સંસારવૃક્ષ:

હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું છે: આ સંસારરૂપી વૃક્ષનાં બે બીજ(પુણ્ય તથા પાપ) છે; અગણિત વાસનાઓ તેનાં સેંકડો મૂળિયાં છે; સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ તેનાં થડ છે; દશ ઇન્દ્રિયો અને એક મન એમ અગિયાર તેની ડાળીઓ છે; વાત, પિત્ત અને કફ તે ત્રણ તેની છાલ છે; સુખ અને દુઃખ એ બે ફળ છે; શબ્દાદિ પાંચ વિષયોરૂપી રસ તેમાંથી ઉત્પન્ન થાય છે અને છેક સૂર્યમંડળ સુધી તે પહોંચેલું છે, તેમાં જીવ અને ઈશ્વરરૂપી બે પક્ષીઓનો માળો છે. અર્થાત્ જીવ તથા ઈશ્વરનું તે રહેઠાણ છે.(ભાગવત-૧૧.૧૨.૨૨)

આ વૃક્ષ સૂક્ષ્મ બ્રહ્માંડ અથવા બૃહદ્‌ બ્રહ્માંડનું પ્રતીક હોઈ શકે છે. વૃક્ષ અંગેનું સાચંુ જ્ઞાન પ્રાપ્ત થવાથી આપણે સંસારમાંથી નિવૃત્ત થઈ શકીએ છીએ. પોતા તરફનો અને સંસાર તરફનો પણ સાચો દૃષ્ટિકોણ હોવો જોઈએ. આ વૃક્ષ મહાન ઈશ્વરીય શક્તિના ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે. વ્યક્તિ અને વિરાટના સંપર્કને શોધી કાઢવા માટે મનને ઉચ્ચતર કેન્દ્રો પર ઉઠાવવું પડે છે.

વૃક્ષનાં મૂળ આપણી અસંખ્ય ઇચ્છાઓ અને વાસનાઓનું પ્રતીક છે. આ ઇચ્છાઓ, પોતાના વ્યક્તિત્વ પ્રત્યેની આ આસક્તિ અને ઇન્દ્રિય-વિષયભોગોની તૃષ્ણા આપણી બધી સમસ્યાઓનું મૂળ કારણ છે. ભક્તિ અને નિષ્કામ કર્મ આ મૂળના બંધનમાંથી આપણને મુક્ત કરે છે.

આ બધાં મૂળ કપાઈ જતાં આખુંય વૃક્ષ પડી જશે. પરંતુ એવા તો વિરલ લોકો જ હોય છે. આપણામાંના મોટા ભાગના લોકો થોડીક જ વાસનાઓનો નાશ કરી શકે છે. બચી ગયેલાં મૂળથી વૃક્ષ જીવિત રહે છે. વાસનાઓનાં બધાં મૂળ કાપી નાખવાં એ એટલું આસાન કાર્ય નથી.

પરંતુ આપણે નિરાશ થવાની જરૂર નથી. જો આપણી સાધના આપણી નિમ્ન પ્રકૃતિને, વાસનાઓનાં મૂળને અધિકાધિક પ્રકાશિત કરતી હોય તો આપણે નિરાશ થવાની જરૂર નથી. ઘણી બધી ખરાબ સ્મૃતિઓ અને સહજ વૃત્તિઓ અચેતન મનમાં ઊંડે દબાયેલી છે. આપણી અજાણમાં તે ત્યાં ઘણા લાંબા સમયથી પડી રહેલી છે. જો તે ક્યારેય પણ ઉપર આવવા લાગે તો આપણે રાજી થવું જોઈએ કે આપણને તેનો પત્તો લાગી ગયો છે. આપણા અંતરની વાસ્તવિક સ્થિતિને જાણીને આપણે શાંત અને સ્થિર બુદ્ધિથી આપણી બધી સમસ્યાઓનું સમાધાન શોધવું જોઈએ. તેનાથી ઊલટું, જો આપણે તે વિચારોને છુપાવીએ અને માત્ર એવું બતાવીએ કે તે વિદ્યમાન નથી તો આપણે આપણી જાતને જ ધોખો દઈશું અને પોતાની આધ્યાત્મિક પ્રગતિને રોકી દઈશું. પોતાની જાત પ્રત્યે સંપૂર્ણપણે કપટ રહિત બનવું ઘણું મુશ્કેલ છે. પરંતુ સત્ય તો તે છે કે નિષ્કપટતા હંમેશાં આપણા વિકાસની નિશાની છે. જો આપણે પોતાના દોષોને સ્વયં જ સ્વીકારીશું નહીં, તો આપણે આપણા જીવનની સમસ્યાઓનો સામનો કરવાનું સાહસ કેવી રીતે કરી શકીશું. અચેતન મનમાં વાતોને છુપાવીને રાખવી એ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ આપણે આવું વિચારીને પોતાની જાતને ધોખો દઈએ છીએ.

