શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં. ઈશ્વર જ એને પ્રવૃત્તિ કરતાં રોકે. સગર્ભા સ્ત્રીને એના ઘરકામમાંથી ધીરે ધીરે મુક્ત કરવામાં આવે અને, બાળક જન્મે પછી, એને કશું કામ સોંપાય નહીં અને એ બધો સમય એના બાળકની જ દેખભાળ કરે તેના જેવું આ છે. સત્ત્વગુણ ન હોય તેવા સૌએ સંસારની બધી ફરજો પાળવી પડે. ઈશ્વરને પૂરા સમર્પિત થઈને, એમણે પૈસાદાર માણસના ઘરના નોકર માફક રહેવું જોઈએ. એને કર્મયોગ કહેવાય. ભગવાનના નામનું રટણ કરતાં અને, શક્ય એટલું ઈશ્વરનું ધ્યાન ધરતાં, ઉપર બતાવ્યા પ્રમાણેની સમર્પણની ભાવના સાથે સંસારનું કામ કરવું તે કર્મયોગ.

ઈશ્વરને જે કંઈ અર્પણ કરો તે હજારગણું થઈ પાછું આવે. એટલે, પ્રત્યેક કર્મ પછી, એનું ફળ કૃષ્ણને અર્પણ કરવા પાણી મૂકવું જોઈએ.

ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીની પ્રાથમિક શાળામાં ભણેલી આ કાવ્યપંક્તિઓ યાદ કરવા જેવી છે.

‘દુ:ખી કે દરદી કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા, ઘરની ઉઘાડી રાખજો બારી.’ આ આપણો આદર્શ હોવો જોઈએ. એમાં Live Together ની વાત આવે છે. પરંતુ ઘણી વાર આપણને આવું દૃશ્ય પણ જોવા મળે છે કે બપોરના બે વાગ્યાનો સુમાર છે. કોઈ ભિખારણ પોતાનાં બે બાળકો સાથે નીકળી છે, તડકો છે, પાણીની તરસ લાગી છે, બાળકો પાણી માગતાં એક ખુલ્લા બારણાંવાળા ઘરે ટહેલ નાખે છે : ‘અરે ભાઈ, પાણી આપોને! તરસ લાગી છે.’ અંદરથી અવાજ સંભળાય છે : ‘અમે કામમાં છીએ, બાજુમાંથી માગી લો!’ કામમાં હતા અને પાણી ન મળ્યું. પણ એક વૃદ્ધ કે જેને ઊંઘ ઓછી આવે છે એણે પાણીનો કળશો ભરી  લાવીને બાળકોની તરસ છિપાવી. ધન્ય છે એ વૃદ્ધને કે જે બીજા માટે જીવે છે!

એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે લોકો બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના બીજા બધા તો જીવતાં કરતાં મરેલા વધુ છે.’

યુવા મિત્રો, આપણે સૌ આપણી યુવાનીમાં કોઈ સારા અભ્યાસક્રમમાં અભ્યાસ કરીને ભવિષ્યમાં પોતાનું જગત સરજી શકીએ, ઉન્નતિના પથે આગળ વધી શકીએ, એવી ઉચ્ચ અભિલાષા સેવીએ છીએ. આ આશાને-સ્વપ્નને સાકાર કરવા માટે સંઘર્ષકામી બનીએ છીએ; કેટલાય દુર્ગમ સંઘર્ષમય સંયોગોને પાર કરીને આપણા સ્વપ્નને સાકાર કરીએ છીએ. સ્વપ્ન સાકાર થતાં આપણા આનંદનો કોઈ પાર નથી રહેતો. એમાંય વળી અભ્યાસક્રમ પૂરો થતાં, આપણી અપેક્ષા કરતાં કોઈ મોટું પગારધોરણ મળે એટલે આનંદ અને આનંદ રહી જાય છે! જાણે કે આપણને કોઈ નવું સ્વર્ગ મળી ગયું હોય તેવો આનંદ!

મોટાભાગના યુવાનો આ આનંદના પ્રવાહમાં તણાઈ જાય છે અને એમાં જ પોતાનું પરમ સુખ કે અહોભાગ્ય માનતા થઈ જાય છે. અઢળક સંપત્તિ અને સુખસગવડતામાં આપણે રચ્યાપચ્યા રહીએ છીએ. આપણી દુનિયા જ કંઈ અલગ જ! સ્વસુખ, સ્વસિદ્ધિમાં જ આપણું બધું સમાઈ જાય છે.

પણ આ વિશ્વમાં એવા કેટલાક અલગારી માનવો હોય છે, જે પોતાના સુખ-આનંદને કોરાણે મૂકીને બીજાનાં સુખ-કલ્યાણનો વિચાર કરતા હોય છે અને ગમે તેટલી સંપત્તિ-સુખસગવડો મળવાની સામેથી તક મળે તો પણ એને હસતા મુખે અવગણીને સૌના કલ્યાણના માર્ગે ચાલી નીકળે છે. આ માર્ગ દુર્ગમ છે, અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એવા પરકલ્યાણ સાધનારા પાછું વળીને જોતા નથી. ત્યાં તો ‘ડગલું ભર્યું કે ના હટવું’ની જ નેમ હોય છે. એ જ લગનીમાં લીન થઈને આવી વિરલ વ્યક્તિઓ સર્વકલ્યાણયજ્ઞમાં પોતાની જાતને હોમી દેવા તૈયાર રહે છે.

