(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે સભાન હતા. તેઓનું બાળપણનું નામ હતું ગદાધર. આ પ્રેરક કથામાં ગદાધર સનાતન ધર્મના જ્યોતિર્ધર સાધુ-સંન્યાસીઓને કેટલું સન્માન આપે છે એ સ્વામી સારદાનંદજીએ લિપિબદ્ધ કર્યું છે. બાળપણમાં જ ગદાધરે પોતાના પિતાનો આશ્રય ગુમાવ્યો હતો. – સં.)

ગદાધર પહેલાંની જેમ નિશાળે ભણવા જતો હતો. પણ પુરાણકથા ને જાત્રાગીતો સાંભળવામાં અને દેવદેવીની મૂર્તિઓ ઘડવામાં હવે એને ભણવા કરતાં વધારે રસ પડતો હતો. આ વિષયોમાં મન પરોવવાથી પિતાના વિયોગનું દુઃખ ઘણે અંશે વીસરી શકાય છે એમ એને લાગવાથી જ કદાચ એણે ત્યારે આ બધાંનો ખાસ આધાર લીધેલો. બાળકનો અસાધારણ સ્વભાવ એ દિવસોમાં એક બીજી નવી જ પ્રવૃત્તિ તરફ દોરી ગયેલો. ગામના અગ્નિ કોણમાં જગન્નાથપુરી જવાના રસ્તે જમીનદાર લાહાબાબુએ યાત્રાળુઓની સગવડ માટે એક ધર્મશાળા બંધાવેલી. જગન્નાથજીના દર્શને જતાં અને ત્યાંથી પાછા ફરતાં ઘણીવાર સાધુવેરાગીઓ એનો આશરો લેતા અને ગામમાં જઈને ભિક્ષા માગી લાવતા. સંસારની અનિત્યતાની વાત આ પહેલાં ગદાધરના સાંભળવામાં તો આવેલી હતી અને હવે પિતાના મૃત્યુથી એને એ વિષયનો સાક્ષાત્ પરિચય પણ થઈ ચૂક્યો હતો. સાધુવેરાગીઓ અનિત્ય સંસારનો ત્યાગ કરીને શ્રીભગવાનનો સાક્ષાત્કાર કરવાની આકાંક્ષા સેવતા પોતાનો કાળ નિર્ગમન કરે છે, તથા સાધુસંગ માનવને પરમ શાંતિ આપીને કૃતાર્થ કરે છે એ વાત પણ બાળકે પુરાણોમાંથી જાણેલી. એટલે સાધુસંતોની સાથે ઓળખાણ પિછાણ કરવાની આશાએ બાળક પેલી ધર્મશાળાએ વચમાં વચમાં આવવા જવા લાગેલો. પ્રાતઃકાળે અને સંધ્યાકાળે ધૂણીના પાવક અગ્નિને ધખાવીને કેવા એ લોકો ભગવદ્‌ધ્યાનમાં નિમગ્ન થતા, ભિક્ષામાં મળેલું સાધારણ ભોજન પોતાના ઇષ્ટદેવતાને ધરાવીને કેવા તો સંતોષપૂર્વક એ પ્રસાદ જમતા, રોગની અતિશય પીડા થઈ રહેલી હોય ત્યારે પણ જે રીતે શ્રીભગવાનનું શરણ લઈને એને ધીરજથી સહન કરવાની કોશિશ કરતા, પોતાની ખાસ જરૂરિયાત પૂરી કરવા માટે પણ કોઈને ય તકલીફ આપવાનું ટાળતા; તો વળી બીજી તરફ સાધુવેરાગીનો સ્વાંગ સજીને ફરતા ધુતારાઓ બધી જ રીતે સદાચારથી સાવ ઊલટું જ આચરણ કરીને સ્વાર્થસુખની સાધનામાં જ જીવન ગાળતા એવી બધી બાબતો એ સમય દરમ્યાન પ્રસંગે પ્રસંગે બાળકની નજરમાં આવવા માંડી. એમ કરતાં ધીમે ધીમે ખરા સાધુઓને દેખીને એમને રાંધવા કરવા માટે બળતણનાં લાકડાં લઈ આવવાં, પીવા માટે પાણી ભરી લાવવું એવાં નાનાં નાનાં કામકાજમાં મદદરૂપ બનીને એમની સંગાથે ઘનિષ્ટતાથી તે હળવા-ભળવા લાગ્યો. અને એ લોકો પણ આ ફૂટડા બાળકના મધુર વ્યવહારથી સંતોષ પામીને એને ભજનો શીખવતા, જાતજાતનો સદુપદેશ દેતા અને પ્રસાદી ભિક્ષાન્નમાંથી ભાગ આપીને એની સાથે બેસીને જમવામાં આનંદનો અનુભવ કરવા લાગ્યા. એ ખરું કે જે સાધુઓ એ ધર્મશાળામાં કોઈક કારણથી લાંબો વખત રહેતા, એમની સંગાથે જ બાળક આ પ્રમાણે હળીમળી શકેલો.