ઈસાઈ ધર્મની પાપ-સ્વીકૃતિની પ્રથા અચેતન મનની વાતોને ખાલી કરવાની સમસ્યાનું આંશિક સમાધાન પ્રસ્તુત કરે છે. પરંતુ આ પદ્ધતિ કાયમ સફળ થતી નથી કારણ કે મોટા ભાગના લોકોમાં સાધનાના અભાવે આત્મનિરીક્ષણની ક્ષમતાનો ખૂબ ઓછો વિકાસ થયો હોય છે. એટલું જ નહીં, આ પ્રથા સાથે જોડાયેલ ધર્મશાસ્ત્ર સંબંધી આનુષ્ઠાનિક વાતોની મોટે ભાગે વિપરીત અસર થાય છે.

બીજો ઉપાય છે, અચેતન મનમાંથી પરપોટાની જેમ ઉદ્‌ભવ પામતા વિચારોને પરમાત્મા સમક્ષ રજૂ કરવા. આપણા પૂર્વ સંસ્કારોથી મુક્તિ મેળવવા માટે ભગવાનને આંતરિક પ્રાર્થના કરો. પ્રાર્થના અચેતન મનને શુદ્ધ કરવાનો એક પ્રભાવશાળી ઉપાય સિદ્ધ થઈ શકે છે. પોતાના મનમાં ઉદ્‌ભવતા હલકટ વિચારોથી ગભરાશો નહીં. બીજી બધી વસ્તુઓની જેમ તેમને પણ પરમાત્માને સમર્પિત કરી દો. અવશ્ય આ તેમના માટે સંભવ છે કે જેમને પરમાત્મામાં અત્યધિક વિશ્વાસ છે.

મોટે ભાગે સર્વશ્રેષ્ઠ એક બીજો ઉપાય છે અને તે છે- ઉદ્‌ભવ પામતા બધા વિચારોને, ભલે તે ગમે તેટલા બીભત્સ કેમ ન હોય, સાક્ષીરૂપે તમારે સ્થિર રહેવું. કોઈ પણ ખરાબ મનોવેગ કે ભાવનાને પ્રથમ ઓળખ્યા વિના, તેના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વિના, વાસ્તવમાં તેનાથી છુટકારો મેળવી શકાતો નથી. મનમાં સેંકડો અપવિત્ર વિચાર ઊંડે પડ્યા હોય, પણ તેથી શું? તે બધાથી પોતાને નિર્લિપ્ત રાખવા તે વિશેષ મહત્ત્વનું છે. જ્યારે આપણું ચેતન મન તેની સાથે તાદાત્મ્ય સાધી લે છે ત્યારે વાસ્તવમાં તે આપણા પોતાના બનીને આપણને કષ્ટ આપે છે. પરંતુ એ જાણીને કે આત્મા શુદ્ધ અને નિર્લિપ્ત છે ત્યારે આપણે અપવિત્ર વિચારોથી પ્રભાવિત થતા નથી. સાધકને આ પ્રક્રિયા દ્વારા ઘણી સહાયતા મળે છે. પોતાના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરો અને સારા અથવા ખરાબ વિચારો સાથેનું તાદાત્મ્ય બંધ કરો. ધીમે ધીમે તમે પોતાના વિચારોનું અતિક્રમણ કરવામાં તથા આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવામાં સમર્થ થશો.

જ્ઞાનરૂપી કુહાડી:

શ્રીમદ્ ભાગવતમાં સંસારવૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને કાપવું કઈ રીતે? શ્રીકૃષ્ણ ઉદ્ધવને આ વૃક્ષ કાપવાનો ઉપાય બતાવે છે:

एवं गुरुपासनयैकभक्त्या
विद्याकुठारेण शितेन धीरः।
विवृश्च्य जीवाशयमप्रमत्तः
सम्पद्य चात्मानमथ त्यजास्त्रम्।।

‘અપ્રમાદી બનીને, ગુરુની સેવા કરી તે દ્વારા પ્રાપ્ત કરેલી એકાંતિક ભક્તિ વડે તીક્ષ્ણ કરેલી જ્ઞાનરૂપી કુહાડીથી જીવઉપાધિરૂપ ત્રિગુણાત્મક લિંગશરીર છેદી, આત્માને પામી તે જ્ઞાનરૂપી અસ્ત્રનો પણ ત્યાગ કરો.

