જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ છું કે નહિ તે જોવા ચાલ. એમ કહીને એક જગાએ લઈ જઈને કહ્યું, ‘સામે તું શું જુએ છે?’ અર્જુને કહ્યું, ‘હું એક વિરાટ વૃક્ષ જોઉં છું, તેમાં કાળાં જાંબુડાં જેવાં ફળનાં લૂમખાં ઝૂલી રહ્યાં છે.’ કૃષ્ણે કહ્યું, ‘હજીયે વધુ નજીક આવીને જો તો; એ લૂમખામાંં કાળાં ફળ નથી, પણ અસંખ્ય કૃષ્ણ ઝૂલી રહ્યા છે, મારા જેવા. એટલે કે એ પૂર્ણબ્રહ્મરૂપી વૃક્ષમાંથી અસંખ્ય અવતાર આવે ને જાય છે.’

યોગી બે પ્રકારના : બહૂદક અને કુટીચક. જે સાધુ અનેક તીર્થોમાં ભ્રમણ કરતો ફર્યા કરે છે, જેના મનમાં હજીયે શાંતિ થઈ નથી, તેને બહૂદક કહે. જે યોગીએ બધે ફરી લઈને મન સ્થિર કર્યું છે, જેને શાંતિ થઈ ગઈ છે તે એક જગાએ આસન કરીને બેસે, પછી ભટકે નહિ; તે કુટીચક. એ એક સ્થાને બેસીને જ તેને આનંદ મળે. તેને તીર્થોમાં જવાનું કોઈ પ્રયોજન જણાય નહિ. જો એ તીર્થોમાં જાય તો માત્ર (ઈશ્વરીય-ભાવના) ઉદ્દીપન સારુ.

તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો. મથુરબાબુના ઘરની સ્ત્રીઓ પણ હતી, હૃદય પણ હતો. કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની જેમ નવડાવતો. સંધ્યા સમયે યમુનાને તીરે ફરવા જતો. એ વખતે સીમમાં ચરીને ગાયો યમુનાના પટ પર થઈને પાછી આવતી. તેમને જોતાંવેંત જ મને કૃષ્ણનું ઉદ્દીપન થઈ જતું. ‘કૃષ્ણ ક્યાં? કૃષ્ણ ક્યાં ?’ એમ બોલતો બોલતો ઉન્માદની પેઠે હું દોડવા લાગતો.

પાલખીમાં બેસીને શ્યામકુંડ-રાધાકુંડને રસ્તે જાઉં છું. ગોવર્ધન (પર્વત) જોવા ઊતર્યો ત્યાં ગોવર્ધન જોતાં જ એકદમ વિહ્વળ. દોડતો દોડતો જઈને ગોવર્ધન પર્વત પર ચડી ગયો અને બાહ્યભાન રહિત થઈ ગયો, ત્યારે વ્રજવાસીઓ જઈને મને ઉતારી લાવ્યા. શ્યામકુંડ-રાધાકુંડને રસ્તે એવાં જ મેદાન અને ઝાડપાન, પંખી, હરણ એ બધાં જોઈને વિહ્વળ થઈ ગયો, આંસુથી ધોતિયું ભીંજાઈ જવા લાગ્યું. મનમાં થવા લાગ્યું કે અરે કૃષ્ણ, બધુંય છે માત્ર તું જ દેખાતો નથી ! પાલખીની અંદર બેઠો, પરંતુ એક શબ્દ સરખોય બોલવાની શક્તિ નહિ, ચૂપચાપ બેઠો છું. હૃદય પાલખીની પાછળ પાછળ આવતો હતો. તેણે પાલખીવાળાઓને કહી દીધું હતું કે ‘ખૂબ સાવધાન !’

ત્યાં ગંગામાઈ મારી બહુ જ સંભાળ રાખતાં. પોતે ખૂબ વૃદ્ધ, નિધુવનની પાસે એક કુટિરમાં એકલાં રહેતાં.

મારી અવસ્થા અને ભાવ જોઈને કહેતાં, ‘આ તો સાક્ષાત્ શ્રીરાધાજી દેહ ધારણ કરીને આવ્યાં છે.’ મને ‘દુલાલી’ કહીને બોલાવતાં. એમને મળતો એટલે હું ખાવું, પીવું, ઘેર પાછા જવાનું બધું ભૂલી જતો.

Total Views: 407

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.