આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે એક અનન્ય કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદજીની, જેમનું હૃદય માનવજાતનાં દુ:ખોથી સદા વિગલિત રહેતું.

અમેરિકા જતાં પહેલાં આબુરોડ સ્ટેશન પર સ્વામી વિવેકાનંદજીની મુલાકાત તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી સાથે થઈ હતી. પાછળથી આ મુલાકાતનો ઉલ્લેખ કરતાં સ્વામી તુરીયાનંદજીએ કહ્યું હતું: ‘એ વખતે સ્વામીજીએ જે ઉદ્ગારો કાઢ્યા હતા એની સ્મૃતિ હજુય તાજી છે… તેમણે કહ્યું હતું, ‘હરિભાઈ, હું હજુ પણ તમારો તથાકથિત ધર્મ સમજી શક્યો નથી, પણ મારું હૃદય વિશાળ બની ગયું છે અને લાગણીઓ અનુભવવાનું હું શીખી ગયો છું. વિશ્વાસ રાખો કે હવે હું ખરેખર તીવ્ર સંવેદનશીલ થઈને લાગણી અનુભવી શકું છું.’ તેઓ એટલા બધા ભાવુક બની ગયા હતા કે તેમનું ગળું રુંધાઈ ગયું હતું. તેઓ આગળ કશું કહી ન શક્યા…. સ્વામી વિવેકાનંદના હૃદયના ઊંડાણમાંથી નીકળેલા આ શબ્દોએ મારી મનોદશા પર કેવો પ્રભાવ પાડ્યો, એની તમે કલ્પના કરી શકો છો ખરા? મેં વિચાર્યું કે, ભગવાન બુદ્ધે પણ શું આવી વાતો નહોતી કહી? શું તેમણે પણ આવી લાગણી નહોતી અનુભવી? સ્વામી તુરીયાનંદજીએ આગળ કહ્યું: ‘અને મને યાદ છે કે જ્યારે તેઓ બોધિવૃક્ષ નીચે ધ્યાનમગ્ન થવા માટે બોધિગયા ગયા હતા, ત્યારે તેમને ભગવાન બુદ્ધનાં દિવ્ય દર્શન થયાં હતાં અને તેઓ તેમના શરીરમાં પ્રવિષ્ટ થયા હતા… હું એ સ્પષ્ટ રીતે જોઈ શક્યો હતો કે સમગ્ર માનવસમુદાયની વ્યથા તેમના તીવ્ર સંવેદનશીલ હૃદયમાં પ્રવેશી ગઈ હતી…’

સ્વામીજીના ગુરુભાઈ સ્વામી શિવાનંદજીને માર્ચ 1933ના કોઈ એક દિવસે સવારે સ્વામીજીનાં દર્શન થયાં હતાં. સ્વામીજીએ કહ્યું, ‘તારકદાદા, યાદ છે ને, હું બુદ્ધરૂપે આવ્યો હતો અને તમે આવ્યા હતા આનંદરૂપે? ચાલો હવે, ક્યાં સુધી રહેશો?’ આ દર્શન પછી સ્વામી શિવાનંદજીએ તેમના સેવકોને કહ્યું હતું કે હવે તેમને તરત જ જવું પડશે અને ખરેખર થોડા મહિનાઓ પછી જ તેમણે દેહત્યાગ કર્યો.

આપણે જ્યારે આ બે મહાત્માઓનાં જીવન અને ઉપદેશોની સરખામણી કરીએ છીએ, ત્યારે આપણે એ વિચાર્યા વિના છૂટકો જ નથી કે શું આ બન્ને આત્માઓ, 2400 વર્ષોના ગાળામાં આ ધરતીના પટ પર અવતરેલ એક જ હસ્તી, એક જ અસ્તિત્વ તો નથી ને?

સ્વામી વિવેકાનંદજીની ધ્યાનસ્થ મૂર્તિ નિહાળતી વખતે જે સૌથી પ્રથમ વાત ધ્યાન ખેંચે છે તે છે તેમની ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિની સાથેની સમરૂપતા.