મનની વિવેકશક્તિ જ જ્ઞાનરૂપી કુહાડી છે. ધાર વિનાના શસ્ત્રથી, સ્થૂળ બુદ્ધિથી કંઈ મળી શકતું નથી. મંદ, આળસુ મન દ્વારા તમે ક્યારેય સંસારવૃક્ષને કાપી શકશો નહીં. નિરંતર સંઘર્ષ દ્વારા મનને તીક્ષ્ણ-સજ્જ બનાવીને જ વૃક્ષછેદનની પ્રક્રિયાનો પ્રારંભ કરી શકાય છે. આ પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, મન સાથેનું તાદાત્મ્ય સમાપ્ત ન થાય ત્યાં સુધી આ અસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ નહીં.

ઘણા બધા લોકો આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો તેની સાથે સંકળાયેલ કષ્ટ વેઠવા તૈયાર હોય છે. આ જ એક મુશ્કેલી છે. વિશ્વના સમસ્ત ધર્માેના પુરાતન ઋષિઓનો સંદેશ પ્રતિધ્વનિત કરતી સ્વામીજીની વાણી સાંભળો ઃ

સ્વર્ગમાં એક વીણા મળશે અને હું એને આરામથી વગાડીશ એવી અપેક્ષા રાખવા કરતાં, વીણા લઈને હમણાં વગાડવાનું શરૂ જ શા માટે ન કરો ? સ્વર્ગે જવાની વાટ શા માટે જુઓ છો ? અહીં જ સ્વર્ગ બનાવો. સ્વર્ગમાં નથી પરણવાનું કે નથી પરણાવવાનું. તો પછી તરત જ શરૂઆત શા માટે ન કરવી અને અહીં જ કાં અપરિણીત ન રહેવું ? સંન્યાસીનો ભગવો ઝભ્ભો મુક્તિનું ચિહ્ન છે. દુનિયાના ભિખારીનો વેશ છોડી દો; મુક્તિનો ધ્વજ, ભગવો ધારણ કરો… પૃથ્વી પરનું જે પવિત્રમાં પવિત્ર અને શ્રેષ્ઠ હોય તેનું ઈશ્વરની વેદી ઉપર બલિદાન આપો.

કદીય પ્રયત્ન નહિ કરનાર કરતાં જે પ્રયત્ન કરે છે તે સારો છે. જેણે ત્યાગ કર્યાે છે તેના દર્શનમાત્રથી પણ પાવનકારી અસર થાય છે. ઈશ્વરને માટે ખડા રહો; દુનિયાને જવા દો. કશી બાંધછોડ ન કરો. દુનિયા છોડો, તો જ તમે દેહમાંથી છૂટા થશો; જ્યારે દેહ પડશે, ત્યારે તમે ‘આઝાદ’ થશો. મુક્ત બનો. એકલું મૃત્યુ જ આપણને કદી મુક્ત નહિ કરી શકે. જીવન દરમિયાન આપણા પોતાના પ્રયાસોથી જ મુક્તિ મેળવવી જોઈએ; પછી જ્યારે શરીર પડે ત્યારે મુક્ત પુરુષને માટે પુનર્જન્મ રહેશે નહિ… ‘પવિત્ર હૃદયવાળા ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે.’ જો બધા ગ્રંથો અને પયગંબરો ગુમ થઈ જાય તો પણ આ એક જ વાકય માનવજાતનો ઉદ્ધાર કરી શકે. હૃદયની આ પવિત્રતા ઈશ્વરનું દર્શન કરાવશે. વિશ્વના સમગ્ર સંગીતનો આ પ્રધાન સૂર છે. પવિત્રતામાં કોઈ બંધન નથી. પવિત્રતા વડે અજ્ઞાનનાં આવરણ દૂર કરો; પછી આપણે જેવા ખરેખર છીએ તેવા પ્રકટ થઈશું અને જાણીશું કે આપણે કદીય બંધનમાં હતા નહિ. અનેકને જોવું એ જ દુનિયાનું મહાન પાપ છે. સૌને આત્મા તરીકે જુઓ અને બધાંને ચાહો; અલગતાનો સઘળો ખ્યાલ કાઢી નાખો.

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.