લખનૌની IIMમાં અભ્યાસના પ્રથમ વર્ષમાં જોડાઈને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી સારા એવા માતબર કહી શકાય એવા પગારદર અને પદવીની ઓફર એક યુવતીની સામે ધરાઈ. ગમે તેનું મન ડગી જાય અને સમૃદ્ધિ તરફ પગલું ભરાઈ જ જાય એવી પળે લખનૌની IIMની આ તેજસ્વી યુવતી ગરિમાના મનમાં કંઈક બીજું જ સ્વપ્ન સેવાતું હતું. અજ્ઞાનનાં અંધારાં ઉલેચવામાં એમની રસરુચિ હતાં. સમૃદ્ધિ અને ઉચ્ચ પદવીની ઓફરને અવગણીને આ ગરિમા શિક્ષણની ગરિમા બનવાનું વિચારતી હતી. એ જ સ્વપ્નમાં લીન બનીને એમણે મુઝફ્ફરપુરમાં પછાત, નિરક્ષર, રૂઢિચુસ્ત વિસ્તારના પરિવારોમાં શિક્ષણના પ્રચાર-પ્રસારની મશાલ પ્રગટાવી. આ જ્ઞાનજ્યોતમાં શરૂ શરૂમાં 1914માં 10 વિદ્યાર્થીઓ આવ્યા! 1916માં આ સંખ્યામાં એક શૂન્ય ઉમેરાતાં સંખ્યા 100ની થઈ. બાળકોને માતા જેવી હૂંફ, મા જેવો સ્નેહ મળી રહે એવું વાતાવરણ સરજી દીધું.

એકલપંથી ગરિમાને ધીમે ધીમે 7 શિક્ષિકાઓનો સાથ મળ્યો અને શાળાનું વાતાવરણ ખીલી ઊઠ્યું. મલકતા મુખે માતૃવાત્સલ્ય વેરતી આ શાળાની બહેનોએ બાળકોની સુષુપ્ત શક્તિઓને ઓળખી-જાણીને એ શક્તિઓ બરાબર પાંગરે એવું વાતાવરણ સર્જ્યું.

બહેન ગરિમાએ શિક્ષણની આ જ્યોત જગાવી છે. આવી કેટલીય જ્યોત જલતી થાય અને આ કાર્ય સતત ચાલતું રહે તો કેટલાંય વિલાતાં મુખ, રોતી આંખોને તેજસ્વિતા સાંપડે. આ સૌનું કાર્ય છે. સૌ મંડી પડે તો આપણા દેશની તાસીર જ બદલાઈ જાય.

પણ આવી ગરિમાઓ અને ગૌરવોની આજે તાતી જરૂર છે. એ બધાંએ સ્વામી વિવેકાનંદનો આ સંદેશ હંમેશાં નજર સમક્ષ રાખવો જોઈએ-

“Be not afraid of anything. You will do marvelous work. The moment you fear you are nobody.”

એટલે જ ભવ્ય કાર્યને સામેથી હસતા મુખે, સ્વાર્પણભાવથી આપણામાંથી કોઈ કોઈ અપનાવતા રહેશે તો આ જ્યોત જલતી રહેશે.

મિત્રો! મને આ સમયે હૈદ્રાબાદ મઠના અધ્યક્ષ સ્વામી શ્રીકાન્તાનંદજીના આ અંગ્રેજી ઉદ્ગાર અહીં ટાંકવાનું મન થઈ જાય છે –

He is not great

Who is proud of his wealth.

But he is great

Who says it is God`s wealth.

He is not great

Who says ‘ I am the owner. ‘

But he is great

Who says ‘ I am a trustee. ‘

He is not great

Who is proud of his strength.

But he is great

Who protects the weak & innocent.

બધાં સેવાકાર્યો ‘મારું જીવન અંજલિ થાજો.’જેવાં છે. એમાં તન-મન-ધનની સંપત્તિને પ્રભુએ બક્ષેલી સંપત્તિ માનવી પડે, એના માલિક બનીને નહીં પણ એના રખેવાળ-ટ્રસ્ટી બનીને સંભાળપૂર્વક વાપરવી પડે. એવી સદ્ભાવના કેળવીને ચાલીએ, જીવતાં શીખીએ તો ‘અશક્તદેવો ભવ, અજ્ઞદેવો ભવ, ઋગ્ણદેવો ભવ’ની ભાવનાથી ગરિમાની જેમ સ્વગરિમા જાળવીને બીજાંને ગરિમાના પથે વાળી શકીએ. ચાલો, આપણે પણ આ કલ્યાણભવનની પાયાની ઈંટ બનીને જીવનને ધન્ય બનાવીએ.

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.