‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને તમારા મનનો અભ્યાસ કરવા પ્રેરે છે; પણ તમારા અભ્યાસનો વિષય હંમેશાં તમારું મન જ હોય છે. સફરજનના પડવાથી ન્યૂટનને સૂચન મળ્યું અને ન્યૂટને પોતાના મનનો અભ્યાસ કર્યો; એણે પોતાના મનમાં વિચારોની સર્વ પૂર્વકડીઓને ફરીવાર ગોઠવી અને એમાંથી એને વિચારની એક નવી કડી મળી. આ નવી કડી એટલે આપણે જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ તે છે. આ ગુરુત્વાકર્ષણનો નિયમ સફરજનમાં છુપાયો ન હતો, એ પૃથ્વીના કોઈ મધ્યબિંદુમાં છુપાયો ન હતો.’ (સ્વા.વિ.ગ્રંથમાળા-3.23)

યુવાન મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે તેમ આપણું મન પોતે જ વિશ્વભરનું ગ્રંથાલય છે. એ મનને કેળવીને, એકાગ્ર બનાવીને નિરીક્ષણ-પરીક્ષણ કરતું કરીએ તો આપણને જીવનમાં ક્યારેય લમણે હાથ દઈને બેસવાનો વારો ન આવે.

કહેવત છે – ‘ચાલતાનું ચાલતું રહે છે’. આ મન મર્કટ એટલે કે વાંદરા જેવું અતિ ચંચળ છે. વાંદરાની સામે કોઈક પદાર્થ ધરો તો તેનાં મુખ,  શરીર પર ચંચળતા પ્રગટી ઊઠે છે. પણ આપણે મનને માર્જાર(બિલાડી)ના જેવું સ્થિરધીર બનાવવું પડે. ઘરમાં તમે જોતા હશો કે બિલાડી ઉંદરને જુએ એટલે પોતાની પૂંછડી ખેંચીને જ્યાં હોય ત્યાં આંખો બરાબર ઉંદર તરફ રાખીને સ્થિરધીર બેસી રહે છે. આવું સ્થિરધીર મન તમે લક્ષ્ય તરફ બરાબર લગાડી દો તો જગતને અચંબામાં નાખી દે, એવાં કાર્યો આ મન આપણી પાસે કરાવી શકે.

આજે તો આપણાં ટેરવાંના સ્પર્શે આખી દુનિયામાં સર્વકંઈ સગી આંખે નિહાળી શકીએ છીએ. આ રીતે આખું જગત પંખીના માળા જેવું બની ગયું છે. મોબાઈલ, ઈન્ટરનેટ આજે આપણાં સાથીમિત્રો બની ગયાં છે. જ્ઞાનવિજ્ઞાનની ક્ષિતિજો ઘણી સીમિત લાગે છે. વિશ્વનું જ્ઞાન આપણા હાથમાં જ છે, આંગળીને ટેરવે જ છે. જગત આખું હસ્તામલકવત્ – હાથમાં રમતા આમળા જેવું બની ગયું છે. એ દુનિયાની પ્રારંભકાળની વાત આજે તમારી સમક્ષ મૂકવા માગું છું.

ટેલિફોનની પ્રારંભિક શોધ કરનાર એલેક્ઝાંડર ગ્રેહામ બેલ નામના મહાન વૈજ્ઞાનિકનો જન્મ 1847ના માર્ચની 3જી તારીખે સ્કોટલેન્ડમાં થયો હતો. એમનું મૂળ નામ હતું એલેક્ઝાંડર બેલ. 11 વર્ષની ઉંમરે એમણે પોતાના નામની વચ્ચે ગ્રેહામ શબ્દ ઉમેરીને નવું નામ રાખ્યું એલેક્ઝાંડર ગ્રેહામ બેલ. એમનાં માતાપિતા બહેરાં હતાં ને દાદા મૂંગા. બહેરા માટે શબ્દજ્ઞાન કરાવવાનાં અનેક કાર્યો કર્યાં હતાં. એલેક્ઝાંડરને વિજ્ઞાનમાં ઘણી રુચિ હતી. એમાંય જીવવિજ્ઞાન એમનો પ્રિય વિષય.

