ખોલવા ન દેવાની કડક સૂચના આપી હતી. અને ગીત ગાઈને શ્રીમાની નિદ્રામાં ખલેલ પહોંચાડનારો તો હતો દારૂડિયો પદ્મવિનોદ! દારુના નશામાં તે માને પોકારી રહ્યો હતો. પણ ઘરનું બારણું તો ન જ ખૂલ્યું. પણ આ શું? ઉપરના માળે ઝરૂખાની બારી ખુલી ગઈ. દારૂના નશામાં પણ પદ્મવિનોદને દેખાયું એ સૌમ્ય શાંત મુખ! અહા! સાક્ષાત્ મા! સ્વપ્નમાં તો નથી ને? તેણે અનુભવ્યું કે કુપુત્રને માટે સાચ્ચે જ માએ તેમના હૃદયનાં બારણાં ખોલી નાખ્યાં છે. તેમાંથી પ્રેમનો ધોધ વહી રહ્યો છે. તે ધૂળમાં આળોટી આળોટીને પ્રણામ કરવા લાગ્યો. અને ફરી ફરીને ગાવા લાગ્યો. પોતાના ગીતમાં તેણે એક કડી ઉમેરી દીધી કે ‘હે મા શ્યામા, હું ફક્ત તને જ જોઈશ, પણ મારો મિત્ર (સ્વામી શારદાનંદ) તને ન જુએ.’ તેનું રાત્રિભ્રમણ સાર્થક થઈ ગયું! ફરી આ રીતે મધ્યરાત્રિએ બીજીવાર પણ તે આવ્યો. અને એ જ રીતે માએ ઝરૂખાની બારી ખોલીને દર્શન આપ્યાં. તે વખતે સેવિકાઓએ કહ્યું : ‘એ તો દારૂડિયો છે, એને તો આવી ટેવ પડી ગઈ છે. આવી રીતે રોજ રોજ ઊઠીને ઊંઘ બગાડવી, તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.’ ત્યારે માએ કહ્યું; ‘એનો એવો તીવ્રતમ પોકાર છે કે હું તેને ઠેલી શકતી નથી.’ શ્રીમાના પ્રેમે તેને પલટી નાખ્યો. તેની અંતિમ બિમારી સમયે તે કથામૃત વાંચતાં વાંચતાં ભાવજગતમાં ચાલ્યો જતો અને આખરે શ્રીરામકૃષ્ણનું નામ લેતાં લેતાં તેણે દેહ છોડ્યો. શ્રીમાએ પોતાનાં સંતાનો, ભક્તો, શિષ્યો, અરે નોકર, ચાકર સુદ્ધાંને પોતાના પ્રેમમાં મગ્ન કરીને તેમના જીવનને પલટી નાંખ્યાં હતાં.

‘મા, સ્વામીજીએ મને કાઢી મૂક્યો છે?’ ‘કેમ?’ ‘મા, મેં રૂપિયાની ચોરી કરી હતી’ ‘તારે ચોરી શા માટે કરવી પડી?’ ‘ત્યાં દેશમાં મારી ઘરવાળી માંદી છે, એની દવા માટે પૈસાની જરૂર હતી, એટલે પછી ચોરી લીધા’, ‘દીકરા, પૈસાની જરૂર હોય તો માગી લેવાય પણ ચોરી ન કરાય.’ ‘મા, મજબૂર હતો’ કહીને ઉડિયા નોકર રડવા માંડ્યો. માએ તેને નહાવાની વ્યવસ્થા કરાવી, પછી જમાડ્યો, અને મઠમાંથી આવેલા પ્રેમાનંદ સ્વામીને કહ્યું : ‘માણસ બહુ જ ગરીબ છે, તેણે ગરીબાઈને લઈને ચોરી કરી છે. તેને કંઈ ગાળો દઈને કાઢી ન મૂકાય. સંસારમાં કેટલું બધું દુ:ખ છે, તેની તમને સંન્યાસીઓને શી ખબર પડે? બાબુરામ, તું એને મઠમાં પાછો લઈ જા.’ ‘પણ મા, સ્વામીજીએ કાઢી મૂક્યો છે, અને પાછો લઈ જઈશ, તો તેઓ ખીજાશે.’

