ભારતમાતા સાથે લગાવ

એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક જાણતા નહીં- એ હતો તેમનો સ્વદેશપ્રેમ અને તેની દુર્દશાનો પ્રતિકાર કરવાની તીવ્ર ઇચ્છા. તે કેટલાંક વરસ તો હું તેમને દરરોજ મળતી. મારા જોવામાં આવતું કે ભારતનું ચિન્તન એ તેમને માટે શ્વાસોચ્છ્વાસની ક્રિયા જેવું બની ગયું હતું. એ વાત ખરી કે તેઓ દરેક વિષયના છેક મૂળ પાયા સુધી જતા. તેમણે ‘રાષ્ટ્રિય’ શબ્દનો ઉપયોગ પણ કર્યો નથી, અથવા તો વર્તમાન યુગને ‘રાષ્ટ્રગઠનના’ યુગ તરીકે જાહેર પણ કર્યો નથી. તેઓ કહેતા કે ‘મારું કામ તો મનુષ્યનિર્માણ કરવાનું છે.’ પરંતુ તેઓ પ્રેમપૂર્ણ હૃદય લઈને જન્મ્યા હતા અને જન્મભૂમિ જ તેમની આરાધ્ય દેવતા હતી.

ચોતરફથી સમતોલ કરીને ખૂબ કળાપૂર્વક લટકાવેલ ઝૂલતો ઘંટ જેમ કોઈ વસ્તુથી તાડિત થતાં ઝંકૃત અને સ્પંદિત થઈ જાય છે, તેમ જન્મભૂમિ સાથે સંકળાયેલ પ્રત્યેક ઘટનાથી સ્વામીનું હૃદય પણ ઝંકૃત, સ્પંદિત થઈ જતું. ભારતની ચતુ :સીમાની અંદર ક્યાંયથી પણ દુ :ખનો અવાજ આવતો, તો તેમના હૃદયમાં પણ પ્રતિધ્વનિરૂપ ઉત્તર ઊઠતો. ભારતના પ્રત્યેક નીતિમૂલક ચિત્કારને, દુર્બળતાસૂચક કંપનને, અપમાનજનિત સંકોચબોધને તેઓ જાણતા અને સમજતા. તેના પાપાચાર માટે તેઓ ભારતને ઉધડું લેતા, તેની જાગતિક બુદ્ધિક્ષમતાની ખામીને માટે તેને ઠપકો આપતા, પરંતુ એ બધું તેઓ પોતાના જ દોષ રૂપ ગણતા એટલે બીજી બાજુથી જોઈએ તો ભારતના ભાવિ મહિમાની કલ્પનાથી બીજું કોઈ તેમના જેટલું પ્રભાવિત થઈ જતું નહીં.

તેમની દૃષ્ટિએ ભારત અંગ્રેજી સભ્યતાના દાતા સ્વરૂપ દેખાતું. તેઓ કહેતા, ‘જુઓને, અકબરના ભારતની સરખામણીમાં ઇલિઝાબેથનું ઇંગ્લેંડ શું હતું? માત્ર એટલું જ શા માટે? ભારતવર્ષનો ધનભંડાર પાછળ ન હોત તો વિક્ટોરિયાનું ઇંગ્લેંડ પણ શું હોત? તેની સભ્યતા ક્યાં હોત, તેની હોશિયારી ક્યાં હોત?’ તેમના મુખમાંથી સ્વદેશમાં ધર્મ, ઇતિહાસ, ભૂગોળ, પ્રજાતત્ત્વની વાતો અટક્યા વિના ચાલ્યા કરતી. સંપૂર્ણ કે આંશિક એમ બન્ને રીતે ભારતીય પ્રસંગોની વાત કરતાં તેઓ એક સરખો આનંદ અનુભવતા અથવા તો તેમના શ્રોતાઓને પણ એમ લાગતું. તે એટલી હદ સુધી કે કેટલીક વાર એમ બનતું કે શ્રોતાઓમાંથી કેટલાક સ્વામીએ તે અગાઉ કહેલું હોય તે જ યાદ રાખવાની ઇચ્છા ધરાવતા હોવાથી બીજું વધારે સાંભળવાની તેમને ઇચ્છા ન હોય. અને તેમ છતાં જો કોઈ એ બધું સંબદ્ધ રીતે મનમાં રાખવાનો પ્રયત્ન ન કરીને તટસ્થ ભાવે જુએ તો તેમને દેખાય કે બીજા બે કલાક પણ નારીજાતિના ઉત્તરાધિકાર વિષયક કાયદાકાનૂન અથવા તો ભિન્ન ભિન્ન પ્રાંતોની રહેણીકરણી તથા રીતરિવાજ કે કોઈ જટિલ અધ્યાત્મવાદ વા ધર્મતત્ત્વનું વિશ્લેષણ બિનઅટક પ્રવાહે ચાલી રહ્યું છે.

