[રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ” વિષે પ્રશ્નોના અંગ્રેજીમાં આપેલા ઉત્તરોનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત કરતાં અમને આનંદ થાય છે. અનુવાદક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી-સં.]

પ્રશ્ન : શિષ્યના જીવનમાં “દીક્ષા”નું મહત્ત્વ શું છે ? એનો અર્થ શો છે ?

ઉત્તર : આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત ઘણા લોકો પૂછતા હોય છે. તેથી પહેલાં હું એની જ ચર્ચા કરીશ. ‘દીક્ષા’ શું છે ? હવે, શાસ્ત્રોમાં તેમ જ અન્ય સાહિત્યમાં પણ દરેક બાબતમાં આવી કોઈક પ્રકારની ‘દીક્ષા’ – પરિચયવિધિ કે આરંભવિધિ દર્શાવેલી છે. સૌ પ્રથમ પથ્થરપાટી ઉપર લખવા માટે બાળકને મદદ કરવામાં શિક્ષક પોતાના હાથમાં પેન લઈને બાળકના હાથમાં પકડાવે છે અને પછી બાળકનો હાથ પકડીને લખે છે. અક્ષરો શું છે તે જાણવા માટે એ પણ એક પ્રકારની પરિચયવિધિ, પ્રારંભવિધિ – ‘દીક્ષા’ જ છે. આવી જ રીતે ઇસ્લામ, બૌદ્ધધર્મ અને હિન્દુ ધર્મમાં, ગાયત્રી મંત્ર અને યજ્ઞોપવીત-જનોઈ આપવામાં ‘દીક્ષા’નાં વિવિધ સ્વરૂપો દર્શાવેલાં છે. ‘દીક્ષા’નું આવું પણ એક સ્વરૂપ છે. યજ્ઞ કરતી વખતે પણ ‘દીક્ષા’ લેવાનું વિધાન છે. એટલે આમ ‘દીક્ષા’ના જુદાજુદા પ્રકારો છે.

પણ આપણને અહીં ‘દીક્ષા’ના બધાજ પરકારો સાથે સંબંધ નથી. જે લોકોએ અમારી પાસેથી દીક્ષા લીધી છે, તેમના મનમાં દીક્ષાનું અમુક ખાસ સ્વરૂપ છે. તેઓ જાણવા માગે છે કે તે શું છે ? સ્વામી સારદાનંદના “લીલાપ્રસંગ” (Ramakrishna : The Great Master)માં આપણે વાંચીએ તો જણાય છે કે, એમાં ત્રણ પ્રકારની ‘દીક્ષાઓ’ બતાવવામાં આવી છે. એક તો છે ‘આણ્વી’ અથવા ‘માન્ત્રી’ દીક્ષા. એટલે કે મંત્ર દ્વારા દીક્ષા. આ મહાન ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે આપણને જાણવા મળે છે કે, શ્રીરામકૃષ્ણે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓને શ્રી વૈકુંઠનાથ સન્યાલ, સ્વામી નિરંજનાનંદ અને અન્ય એક ભક્ત શ્રી તેજનારાયણને ‘દીક્ષા મંત્ર’ આપ્યો હતો. આ ‘મંત્ર દીક્ષા’ છે. તેમને મંત્ર આપવામાં આવ્યો હતો તેથી આ મંત્ર દ્વારા અપાયેલી દીક્ષા છે. આપણે એ પણ જાણીએ છીએ કે, શ્રીરામકૃષ્ણ દ્વારા સ્વામી વિવેકાનંદને ‘રામ-નામ-મંત્ર’ મળ્યો હતો. અન્ય લોકોથી શ્રીરામકૃષ્ણનું રક્ષણ કરતા હોય તેમ ખભે લાઠી રાખીને તે આખી રાત તેમણે કાશીપુરના મકાનની ચોતરફ આંટા માર્યા કર્યા હતા. પુંથી (શ્રીરામકૃષ્ણ પુંથી)ના લેખક શ્રી અક્ષયકુમાર સેન કહે છે કે, ‘કલ્પતરુ’ના દિવસે, એટલે કે સને 1886ના જાન્યુઆરી માસની પહેલી તારીખે તેમણે શ્રીરામકૃષ્ણ પાસેથી એ મંત્ર લીધો હતો. આપણે એ પણ જાણીએ છીએ કે, શ્રીરામકૃષ્ણ કેટલાક લોકોની જીભ પર પણ કેટલીક વાર મંત્રો લખતા. એટલે આ રીતે પણ તેઓ ‘મંત્રદીક્ષા’ આપતા.

વળી, બીજા પ્રકારની એક ‘શાક્તિદીક્ષા’ પણ છે. એનો અર્થ એક વ્યક્તિની શક્તિનું બીજી વ્યક્તિમાં સંક્રમણ કરવું, એવો થાય છે. જેમની હું વાત કરી રહ્યો છું, તે ગુરુ શ્રીરામકૃષ્ણ પોતાની શક્તિનું પોતાના કેટલાક શિષ્યોમાં સંક્રમણ કરતા. એનું એક વિખ્યાત ઉદાહરણ આપ સૌ જાણો છો. પોતાની મહાસમાધિના બે દિવસ પહેલાં તેમણે સ્વામી વિવેકાનંદમાં, તે સમયના નરેન્દ્રનાથમાં, પોતાની બધી શક્તિઓનું સંક્રમણ કરીને કહ્યું હતું : “તને આ બધું આપી દઈને હવે હું ફકીર, અકિંચન બની ગયો છું.” વળી, “શ્રીરામકૃષ્ણ કથામૃત” અને “લીલાપ્રસંગ” વાંચતાં તમને જણાશે કે, શ્રીરામકૃષ્ણ પોતાની શક્તિઓનું અન્ય લોકોમાં સંક્રમણ કરે છે અને વાદશૂરા શિષ્યોને શાંત કરી દે છે. આ રીતે તેઓ શક્તિસંચાર કરતા. આનું નામ “શાક્તિ દીક્ષા” કહેવાય છે.

