શ્રીરામકૃષ્ણ- નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો જન્મથી જ ઈશ્વર ઉપર પ્રેમ, જાણે કે પાતાળ ફોડીને પ્રકટ થયેલા મહાદેવ, સ્થાપિત શિવલિંગ નહિ….

‘સાધારણ લોકો સાધના કરે, ઈશ્વર-ભક્તિયે કરે, પાછા સંસારમાંય આસક્ત થાય, કામ-કાંચનમાંય મોહી પડે. માખી જેમ ફૂલ ઉપર બેસે, મીઠાઈ ઉપર બેસે, તેમજ વિષ્ટા ઉપર પણ બેસે !

‘નિત્ય-સિદ્ધ જાણે કે મધમાખી, કેવળ ફૂલ ઉપર બેસીને મધ ચૂસે. નિત્ય-સિદ્ધ હરિ-રસ પીએ, વિષયરસ તરફ જાય નહિ.’

‘સાધ્ય-સાધના કરી કરીને જે ભક્તિ આવે, એવી ભક્તિ આ લોકોની નહિ. આટલા જપ, આટલાં ધ્યાન કરવાનાં, આટલા ઉપચારે પૂજા કરવાની એ બધી વિધિવાળી ભક્તિ. જેમ કે ખેતરમાં પાક ઊગી જાય એટલે ખેતરના શેઢા ઉપર થઈ ફરી ફરીને જવું પડે, અથવા જેમ કે સામેના ગામમાં જવું હોય, પણ વાંકીચૂકી નદીમાં હોડીમાં વાંકુંચૂકું ફરી ફરીને જવું પડે તેમ.

‘રાગભક્તિ, પ્રેમભક્તિ, ઈશ્વર પર પોતાનાં સગાં જેવો પ્રેમ જો આવે તો પછી કોઈ વિધિ-નિષેધ રહે નહિ. એ પછી જેમ કે પાક-લણાયેલું ખેતર ઓળંગવું. આજુબાજુના શેઢા ઉપર થઈને જવું ન પડે. સીધા એક બાજુએથી સોંસરા જઈએ એટલે થયું.

‘પૂર આવે ત્યારે વાંકીચૂકી નદીમાં ફરીફરીને જવું ન પડે, એ વખતે તો ખેતર ઉપર પણ એક માથોડું પાણી ! હોડી સીધી હાંકી દો એટલે પત્યું.’

‘આ રાગભક્તિ, આ અનુરાગ, આ પ્રેમ ન આવે ત્યાં સુધી ઈશ્વરપ્રાપ્તિ ન થાય.’

અમૃત – મહાશય ! આપને આ સમાધિ અવસ્થામાં શો અનુભવ થાય !

શ્રીરામકૃષ્ણ – તમે સાંભળ્યું છે ને કે ભમરીનું ચિંતન કરી કરીને ઇયળ ભમરી થઈ જાય ? એ શેના જેવું, ખબર છે ? જેમ હાંડલીમાં પડેલી માછલીને વિશાળ ગંગામાં છોડી મૂકીએ ને તેને જેવું થાય, તેના જેવું.

શ્રીરામકૃષ્ણ – ઘણે ભાગે સહેજ અહંકાર મારામાં રહે. સોનાની ઝીણી કટકીને કસોટી પર ગમે તેટલી ઘસોને, તોય એક લગીરેક કણી રહી જાય. અથવા જેમ કે મોટો અગ્નિ અને તેની એક ચિનગારી. બહારનું જ્ઞાન ચાલ્યું જાય, પરંતુ ઈશ્વર ઘણે ભાગે લગારેક ‘અહં’ રાખી દે છે, વિલાસને માટે ! ‘હું, તું’ રહે તો સ્વાદ આવે. ક્યારેક ક્યારેક એ લગારેક જેટલો અહંકાર પણ ઈશ્વર કાઢી નાખે. એનું નામ જડ-સમાધિ, નિર્વિકલ્પ-સમાધિ. એ વખતે શી અવસ્થા થાય તે મોઢેથી બોલી શકાય નહિ. મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ હતી. જરાક ઊતરતાં જ ઓગળી ગઈ, ‘તદાકારાકારિત’. એ પછી કોણ ઉપર આવીને સમાચાર આપે કે સમુદ્ર કેટલો ઊંડો છે !’

(શ્રીરામકૃષ્ણ કથામૃત, પૃ. 187)

Total Views: 238
By Published On: January 1, 2018Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram