ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે એ ભારતીય આમજનતામાં વ્યાપક બની ન શક્યાં. બ્રાહ્મોસમાજ અને થિયોસોફિકલ સોસાયટી કેવળ શિક્ષિત સમાજ પૂરતાં જ મર્યાદિત રહ્યાં અને આર્યસમાજનો સામાન્ય જનતાએ ઝાઝો સ્વીકાર ન કર્યો. એનું એક કારણ એ છે કે એ ત્રણમાંથી કોઈએ અખંડ હિન્દુત્વનો સ્વીકાર કર્યો ન હતો. આર્યસમાજે કેવળ વેદ પૂરતું જ હિન્દુત્વ સ્વીકાર્યું અને બ્રાહ્મોસમાજે કેવળ ઉપનિષદો પૂરતું જ હિન્દુત્વ માન્યું. થિયોસોફિકલ સોસાયટી એ બન્ને કરતાં વધારે વ્યાપક હિન્દુત્વનો સ્વીકાર કરતી હોવા છતાં કેવળ શિષ્ટો-શિક્ષિતો પૂરતી જ મર્યાદિત થઈ રહી! આમ એકે પુરાણો વગેરે છોડ્યાં, બીજાએ વેદોના કર્મકાંડ અને પુરાણો છોડ્યાં અને ત્રીજાએ સામાન્ય સમાજને છોડ્યો! દરેકનું હિન્દુત્વ ખંડિત થઈ રહ્યું !

આવે સમયે નિખિલ હિન્દુત્વનું સ્વરૂપ લઈને શ્રીરામકૃષ્ણદેવનો પ્રાદુર્ભાવ થયો. આ સકલહિન્દુત્વનું સાચું સ્વરૂપ એમનામાં પ્રકટ થયું. નવજાગરણોનાં આંદોલનોમાં એનું સાચું સ્વરૂપ પ્રકટ થતું ન હતું. કારણ કે એમાં એક માત્ર સમજણ હતી. અનુભૂતિ ન હતી !  બૌદ્ધિકતા હતી, હૃદય ન હતું! એટલે જ શ્રીરામકૃષ્ણનો ઉપદેશ અને એમનું જીવન અદ્વિતીય-અનન્ય હતાં કારણ કે ભારત વિદ્વાનોને સત્કારે છે, પણ પૂજે તો એ સંતોને જ છે !  શ્રીરામકૃષ્ણે જેવું કહ્યું તેવું જ આચર્યું ! એમનાં કથની-કરણી એક જ હતાં ! એટલે એમનાં જીવન-કથન શાશ્ર્વત મૂલ્યવાળાં બન્યાં.

જે સનાતન ધર્મ એમણે ઉપદેશ્યો અને આચર્યો એ સનાતન હિન્દુધર્મ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો ધર્મ છે કે જેણે ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ ની ભવ્ય ઉદ્ઘોષણા કરી છે. વિશ્વના ઇતિહાસના સમગ્ર ઉચ્ચતમ લેખાતા ધર્મોમાં આ વાત અદ્‌ભુત અને અનન્ય છે. એનો ફલિતાર્થ એ થયો કે હિન્દુધર્મ પોતે અથવા બીજો કોઈ પણ ધર્મ, ‘પોતે જ કેવળ સત્યનું પ્રતિનિધિત્વ કરે છે’ એવો દાવો કરી શકે નહિ. હિન્દુ જીવનદર્શન એમ પોકારીને કહે છે કે વિશ્વના બધા જ ધર્મો સાચા છે. બધા જ સરખી રીતે મોક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, માનવજાત માટે બધા જ ધર્મો અનિવાર્ય છે. કારણ કે બધા જ ધર્મો એક જ સત્યની વિવિધ છાયાઓ બનાવે છે અને દરેક જુદે જુદે માર્ગેથી માનવજીવનના એક જ પરમ લક્ષ્યે પહોંચાડે છે – ‘रूचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्य-’ દરેકને પોતપોતાનું સ્વકીય આધ્યાત્મિક મૂલ્ય છે, જે અન્ય પાસે નથી હોતું.