ગદાધર આઠેક વરસનો થયો એ ગાળામાં કેટલાક સાધુઓ લાંબી મજલનો થાક ઉતારવા માટે કે પછી બીજા કોઈક કારણે લાહાબાબુની ધર્મશાળામાં એવી રીતે લાંબો વખત રહી ગયેલા. ઉપર વર્ણવ્યા પ્રમાણે બાળક એમની સાથે હળતાં મળતાં જોતજોતામાં એમને વહાલો થઈ પડ્યો. પહેલાં પહેલાં તો એમની સાથે એના આ રીતે હળવા ભળવાની વાત કોઈએ જાણેલી નહિ પણ પછી જ્યારે એ સંબંધ ગાઢો થતાં જતાં ગદાધર એમની સોબતમાં ઘણો બધો વખત વિતાવવા માંડ્યો ત્યારે એ વાત કોઈનાથી છાની રહી નહિ. કેમ કે કોઈ કોઈ દહાડો એ લોકોની સાથે તે સારી પેઠે ખાઈપીને આવે ત્યાર પછી ઘરમાં કશુંયે ખાય નહિ. એનું કારણ ચંદ્રાદેવીએ પૂછતાં એણે બધી વાત કરી દીધી. એ સાંભળીને શરૂઆતમાં તો ચંદ્રાદેવીને કશી ફિકર ના થઈ, અને બાળક તરફની સાધુસંતની પ્રસન્નતાને આશીર્વાદરૂપે ગ્રહણ કરીને તેઓ એની મારફત સાધુઓને ખૂબ ખાવાપીવાનું મોકલવા લાગ્યાં. પણ તે પછી જ્યારે બાળક કોઈ દહાડો શરીરે ભભૂતિ ચોળીને, કોઈ દહાડો તિલક લગાવીને તો વળી કોઈ દહાડો પોતાનું પહેરેલું ધોતિયું ફાડીને સાધુઓની જેમ તેનાં કૌપીન-બહિર્વાસ પહેરી ઘેર આવીને ‘મા, મા, જો. સાધુઓએ મને કેવો વેશ પહેરાવ્યો છે’, એમ કહેતો એમની સામે ઊભો રહેવા માંડ્યો, ત્યારે ચંદ્રાદેવીના મનમાં મોટી ફાળ પડી. એમને થયું કે આ સાધુડા એમના દીકરાને ભરમાવીને કોઈક દિવસ એમની ભેગા તો નહિ લઈ જાય ને? આવી આશંકાની વાત એક દિવસ ગદાધરને કરીને ચંદ્રાદેવી આંસુ સારવા લાગ્યાં. બાળકે અનેક પ્રકારે આશ્વાસન આપવા છતાં તે એમને છાનાં રાખી શક્યો નહિ. ત્યારે હવેથી કોઈ દિવસ સાધુઓ પાસે નહિ જાઉં એમ પોતે મનમાં નક્કી કરીને માને એ વાત જણાવીને તેમની ચિંતા દૂર કરી. પછી એ નિશ્ચયને અમલમાં મૂકતાં પહેલાં છેવટની વિદાય લેવા ગદાધર સાધુઓ પાસે ગયો અને એમ કરવાનું કારણ પૂછવામાં આવતાં એણે માતાના મનમાં ઉપજેલી બીકની વાત જણાવી. એટલે સાધુઓ બાળકની સાથે ચંદ્રાદેવી પાસે ગયા અને એમને ભારપૂર્વક સમજાવીને કહ્યું કે ગદાધરને એવી રીતે સાથે ઉપાડી જવાનો વિચાર સુઘ્ધાં ક્યારેય એમના મનમાં આવ્યો નથી, અને એવી રીતે માતાપિતાની સંમતિ વગર નાની ઉંમરના બાળકને પોતાની સાથે લઈ જઈ કરેલા અપહરણને તો તેઓ સાધુઓ માટે મોટો અપરાધ ગણે છે. એ સાંભળીને પછી ચંદ્રાદેવીના મનમાં આવેલી શંકાનો ઓછાયો સુધ્ધાં દૂર થઈ ગયો અને સાધુઓની વિનંતીને માન આપીને તેમણે બાળકને તેમની પાસે પહેલાંની જેમ અવરજવર કરવાની રજા આપી.

Total Views: 513

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.