કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો ત્યાં સુધી ગાડી, ઘોડો, સાહેબ, મેડમ એ બધું જુદું જુદું દેખાયા કરે. એ સ્મારકની ઉપર ચડો એટલે માત્ર ઉપર આકાશ અને દૂર સમુદ્ર, વિશાળ, અફાટ પડેલો દેખાય. ત્યાર પછી ઘર, ઘોડા, ગાડી, માણસ એ બધાં જોવાનું ગમે નહિ, એ બધાં કીડી જેવાં દેખાય.

બ્રહ્મજ્ઞાન થાય એટલે સંસાર પરની આસક્તિ, કામકાંચન ઉપરની પ્રીતિ એ બધું ચાલ્યું જાય, બધું શાંત થઈ જાય. લાકડાં સળગતી વખતે કેટલોય તડ તડ અવાજ અને અગ્નિની ઝાળ થાય. પણ બધું બળીને ખાખ થઈ ગયા પછી અવાજ રહે જ નહિ. તેમ આસક્તિ જતાં જ ઉમંગ ચાલ્યો જાય ને છેવટે શાન્તિ. ઈશ્વરની જેટલા નજીક આગળ વધશો તેટલી શાન્તિ વધશે, શાન્તિ : શાન્તિ : શાન્તિ : પ્રશાન્તિ :. ગંગાની જેટલા નજીક જાઓ તેટલી ઠંડક વધુ લાગે. સ્નાન કર્યે એથીયે વધુ શાન્તિ.

પણ જીવ, જગત, ચોવીસ તત્ત્વો એ બધું ઈશ્વર છે એટલે છે. ઈશ્વરને બાદ કર્યે કશુંય રહે નહિ. એકડાની પાછળ મીંડાં ચડાવ્યે સંખ્યા વધી જાય. એકડાને ભૂંસી નાખ્યે એ બધાં મીંડાંની કાંઈ જ કિંમત નહિ. બ્રહ્મજ્ઞાનની પછી, સમાધિ પ્રાપ્ત થયા પછી, કોઈ કોઈ નીચેની ભૂમિકાએ ઊતરી આવીને “ભક્તિનો અહં’, “વિદ્યાનો અહં’ રાખીને રહે. બજાર ઊઠી ગયા પછીયે કોઈ કોઈ વળી પોતાની મરજીથી બજારમાં રહે. જેવા કે નારદ વગેરે. તેઓ લોકોપદેશ માટે ભક્તિનો “અહં’ રાખીને રહે. શંકરાચાર્યે લોકોને ઉપદેશ કરવા માટે “વિદ્યાનો અહં’ રહેવા દીધો હતો.

મનમાં જો સહેજ પણ આસક્તિ રહી જાય તો ઈશ્વરને પામી શકાય નહિ, દોરાનો જરાકે તાંતણો બહાર હોય તો સોયના નાકામાં પરોવાય નહિ. જેણે ઈશ્વર-પ્રાપ્તિ કરી હોય તેનામાં કામક્રોધાદિ નામમાત્ર જ રહે. જેમ કે બળેલી સીંદરી, એ સીંદરીનો આકારમાત્ર હોય, પણ ફૂંક મારતાં જ ઊડી જાય તેમ. મન આસક્તિ-રહિત થતાં જ ઈશ્વરનાં દર્શન થાય. શુદ્ધ મનમાં જે ઊઠે તે ઈશ્વરની જ વાણી. શુદ્ધ મન એ જ શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા પણ એ જ, કારણ કે પરમાત્મા વિના બીજું કોઈ સંપૂર્ણ શુદ્ધ નથી.

બે માર્ગ છે : વિચારમાર્ગ અને અનુરાગ યા ભક્તિનો માર્ગ. સત્-અસત્નો વિચાર. સત્ યા નિત્યવસ્તુ એક માત્ર ઈશ્વર જ, બીજું બધું અસત્ યા અનિત્ય. જાદુગર જ ખરો, એનો ખેલ મિથ્યા, આ છે વિચાર.

વિવેક અને વૈરાગ્ય. આ સત્-અસત્-વિચારનું નામ વિવેક. વૈરાગ્ય એટલે સંસારના પદાર્થાે ઉપર વિરક્તિ. એ એકદમ આવે નહિ. એનો રોજ અભ્યાસ રાખવો જોઈએ. કામિનીકાંચનનો પ્રથમ મનથી ત્યાગ કરવો જોઈએ, ત્યાર પછી ઈશ્વરની મરજી હોય તો મનથી ત્યાગ પણ કરવો પડે અને બહારથી ત્યાગ પણ કરવો પડે. કોલકાતાના (આજના) લોકોને કહેવાય નહિ કે “ઈશ્વરને માટે બધું છોડી દો.’ એમ કહેવું પડે કે “મનથી ત્યાગ કરો.’

અભ્યાસ-યોગથી કામિની-કાંચન પરની આસક્તિ-નો ત્યાગ થઈ શકે. ગીતામાં એ વાત છે. અભ્યાસ વડે મનમાં અસાધારણ શક્તિ આવે, પછી ઇન્દ્રિયોનો સંયમ કરવામાં, કામ-ક્રોધને વશ કરવામાં મુશ્કેલી ન આવે. જેમ કે કાચબો જો હાથપગ અંદર ખેંચી લે તો પછી બહાર કાઢે નહિ, કુહાડીથી કાપીને કટકા કરો તોય બહાર કાઢે નહિ.(શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧.૧૫૮-૬૨) c c c

Total Views: 203
By Published On: October 1, 2016Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram