સતનો મારગ છે શૂરાનો

ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય થયો છે, એવા ભૂતનાથ(ઈ.સ. 1762)ના શિષ્ય અખૈયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના આદરિયાણા ગામે ભાલિયા નાડોદા રાજપૂત જ્ઞાતિમાં થયો હતો. આજે ત્યાં અખૈયાની જાળનું વૃક્ષ અને ભૂતનાથનો ચોરો છે. ત્યાં એની જગ્યા છે. ગુરુ ભૂતપુરી મુંજપુરમાં રહેતા, અખૈયો રોજ ત્યાં જાય. એક દિવસ વરસતા વરસાદે ત્યાં પહોંચ્યા. એક રબારી રોજ ભૂતનાથને દૂધ આપવા આવતો. તેણે ગુરુએ આપેલ દૂધ ન પીધું, પણ અખૈયાને પાયું અને એની ચેતના જાગૃત થઈ ગઈ. એમણે એક ભજનમાં ગાયું છે :

‘જિયાં રે જોઉં ન્યાં નર જીવતા,

મરેલા મળ્યા ન કોઈ.’

મૃત્યુ અને જિંદગી એ બે વિરોધી તત્ત્વ છે. પણ સંતોએ એ બન્ને તત્ત્વોનો સમન્વય કર્યો છે. પોતાની જીવનસાધનામાં એકવાર મન મરી જાય પછી કોઈ ભય નથી. પોતાના શ્વાસ પર સંયમ કેળવી લીધો હોય એને યમરાજ કેમ ડરાવી શકે? જેમણે પોતાની ભીતરના અહંકારને મારી નાખ્યો હોય એવા શૂરવીર ક્યાંય ગોત્યા નથી જડતા, અને વળી જ્યાં ત્યાં દેખાય છે ‘હું…હું’ કરીને હાલી નીકળનારા. એટલે જ અખૈયો કહે છે કે ‘મને મરેલા કોઈ નથી મળતા’. જો કોઈ મરેલા મળી જાય ને એની એટલે કે સદ્ગુરુની કૃપાદૃષ્ટિ પડી જાય તો પછી ચોરાશીના ફેરા ટળી જાય. સંતકવિ અખૈયો કહે છે કે હું જ્યાં જ્યાં નજર કરું છું, ત્યાં ત્યાં મને જીવતા માનવી દેખાય છે. મરેલા એટલે કે જે જીવતાં મરી ગયા હોય, જેણે પોતાના મનને કાબૂમાં લઈ લીધું હોય, જેની તમામ વાસનાઓ સમાપ્ત થઈ ગઈ હોય, એવા મરેલા જો મળી જાય તો જન્મ-મૃત્યુના ચક્કરમાંથી બચી શકાય. એટલે તો ગોરખનાથજી વારંવાર ગાય છે : ‘મરો હે જોગી મરો, મરણ હે મીઠા…’ મેદાનમાં  એટલે કે આ સંસારમાં એવા યોગી પુરુષ મૃતદેહરૂપે હયાત હોય, પણ કોઈની નજરમાં નથી આવતા. એનું કારણ એ છે કે એમણે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર(ઈર્ષા)ને મારી નાખ્યાં છે. આ રીતે એ પોતે મરેલા છે, એવાં મડદાં જ મેદાનમાં ખેલ માંડે છે. એક જ અક્ષરનો એટલે કે જે કદી નાશ નથી પામતો એવા પ્રણવ કે સોહમ્નો અનુભવ કર્યો હોય, એને કદી કાળ મિટાવી શકતો નથી. જેણે સાચા સંતનું, સદ્ગુરુનું શરણું લીધું હોય, તે જ પોતાના મનને મારીને એનો મેંદો બનાવી શકે, એને ગાળીને એનો ગોળો વાળી શકે.

જિયાં રે જોઉં ન્યાં નર જીવતા, મરેલા મળ્યા ન કોઈ.

પણ મરેલાને જો મરેલા મળે,

તો એને આવાગમન નો હોય.

મડદું પડ્યું મેદાનમાં, કોઈના કળ્યામાં ન આવે,

કામ ક્રોધ ને ઈરષા, ઈ તો ત્રણે ને ખાઈ જાવે… જિયાં રે

મડદાનો ખેલ મેદાનમાં, એને કોઈ રતિભાર ચાખે,

એક રે અક્ષરનો અનુભવ કરી,

એને રૂદિયામાં રાખે… જિયાં રે

જીવતાં માણસને જોખમ ઘણાં, મરેલાં ને કોણ મારે?

જોખો મટી ગ્યો એના જીવનો,

ઈ તો આવતાં જમ પાછા વાળે… જિયાં રે

મન રે મારીને મેંદો કરે, ગાળીને કરે એનો ગોળો,

ભૂતનાથ ચરણે અખૈયો જાણે,

જેણે લીધો સંતનો આળો… જિયાં રે

આમ અખૈયો જ્ઞાનની પરિભાષામાં વાત કરે છે. સંતવાણીની એ જ ખૂબી છે ને! શબ્દ લાગે સાવ સીધો, સાદો અને સરળ… પણ એમાં ગૂઢાતિગૂઢ ભાવ ભર્યા હોય. જેમ જેમ ઊંડા ઊતરીએ એમ એમાંથી પાણીદાર મોતીડાં મળતાં જાય… અખૈયાની આ ઉપદેશાત્મકવાણી પણ લોકભજનિકોમાં ખૂબ ગવાય છે.

કાં નિંદરમાં સૂવો? તમે કાં નિંદરમાં સૂવો?

અજ્ઞાની લોકો રે તમે કાંક વિચારી જૂઓ…

અરે કાયાનો ગઢ ભેળી રે જાશે, પછે માથે ઓઢી રૂવો,

ઓસડ વેસડ નામ નારાયણ, ઘોળી ઘોળી ને પીઓ…

લીલાં પીળાં વસ્તર પહેરી, એમાં શું મોહી રિયો?

ફરકલાં ફરકતાં જોશો, કળજગમાં તમે જુઓ…

માતાપિતાની સેવા કરતાં, સરવણ સરગે ગિયો,

કળજુગમાં એને કલંક ન લાગ્યું, સદા અવિચળ રિયો…

હાક મારી ને હાકોટી દીધી, ભેદ ન જાણે ભૂવો,

જડીબૂટીનું જોર ન હાલે, જંતર વૈદ એમ મૂવો….

માત તાત ને કુટુંબ કબિલા, માથે મોટો કૂવો,

દાન પૂણ્યમાં કાંય ન સમજ્યો,

અમરપટો લિખ લિયો…

પીળાં પીતાંબર પેરતો તો યે, ઈ માણેકીયો પણ મુઓ,

ભૂતનાથ ચરણે ભણે અખૈયો,

જૂનાં ખાતાં ખોલી ને જુઓ…

અજ્ઞાની લોકો રે તમે કાં નીંદરમાં સૂવો ?

સમર્થ વેદાંતી કવિ અખા સાથે નામનું સામ્ય હોવાને કારણે અખૈયાની વાણી ઘણીવાર જુદા જુદા ભજનસંગ્રહોમાં અખાભક્તને નામે ચડી ગઈ છે, પરંતુ આ બન્ને સર્જકો જુદા છે. અખૈયાનું મહાપંથની પાટ-ઉપાસનામાં ગવાતું એક ખૂબ જ જાણીતું ભજન છે :

વીરા મારા વાડીયું વધાવજો રે હાં,

સાચા સતગુરુ મુનિવર સેવીએ.

જોત્યે ને પાટે રે જામો જાગશે,

મળશે નર ને નારી રે,

મોટા મોટા મુનિવર આવશે,

બેસે આસન વાળી રે… વીરા.

સામટો સ્વારથ તમે કાં કરો?

ફળ તમે ખાજો વહેંચી રે

આવતા અભિયાગતને ઓળખો

કાં બેઠા આંખ્યું વીંચી રે… વીરા

ભાવતાં ભોજન તમે કાં જમો,

કાં થાવ આપે અકારા રે,

ધણીને દરબારે લેખાં પૂછશે,

મારશે સોટાના મારા રે… વીરા

શૂરા રે હશે ઈ રેશે સન્મુખા,

પગલાં નહીં ભરે પાછાં રે,

શીશ પડે ને વાકો ધડ લડે,

ડગલાં ભરશે ઈ સાચાં રે… વીરા

રે’વું રે રામાપીરના પંથમાં,

ખેલવું ખાંડાની ધારા રે,

ભૂતનાથ ચરણે અખૈયો ભણે,

સદગુરુ પાર ઉતારા રે… વીરા

આ ભજનમાં અધ્યાત્મને પંથે વળેલા જતિ-સતીને ઉપદેશ છે. મનની આંટી મૂકીને, દિલની દ્વિધા ટાળીને સાચા સદ્ગુુરુને શરણે જતાં આત્માના કલ્યાણનો માર્ગ મળી જાય. તમામ પ્રકારની વાસનાઓને ગાળીને, ખાંડાની ધારે ખેલ ખેલતાં ખેલતાં આ સાધના કરવાની છે. મોટા મોટા મુનિવર આસન વાળીને બેસે એ શબ્દમાં સીધી સાધનાની જ વાત છે. પાટ-ઉપાસના આજે તો માત્ર બાહ્ય ક્રિયાકાંડ બની ગઈ છે પણ એક સમયે એ માત્ર સાધનાના પ્રતીકાત્મક રૂપ તરીકે જ પ્રચલિત હતી. સૌ નર-નારી એકઠાં થઈને ધણીના નામનો આરાધ માંડે પછી ઊંચ-નીચ, નાના-મોટાના ભેદ ટળી જાય. એમાં વિષયની વાસના તો ક્યાંથી હોય?

Total Views: 444

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.