શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ.

શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડયા કરે છે. બાઈ નીચે એક હાથથી ડાંગર સંકોરતી જાય છે. બીજે હાથે છોકરાંને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવેલ છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે, ને એ સાથે ઘરાકની સાથે વાત પણ કરે છે. ઘરાકને કહે છે કે ‘તો પછી આગલા જે પૈસા બાકી રહ્યા છે તે ચૂકતે કરી જાઓ ને પછી નવો માલ લઈ જાઓ.’

‘જુઓ છોકરાંને ધવરાવવું, સાંબેલું પડયા કરે તેની નીચેની ડાંગર સંકોરવી, અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી, અને એ સાથે ઘરાકની સાથે વાતો કરવી, એ બધું તે એકી સાથે કરી રહી છે. આનું નામ અભ્યાસ-યોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલા તરફ હોય, કદાચ તે હાથ પર પડે તો? બાકીના એક આનામાં છોકરાને ધવરાવવાનું અને ઘરાક સાથે વાત કરવાનું! તેમ, જેઓ સંસારમાં છે તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત, નહિતર સર્વનાશ! કાળના પંજામાં સપડાવું પડે. બાકીના એક આના મનથી બીજાં કામ કરો. જ્ઞાન થયા પછી સંસારમાં રહી શકાય. પરંતુ જ્ઞાન-પ્રાપ્તિ તો કરવી જોઈએ ને? સંસાર રૂપી પાણીમાં મન રૂપી દૂધને એમને એમ રાખીએ તો દૂધ પાણી ભેગાં ભળી જાય. એટલા માટે મન રૂપી દૂધનું દહીં બનાવી, એકાંતમાં વલોવીને માખણ કાઢીને પછી સંસાર રૂપી જળમાં રાખવું જોઈએ. માટે જ સાધનાની જરૂર. શરૂઆતની અવસ્થામાં એકાંત સ્થાનમાં રહેવાની બહુ જરૂર. પીપળાનું ઝાડ જ્યારે નાના રોપા જેવડું હોય ત્યારે તેની આસપાસ વાડ કરી લેવી જોઈએ; નહિતર ગાય બકરાં તેને ખાઈ જાય. પણ થડ મોટું થઈ જાય એટલે પછી વાડ કાઢી નાખે. એટલે સુધી કે એ થડે હાથી બાંધી દો ને, તોય ઝાડને કાંઈ થાય નહિ.

‘એટલા માટે શરૂઆતમાં અવારનવાર એકાંતમાં જઈને રહેવું જોઈએ. સાધનાની બહુ જ જરૂર છે. ભાત રાંધીને ખાવા હોય તો માત્ર બેઠા બેઠા બોલ્યા કરે કે ‘લાકડામાં અગ્નિ છે, એ અગ્નિથી ભાત રંધાય;’ એમ કહેવાથી શું ભાત તૈયાર થાય? બીજું એક લાકડું લાવીને લાકડે લાકડું ઘસો ત્યારે અગ્નિ થાય. ભાંગ પીધે નશો ચડે, આનંદ થાય. પણ પીધા વગર, કંઈ કર્યા વગર બેઠા બેઠા બોલ્યા કરો કે ‘ભાંગ! ભાંગ!’ એથી શું નશાનો રંગ આવે કે? આનંદ આવે કે?’

‘ગમે તેટલા ભણોગણો, પણ ઈશ્વરમાં ભક્તિ ન હોય, જો ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઇચ્છા ન હોય તો એ બધુંય નકામું. એકલી વિદ્વત્તા હોય, અંદર વિવેક, વૈરાગ્ય ન હોય તો તેની નજર કામ-કાંચનમાં રહે. ગીધ આકાશમાં ખૂબ ઊંચે ઊડે, પરંતુ તેની નજર ઉકરડા તરફ.

‘જે વિદ્યાથી ઈશ્વરને જાણી શકાય, એ જ ખરી વિદ્યા, બીજું બધું મિથ્યા! વારુ તમારી ઈશ્વર વિષે શી ધારણા છે?’

શ્રીશ – જી, હું એટલું સમજ્યો છું કે તે એક જ્ઞાનમય પુરુષ છે. તેની સૃષ્ટિ જોઈને તેના જ્ઞાનનો પરિચય મળી શકે છે…

શ્રીરામકૃષ્ણ- ઈશ્વર છે એ તો જગત જોતાં સમજી શકાય. પરંતુ ઈશ્વર સંબંધે સાંભળવું ને જાણવું એ એક વસ્તુ, ને તેને પ્રત્યક્ષ જોવો એ જુદી વસ્તુ પણ તેની સાથે વાતચીત કરીને પરિચય અને સંબંધ બાંધવો એ વળી સાવ અલગ જ વસ્તુ! કોઈએ દૂધ વિષે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે, તો કોઈએ દૂધ પીધું છે. એ ત્રણે જુદી વસ્તુ. દૂધ જુઓ તો આનંદ આવે ને? પીઓ તો જ બળ આવે ને? ત્યારે જ હૃષ્ટપુષ્ટ થવાય ને? ભગવાનનાં દર્શન કરો તો જ શાંતિ મળે, તેમની સાથે વાતચીત કરો ત્યારે જ આનંદ મળે ને શક્તિ વધે!

શ્રીશ- ઈશ્વરને યાદ કરવાનો સમય મળતો નથી.

શ્રીરામકૃષ્ણ (હસીને)- એ ખરું. સમય પાકયા વિના કશું થાય નહિ. એક છોકરું રાત્રે સૂઈ જતી વખતે માને કહે છે કે ‘બા, રાતમાં મને જ્યારે હાજત થાય ત્યારે ઉઠાડજો.’ માએ કહ્યું કે ‘બેટા, હાજત જ તને ઉઠાડશે. મારે ઉઠાડવો નહિ પડે!’

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.