પરંતુ ધર્મના આ સત્યને ફક્ત મનથી સમજી લેવું એ પૂરતું નથી. ધર્મ ફક્ત કંઈ અધ્યયનનો જ વિષય નથી. એ તો અનુભૂતિનો વિષય છે, જીવવાનો વિષય છે અને ધર્મના આ ક્ષેત્રને શ્રીરામકૃષ્ણે અભિવ્યક્ત કરી બતાવ્યું એ તેમની અનન્યતા છે. ભારતના લગભગ બધા જ ધર્મોના સ્વરૂપને તેમણે સફળતાપૂર્વક જીવી બતાવ્યું એટલું જ નહિ, ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મને પણ જીવી બતાવ્યા. તેમની ધાર્મિક પ્રવૃત્તિ અને અનુભૂતિ વાસ્તવમાં એટલી બધી વ્યાપક હતી કે ભારતમાં કે બીજા કોઈ દેશમાં કોઈપણ ધર્મપુરુષે ક્યારેય પણ કદાચ પ્રાપ્ત નહિ કરી હોય ! ઈશ્વરના માતૃસ્વરૂપમાંની તેમની ભક્તિ તેમને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરવામાં આડે આવી નથી.

રામકૃષ્ણ એવા પ્રદેશમાં અને એવે સમયે આવિર્ભૂત થયા અને એમણે ઉપદેશ આપ્યો કે જ્યાં અને જ્યારે એની સત્યતા આવશ્યક હતી. એમના સિવાય કોઈ બીજો અને હિન્દુધર્મ સિવાય અન્ય ધર્મની પરંપરામાં જન્મેલ વ્યક્તિ ભાગ્યે જ એવો ઉપદેશ આપી શક્યો હોત! સને 1836માં બંગાળના એક છેવાડાના ગામડામાં એ જનમ્યા. વિશ્વમાં એમનું અવતરણ એવે સમયે થયું કે જ્યારે વિશ્વ એમના જીવનકાળ દરમિયાન પહેલી જ વખત ભૌતિક રીતે સંયુક્ત થઈ ગયું હતું. વિશ્વના બધા જ દેશો એકબીજા સાથે સંપર્ક-સંબંધ સાધી રહ્યા હતા. આજે પણ હજુ આપણે એવા જ ઐતિહાસિક સંક્રાન્તિના વૈશ્ર્વિક યુગમાં જીવી રહ્યા છીએ પણ એટલું તો સ્પષ્ટ જ થતું જાય છે કે જે સંક્રાન્તિના પ્રકરણનો આરંભ પશ્ચિમથી થયો છે એનો અંત-છેડો-પરિણામ ભારતીય જ થવું પડશે. જો વિશ્વને માનવજાતના અને પોતાના નાશમાંથી ઊગરવું હશે તો એણે આમ કરવું જ પડશે. આ ધર્મપુરુષની ઉંચાઈનો આદર્શ સ્વીકારવો જ પડશે.

શ્રીરામકૃષ્ણ એવી ઊંચાઈના માનવ હતા કે જ્યાં બધા જ ધર્મો સત્ય અને સમાન દેખાતા, જ્યાં વિવાદ કે શાસ્ત્રાર્થનો અવાજ પહોંચતો ન હતો, જ્યાં ધર્મ પોતાની રાજનૈતિક અને સામાજિક ગંધને છોડીને માત્ર ધર્મના સ્વરૂપમાં જ ઉપસ્થિત હતો. જીવનભર શિશુસહજ સરલતા અને નિચ્છલતા એમનામાં હતા. તેઓ જીવનભર એવી મસ્તીમાં રહ્યા કે જેનાં એક બે બિન્દુઓ પણ આપણી જન્મોજન્મની તરસ છિપાવી દે. આનંદ એમનો ધર્મ હતો, અતીન્દ્રિય રૂપનું દર્શન એમની પૂજા હતી, વિરહ એમનું જીવન હતું, એમનું જીવન મહાપુરુષનું જીવન હતું. એ જીવનમાં અંતિમ સત્ય અને અતીન્દ્રિય વાસ્તવ લગોલગ સામે ખડાં હતાં. એમના સમકાલીન સુધારકો અને સંતો ધરતી પર રહેનારા હતા અને ધરતીથી ઊંચે ચડતા હતા. પણ રામકૃષ્ણ તો દૈવી અવતારની પેઠે આવ્યા અને ધરતીમાં ભટકતાં દિવ્ય સ્વર્ગીય કિરણો જેવા બની રહ્યા! ભારતીય જનતાની પાંચ હજાર વરસ પુરાણી ધર્મસાધનાની લતા પર રામકૃષ્ણ નવીનતમ પુષ્પ બનીને પ્રકાશી ઊઠ્યા !  લોકોમાં પોતાના પુરાતન ઋષિઓ ઉપર એથી લોકોમાં શ્રદ્ધા દૃઢ થઈ.