સ્વામીજીના જીવનના કેટલાય પ્રસંગો આ વાતની શાખ પૂરે છે કે આ સામ્ય કેવળ ભૌતિક સંયોગમાત્ર નથી. ભગવાન બુદ્ધ વીરોચિત ઢબછબના રૂપમાં ઢળેલા એક ક્ષત્રિય હતા અને શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ગુણોથી સુસંપન્ન એક અસાધારણ વ્યક્તિ હતા અને સ્વામી વિવેકાનંદ પણ એવા જ હતા. ભગવાન બુદ્ધ બાળપણમાંય ધ્યાનાવસ્થામાં ચાલ્યા જતા અને સ્વામી વિવેકાનંદ પણ એવું જ કરતા. સિદ્ધાર્થ શિશુકાલમાં પણ એટલા દયાળુ હતા કે દેવદત્તના બાણથી ઘાયલ થયેલા એક પંખીના પ્રાણ એમણે બચાવ્યા હતા. અને બિલે (સ્વામીજીનું બાળપણનું નામ) પણ એટલો જ દયાળુ હતો કે તે પોતાના મકાન પાસેથી પસાર થતા ભિખારીઓને ઘરની વસ્તુઓ આપી દેતો. આ મુસીબત ટાળવા એને ઘરમાં પૂરી રાખવામાં આવતો હતો. જ્યારે સિદ્ધાર્થનો જન્મ થયો, ત્યારે તેમના વિશે કહેવામાં આવ્યું કે આ બાળક કાં તો લોકોને અજ્ઞાનાંધકારમાંથી મુક્ત કરશે અને જો એ રાજ્ય કરવા ઇચ્છશે તો સમગ્ર વિશ્વનો રાજા બનશે. પરંતુ એને સમ્રાટ બનાવવાના એના પિતાએ કરેલા બધા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા. યુવાન નરેન્દ્રનાથ, ભાવિ સ્વામી વિવેકાનંદ, દરરોજ રાત્રે જ્યારે ઊંઘવા જતા, ત્યારે તેમના મનમાં જીવનનાં એકમેકથી તદ્દન ભિન્ન એવાં બે રૂપો તેમની સામે ખડાં થતાં. એક તો સફળ ગૃહસ્થજીવનની કલ્પના અને બીજું એક મહાન સંન્યાસીની પરિકલ્પના. એ બન્ને રૂપોને પ્રાપ્ત કરવાની ક્ષમતા તેઓ ધરાવતા હતા. ભાવિના નિર્ણયનો આ સંઘર્ષ ધીરે ધીરે સમાપ્ત થતો ગયો અને છેવટે તેમણે તપોમય સંન્યાસી જીવન અપનાવવાનો નિશ્ર્ચય કર્યો. તેમને વિવાહગ્રંથિથી બાંધવાના તેમના પિતાના બધા જ પ્રયત્નો નકામા નીવડ્યા.

પોતાના પિતાના અવસાન પછી, ખાસ કરીને જ્યારે તેઓ વિપત્તિઓની ભીંસમાં સપડાયા, ત્યારે દૈવી ન્યાય અને દયાની બાબતમાં તેમજ આનંદસ્વરૂપ ઈશ્વરની આ સૃષ્ટિમાં દુ:ખ-વિષાદના સહ-અસ્તિત્ત્વના સંબંધમાં સંશયવાદના ચકરાવામાં પડી ગયા હતા. ભગવાન બુદ્ધે પણ રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના રૂપમાં માનવોની વેદના નિહાળી ત્યારે આવી જ લાગણી અનુભવી હતી. ભગવાન બુદ્ધના હૃદયને વ્યક્તિગત મુક્તિની ઝંખનાએ નહિ, પરંતુ સમગ્ર માનવજાતની પીડાએ હચમચાવી મૂક્યું હતું. પોતાની મોક્ષપ્રાપ્તિ માટે નહિ પણ આખી માનવજાતને દુ:ખોના ભોગવટામાંથી છોડાવવા ભગવાન બુદ્ધે વૈભવવિલાસનો ત્યાગ કર્યો હતો અને સત્યની ખોજ કરવા તેઓ ચાલી નીકળ્યા હતા. આવી જ ભાવના અને આવી જ આકાંક્ષાથી માનવજાતિને એની દિવ્યતાનું ભાન કરાવવા સ્વામીજીએ પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું, તે એટલે સુધી કે દુ:ખમાં ડૂબેલ પોતાનાં માતા અને ભાઈઓ તરફનો મોહ પણ તેમને એવું કરતાં અટકાવી ન શક્યો અને તેમણે સંસાર ત્યજીને વૈરાગ્ય સ્વીકાર્યો. સને 1894ના જાન્યુઆરી માસની 29મી તારીખે જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈને એક પત્રમાં તેમણે લખ્યું હતું: ‘આમ એક બાજુએ મારી સામે ભારતીય ધર્મના અને સમગ્ર જગતના ભાવિનું દર્શન છે, યુગોથી નીચે ને નીચે અધ:પતન પામ્યે જતા, જેમને કોઈ મદદ કરનાર – અરે, જેમને વિશે કોઈ વિચાર કરનાર પણ નથી, તેવા લાખો માનવીઓ પ્રત્યેનો પ્રેમ છે; અને બીજી બાજુએ મને જે પ્રિયમાં પ્રિય અને નજીકમાં નજીક છે એમને દુ:ખી અને અસહાય બનાવવાનું છે. આ બંનેમાંથી મેં પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે.’

ભગવાન બુદ્ધ બોધિગયામાં બોધિવૃક્ષની નીચે સત્યનો સાક્ષાત્કાર કરવા માટે દૃઢ સંકલ્પ કરીને ધ્યાનમગ્ન થયા હતા. એ જ બોધગયા તરફ નરેન્દ્રનું મન પણ ખેંચાયું હતું, ત્યારે શ્રીરામકૃષ્ણ કાશીપુરમાં રહેતા હતા. પોતાના ગુરુભાઈઓની સાથે તેઓ પણ તે જ પવિત્ર સ્થળે જવા માટે નીકળી પડ્યા હતા. એ વખતે સ્વામીજી ભગવાન બુદ્ધના વિચારોમાં ઓતપ્રોત હતા, ત્યારે તેઓ બૌદ્ધ મનસ્વી હતા. તથાગતની પ્રચંડ જ્ઞાનશક્તિ, તેમના વિચારોનું ઉત્કૃષ્ટ સંતુલન, સત્ય માટેની તેમની અદમ્ય અભિલાષા, એમનો ઉજ્જવલ વૈરાગ્ય, એમનું સંવેદનશીલ હૃદય, એમનું મૃદુ-ગહન-ગંભીર વ્યક્તિત્વ, એમની ઉદાત્ત મૌલિકતા તેમજ તત્ત્વશાસ્ત્ર અને માનવચરિત્ર વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની તેમની અદ્‌ભુત રીત- આ બધા ગુણો બીજા ગુરુભાઈઓમાં ફેલાઈ ગયા હતા. તે બધા ભગવાન બુદ્ધની પેઠે પોતાના જીવનના ભોગેય સત્યપ્રાપ્તિ માટે કૃતસંકલ્પ બન્યા હતા. તે લોકોએ પોતાના ધ્યાનખંડની ભીંતો ઉપર મોટા અક્ષરોમાં સત્યસાક્ષાત્કાર માટેનો ભગવાન બુદ્ધનો પેલો પ્રસિદ્ધ દૃઢસંકલ્પ લખી રાખ્યો હતો:- ઇહાસને શુષ્યતુ મે શરીરં ત્વગસ્થિમાંસં પ્રલયં ચ યાતુ। અપ્રાપ્ય બોધિં બહુકલ્પદુર્લભાં નૈવાસનાત્કાયમતશ્ર્ચલિષ્યતે॥

આ આસન પર મારું શરીર ભલે સુકાઈ જાય, મારાં ચામડી, હાડકાં અને માંસ ભલે ગળી જાય પણ જ્યાં સુધી બહુકલ્પદુર્લભ બોધિ મને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આ આસન પરથી મારું શરીર ચલાયમાન નહિ થાય. (ક્રમશ:)

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.