૧. રામચાંદે ગાય આપી

શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી, પોતાના પુત્રનું દેવો રક્ષણ કરી રહેલા છે એવી સમજ પડતી હતી. અને તે છતાં પણ વળી બીજી જ ક્ષણે અપત્ય સ્નેહને વશ થઈ એ વાત ભૂલી જતાં અને એમના પાલન, રક્ષણ કાજે હંમેશાં ફિકર ચિંતા કર્યા કરતાં. ખુદીરામ અને એમનાં પત્ની ચંદ્રાદેવીની બાબતમાં પણ એ પ્રમાણે કહી શકાય. કારણ કે પ્રિયદર્શન બાળકનું મુખારવિંદ નિહાળીને ગયાક્ષેત્રનું દેવસ્વપ્ન, શિવ મંદિરનું દિવ્યદર્શન વગેરે બધી વાતો હવે મોટે ભાગે ભૂલી ગયાં અને એમનાં યથાયોગ્ય પાલન-રક્ષણ માટે ચિંતિત બનીને જાતજાતના ઉપાયો યોજવા લાગ્યાં. કમાઉ ભાણેજ રામચાંદને મેદિનીપુરે પુત્ર જન્મના સમાચાર જણાવ્યા. મામાના ગરીબ ઘરમાં દૂધની તૂટ હશે એમ જાણીને રામચાંદે એક દૂઝણી ગાય મોકલી દઈને ખુદીરામની એ ફિકર ટાળી. એ પ્રમાણે નવજાત શિશુને માટે જ્યારે પણ જે વસ્તુની જરૂર ઊભી થતી કે તરત જ તે કોઈને કોઈ દિશાએથી અણધારી રીતે પૂરી થતી રહેતી, અને તોય ખુદીરામ ને ચંદ્રાદેવીની ચિંતાનો છેડો આવતો નહિ. આ રીતે દિવસો જવા લાગ્યા.

૨. ગદાધરની મોહિનીશક્તિ

આ તરફ નવજાત બાળકની ચિત્તને આકર્ષણ કરવાની શક્તિ દિવસે દિવસે વધતી જતી હતી તે માત્ર જનક-જનની ઉપર જ કબજો કરીને અટકી નહિ પણ સકળ પરિવાર વર્ગ અને અડોશપડોશની સ્ત્રીઓ ઉપર પણ ધીરે ધીરે પોતાનો અધિકાર જમાવી બેઠી. મહોલ્લાની સ્ત્રીઓ ફુરસદને વખતે હવે રોજ ચંદ્રાદેવીને મળવા આવતી અને એનું કારણ પૂછે તો કહેતી કે ‘તમારા દીકરાને રોજ જોવાનું મન થાય છે, એટલે કહો, શું કરીએ? રોજ રોજ આવવું પડે છે!’ આસપાસનાં ગામેથી પણ સગીવહાલી સ્ત્રીઓ એ જ કારણે ખુદીરામને રંક ખોરડે હવે પહેલાં કરતાં ઘડીએ ઘડીએ આવવા માંડી. આમ સહુના લાડકોડમાં સુખે ઊછરી આવીને નવજાત બાળક પાંચ મહિનાનો થયો અને તેને અન્નપ્રાશન કરાવવાનો સમય આવી ગયો.

૩. અન્નપ્રાશન પ્રસંગે

ધર્મદાસ લાહાની સહાય

પુત્રના અન્નપ્રાશનના માટે ખુદીરામે પોતાની સ્થિતિ પ્રમાણેની વ્યવસ્થા જ પહેલાં તો ગોઠવેલી. એમણે વિચારેલું કે શાસ્ત્રોક્ત ક્રિયા પૂરી કરીને રઘુવીરનું પ્રસાદી અન્ન પુત્રના મોંમાં ચટાડીને આ કાર્ય પાર પાડી દેશે અને એ પ્રસંગે બે-ચાર નજીકનાં સગાંવહાલાંને જ નોતરશે, પણ થયું કાંઈક જુદું જ. એમના પરમ મિત્ર, ગામના જમીનદાર ધર્મદાસ લાહાની છાનીમાની ચડવણીના પ્રેર્યા ગામના પ્રવીણ બ્રાહ્મણોએ અચાનક આવીને જીદ માંડી કે પુત્રના અન્નપ્રાશનના દિવસે ખુદીરામે એમને ભોજન કરાવવું જ પડશે. એમનો આવો આગ્રહ જોઈને ખુદીરામની મૂંઝવણનો પાર રહ્યો નહિ. કારણ કે ગામના બધા જણ તેમને ઘણાં આદર-માન દેતા, એટલે એમનામાંથી કોને બાકી રાખે ને કોને આમંત્રે તેની સૂઝ તેમને પડતી નહોતી. અને એ બધાંયને બોલાવવાનું ગજું તો એમનું હતું જ ક્યાં ? એટલે ‘રઘુવીર કરે તે ખરું’ એમ બોલીને તેઓ ધર્મદાસની સાથે સલાહમસલત કરીને એ વિશે જે તે નક્કી કરવા એમની પાસે ગયા અને મિત્રનો અભિપ્રાય જાણી લઈને એમને માથે જ કામનો ભાર સોંપી દઈને ઘેર પાછા ફર્યા. ધર્મદાસે પણ આનંદપૂર્વક મોટાભાગનો ખર્ચાે ખુદ પોતે ઉપાડી લઈને બધી જાતનો બંદોબસ્ત કર્યો અને સારી રીતે પ્રસંગને પાર પાડ્યો. અમે સાંભળ્યું છે કે એ રીતે ગદાધરના અન્નપ્રાશન વખતે ગામના બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર બધીયે જાતના લોકો ખુદીરામના ખોરડે આવીને શ્રીરઘુવીરનો પ્રસાદ જમીને તૃપ્ત થયેલા અને સાથે સાથે અનેક દરિદ્ર ભિક્ષુકોએ પણ એવી જ તૃપ્તિ પામીને તેમના પુત્રના દીર્ઘાયુષ્ય અને મંગળ માટે કામના કરેલી.

૪. એ સમય દરમ્યાન ચંદ્રાદેવીની દિવ્યદર્શનશક્તિનો પ્રકાશ

જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ગદાધરની બાલચેષ્ટાઓ વધુ ને વધુ મધુર થતી ગઈ અને પરિણામે ચંદ્રાદેવીનું હૃદય પ્રયાગરાજ સમું એકી સાથે આનંદ-ભયનું સંગમસ્થળ બની રહ્યું. દીકરાના જન્મતાં અગાઉ જે ચંદ્રાદેવી દેવીદેવતાઓ પાસે એકે ય વસ્તુ મેળવવા માટેની પ્રાર્થના નહોતાં કરતાં તે જ ચંદ્રાદેવી હવે પુત્રના કલ્યાણ માટે દિવસમાં સેંકડો વાર, હજારો વાર, જાણ્યે અજાણ્યે એમનાં ચરણોમાં માતૃહૃદયમાંથી ઊઠતાં ગદ્ગદ નિવેદનો કરતાં અને તે છતાં યે પૂરેપૂરાં નિશ્ચિંત બની શકતાં નહિ. આ પ્રમાણે પુત્રનું કલ્યાણ અને સહીસલામતીની દેખભાળ ચંદ્રાદેવીના ધ્યાન-જ્ઞાનના વિષય બની જતાં. એમની અગાઉની દિવ્ય દર્શનશક્તિ એના વડે ઢંકાઈ ગઈ તો પણ એ શક્તિનો સાધારણ પ્રકાશ એમનામાં હજી પણ વચમાં વચમાં ઝબકી જતો અને એમના મનને ક્યારેક વિસ્મયથી તો ક્યારેક પુત્રના ભાવિ અમંગળની શંકા-કુશંકાથી ભરી મૂકતો. અત્યંત વિશ્વાસપાત્ર સ્થળેથી એ બાબતની એક ઘટના અમે સાંભળી છે તેને અહીંયાં કહેવાથી વાચક એ વાત સહેલાઈથી સમજી શકશે.

૫. એ વિષયની ઘટના :

ગદાધરને દીર્ઘકાય જોવો

ત્યારે ગદાધરની વય સાત આઠ મહિનાની થઈ હશે. એક દિવસ સવારે ચંદ્રાદેવી એને સ્તનપાન કરાવી રહ્યાં હતાં. થોડીવારમાં પુત્રને ઊંઘી ગયેલો જોઈને એને મચ્છર કરડી ના જાય એટલા માટે મચ્છરદાનીમાં સુવડાવી દીધો અને પોતે તે ઓરડામાંથી નીકળીને ઘરકામમાં ગૂંથાયાં.

