ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે.

આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૮૩. ભાદરવા વદ દશમ. બપોર પછીનો સમય.

થોડીવાર પહેલાં ઠાકુર બોલ્યા છે કે “ઈશ્વરને વિષે કશી ગણતરી કરી ન શકાય. એનું અનંત ઐશ્વર્ય. માણસ મોઢેથી શું કહી શકે? એક કીડી સાકરના પહાડની પાસે જઈને એક દાણો ખાવા લાગી. એથી એનું પેટ ભરાઈ ગયું. એટલે એ વિચાર કરવા લાગી કે ફરી વાર જ્યારે આવું ત્યારે આખો પહાડ જ મારા દરની અંદર લઈ જાઉં. ઈશ્વરને શું સમજી શકાય? એટલે મારો બિલાડીનાં બચ્ચાં જેવો ભાવ, કે મા જ્યાં રાખે ત્યાં રહેવું, હું કાંઈ ન જાણું. નાનું બાળક માનું કેટલું ઐશ્વર્ય હોય એ ન જાણે.

શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના ઓટલા પર બેસીને સ્તુતિ કરે છે, ‘હે મા! હે મા! ૐકારરૂપી મા! આ લોકો કેટલુંય બોલે મા! પણ હું કશુંય સમજી શકતો નથી, કશુંય જાણતો નથી. હું શરણાગત! શરણાગત! માત્ર એટલું કરો કે જેથી તમારાં શ્રીચરણકમલમાં શુદ્ધ ભક્તિ આવે, મા! અને તમારી ભુવન-મોહિની માયામાં મુગ્ધ કરો નહિ! હું શરણાગત! શરણાગત!”

દેવ-મંદિરોમાં આરતી થઈ ગઈ. શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં નાની પાટ ઉપર બેઠા છે. મહેન્દ્ર જમીન ઉપર બેઠા છે.

મહેન્દ્ર ઠાકુરની પાસે લગભગ બે વરસ થયાં આવજા કરે છે, અને તેમને તેમનાં દર્શન અને કૃપાનો લાભ મળ્યો છે. ઠાકુર તેમને અને બીજા ભક્તોને હમેશાં કહે છે ઈશ્વર નિરાકાર તેમ જ સાકાર; ભક્તને માટે રૂપ ધારણ કરે. જેઓ નિરાકારવાદી, તેમને એ કહે કે તમારી જેવી શ્રદ્ધા હોય તેવી રાખજો, પરંતુ એટલું જાણજો કે ઈશ્વરને માટે બધુંય સંભવિત, સાકાર, નિરાકાર બંને. અને એ સિવાય પણ એ કેટલુંય થઈ શકે.

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્રને)- તમે એક તો પકડયું છે ને, નિરાકાર?

મહેન્દ્ર- જી હાં, પણ આપ જેમ કહો છો તેમ, સર્વ કાંઈ સંભવે. સાકાર પણ સંભવે.

શ્રીરામકૃષ્ણ- તે મજાનું. અને જાણજો કે પરમાત્મા ચૈતન્ય રૂપે ચરાચર વિશ્વમાં વ્યાપ્ત થઈ રહ્યા છે.

મહેન્દ્ર- હું એમ માનું કે એ (પરમાત્મા) ચેતનનોય ચેતન દેનાર.

શ્રીરામકૃષ્ણ- હમણાં એ ભાવે જ રહો. તાણીતુસીને ભાવ બદલવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ ઉપર સમજશો કે આ ચૈતન્ય એ એ પરમાત્માનું જ ચૈતન્ય. એ પોતે જ ચૈતન્યસ્વરૂપ.

“વારૂ, પૈસા ટકા, ઐશ્વર્ય વગેરે ઉપર તમને આકર્ષણ છે કે?

મહેન્દ્ર- ના, પણ નિશ્ચિંત થવા પૂરતું છે, નિશ્ચિંત થઈને ઈશ્વર-ચિંતન કરવા માટે.

શ્રીરામકૃષ્ણ- એ તો હોય જ, એમાં શું?

મહેન્દ્ર- લોભ નથી.

શ્રીરામકૃષ્ણ- હાં, એ બરાબર, નહિતર પછી તમારાં છોકરાંઓને કોણ સંભાળે? તમને જો ‘હું જવાબદાર નહિ’ એવું જ્ઞાન થાય તો તમારાં છોકરાંઓની વ્યવસ્થા શી થાય?

મહેન્દ્ર- સાંભળ્યું છે કે કર્તવ્ય-ભાન હોય ત્યાં સુધી જ્ઞાન થાય નહિ.

શ્રીરામકૃષ્ણ- હમણાંએ ભાવમાં રહો; ત્યાર પછી એ કર્તવ્યભાન એની મેળે નીકળી જાય ત્યારે જુદી વાત.

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.