24 મે, 1884, શનિવાર.

દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ વિશે ઘણું સાંભળ્યું છે. તેઓ દશાવતારમાંના એક અવતાર ગણાય છે… જ્યારે માનવ પોતાની બુદ્ધિને ‘બોધ’ કે ‘ચૈતન્ય’માં ભેળવી દે છે ત્યારે તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે બુદ્ધ એટલે કે જ્ઞાની બને છે.’

ત્યાર પછી 23 ઓક્ટોબર, 1885ના રોજ શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના ઘરમાં ગિરીશ ઘોષના ‘બુદ્ધ ચરિત’નામના નાટકમાંથી ગીતો સાંભળતા હતા. ગીત આવું હતું, ‘જુરાઈ તે ચાઈ, કોથાય જુરાઈ, કોથા હોતે આશી, કોથા ભેષે જાઈ – આપણે સૌ વિશ્રાંતિ ઝંખીએ છીએ, પણ અરેરે! વિશ્રાંતિ ક્યારેય મળતી નથી. આપણે કર્મનાં મોજાં પર તરતા આવીએ છીએ અને જિંદગી એ જ કર્મમાં તરવામાં વહી જાય છે.’ આ ગીત સાંભળીને શ્રીરામકૃષ્ણ ભાવસમાધિમાં આવી ગયા.

બીજા એક પ્રસંગે કોઈકે બુદ્ધને નાસ્તિક કહ્યા, એટલે શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘તેઓ નાસ્તિક કેવી રીતે હોઈ શકે ? સાધનાના અંતિમ ચરણે થતી પરમાનંદની પ્રાપ્તિ અવર્ણનીય હોય છે, એ મહા-અનુભવની વાત તેઓ સામાન્ય ભાષામાં કહી ન શક્યા. ઉપનિષદો કહે છે તેમ આ અંતિમ સત્યને માત્ર ‘નેતિ નેતિ’ શબ્દોમાં જ વર્ણવી શકાય. પરમ વાસ્તવિકતા શબ્દાતીત છે અને સામાન્ય મનને ન સમજાય તેવી છે.’

બુદ્ધના મહાન કરુણાભાવે જ સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણમાં ભગવાન બુદ્ધનાં દર્શન કરવા પ્રેર્યા હતા. પરમ સુખી બુદ્ધ જ્યારે કુશીનગરમાં વિશાળ શાલવૃક્ષની નીચે જમણે પડખે લંબાવીને સિંહની જેમ મરણશૈયાએ સૂતા હતા, ત્યારે તેમનો ઉપદેશ મેળવવા દૂરથી એક ભાવિક આવી ચડ્યો…. ગુરુદેવની અંતિમ પળોની શાંતિ જાળવી રાખવા ત્યાં ઉપસ્થિત શિષ્યોએ એ ભાવિકને બુદ્ધ પાસે જતાં રોક્યો. ભગવાન બુદ્ધ આ સાંભળતા હતા અને એમણે કહ્યું, ‘ના, ના ! પ્રભુએ મોકલેલો આ બંદો ઉપદેશ આપવા તૈયાર છે!’

સ્વામી વિવેકાનંદે નિવેદિતાને કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણની બાબતમાં પણ મેં આવું જોયું છે.’ એની સાથે આ ઘટના યાદ આવી ગઈ : શ્રીરામકૃષ્ણ પાસેથી કંઈક ઉપદેશ પામવાનો પાકો નિર્ધાર કરીને સોએક માઈલનો પંથ કાપીને, શ્રીરામકૃષ્ણ કાશીપુરમાં મૃત્યુ શૈયાએ હતા, ત્યાં એક માણસ આવ્યો. શિષ્યોએ અંદર જવાની રજા ન આપી. પરંતુ શ્રીરામકૃષ્ણે એમને રોક્યા અને નવાગંતુકને પ્રેમથી આવકારવા કહ્યું. અને પોતે ઉપદેશ આપવાનો આગ્રહ રાખ્યો. ભગિની નિવેદિતાએ લખ્યું છે : ‘બુદ્ધમાં તેમણે (સ્વામી વિવેકાનંદે) શ્રીરામકૃષ્ણ પરમહંસને જોયા; શ્રીરામકૃષ્ણ પરમહંસમાં એમણે બુદ્ધને જોયા.’

(શ્રીરામકૃષ્ણ દર્શનમ્ પૃ.47ના અંશો)

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.