સુધારકોએ વગોવેલા સર્વ પુરાતન પૌરાણિક આચાર-અનુષ્ઠાનાદિ રામકૃષ્ણને પામીને સત્ય-સાર્થક થઈ ગયા. દક્ષિણેશ્ર્વરની એક કોટડીમાં બેસીને આ અભણ  રામકૃષ્ણે પોતાના ઉપદેશોનો એવો પ્રભાવ પાથર્યો કે જે અતીતના ઊંડાણોમાં ડૂબેલો અને ભાવિની અણદીઠેલી અનંતતા સુધી પહોંચે છે. આ ધર્માવતાર પુરુષને ગુરુઓ પોતે જ શોધતા આવ્યા છે. પોતે તો એક જ જગ્યાએ સ્થિર રહ્યા છે. બસ , માતા કાલીનાં ચરણોમાં જ નિશ્ર્ચિંત ! નિશ્ર્ચિત!

ધાર્મિક ગહનતા, માધુર્ય, શમદમાદિની તેઓ પ્રતિમા હતા. નખશિખ આત્મપ્રતીતિમાં જ ડૂબેલા હતા. એમનું શરીર ઈશ્વરનું નિર્મલ યંત્ર બન્યું હતું. એટલું બધું નિર્મલ કે નરેન્દ્રે પથારીમાં છુપાવેલ રૂપિયાના સ્પર્શ માત્રથી તેઓ પીડાની ચીસ પાડી ઊઠ્યા હતા.

પોતાનીપત્નીને સાથે રાખીને ગૃહત્યાગ વિધિવત્ કર્યા વિનાના રામકૃષ્ણ સર્વપ્રથમ સંન્યાસી હતા. એમની એ વિલક્ષણતા તેમના સ્ત્રીસન્માન, પ્રત્યેક સ્ત્રીમાં માતૃત્વનું દર્શન, કામજય, સંન્યાસનો મર્મ વગેરે ઘણી ઘણી વાતો કહી જાય છે.

અભણ રામકૃષ્ણની અનુભૂતિવાણી એટલી તો પ્રભાવક હતી કે ભલભલા બૌદ્ધિકો એમના ચરણમાં ઝૂકી જતા. કેશવચંદ્ર સેનને એમણે જ્યારે એકવાર કહ્યું કે ‘મને કશુંક સંભળાવો’ ત્યારે કેશવ બોલ્યા હતા : ‘લુહારની કોઢમાં હું સોય વેચવા થોડો જાઉં?’ દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું : ‘શાસ્ત્રોનું માખણ તો આપ લઈ ગયા છો. મારે ભાગે તો છાશ જ બાકી રહી છે!’

એમના ઉપદેશો વિદ્વાનોથી માંડીને સામાન્ય માણસો સુધી સૌને આકર્ષતા અને સમજાતા. ઘરગથ્થુ દાખલા દઈને એ પોતાની વાત કરતા. માયા અધિષ્ઠાનરૂપે હોવા છતાં ઈશ્વરની માયારહિતતાને તેઓ સાપના મોઢામાં ઝેર રહેલું હોવા છતાં સાપને એની અસર ન થતી હોવાના દૃષ્ટાંતથી સમજાવતા. દેહ અને આત્માની અલગતા માટે તેઓ સૂકા નાળિયેરનો દાખલો આપતા અને આવાં આવાં તો અનેક ઉદાહરણો દ્વારા તેમણે તત્ત્વજ્ઞાનના ગહનતમ સિદ્ધાન્તો બાલગમ્ય ભાષામાં સમજાવી દીધા છે. વિદ્વાનોએ એ ઉદાહરણોની તુલના બાઈબલનાં દૃષ્ટાન્તો સાથે કરી છે. એમની ઉપદેશવાણીમાં વિનોદ ભારોભાર ભર્યો છે.