ત્રીજા પ્રકારની એક દીક્ષા, તે “શાંભવી દીક્ષા” છે. એમાં ગુરુ અને શિષ્યને શું થઈ રહ્યું છે, એની કશી ખબર પડતી નથી, પણ કોઈક રીતે ગુરુ કે શિષ્યની જાણ વગર જ ગુરુની શક્તિઓ શિષ્યમાં સંક્રાન્ત થઈ ઊઠે છે. આવું થાય છે, એટલે આપણે માનીએ છીએ અને એ કેટલાક લોકોની બાબતમાં આવું અવશ્ય બન્યું જ હતું કે જે કેટલાક લોકો શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવ્યા હતા, જેમણે કદાચ તેમને દૂરથી માત્ર જોયા જ હતા, કે જેમણે તેમની સાથે પ્રસંગોપાત્ત થોડી વાતચીત કરી લીધી હતી. આ રીતે કેવળ સ્પર્શમાત્રથી, કેવળ વાતચીતથી જ, કંઈક ખરેખર થઈ રહ્યું છે, એવી કોઈને કશી જાણ થયા વગર જ, તેઓ આમ શ્રીરામકૃષ્ણના વાસ્તવિક શિષ્યો બની ગયા. આ રીતે “લીલા પ્રસંગ”માં આ ત્રણ પ્રકારની ‘દીક્ષાઓ’ની ચર્ચા કરવામાં આવી છે.

પરંતુ, આપણને અહીં એ બધા પ્રકારો સાથે સંબંધ નથી. આપણને તો અહીં અમારા દ્વારા કેટલાક સાધકોને અપાતી સામાન્ય દીક્ષા-મંત્રદીક્ષા સાથે જ સંબંધ છે. ત્યારે એનો શો અર્થ છે ? થોડા દિવસો પહેલાં એક વાર એક છોકરીએ આવીને મને કહ્યું : “મને તો દીક્ષા દરમિયાન કંઈ નવી પ્રેરણા થતી નથી.” મેં કહ્યું : “વારુ, નવી પ્રેરણા પ્રાપ્ત કરવા માટે તમારે પાત્રતા કેળવવી જ જોઈએ.” શાસ્ત્રકારોએ કહ્યું છે કે ગુરુમાં કેટલાક ગુણો હોવા જોઈએ. એ વગર કોઈ ગુરુ બની શકે નહિ. “श्रोंत्रियं ब्रह्मनिष्ठम्” તે ‘શ્રોત્રિય’ અને ‘બ્રહ્મનિષ્ઠ’ હોવા જોઈએ. જેમનું વર્તન વેદ અનુસાર હોય, શાસ્ત્રાનુસાર હોય, જેમનું વર્તન કોઈ પણ ટીકાટિપ્પણથી પર હોય તેને ‘શ્રોત્રિય’ કહેવામાં આવે છે. બધી આલોચનાથી એ વેગળા જ હોય છે, તે સત્યથી જ ભરેલા હોય છે, તેઓ ઈશ્વરપરાયણ જ હોય, વગેરે… વળી, તે ‘બ્રહ્મનિષ્ઠ’ પણ હોવા જોઈએ. હંમેશાં ઈશ્વરના, બ્રહ્મના ચિંતનમાં તે મગ્ન રહેતા હોવા જોઈએ, વગેરે-વગેરે… ગુરુના આ ગુણો છે, આ તેમની પાત્રતા છે. વળી, ‘વિવેકચૂડામણિ’ તેમજ બીજા સ્થળોએ પણ કહેવામાં આવ્યું છે કે, ગુરુ “अवृजिनेऽकामहतः ।” અહીં ‘अवृजिनः’ શબ્દના બે અર્થ છે : એક તો ‘નિષ્પાપ’ અને બીજો ‘વક્રતારહિત’ વક્રતા વગરનો, જે પોતાના શિષ્યને છેતરે નહિ. વળી તે ‘अकामहतः’ પણ હોવા જોઈએ. કોઈ ધનસંપત્તિ વગર વસ્તુ મેળવવા માટેની આશા-આકાંક્ષાના આવેગોની કોઈ અસર તેમના ઉપર ન થવી જોઈએ, ગુરુમાં આ ગુણો હોવા ઘટે.

શિષ્યમાં પણ આદર્શ શિષ્ય થવા માટે ઘણા ગુણો હોવા જરૂરી છે. એવી પ્રેરણા પ્રાપ્ત થાય, એ માટે દીક્ષા લેતી વખતે જ દીક્ષાર્થીએ પૂર્વ તૈયારી સાથે તૈયાર રહેવું જોઈએ. આ પૂર્વ તૈયારી – શી છે ? ‘વેદાન્તસૂત્રો’ પરના શ્રી શંકરાચાર્યના ભાષ્યમાં તે ગણાવવામાં આવી છે કે, શિષ્ય-દીક્ષા લેનાર-માં षट्सम्पत्ति છ પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. એ કેવા પ્રકારની સંપત્તિ છે ? તે છે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. તેને પોતાના શરીર અને મન ઉપર સંયમ હોવો જોઈએ; પછી, સાંસારિકતાથી તે થોડો વિમુખ પણ હોવો જોઈએ; તે સંપૂર્ણ સંન્યાસી તો ભલે ન હોય, પણ તેનું મન સાંસારિક બાબતોમાં ગળાડૂબ પણ ન હોવું જોઈએ. કેટલેક અંશે તે તેનાથી અલિપ્ત હોવો જ જોઈએ. નહિતર તે ઈશ્વર પાછળ કેવી રીતે દોડી શકશે ? એટલે જો મન પૂરેપૂરું સંસારમાં ખૂંપેલું હોય, તો ઈશ્વર વિષે વિચાર કરવા માટે કે ઈશ્વરનું અનુસરણ કરવા માટે તેની પાસે કશું જ બચશે નહિ. એટલા માટે કેટલેક અંશે અનાસક્તિ જરૂરી છે. ત્યાર પછી આવે તિતિક્ષાઃ ‘વિવેકચૂડામણિ’ (શ્લોક 24) પ્રમાણે “सहनं सर्वदुःखानामप्रतिकःरपूर्वकं” ‘તિતિક્ષા’ એટલે સહન કરવું. આનો અર્થ છે : દુષ્ટતા સામે દુષ્ટતા ન દાખવવી, પણ કોઈએ ખરાબ વર્તન કર્યું હોય કે કોઈએ છેતરપિંડી કરી હોય, ત્યારે પણ માણસે શાંત રહેવું, એવો અર્થ છે. એ માણસને ખબર છે કે અમુકે દગાબાજી કરી છે. છતાં એનો પ્રતિકાર કરતો નથી, આનું નામ ‘તિતિક્ષા’ કહેવાય. ગમે તેવું દુઃખ, પીડા આવી પડે તોય જરાપણ ક્ષુબ્ધ થયા વગર સહન કર્યે જવું, એનું નામ તિતિક્ષા. એ પછી આવે છે ‘શ્રદ્ધા.’ ગુરુમાં અને શાસ્ત્રોમાં શ્રદ્ધા-વિશ્વાસ જોઈએ. ત્યાર પછી આવે છે ‘સમાધાન’ – મનની સ્થિરતા-અવધાન. ગુરુ કંઈક શિખવાડે છે, પણ શિષ્યોનું મન અહીં-તહીં ભટક્યા કરે છે. આ જાતની ચંચલતા, ગુરુએ આપેલા મંત્રનો સંદેશ પામવા માટે શિષ્યને કશી મદદ કરી શકે નહિ. તેથી શિષ્યે આ બધી વસ્તુઓથી સજ્જ બની જવું જોઈએ.

વળી, વધારામાં શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, નિત્ય અને અનિત્ય, સત્ અને અસત્‌, સારા અને ખરાબની વચ્ચેનો ભેદ-વિવેક-વિચાર પણ તેને હોવો જોઈએ, “नित्यानित्यवस्तुविवेकः” ત્યાર પછી છે “इहामुत्रफलभोगविरागः” એટલે કે અહીંના અને પરલોકના ભોગોમાં વૈરાગ્ય, અનાસક્તિ જોઈએ અને પછી છેલ્લે આવે છે मुमुक्षुत्व, એટલે કે મોક્ષ પામવાની ઝંખના મુક્તિની ઝંખના હોવી જ જોઈએ, એ જ સાચી ધર્મસિદ્ધિ છે. આગળ બતાવેલી બીજી બાબતો નૈતિકતાના પરિઘમાં આવે છે, પણ मुमुक्षुत्व જ સાચા ધર્મનો મર્મ સ્પષ્ટ કરે છે. એ ધર્મને એનું આધ્યાત્મિક રૂપ આપી દે છે. આ બધી બાબતોથી શિષ્ય જ્યારે સજ્જ બની જાય છે, અને યોગ્ય ગુરુ પાસે જાય છે, ત્યારે અપાયેલી ‘દીક્ષા’ એ સાચી ‘દીક્ષા’ છે. ત્યારે તે ખરી પ્રેરણા મેળવે છે, ત્યારે તે ઊર્ધ્વગામી બને છે.

પણ જ્યારે ગુરુ પૂર્ણ યોગ્ય ન હોય અને શિષ્ય પણ બરાબર સજ્જ ન થયો હોય ત્યારે પણ ‘દીક્ષા’ થઈ શકે છે, એ કેવી રીતે ? નવા આવેલા છોકરાઓને જુદાજુદા વર્ગોમાં જુદાજુદા લોકો વડે શિખવાડી શકાય છે. એ.બી.સી.ડી. શિખવાડવા માટે કંઈ પ્રથમ શ્રેણી લઈને એમ. એ. પાસ થનારને લાવવામાં આવતો નથી. એક સામાન્ય માણસ પણ એવાને મૂળાક્ષરો શિખવાડી શકે છે. આ રીતે છઠ્ઠા કે સાતમા ધોરણના વિદ્યાર્થીને શિખવાડવા માટે તમારે કોઈ સ્નાતક-ગ્રેજ્યુએટની પણ જરૂર પડતી નથી. એક મેટ્રિક પાસ થયેલો પણ એવાને સારી રીતે શીખવી શકે છે. આવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં પણ જુદીજુદી શક્તિ ધરાવતા ગુરુઓના અનેક વર્ગો હોઈ શકે છે. અને શિષ્યો પણ ઘણી કક્ષાઓના હોઈ શકે છે. આમ, ગુરુ અને શિષ્યો સર્વોચ્ચ કક્ષાના ન હોવા છતાં પણ તે બંનેની વચ્ચે પરસ્પર સમજવા-સમજાવવાની પ્રક્રિયા થઈ શકે છે. આધ્યાત્મિકતા કે અધ્યાત્મજ્ઞાન આપવા-લેવાની પ્રક્રિયા થઈ શકે છે.

આવી શક્યતા છે. એથી મેં કહ્યું કે જ્યાં સુધી શિષ્ય પૂરેપૂરો સજ્જ ન થયો હોય, ત્યાં સુધી તેણે ગુરુ ઉપર દોષારોપણ ન કરવું જોઈએ કે, મને ફલાણી વસ્તુ મળવી જોઈતી હતી અને છતાં ન મળી ! સુયોગ્ય પાત્રતા, સુયોગ્ય અધિકાર મેળવવા માટે શિષ્યે પોતાને તૈયાર કરવો જોઈએ. એની એવી તૈયારી વગર તો ગુરુ કંઈ બધું કરી શકતા નથી. ખુદ શ્રીરામકૃષ્ણે પણ એક શિષ્યને કહ્યું હતું કે, “જુઓ તો આ ભાઈને ? આ ભાઈ મારી પાસે જ દહીં જમાવવાનું, એમાંથી માખણ તૈયાર કરવાનું અને એ એના મોઢામાં મૂકી દેવાનું-બધું જ કરાવવા માગે છે ! એને કશું, કશું જ કરવું નથી. એને માટે બધું જ હું કરી આપું, એવી આશા રાખી બેઠો છે !” શિષ્યમાં આવા પ્રકારનું વલણ ન હોવું જોઈએ. ત્યારે સામાન્ય દાખલામાં શિષ્ય માટે ‘દીક્ષા’નો શો અર્થ છે ? એનો અર્થ એ છે કે ‘દીક્ષા’ લેતી વખતે એ એક પ્રકારનું વ્રત લે છે, એક પ્રકારની પ્રતિજ્ઞા લે છે કે, તે ગુરુએ આપેલ ઉપદેશનું આજીવન પાલન કરશે. શા માટે ? ઈશ્વરના સાક્ષાત્કાર માટે. ઈશ્વર સાક્ષાત્કાર માટે તે પોતાનું આખું જીવન પ્રયત્ન કરશે. પણ ઈશ્વર ત્યારે જ આવશે કે જો તે એને રીઝવી શકશે.

અહીં હું શ્રીશ્રીમાના જીવનનો એક પ્રસંગ ફરી કહીશ. તે પ્રસંગ આ છે : ઋષિકેશમાં તપસ્યા કરી રહેલા એક સાધુએ શ્રીશ્રીમાને લખ્યું : “માતાજી, આ દિવસો દરમિયાન હું ઈશ્વરને સતત બોલાવતો જ રહ્યો છું, પણ અત્યાર સુધી કશું જ થયું નથી.” ત્યારે પોતાને પત્રો લખનાર એ લેખકને માતાજીએ કહ્યું : “તો તેને જ લખીને મોકલ ને ! તું સંન્યાસી થયો છે, અને ઈશ્વરને પુકારવો, એ તારું કર્તવ્ય છે. જ્યારે તારું નિમંત્રણ એને રીઝવશે, ત્યારે તે તારી પાસે આવશે. એને પુકારવો એ તારું કર્તવ્ય છે.” એટલે જે ધર્મને માર્ગે અગ્રસર થયો હોય, તેનું વલણ આવું હોવું જ જોઈએ : ‘હું ઈશ્વરને ઇચ્છું છું, મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે, એટલે હું આ ચાલુ જ રાખીશ. આ પ્રકારનો નિશ્ચય તેનામાં હોવો જોઈએ. હું ઈશ્વરને મળવા આતુર રહ્યા કરીશ કે જેથી એ આતુરતા ઈશ્વરને મારી સમક્ષ પ્રકટ થવા માટે રીઝવી શકે. હા, જો કે એ તો તેની પોતાની ઇચ્છા પ્રમાણે જ, તેના પોતાના જ સમયે અને તેની પોતાની જ અનુકૂળતાએ થશે. એની અનુકૂળતા પ્રમાણે અને એની પોતાની મધુર ઇચ્છા પ્રમાણે તે મારી પાસે આવશે. પણ મારું કર્તવ્ય તો નિરંતર એને યાદ કર્યા કરવાનું જ છે.’ સાધારણ ઉદાહરણોમાં ‘દીક્ષા’નો આ અર્થ છે.

હા, એટલું ચોક્કસ કે એથી કોઈક પ્રકારનો નવો પ્રકાશ શિષ્યને સાંપડે છે, ખરો. એ ઈશ્વરને ઇચ્છતો તો હતો, પણ કોઈએ પણ એને સાચા માર્ગ પર ચડાવ્યો ન હતો. તેના મનમાં આડાઅવળા વિચારો છે અને જ્યાં સુધી આ બાબતમાં નિપુણ કોઈ માણસ પાસેથી એ પૂરેપૂરી ચોકસાઈથી તાલીમની વિધિ ન પામે ત્યાં સુધી, જ્યાં સુધી એવો નિપુણજન એને દોરે નહિ ત્યાં સુધી એ ડગલે ને પગલે ભૂલો કરતો જ રહેવાનો. અને છેવટે છિન્નવિચ્છિન્ન પણ થઈ જવાનો. એટલા માટે કેટલાક માણસો ‘મંત્ર’ લે છે, તે ‘મંત્ર’ મનના તરંગમાં પછી ગમે તેવો ભલે ને હોય ! અરે, કશાય અર્થ વગરનો પણ હોય ! છતાં તેઓ ચલાવ્યે રાખે છે અને પછી થોડા સમય બાદ ફરીથી વળી કોઈ બીજા પાસે દોડી જાય છે અને કહે છે : ‘મને મંત્ર આપો.’ વળી પાછા કોઈ અન્ય માણસ પાસે દોડે છે અને કહે છે કે, ‘મને મંત્ર આપો.’ જીવનમાં આ કંઈ સ્થિરતા ન કહેવાય. એ સ્થિરતા તો ત્યારે આવે છે કે જ્યારે માણસ કોઈકને દૃઢતાપૂર્વક પોતાના ગુરુ તરીકે સ્વીકારે. આપણે શાળાએ જઈએ છીએ, આપણા વર્ગોમાં શિક્ષણ આપવા માટે કેટલાક શિક્ષકો નિશ્ચિત થયેલા હોય છે. આપણે તેમણે આપેલા શિક્ષણને અનુસરીએ છીએ અને તેથી આપણે પ્રગતિ કરીએ છીએ. શિષ્ય તેમજ ગુરુ એમ બંને પક્ષે કશુંક સુવ્યવસ્થિત, નિર્ણયાત્મક હોવું જોઈએ. ટૂંકમાં ‘દીક્ષા’નો આ જ અર્થ છે. જો કે આ વિષે લંબાણથી વાત થઈ શકે છે પણ મારા અત્યારના સ્વાસ્થ્યની સ્થિતિમાં મારે માટે અહીં જ અટકી જવાનું સારું છે.

હવે, કોઈકે પ્રશ્ન પૂછ્યો છે : “ઈશ્વર-સાક્ષાત્કાર એટલે શું ? ઈશ્વર શું છે ?” વારુ, પુસ્તકો વાંચીને કે સંપર્કથી તે તમારી મેળે જ તમારે શોધી કાઢવું પડશે. મેં એકવાર એલ્ડોસ હકસલીના પુસ્તકમાં વાંચ્યું હતું કે દરેક માણસ જાણે કે અજાણે પોતાનું એક તત્ત્વવિજ્ઞાન ધરાવતો હોય છે.* એને પોતાના સંબંધમાં, બીજાના સંબંધમાં અને જગત વગેરેના સંબંધમાં એક પ્રકારનો વિચાર હોય છે. એના મનમાં આ બધા પ્રત્યેનું કોઈક પ્રકારનું તત્ત્વજ્ઞાન કામ કરી રહ્યું હોય છે. પછી ભલે તે અભાનપણે હોય, પણ તે ત્યાં હોય તો છે જ. એટલે આ તત્ત્વજ્ઞાન કે ફિલસૂફીની માણસના મનમાં પહેલાં તો સ્પષ્ટતા થઈ જવી જોઈએ : ‘મારું મન આ સ્થિતિમાં છે, હું આ પ્રકારે વિચારું છું કે, ઈશ્વર કોણ છે ? મારે ઈશ્વર વિશે શું વિચારવું જોઈએ ? ગુરુ કોણ છે ? શિષ્ય કોણ છે ?’ આ બધા પ્રશ્નો અત્યારે મનમાં ઊભરાઈ આવ્યા છે. એની સ્પષ્ટતા થવી જોઈએ. ત્યાર પછી જ તમે ઈશ્વર શું છે, તે જાણી શકો. જ્યાં સુધી તમારું પોતાનું મન સ્થિર ન થયું હોય, ઉચ્ચતર વિચારોને સમજવા માટે ઉદાર ભાવ વાળું અને સમર્થ ન બન્યું હોય, ત્યાં સુધી તમે ઈશ્વરને કેવી રીતે જાણી શકો ?

ઈશ્વરને ઘણી રીતે વર્ણવવામાં આવેલ છે. કોઈના તત્ત્વજ્ઞાન તરફી વલણવાળા મનને અનુરૂપ પણ એ વર્ણવાયેલ છે. કોઈ અદ્વૈતી હોય તો એને માટે ઈશ્વરનો અર્થ પરમાર્થ-સત્ય, સત્‌ ચિત્‌, આનંદસ્વરૂપ થાય છે. એને માટે આ બધું બ્રહ્મ સિવાય કશું નથી. પણ જો તે આ ઘટમાળવાળા દૃશ્ય ભૌતિક જગતમાં હોય તો તે ઈશ્વરને કોઈક રીતે કામ કરી રહેલો ધારે છે. એક વાર શ્રીરામચંદ્રે મહાવીર હનુમાનને પૂછ્યું : “મારે વિશે તું શું ધારે છે ?” અને હનુમાને ઉત્તર આપ્યો : “જ્યારે હું દેહબુદ્ધિથી મારો વિચાર કરું છું, ત્યારે હું તમારો દાસ છું; જ્યારે હું વૈયક્તિક ચેતના – જીવ તરીકે મારો વિચાર કરું છું, ત્યારે હું તમારો એક અંશ છું; જ્યારે હું આત્મા તરીકે મારો વિચાર કરું છું ત્યારે હું તમારી સાથે એકરૂપ બની જાઉં છું. આવો આ સંબંધ છે.” એક વાર એ પોતાને સેવક તરીકે ગણાવે છે, બીજે વખતે તે શ્રીરામચંદ્રજીના અંશ તરીકે પોતાને લેખે છે, તો વળી અન્ય વખતે તે શ્રીરામચંદ્ર સાથે પોતાની એકરૂપતા નિહાળે છે. હવે, વિચારોના આ ત્રણ કિનારાઓને પારિભાષિક રીતે દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને અદ્વૈતવાદ કહેવામાં આવે છે. આ રીતે ઈશ્વર સંબંધી આપણા ખ્યાલો વિવિધ સ્વરૂપના છે.

સામાન્ય જનો માટે ઈશ્વર સાકાર છે, અને એ જગતને સર્જે છે, જગતનો પ્રલય કરે છે, વિવિધ લોકોને તેમનાં કર્મનાં ફળ આપે છે – એવાં એવાં કાર્યો કરનાર તરીકે ઓળખાવેલ છે. ઈશ્વર આવા પ્રકારના કાર્યોમાં વ્યસ્ત છે. તે સાકાર પણ હોઈ શકે અને નિરાકાર પણ હોઈ શકે. અદ્વૈતીઓ માટે એ નિરાકાર છે તો વળી એ જ વિશિષ્ટાદ્વૈતીઓ અને દ્વૈતીઓ માટે સાકાર પણ છે. અને ખુદ અદ્વૈતીઓ માટે પણ એ સાકાર બની રહે છે. ઉદાહરણાર્થે, શ્રી શંકરાચાર્ય કહે છે : “જ્યારે તારી અને મારી વચ્ચેના બધા જ ભેદભાવો ભુંસાઈ જાય છે, ત્યારે પણ હું તારો છું, તું મારો નથી. કારણ કે સાગરના તરંગો ‘સાગરના’ છે, સાગર કંઈ ‘તરંગોનો’ નથી.” આમ મહાન અદ્વૈતી, જેમણે ખરેખર આપણને અદ્વૈતનું તત્ત્વજ્ઞાન જ સમજાવ્યું છે, એવા શંકરાચાર્ય સ્વયં કહે છે કે તેઓ ‘ઈશ્વરના’ છે, એટલે કે ઈશ્વરના અંશ – ઈશ્વરના સેવક છે. તેમની અને ઈશ્વરની વચ્ચે કોઈક સંબંધ-સગણ પ્રસ્થાપિત થયેલ છે એટલે તેઓ કહે છે : “હું તારે આધીન છું, હું તારો છું.”

વળી, જ્યારે તમે સાકાર ઈશ્વરનો વિચાર કરો છો, ત્યારે આ ઈશ્વરને અનેક વિવિધ રૂપો હોઈ શકે. તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દુર્ગા, કાલી અને એવાં-એવાં અનેક રૂપો ધારણ કરનાર હોઈ શકે. એ કોઈક એવું અસ્તિત્વ છે કે જે કાર્ય કરે છે. અથવા એ કોઈ એવું નિરાકાર અસ્તિત્વ છે કે જે મારે માટે કાર્ય કરે છે, જે મને મારાં કર્મોના ફળ આપે છે. બ્રાહ્મો, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વર નિરાકાર છે. તેમના મતે ઈશ્વરને રૂપ નથી પણ તેમાં ગુણો છે. તે ‘સગુણ’ છે. તેને કાર્ય છે, તેને શક્તિ છે, તેને પ્રભુત્વ છે. આવી વિભાવના ત્યાં પણ છે ખરી. આપણે હિન્દુઓએ પણ ‘સાકાર’ ઈશ્વરનો વિચાર કર્યો છે. આમ, ઈશ્વર વિષેના અનેક પ્રકારના ખ્યાલો હોઈ શકે છે. અને તેની સાથે સંકળાયેલા માણસની પાત્રતા અને સામર્થ્યના સંદર્ભમાં એ બધા જ ખ્યાલો સાચા છે.

વિચારોના અમુક ખાસ ચોકઠામાં ઈશ્વરને બાંધી રાખવાની આપણને જરૂર નથી. એને તો ઘણાં રૂપો અને તેની ઘણી અવસ્થાઓ હોઈ શકે. તેથી તે માટે ઝઘડવાની આપણને જરૂર નથી. કોઈ ઈશ્વરને સાકારરૂપે વિચારે, કોઈ એને નિરાકાર અને સગુણ રૂપે વિચારે તો વળી કોઈ એને નિર્ગુણ-નિરાકાર રૂપે અને કેવળ સત્-ચિત્-આનંદરૂપે જ વિચારે. આમ લોકોના વિચારો જુદીજુદી રીતે અલગ હોઈ શકે. અને તમારો સાક્ષાત્કાર, તમે જે વિચારો સેવો છો, તે પ્રમાણેનો જ હોવાનો. કોઈકને માટે ઈશ્વર ‘સાકાર’ છે અને કાલી, દુર્ગા, વિષ્ણુ, શિવ ઇત્યાદિ રૂપે તેની સમક્ષ તે પ્રકટ થાય છે. તો વળી કોઈક એને સગુણ-પરમાર્થ સત્ રૂપે વિચારે છે. એટલે તેનામાં ગુણો છે પણ આકાર નથી, તો એ પણ એવા ઈશ્વરને એ રીતે મેળવી શકે છે. વળી, તે પોતાના હૃદયમાં રહેલા કોઈકને-કે કોઈક પ્રકારના અસ્તિત્વને, કે જે નિરાકાર છે છતાં ડગલે ને પગલે તેને માર્ગદર્શન કરે છે, તેવા ઈશ્વરને વિશે વિચારે છે. આ પણ ઈશ્વરસાક્ષાત્કારનો એક પ્રકાર છે. જે રીતે શ્રીરામકૃષ્ણે સાકાર કાલી માતાને જોયાં હતાં તેવી રીતે ઈશ્વરનાં દર્શન કરવાં એનું નામ ઈશ્વરસાક્ષાત્કાર, સાક્ષાતકારનું એ સ્વરૂપ છે. શ્રીરામકૃષ્ણે કાલીમાતાને નિરાકાર સત્ સ્વરૂપેય જોયાં હતાં. આવો ય સાક્ષાત્કાર તેમણે કર્યો હતો. એટલે આ બધાં સાક્ષાત્કારનાં વિવિધ રૂપો સંબદ્ધ સ્ત્રીપુરુષોના અધિકાર-પાત્રતા પર આધારિત છે. બસ, આ માટે આટલું જ.

પ્રશ્ન : શ્રીરામકૃષ્ણ કહે છે કે, કલિયુગમાં કર્મયોગ ઘણો કઠિન છે. અને ભક્તિયોગ જ યુગધર્મ છે,’ પણ સ્વામીજી તો આથી ઊલટું જ કહેવા માગે છે ?

ઉત્તર : સ્વામીજી એથી ઊલટું જ કહેતા હોય એમ લાગે છે. બરાબર, અને શ્રીરામકૃષ્ણ કહે છે કે કર્મયોગ કઠિન છે. હવે, હું શ્રીરામકૃષ્ણ કે સ્વામીજીનો સવાલ નહિ ઉઠાવું; પણ હું તમારી પાસે કેટલીક હકીકતો રજૂ કરીશ.

કોઈ પણ ‘યોગ’ સરળ છે ખરો ? દાખલા તરીકે કર્મયોગ લો. શ્રીરામકૃષ્ણ કહે છે કે કર્મયોગ કઠિન છે, સાચું, એ કઠિન છે. પછી તેઓ સ્પષ્ટતા કરે છે કે ‘કર્મયોગ’ ફળની કોઈ આશા-આકાંક્ષા વગર અને ‘હું કર્તા છું’ એવા અહંકાર વગર આચરવો જોઈએ. ‘હું કરું છું’ – એવો વિચાર તેમાં ન હોવો જોઈએ. અને કર્મના પરિણામ પર નજર નોંધવી ન જોઈએ. હવે, આ ઘણું કઠિન છે. તેમણે શંભુબાબુને કહ્યું હતું : “તમે આ કાર્ય સાચા કર્મયોગના ખ્યાલથી કરી શકો છો, પણ ‘કર્મયોગ’ કઠિન છે. કોઈને ખબર નથી પડતી કે ક્યારે અને કઈ રીતે વૃથાભિમાન અંદર ઘૂસી જાય છે ! અહંકાર ગમે તે રીતે આવી જાય છે.” આ સાવ સાચું છે. આપણે એને નકારી શકીએ નહિ. આ એક હકીકત છે.

પણ ભક્તનો દાખલો લો. ભક્ત પણ અભિમાની બની શકે છે. મોટી-મોટી વાતો કરીને અને પોતાના શરીર ઉપર કેટલાંક ચિહ્ન રાખીને પોતે ભક્ત છે, એવો ડોળ બતાવી શકે છે. અને અંદરખાનેથી તે કેવળ ધૂતારો હોઈ શકે છે. આવું બની શકે છે. પછી કોઈ ધર્મનો ઉપદેશ કરતો હોય પણ વેપાર-વ્યવહારમાં બીજાને ખોટું બોલીને છેતરતો પણ હોય ! રોજબરોજના જીવનમાં દરેક માણસને આવા પ્રકારની બાબતો નજરે ચડે છે, અને એ સાચો ધર્મ નથી. એટલે ભક્તિ કઠિન છે. ‘જ્ઞાન’ પણ કઠિન છે. જ્ઞાન સાથે સમ્બદ્ધ વ્યક્તિ ઉપર એનો આધાર છે. પણ ભક્તિ સરળ છે, એમ કહેવાનો મતલબ એ આપણે માટે સહજ-સ્વાભાવિક છે, એ છે. કારણ કે આપણે લોકોને ચાહીએ છીએ, આપણે બીજાને ચાહવા માગીએ છીએ. માનવજાત તરફનો આપણો જે સ્નેહ છે તેને જો આપણે બીજે માર્ગે વાળીએ, ઈશ્વર તરફ વાળીએ, તો ઈશ્વર પાસે પહોંચવાનો એ સહેલો રસ્તો છે. શ્રીરામકૃષ્ણના કહેવાનો આ અર્થ હતો. પણ મેં તમને કહ્યું તેમ ભક્તિમાર્ગ પણ મુસીબતોથી ભરેલો છે. વિશુદ્ધ ભક્તિ કંઈ સહેલાઈથી આવતી નથી. તમારે સખત પરિશ્રમ કરવો પડે છે, તમારે ઈશ્વર ચિંતનમાં, જપમાં, ધ્યાનમાં, સત્સાહિત્યના વાચન-શ્રવણમાં, સંતોની સંગતિમાં, અને એવી બીજી બાબતોમાં ઘણો સમય આપવો પડે છે. ત્યારે જ ભક્તિ મળે છે.

હવે ‘કર્મયોગ’. એનો સાચો અર્થ શો છે ? પરમ દિવસે હું મદુસૂદન સરસ્વતી વાંચી રહ્યો હતો. તે કહે છે કે ईष्टापूर्त આચરવાં-યજ્ઞો કરવા, ધર્મશાળાઓ બંધાવવી વગેરે, કૂવાઓ ખોદાવવા અને દાન કરવું વગેરે… આ ‘કર્મયોગ’નો અર્થ છે. આ બધાથી કર્મયોગ બને છે. આ બધી બાબતોનું શાસ્ત્રોમાં વિધાન કરેલું છે. જો હું આ બધું કરું તો કેટલાકને મતે મેં કર્મયોગ આચર્યો ગણાય. આ યોજનામાં ઈશ્વરને સામેલ કરવામાં આવેલ નથી. જૂના પ્રાચીન મીમાંસકો કહે છે કે જો તમે આ યજ્ઞો કરશો, શાસ્ત્રકથિત આ મંત્રો જપશો, તો તે તમારા ઉદ્દેશ તરફ લઈ જશે અને તેમની દૃષ્ટિએ ઉદ્દેશ શો છે ? સ્વર્ગ પ્રાપ્તિ. આ ‘કર્મયોગ’ ફક્ત ત્યાં સુધી જ લઈ જાય છે. કેવળ સ્વર્ગલોક કે પિતૃલોક સુધી લઈ જાય છે.

પણ એ કર્મયોગને ભક્તિ-મિશ્રિત કર્મમાં પાછો ફેરવી શકાય છે. દાખલા તરીકે જો, હું ઈશ્વરપ્રીત્યર્થે કર્મો કરું, અથવા એથી મારી ચિત્તશુદ્ધિ થાય અને તેથી હું ઈશ્વરસાક્ષાત્કાર કરી શકું. જો કોઈ આવા હેતુથી તમે કર્મ કરો અને કર્મફળ ઈશ્વરને સમર્પિત કરી દો અને બની શકે તેટલો તમારા અહંકારને દૂર કરી દો, તો તે પણ ભક્તિમિશ્રિત કર્મયોગ જ થયો. તે તમને, તમે જેમની પ્રાર્થના કરતા હતા તે દેવોના લોકમાં લઈ જશે. તે તમને વૈકુંઠલોક, વિષ્ણુલોક, શિવલોક અને એવા બીજા લોકોમાં લઈ જશે અથવા એ બ્રહ્મલોક-બ્રહ્માના લોક સુધી પણ દોરી જશે. પારિભાષિક રીતે એને “હિરણ્યગર્ભ” કહેવામાં આવે છે. અને ત્યાંથી છેવટે તમે મોક્ષ પામી શકો. તમારા દેવ તમારા પર પ્રસન્ન થઈને તમને શાશ્વત મુક્તિ અપાવશે. ભક્તિ અને જ્ઞાનમાં રૂપાંતરિત જો કર્મયોગ હોય તો તે દ્વારા એ પણ શક્ય છે.

હવે શંકરાચાર્ય કહે છે કે, જ્યારે અહંકારનો નાશ થાય અને કર્મફલાશા રહે નહિ, ત્યારે એ કર્મ ખુદ જ્ઞાન બની જાય છે. જ્ઞાનથી એ જુદું નથી. એટલે કર્મયોગનો આપણે શો અર્થ લઈએ છીએ, તે સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. જો ईष्टापूर्तનો અર્થ લઈએ તો એ એનો એક અર્થ છે અને તેનો ઉદ્દેશ મેં તમને પહેલાં કહી દીધો, તે છે. વળી, તે ભક્તિમિશ્રિત બને તો બીજા પરિણામો લાવે છે. વળી, તેને જ્ઞાનમાં રૂપાંતરિત કરી શકાય છે કે જ્યાં મારામાં અહંકાર નથી અને ફલાકાંક્ષા નથી. આ પ્રકારના કર્મયોગનું સર્વોત્તમ ઉદાહરણ આપણી પાસે રાજર્ષિ જનક છે. તેમણે કહ્યું : “मिथिलायां प्रदग्धार्या नमे दहति किंचन” – લોકો ઇચ્છે, તે બધું મારી પાસે છે. મારા ઘરમાં બધી વસ્તુ ભરપૂર છે. પણ મિથિલા, મારું રાજ્ય-બળી જતું હોય તો મને એનો રંજ નથી.” સાચા કર્મયોગીમાં આવી અનાસક્તિ હોવી જોઈએ. જનકનો આ સાચો કર્મયોગ શંકરાચાર્યની દૃષ્ટિએ જ્ઞાનથી જુદો નથી.

આપણે આમ સમજવું જોઈએ. ખાલી પરિભાષાનો જ ઉપયોગ કર્યા કરવાનું ચાલશે નહિ. તમારે પૂરેપૂરા ઊંડા ઊતરીને આ પરિભાષાનો અર્થ શો છે તે પામવું જોઈએ. અને ત્યારે જ એની પાછળ રહેલા તત્ત્વજ્ઞાનને તમે પામી શકશો.

પ્રશ્ન : ઈશ્વરમાર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ, એ આપણે કેમ જાણી શકીએ ?

ઉત્તર : મનની શાંતિ. જો તમારા મનમાં શાંતિ હોય, તમારા વાતાવરણમાં તમે શાંતિ રાખી શકતા હો, તો તમે પ્રગતિ કરી રહ્યા છો, તેમ જાણવું આ જ આનો ટૂંકો જવાબ હોઈ શકે. હા, આપણને જો ઈશ્વરની ઝાંખી થાય, તો તે પણ આપણે પ્રગતિ કરી રહ્યાની, આપણે ઈશ્વર તરફ જઈ રહ્યાની સૂચક છે. જો તમને મનમાં રોજ વારંવાર ઈશ્વરના જ વિચારો આવે અથવા સ્વપ્નમાં પણ તમને દેવ કે ગુરુનાં કે કોઈ મહાન આધ્યાત્મિક વિભૂતિનાં દર્શન થાય, અથવા તમારા મનમાં રોજરોજ ઉચ્ચ વિચારો આવ્યા કરે, તો સમજવું કે તમે પ્રગતિ કરી રહ્યા છો.

* માનવ પોતાની જીવનફિલસૂફી પ્રમાણે, જગત તરફની પોતાની વિભાવના પ્રમાણે જીવે છે. સાવ વિચારહીન માણસ માટે પણ આ સાચું છે. તત્ત્વવિજ્ઞાન વગર જીવન સંભવે જ નહિ. આપણને જે પસંદગી આપવામાં આવી છે તે તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનહીનતા વચ્ચે કરવાની નથી પણ હંમેશાં તે સારા અને નરસા તત્ત્વજ્ઞાન વચ્ચે કરવાની પસંદગી છે. – અલ્ડોસ હકરલી, Ends and means, pg. 252

Total Views: 1,152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.