થોડીવાર થઈ હશે અને કાંઈક કામ માટે અચાનક ઓરડામાં આવતાં એમણેે જોયું કે મચ્છરદાનીમાં દીકરો નથી, પણ તેની જગ્યાએ એક લાંબો પહોળો અજાણ્યો માણસ આખી મચ્છરદાની ભરીને સૂઈ રહેલો છે. એકદમ ગભરાઈ જઈને ચંદ્રાદેવી ચીસ પાડી ઊઠયાં અને ઉતાવળા પગલે ઓરડાની બહાર આવીને પતિને બૂમ મારીને બોલાવવા માંડ્યા. ખુદીરામ આવી પહોંચતાં એમને એ વાત કહેતાં કહેતાં બંને પાછાં ઓરડામાં પેઠાં ને જોયું તો ત્યાં તો કોઈ નહોતું. બાળક જેમ ઊંઘતો હતો તેમજ ઊંઘી રહેલો, તો પણ ચંદ્રાદેવીની બીક હટી નહિ. વારંવાર કહેવા લાગ્યાં, ‘નક્કી કોઈ ભૂત-પ્ા્રેતને લીધે આવું થયું છે કારણ કે મેં નજરોનજર ચોખ્ખું દીઠેલું કે દીકરાની જગ્યાએ એક મોટોમસ આદમી સૂતેલો. મને સહેજે ભ્રમ નથી થયો અને અચાનક એવો ભ્રમ પેદા થવાનું કંઈ કારણ પણ નથી. એટલે જેમ બને તેમ જલદી કોઈ જાણકાર ભૂવાને બોલાવો અને છોકરાને બતાડો, નહિ તો કોણ જાણે આને લીધે છોકરાનું કશુંક અનિષ્ટ થશે તો ?’ એ સાંભળીને ખુદીરામ એમને આશ્વાસન આપતાં બોલ્યા કે જે પુત્રના જન્મતાંની પહેલાં આપણે ભાતભાતનાં દિવ્ય દર્શનો પામીને ધન્ય બન્યાં છીએ, એને વિશે હજી પણ એવું કશું દેખાય એમાં નવાઈ નથી. એટલે એ બધાં ભૂતપ્રેતનાં કરતૂત છે એવી વાત તો મનમાં કદી આણશો નહિ. તે ઉપરાંત વળી જે ઘરમાં રઘુવીર સ્વયં બિરાજી રહેલા છે, ત્યાં બધાં ભૂતપ્રેત ભેળાં મળીને પણ કદી સંતાનનું અનિષ્ટ કરી શકે કે ? એટલે ચિંતા છોડો અને આ વાત બીજા કોઈને કોઈ દહાડે કહેતા નહિ. નક્કી જાણો કે રઘુવીર સંતાનનું સર્વદા રક્ષણ કરી રહેલા છે. પતિનાં આવાં વચનોથી ચંદ્રાદેવીને ત્યારે તો હૈયાધારણા બંધાઈ પણ પુત્રના અમંગળની આશંકાનો ઓછાયો એમના મન ઉપરથી પૂરેપૂરો ખસવા પામ્યો નહિ. તે દિવસે એમણે ક્યાંયે લગી બેઉ કર જોડીને કુળદેવતા શ્રીરઘુવીર પાસે અંતરની વ્યથા રજૂ કર્યા કરી.

૬. ગદાધરની નાની બહેન સર્વમંગલા

આ પ્રમાણે આનંદમાં ને આવેગમાં, ઉત્સાહમાં ને આશંકામાં શ્રીગદાધરનાં માતાપિતાના દિવસો વીતવા લાગ્યા અને બાળકે પહેલા દિવસથી જ એમનાં ને બીજાં સહુનાં મન ઉપર જે મધુર આધિપત્ય વિસ્તારેલું તે દિવસે દિવસે વધુને વધુ દૃઢ અને ગાઢ થતું ગયું. એમ કરતાં ચાર-પાંચ વરસ વીતી ગયાં. એ વર્ષો દરમ્યાન ક્યારેક ખુદીરામની સર્વમંગલા નામની સૌથી નાની કન્યાનો જન્મ થયેલો. (ક્રમશ 🙂

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.