ભારતની ગૌરવગાથા

તેમના આ બધા વાર્તાલાપોમાં રજપૂતોની વીરતા, શીખ લોકોનો ધર્મવિશ્વાસ, મરાઠાઓનું શૌર્ય, સાધુ-સંન્યાસીઓની ઈશ્વરભક્તિ તેમજ મહાન નારીઓની પવિત્રતા તથા નિષ્ઠા- આ બધું ફરી સજીવ થઈ જતું; અને આમાંથી આ પ્રસંગે મુસલમાન બાદ રહેતા નહીં. હુમાયું, શેરશાહ, અકબર, શાહજહાઁ- આ બધા ઉપરાંત બીજાં સો નામોનો તેઓશ્રી કોઈ ને કોઈ દિવસે આ ઇતિહાસનાં પાનાંને ઉજ્જવળ કરનારી નામાવલીની આવૃત્તિ કરતી વખતે યથાસ્થાને ઉલ્લેખ કરતા. તે સાથે હજી પણ આજેય દિલ્હીને રસ્તે રસ્તે ગવાતું, તાનસેન રચિત અકબરના રાજ્યારોહણ વખતનું ગીત તેઓશ્રી તાનસેનના જ સૂર તથા લયમાં અમારી સમક્ષ ગાઈ બતાવતા; વળી તેઓ સમજાવતા કે મોગલ વંશની વિવાહિત સ્ત્રીઓ વિધવા થતાં કદી પણ બીજી વાર પરણતી નહીં- તેઓ તો હિન્દુ સ્ત્રીઓ માફક જ પૂજાપાઠમાં મગ્ન રહી પોતાની વૈધવ્ય અવસ્થા પૂરી કરતી. બીજે એક વખતે સ્વામીએ જેઓની મહાન પ્રતિભાએ મુલમમાન પિતા અને હિન્દુ માતા દ્વારા ભારતીય સમ્ર્રાટોનો જન્મ થવો ઉચિત છે, એવું વિધાન કર્યું હતું, તેમના (અકબરના) સંબંધમાં વાત કરી હતી. વળી બીજે એક વખતે અમારી સમક્ષ સિરાજુદૌલાની ઉજ્જવળ કિંતુ દુર્ભાગ્યપૂર્ણ રાજ્ય કારકિર્દીની વાત કરી હતી – કેવી રીતે પ્લાસીના યુદ્ધ ક્ષેત્રમાં વિશ્વાસઘાતકતાને લીધે અપાયેલ એક ફરમાન સાંભળી હિન્દુ સેનાપતિ મોહનલાલ બોલી ઊઠ્યો હતો, ‘તો પછી આજના યુદ્ધમાં જયની આશા નથી!’- આમ બોલી તે ઘોડા સાથે ગંગાજીમાં કૂદી પડ્યો; વળી સિરાજની સતીસાધ્વી સ્ત્રી પોતાનાં સગાંઓની વચ્ચે વિધવાનાં સફેદ વસ્ત્રો પહેરીને રહી અને વરસોનાં વરસ તે પોતાના પતિની કબર પર દીવાઓ પ્રગટાવી જતી- અમે રુંધાયેલા શ્વાસે આ બધાં વર્ણન સ્વામીજીના મુખે સાંભળતાં, તેમજ એ બધાં દૃશ્યો અમારી નજર સામે સજીવ થઈ ઊઠતાં.