બાળ એલેક્ઝાંડરને પોતાના પાડોશી બેનહેર્ડમેન સાથે ગાઢ મિત્રતા હતી. હેર્ડમેનના પરિવારમાં એક ફ્લોરમીલ હતી. એલેક્ઝાંડરને મશીનની યાંત્રિક બાબતોમાં ખાસ રસ. એનાં યંત્રાંગો વિશે જાતજાતના પ્રશ્નો પૂછ્યા કરતો. આ યંત્રાંગો કેવી રીતે કામ કરે છે એમાં જ એનું મન મગ્ન રહેતું. 12 વર્ષની ઉંમરે એમણે એવું જ મશીન પોતે બનાવી દીધું. આ મશીનનો ઉપયોગ એના ઘરમાં ઘણાં વર્ષો સુધી થતો રહ્યો. 12 વર્ષના આ ટેણિયાની કમાલ જોઈને મિત્રો!

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાએ કહ્યું છે – “You are unique. Don’t compare yourself to others.”  ‘પોતાનો નવો ચીલો પાડનાર માનવીઓ આવા જ હોય છે. અને એવા જ લોકો જગતને કંઈક ને કંઈક નવું, તાજગીભર્યું આપતા રહે છે. તેમણે આગળ કહ્યું, “Hold on, be strong and stay, tune to yourself, all things work together for your good.”

આવી જબરી પકડ, સ્થિરતાધીરતા અને સામર્થ્ય હોય તો તમે ગમે તે કાર્ય કરી શકો. એટલે જ સ્વામીજી કહે છે – “You can do anything and everything, you are almighty.”

મિત્રો, આપણે પણ પોતાની કાર્યશક્તિ, બુદ્ધિશક્તિ અને શારીરિકશક્તિની મર્યાદામાં રહીને કંઈક ને કંઈક સારું કાર્ય કરવા ધારીએ તો ચોક્કસ કરી શકીએ.

15 વર્ષની ઉંમરે શાળા છોડીને આપણા મિત્ર એલેક્ઝાંડર તો પોતાના દાદાની સાથે લંડન ચાલ્યા જાય છે. એમનામાં ગજબની અભ્યાસરુચિ હતી. કલાકોના કલાકો સુધી અભ્યાસમાં જ મગ્ન રહે. મિત્રો, આજે આપણે જેમ ટીવીમાં જ રત રહીએ છીએ તેમ. પણ તેઓ તો અભ્યાસપ્રેમી હતા, આપણા જેવા ટીવીપ્રેમી નહીં. 16 વર્ષની ઉંમરે સંભાષણકળા અને સંગીતના શિક્ષક બની ગયા. તેમણે પોતાના ભાઈ અને પિતાનો સાથ લઈને એક બોલવાનું મશીન (માઈક જેવું) બનાવી લીધું. આ મશીન બનાવવામાં એમણે કેટલીયે મુશ્કેલીનો સામનો કર્યો, પણ આ બંદા કંઈ એમ હાર માની લે તેવા ન હતા ! 23 વર્ષની ઉંમરે તેઓ કેનેડા ગયા. થોડા માસ પછી એક વિશિષ્ટ શાળામાં મૂંગાંબહેરાંને ભણાવવાનું શરૂ કર્યું. એમના પિતાએ એક પુસ્તક તૈયાર કર્યું હતું. તેમાં બહેરા લોકોને ભાષા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એલેક્ઝાંડરે એનો પણ સારી રીતે અભ્યાસ કર્યો.

