એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો કહે છે કે ‘હવે આને જીવતો શું કામ રાખવો ? એને મારી નાખો.’ એમ કહી તેને મારી નાખવા ગયો, ત્યાં બીજો લૂંટારો બોલ્યો, ‘તેને મારી નાખવાની કાંઈ જરૂર નથી. એને મુશ્કેટાટ બાંધીને અહીં જ મૂકી જઈએ. એટલે એ પોલીસમાં ખબર આપી શકશે નહિ.’ એમ કહીને એને સજ્જડ બાંધી મૂકીને લૂંટારાઓ ચાલ્યા ગયા. થોડી વાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો. આવીને કહ્યું, ‘અરે ભાઈ, તમને બહુ જ દુ :ખ થાય છે, ખરું ને ? ચાલો, હું તમારું બંધન છોડી નાખું છું.’ એમ કહીને દોરડાં છોડી નાખ્યાં. અને પછી એ માણસની સાથે રહીને તેને જંગલમાંથી રસ્તો દેખાડતો દેખાડતો ચાલવા લાગ્યો અને મોટા રસ્તા પર લાવીને તેને મૂકી દીધો. અને કહ્યું, ‘આ રસ્તે રસ્તે તમે ચાલ્યા જાઓ, એટલે તમે અનાયાસે તમારે ઘેર પહોંચી જશો.’ પેલા માણસે કહ્યું, ‘ભાઈ, આપ પણ મારે ઘેર પધારો, આપે મારા પર કેટલો ઉપકાર કર્યો ! આપ અમારે ઘેર આવશો તો અમને કેટલો આનંદ થશે.’ લૂંટારો કહે, ‘ના જી, મારાથી ત્યાં અવાય નહિ; પોલીસ પકડે.’ એમ કહીને એ લૂંટારો રસ્તો બતાવીને ચાલ્યો ગયો.

‘પહેલો લૂંટારો તમોગુણ, કે જેણે કહ્યું, ‘આને રાખવો શું કામ, મારી નાખો !’ તમોગુણથી વિનાશ થાય. બીજો લૂંટારો રજોગુણ. રજોગુણથી માણસ સંસારમાં બદ્ધ થાય, અનેક કામકાજમાં ગૂંચાય. રજોગુણ ઈશ્વરને ભુલાવી દે. માત્ર સત્ત્વગુણ જ ઈશ્વરનો માર્ગ દેખાડી દે. દયા, ધર્મ, ભક્તિ વગેરે બધાં સત્ત્વગુણથી થાય. સત્ત્વગુણ જાણે કે સીડીનું છેલ્લું પગથિયું, ત્યાર પછી જ અગાસી. માણસનું સ્વધામ છે પરબ્રહ્મ. ત્રિગુણાતીત થયા વિના બ્રહ્મજ્ઞાન થાય નહિ.

– ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથાઓ’માંથી

 

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.