તેમનો ભારતપ્રેમ

કયારેક ક્યારેક વળી એ વર્ણન વધારે કૌતુક તથા પરિહાસમય બની જતું, કોઈક સામાન્ય ઘટનામાંથી આમ બની જતું. કોઈ મીઠાઈ અથવા તો કસ્તુરી કે કેસર જેવી દુર્લભ વસ્તુઓ મળતાં કે આ કરતાં પણ વધારે સાધારણ બનાવથી વર્ણન એવું બની જતું. તેઓએ અમને કહ્યું હતું કે ‘પશ્ચિમના પ્રવાસમાં હતો ત્યારે એક વખત સાંજને સમયે કોઈ ભારતના ગામડાના બહારના ભાગમાં જરા છેટે ઊભો રહી રમતાં છોકરાઓનો તંદ્રાપૂર્ણ કોલાહલ, સંધ્યાની આરતીનો ઘંટારવ અને ઢોલનગારાંમાંથી આવતો અવાજ, ગોવાળિયાઓના હોકારા, તેમજ અલ્પકાળ સ્થાયી સંધ્યાના ઝાંખા અજવાળામાં સંભળાતા અસ્પષ્ટ કંઠસ્વર- આ બધું સાંભળવાને હું ખૂબ ઉત્સુક બન્યો હતો.’ બંગાળમાં નાનપણથી તેઓ જે સાંભળતા આવ્યા હતા તે અષાડ મહિનાના વરસાદનો ઝરમર ઝરમર અવાજ પશ્ચિમમાં સાંભળી સ્વદેશ જવા માટે તેમનું મન કેવું તલપાપડ થઈ ગયું હતું ! વૃષ્ટિ અથવા ધોધ કે સમુદ્રનાં પાણીનો અવાજ તેમને કેવો વિસ્મયકારક લાગતો ! તેમને યાદ આવતું સૌથી સુંદર દૃશ્ય તે હતું કે જેમાં – ભારતમાં એક વાર તેમણે જોયું હતું કે એક બાઈ એક પથ્થર પર પગ મૂકી બીજા પથ્થર પર ટપતી ટપતી એક ખાડા ખબડાવાળી નદી ઓળંગી રહી છે, અને વળી વચ્ચે થોડી થોડી વારે મોં ફેરવીને પીઠ પરના બાળકની સાથે ગમ્મત અને વહાલ કરતી જાય છે. તેમને મન હિમાલયનાં જંગલોમાં એક ટેકરી પર લાંબા થઈને પડવું અને નીચે વહેતી નદીનો અવિરામ ‘હર’ ‘હર’ શબ્દ સાંભળતાં સાંભળતાં શરીર છોડવું એ આદર્શ મૃત્યુ હતું.

ક્રમે ક્રમે નાના નાના વળવાળા થતા જતા પેચ (spiral) ના આંટાઓ છેવટે એક બિન્દુરૂપ થઈ જાય છે તેમ સ્વામીજીનો સ્વદેશ-ભક્તિરૂપી આવેગ પણ એક વિરાટ વસ્તુરૂપ હતો. સ્વદેશની ભૂમિ તેમજ તેનાં દૃશ્યો પ્રત્યેનો પ્રેમ એ તેનો સૌથી નીચલો આંટો હતો. પ્રજા, અનુભૂતિ, ઇતિહાસ તેમજ ચિંતન – આ બધાંની સાથે સંબંધવાળું બીજું જે કંઈ એ તેના બીજા આંટામાં સમાઈ જતું અને એ બધુંય એક્ત્ર બની જઈને એક નિર્દિષ્ટ બિન્દુમાં કેન્દ્રીભૂત થતું હતું. ભારતની ટીકા કરનારાઓની ધારણા અનુસાર ભારત વૃદ્ધ અને જીર્ણ થઈ ગયેલ નથી, પરંતુ યુવાવસ્થામાં જ છે અને તેની ભાવિ સમૃદ્ધિનું બીજ પરિપક્વ થઈ ગયું છે અને તે આ વીસમી સદીના આરંભમાં જ ભૂતકાળમાં કદી ન થયો હોય, એવા મહાન વિકાસને માર્ગે ડગ ભરી રહ્યું છે – આવો દૃઢ વિશ્વાસ એ જ તે પેચનું કેન્દ્રસ્થાનીય બિન્દુ હતું. પરંતુ આ ભાવ વાતમાં જણાવતાં મેં તો તેમને માત્ર એક જ વાર સાંભળ્યા છે. એક ખૂબ શાન્તિપૂર્ણ ક્ષણે તેમણે કહ્યું હતું, ‘હું મને પોતાને ઘણી શતાબ્દીઓ પછી જન્મેલો માનું છું. હું પ્રત્યક્ષ જોઉં છું કે ભારત યુવાન છે.’

પરંતુ ખરું કહીએ તો તેમની દરેક વાતમાંથી આવી ઉપલબ્ધિનો પરિચય થઈ જતો, તેમની દરેક કહાણીમાં આનું સ્પન્દન મળી આવતું. ભારતીય ઊણપનો સ્વીકાર કરતાં તેમનું અંત :કરણ બહુ કચવાઈ જતું અને વળી કોઈની ખોટી કે અવજ્ઞાસૂચક ટીકાનો તીવ્ર પ્રતિવાદ કરતાં કરતાં અથવા તો કેવી શ્રદ્ધા અને પ્રેમ સહિત સ્વદેશસેવામાં પ્રવૃત્ત થવું જોઈએ તે બાબતમાં તન્મયભાવે કોઈનેય શિક્ષણ દેતી વખતે કેટલીય વાર એમ લાગતું કે તેમનો સંન્યાસીનો આંચળો સરી પડ્યો છે અને તેમની અંદરથી યોદ્ધાનું બખ્તર બહાર નીકળી આવ્યું છે !

 

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.