‘હું કહું છું કે પાછો લઈ જા. નરેનને કહી દેજે કે માએ મોકલ્યો છે.’ અને એમ જ થયું. જ્યારે સ્વામીજીએ જાણ્યું કે માએ મોકલ્યો છે, ત્યારે તેઓ ચૂપ થઈ ગયા. ચોરી કરીને આવેલો નોકર પણ માના આશ્રયમાં નિર્ભય બની ગયો! શ્રીમા પ્રત્યે એને કેટલો વિશ્વાસ. કેટલો પ્રેમ અને કેટલો આદર કે ખોટું કામ કર્યું હોવા છતાં પણ મા પાસે અભય મળશે એવી અતૂટ શ્રદ્ધા! એ જ છે માનો મહિમા. માત્ર સંન્યાસી કે ભક્તો જ શ્રીમા પ્રત્યે શ્રદ્ધા ને વિશ્વાસ ધરાવતા હતા, એવું નથી. પણ વણકર, ઘર ચણનારા મુસલમાનો, ડાકુ અમજાદ, વિદેશી સન્નારીઓ આ બધાંમાં પણ શ્રીમાના પ્રેમે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ જગાડ્યાં હતાં.

શ્રીમા બીમાર હોવાથી જયરામવાટીમાં તેમના ઓરડામાં આરામ કરી રહ્યાં હતાં. ત્યાં ઓટલા ઉપરથી એક કાળો દૂબળો, ફાટેલાં કપડાં પહેરેલો માણસ માના ઓરડામાં ડોકિયાં કરી રહ્યો હતો. પણ કોઈએ તેને અંદર જવા કહ્યું નહીં. ઊલ્ટાનું કહ્યું કે ‘માને ઠીક નથી. એટલે નહીં મળી શકાય!’ તેને થયું કે દૂરથી પણ શ્રીમાનાં દર્શન થઈ જાય, એ પ્રેમભર્યું મુખ જોઈ શકાય તો ય ઘણું. એમ માનીને તે ઓટલા પરથી ડોકિયાં કરી રહ્યો હતો. તેની ઇચ્છાનો પડઘો તુરત જ સ્નેહભર્યા સ્વરે કહ્યું : ‘કોણ દીકરા અમજાદ! અંદર આવ. આ વખતે ઘણા સમયે તું મા પાસે આવ્યો.’ આટલું સાંભળતાં તો અમજાદના દુર્બળ, માંદલા શરીરમાં ચેતન આવી ગયું. તે છલાંગ મારીને ઓટલો ચઢી ગયો. ઓરડાની અંદર મોઢું રાખીને માને બધી વાત કરવા લાગ્યો. તેણે મા પાસે પોતાનું દિલ ખુલ્લું મૂકી દીધું. તે જેલમાં જઈને આવ્યો હતો. તે દિવસે તે મા પાસે ઘણું રોકાયો. જ્યારે ગયો ત્યારે સાવ બદલાઈને ગયો! તે તેલ ચોળીને ન્હાયો હતો. તેનું શરીર તાજગીવાળું થઈ ગયું હતું. તેને માએ પેટ ભરીને જમાડ્યો હતો. એટલે તેનામાં શક્તિ આવી ગઈ હતી. તેને માએ પાન બનાવીને આપ્યું હતું, એટલે તે પાનસોપારી ચાવતો ચાવતો આનંદથી પાછો જતો હતો. તેના એક હાથમાં પોટકું હતું અને બીજા હાથમાં તેલની શીશી હતી! પોટકામાં માએ તેને ઘર માટેની કેટકેટલી ઉપયોગી વસ્તુઓ આપી હતી. માતૃવાત્સલ્યના અગાધ સાગરમાં ડૂબકી લગાવી તન અને મનના મેલ ધોઈને તે આનંદથી પગલાં માંડતો જઈ રહ્યો હતો. ત્યારે સેવિકાને મા કહેતાં હતાં; બિચારો માંદો છે. ગરમ ઓસડ ખાઈ ખાઈને તેનું મગજ ગરમ થઈ ગયું છે, મેં તેને મધ્યમ નારાયણ તેલની શીશી આપી છે, તેના ઉપયોગથી તેને સારું થઈ જશે.’ જેને જોઈને માણસો ઘરનાં બારણાં બંધ કરી દે, તેના માટે માના ઘરના જ નહીં પણ હૃદયનાં બારણાં પણ ખુલ્લાં હતાં અને એટલે જ તો ડાકુ માનો પુત્ર બની ગયો હતો.

આ જ અમજદ એક વખત માનું છાપરું સરખું કરી રહ્યો હતો. તેને એમ હતું કે તે બધું કામ પૂરું કરીને પછી જ નીચે ઊતરે. આથી બપોર થઈ ગઈ પણ એ નીચે જ નહોતો આવ્યો. બધાનું જમવાનું પૂરું થયું, પણ તે નીચે ન આવતાં કોઈએ બૂમ પાડી કહ્યું ; ‘અમજાદ, નીચે આવ ને જમી લે.’ પણ તો ય તે નીચે ઊતર્યો નહીં તેથી કોઈએ કહ્યું : ‘જો તારા માટે મા પણ હજુ ભૂખ્યાં જ રહ્યાં છે.’ જ્યારે તેણે આ જાણ્યું ત્યારે તે તુરત જ નીચે ઊતરી આવ્યો ને માને પ્રણામ કરી કહ્યું; ‘મા, મારે માટે તમે હજુ સુધી જમ્યાં નથી? આવું તો મારી સગી મા પણ ન કરે.’ પછી જ્યારે તે જમવા બેઠો અને શ્રીમાની ભત્રીજી નલિની એની થાળીમાં દૂરથી રોટલી ફેંકતી હતી, ત્યારે માએ તેને ઠપકો આપતાં કહ્યું, ‘ઊભી, ઊભી આવી રીતે કેમ ફેંકે છે? શું આવી રીતે ખાવાનું અપાય? કોઈ માણસ કેવી રીતે ખાઈ શકે?’ અને પછી માએ જ તેને પ્રેમથી પીરસ્યું અને પેટભરીને જમાડ્યો. એટલું જ નહીં પણ એની એઠી થાળી પણ ઉપાડી. એ જોઈને નલિનીએ કહ્યું, ‘અરેરે, ફોઈબા તમારી તો જાત ગઈ. તમે એની એઠવાડી થાળી ઉપાડી?’ એના જવાબમાં માએ કહ્યું : ‘જો શરત્ જેવો મારો દીકરો છે, તેવો જ અમજાદ પણ મારો દીકરો છે.’ આ છે સમભાવ, સમદૃષ્ટિ અને સર્વ પ્રત્યે સમાન રીતે વહેતા પ્રેમ અને કરુણા! માનો પ્રેમ જાતિ અને વર્ણથી પર હતો. એ પ્રેમમાં પરિવર્તનની જાદુઈ શક્તિ હતી. તેમાં કાળમિંઢ જેવાં હૃદયોને પીગળાવવાની શક્તિ હતી. તેમાં પતિતોને પવિત્ર બનાવવાનું અમોઘ રસાયણ હતું. આ રસાયણથી શ્રીમાએ દુષ્ટો, લુંટારાઓ, વિધર્મીઓ, વિદેશીઓ, ક્રાંતિકારીઓ, અને તેમની પાસે આવનાર સર્વનાં હૃદયમાં સૂતેલી દિવ્યતાને જાગ્રત કરી. શ્રીમાએ પોતાના જીવન દ્વારા એ ચરિતાર્થ કરી આપ્યું છે કે પ્રેમ જ જીવનની સંજીવની છે, અને એ જ છે જીવનનું મુખ્ય ચાલક બળ.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.