પોતાના જીવનકાળ દરમિયાન તો તેઓ સુવિખ્યાત બની જ ગયા હતા, પણ અવસાન પછી તેઓ એથીય વધારે સુવિખ્યાત બની ગયા. મેક્સમૂલરે અને રોમા રોલાંએ એમનાં જીવનચરિત્રો લખ્યાં. સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણનું નામ વિશ્વભરમાં ગુંજતું કરી દીધું. તત્કાલીન બ્રહ્મસમાજ એમનાથી અત્યંત પ્રભાવિત થયો હતો. સુપ્રસિદ્ધ બ્રહ્મસમાજી વિદ્વાન પ્રતાપચંદ્ર મજમુદારે તો ત્યાં સુધી કહ્યું કે રામકૃષ્ણ પહેલાં કોઈ ધર્મ શું છે, તે જાણતું જ ન હતું. બધા જ આડંબર હતા! ગાંધીજીએ એમને જીવતો વ્યવહારુ ધર્મ કહ્યા. વિશ્વના લગભગ બધા જ ચિંતકોએ પોતપોતાની રીતે એમનું મહિમાગાન કર્યું છે !

ભૌતિક સંયુક્તપણું પામેલ વર્તમાન વિશ્વ પશ્ચિમી કૌશલ્યનું પરિણામ છે- ભલે પણ એ જ પશ્ચિમી કૌશલે વિશ્વના માનવોને શસ્ત્રસજ્જ પણ કરી મૂક્યા છે ! એમને વિનાશક કરી મૂક્યા છે ! માણસ પરસ્પર જાણકારી મેળવે અને એકબીજાને ચાહતો થાય, એ પહેલાં તો તેમને વિનાશકારી હથિયારો સાથે એકબીજાની આમને-સામને ખડા કરી દીધા છે – એમનું અંતર ઘટાડીને લગોલગ લાવી મૂક્યા છે ! આ અતિ ભયંકર ક્ષણે માનવ ઇતિહાસમાં માનવ માટે એક માત્ર મુક્તિમાર્ગ શ્રીરામકૃષ્ણે બતાવેલ આ સનાતન ભારતીય માર્ગ જ છે. સમ્રાટ અશોક અને મહાત્માગાંધીનો અહિંસામાર્ગ અને રામકૃષ્ણનો ‘જતો મત તતો પથ’ નો માર્ગ – સર્વ ધર્મની પ્રામાણિકતાનો માર્ગ – જ માનવજાતને એક પરિવાર બનાવી શકશે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’નું સૂત્ર સાર્થક બનાવી શકશે અને એનો વિકાસ કરી શકશે. આ અણુયુગમાં આ વલણ અપનાવ્યા સિવાય કોઈ જ આરોઓવારો નથી.

સ્વાભાવિક રીતે જ આ પ્રવર્તમાન યુગમાં રામકૃષ્ણમાર્ગને બદલે ઉપયોગિતાવાદી વલણ જનતામાં જોવા મળે છે. પણ આવા ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણથી એની ઉત્તમતા પુરવાર થતી નથી. આજે માનવનું અસ્તિત્વ જોખમભરી સ્થિતિમાં છે. એટલે ભલે ઉપયોગિતાવાદી વલણ મજબૂત અને માન્ય જણાતું હોય, તેમ છતાં એ ગૌણ જ છે. હૈયામાં શ્રીરામકૃષ્ણના ઉપદેશો જ રાખવા, ગાંધી-અશોકનાં ઉદાહરણો લક્ષમાં લેવાં એ જ શ્રેયકર છે. એનું મુખ્ય કારણ એ છે કે એ જ સત્ય છે અને એટલા માટે સત્ય છે કે એ સત્યો આધ્યાત્મિક વાસ્તવિકતામાંથી પ્રકટ્યાં છે ! આધ્યાત્મિક દર્શનની એ નીપજ છે – रामकृष्ण:शरणम्।

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.