આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે, ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે તેમ છે.’ આના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રિય યુવા સપ્તાહ (12 થી 19 જાન્યુઆરી) ઊજવવા જે કાર્યક્રમો યોજવા નિર્દેશો આપ્યા છે, તેમાં સ્વામી વિવેકાનંદના આદર્શો પર ચિંતનમનન કરવાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભારત સરકારનું આ પગલું અત્યંત પ્રશંસનીય છે. ખરેખર તો આ ઘોષણા આઝાદી પછી તરત જ થવી જોઈતી હતી. ખેર, જાગ્યા ત્યારથી સવાર.

ચિર યુવા સ્વામી વિવેકાનંદ યુવા વર્ગ માટે સદાય આદર્શરૂપ છે. સ્વામી વિવેકાનંદે 39 વર્ષની વયમાં જ મહાસમાધિ લીધી અને પોતાની યુવાવસ્થામાં જ મહાનતાનાં શિખરો આંબી લીધાં હતાં. ભૌતિકરૂપે તથા ભાવરૂપે બંને રીતે તેઓ સદા યુવા રહ્યા.

9 ભાગોમાં પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ સાહિત્યનું અધ્યયન કરવાથી જોવા મળશે કે તેમણે લખેલા મોટા ભાગના પત્રો પોતાના યુવા ગુરુભાઈઓ અથવા આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા જેવાં યુવક- યુવતીઓને લખેલા; મોટા ભાગના તેમના વાર્તાલાપો શરતચંદ્ર ચક્રવર્તી વગેરે યુવકો સાથે થયેલા; મોટા ભાગનાં તેમનાં વ્યાખ્યાનોના શ્રોતાઓ યુવકો (ભારતમાં) અને યુવતીઓ (વિદેશમાં) હતાં. તેમનાં વ્યાખ્યાનો સાંભળીને અથવા વાંચીને ઘણાં યુવક-યુવતીઓએ પોતાનું જીવન ભારતવર્ષને માટે સમર્પિત કરી દીધું હતું. ભગિની નિવેદિતા, શ્રીઅરવિંદ, સ્વામી રામતીર્થ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાધાકૃષ્ણન્ જેવા મહામના નેતાઓ તથા યુવક-યુવતીઓના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ.

ગાંધીજીએ કહ્યું હતું, ‘હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો.’

સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું મારું ઋણ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું ? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ હતી. સ્વામીજી આજે જો જીવિત હોત તો મારા ગુરુ બન્યા હોત.’ તેમણે સ્વીકાર્યું છે કે અમારા સમયમાં વિદ્યાર્થી વર્ગ પર સ્વામીજીનાં ભાષણો અને લેખોએ જે પ્રભાવ પાડ્યો તેવો બીજી કોઈ વ્યક્તિએે પાડ્યો નહોતો. તેમણે જાણે કે તેઓની આશાઓ અને અરમાનોને સંપૂર્ણપણે વ્યક્ત કર્યાં હતાં.

સ્વામી વિવેકાનંદનો સંદેશ દરેક યુવા પેઢી માટે પ્રેરક છે. આ સંબંધમાં શ્રી જવાહરલાલ નહેરુએ રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં 1949માં જે કહ્યું હતું તે આજની યુવા પેઢી માટે પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું, ‘અત્યારે યુવા પેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદનાં લેખો અને ભાષણો વાંચે છે તે હું જાણતો નથી. પણ હું એટલું કહીશ કે મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રબળ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીનાં લેખો અને ભાષણો વાંચશે તો તેને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું.’

કાકા કાલેલકર પોતે તરુણ હતા ત્યારે તરુણો પર સ્વામી વિવેકાનંદનો કેવો જબરો પ્રભાવ પડ્યો હતો, તેનું વર્ણન કરતાં કહે છે, ‘જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા પર અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. સ્વામી વિવેકાનંદ પહેલાં અમે કેવી રીતે વિચાર કરતા હતા અને ત્યાર પછી કઈ રીતે વિચાર કરતા થયા, એ આમૂલ પરિવર્તન મેં પોતે અનુભવ્યું છે.’

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રોમાં રોલાંને કહ્યું હતું, ‘તમારે ભારતવર્ષને સમજવું હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધેયાત્મક છે, કશું જ નિષેધાત્મક નથી.’

રોમાં રોલાંએ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ફ્રેન્ચ ભાષામાં લખ્યું ત્યારે સ્વામી વિવેકાનંદની મહાસમાધિને લગભગ 30 વર્ષ થઈ ગયાં હતાં.

તેમાં તેઓ સ્વામી વિવેકાનંદના ગ્રંથોના તેમના પર પડેલ પ્રભાવનું વર્ણન આ શબ્દોમાં કરે છે, ‘તેમના (સ્વામી વિવેકાનંદના) શબ્દોને જ્યારે સ્પર્શું છું, જે 30 વર્ષો પૂર્વેના ગ્રંથોનાં પાનાંમાં ફેલાયેલા છે, ત્યારે મારા દેહમાં વિદ્યુતનો એક આંચકો અનુભવ્યા વગર રહી શકતો નથી.’

સુષુપ્તપણે રહેલી યુવાશક્તિને જગાડવા માટે આજે આવા વિદ્યુતના આંચકાની જરૂર છે અને યુવા વર્ગને એ ઝંકૃતિ મળશે સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી. એશ- આરામની આશામાં ડૂબેલી, ફક્ત નોકરી મેળવવામાં જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર્યનિર્માણ અને દેશના પુનનિર્માણના કાર્યમાં લાગી જવાની પ્રેરણાશક્તિ સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી મળશે. તેઓ કહેતા, ‘મારાં બહાદુર બાળકો ! તમે મહાન કાર્યો કરવાને સર્જાયાં છો… આકાશ તૂટી પડે તોપણ શું? ટટ્ટાર ઊભાં રહો અને કામ કરો… તમારા દેશને વીરોની જરૂર છે; મર્દ બનો. પર્વતોની જેમ અડગ રહો. રાષ્ટ્રની નાડીઓમાં નવું ચેતન ધબકે એટલા માટે ભારતને નવીન વિદ્યુત પ્રવાહોની જરૂર છે. મર્દ બનો, મર્દ બનો.’

આજનો યુવા વર્ગ ઉચિત માર્ગદર્શનના અભાવમાં પોતાની શક્તિને કેવી રીતે વેડફી રહ્યો છે ! ક્રૂડ-ઓઈલને જ્યારે રિફાઈન કરવામાં આવે છે, ત્યારે જ તેમાંથી પેટ્રોલ, ડિઝલ વગેરે મૂલ્યવાન પદાર્થો મળે છે. તેવી જ રીતે આજની યુવાશક્તિને પણ રિફાઈન (શુદ્ધીકરણ) કરવાની આવશ્યકતા છે. આ રિફાઈનીંગની પ્રક્રિયા માટે અને યુવા વર્ગના ઉચિત માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદના ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે.

આજે આપણો દેશ જ્યારે મૂલ્યો અને સદ્વિચારોની ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે યુવા વર્ગની જવાબદારી વધી જાય છે. સ્વામી વિવેકાનંદની યુવા વર્ગ પાસેથી ઘણી અપેક્ષા હતી. તેમણે કહ્યું હતું, ‘મને યુવા પેઢીમાં – આધુનિક પેઢીમાં શ્રદ્ધા છે, મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહની માફક તેઓ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરશે.’

Total Views: 570

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.