જ્ઞાન-મનના દીવાની વિચારશક્તિની વાટમાં ઝંખના, ધીરતાનું દીવેલ ઉમેરાય તો ગજબની લગની જાગે અને લાગે. મિત્રો, આવા જ્ઞાનની જ્યોત જે પ્રગટાવે એમને જ્ઞાનની ક્ષિતિજોને પામવાની શક્તિ મળે. એટલે જ સ્વપ્ન સેવો, ઉચ્ચગ્રાહી સ્વપ્ન સેવો.

હવે તો બહેરાંને બોલતાં લખતાં કરવાં એ જ એમનો જીવન-આદર્શ. મૂંગાંબહેરાં ભાષા સમજે એવું મશીન બનાવવાની ઉત્કટ ઇચ્છા એલેક્ઝાંડરના મનમાં  જાગી. એના માટે તેઓ માંડ્યા પ્રયોગો કરવા. આવા ખર્ચ માટે તેમની પાસે વધારે ધન ન હતું અને કેટલીક વખત તો કરજ કરીને પૈસા લેવા પડતા. એ દિવસોમાં એક ઉત્સાહી સહાયક મળી ગયા. અને એ હતા થોમસ વોટસન. વોટસનને યંત્રયંત્રાંગોની સારી જાણકારી. એલેક્ઝાંડર એમને જે યંત્રની રૂપરેખા – મશીનડ્રોઈંગ બનાવી દેતા તો વોટસન તરત જ એ યંત્ર બનાવી દેતા.

ટેલીફોનના આવિષ્કારના ઇતિહાસમાં 10મી માર્ચ 1876નો દિવસ અત્યંત મહત્ત્વનો હતો. એલેક્ઝાંડરે પ્રયોગશાળામાંથી પોતાના ઘર સુધી તાર બિછાવી દીધા. સવારથી જ એમનો પ્રયોગ ચાલતો હતો. એમણે પોતાના સહાયક વોટસનને તાર દ્વારા એક સંદેશ મોકલ્યો, ‘વોટસન અહીં આવો, મારે તમારી જરૂર છે’. આ એક ઐતિહાસિક સંદેશ હતો અને સંદેશ તાર દ્વારા મોકલાયો હતો. વોટસન જ્યારે આ સંદેશ સાંભળીને એલેક્ઝાંડર પાસે આવ્યા ત્યારે તેઓ આનંદવિભોર બની ગયા. એમ કહેવાય છે કે જ્યારે એલેક્ઝાંડર પ્રયોગ કરતા હતા ત્યારે એમના પગ પર જ્વલનશીલ પદાર્થ પડી ગયો અને એમણે વોટસનને માટે ઉપર્યુક્ત સંદેશ મોકલ્યો. આ રીતે પ્રથમવાર ટેલીફોનની શોધ થઈ. ત્યાર પછી કેટલાય વર્ષો બાદ સુખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને તે શોધને ઉન્નત કરીને ટેલીફોનને સાર્વજનિક બનાવ્યો.

મિત્રો, એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે –

બધાં કાર્યો પ્રેમથી, સત્ય માટેની ઝંખનાથી અને અપૂર્વ શક્તિથી પાર પડે છે. તત્ કુરુ પૌરુષમ્ – માટે તમારું પૌરુષ પ્રગટ કરો. (એજન, 10.104)

આપણે જે માગીએ છીએ તે નિયમ નહિ, પરંતુ નિયમ તોડવાની શક્તિ માગીએ છીએ; આપણે નિયમભંજક થવા ઇચ્છીએ છીએ. જો તમે નિયમોથી બદ્ધ રહો તો માટીના પિંડા જેવા થઈ જાઓ. તમે નિયમથી બહાર છો કે નહિ એ પ્રશ્ન નથી; પરંતુ આપણે નિયમની બહાર છીએ, એ વિચારના પાયા ઉપર આખી માનવજાતનો ઇતિહાસ રચાયો છે. (એજન, 9.143)

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.