સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ।। (ગીતા, ૧૨.૪)
ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટાનિકલ ગાર્ડન)ની બાજુએ થોડુંક ફેરવી આવવાનો કેપ્ટનને હુકમ આપવામાં આવ્યો છે. સ્ટીમર કેટલે સુધી ગઈ હતી તેનો ઘણાયને ખ્યાલ ન હતો. તેઓ તો મગ્ન થઈને શ્રીરામકૃષ્ણની વાત સાંભળી રહ્યા છે. કેવી રીતે સમય ચાલ્યો જાય છે તેનો ખ્યાલ નથી રહેતો.
હવે નાળિયેરનું ખમણ તથા મમરાનો નાસ્તો ચાલે છે. સૌએ થોડો થોડો ખોળામાં લીધો અને ખાવા લાગ્યા, જાણે આનંદનું બજાર. કેશવે મમરાના નાસ્તાની ગોઠવણ કરી છે. એ વખતે ઠાકુરે જોયું કે વિજય અને કેશવ બંને જણ સંકુચિત થઈને બેઠેલા છે. એટલે જાણે કે બે અણસમજુ બાળકોમાં પ્રીતિ કરાવી દેતા ન હોય તેમ – સર્વભૂતહિતેરતાઃ – બોલ્યા.

સાધારણ બ્રાહ્મોસમાજ
શ્રીરામકૃષ્ણ (કેશવ પ્રત્યે): અરે એય! આ વિજય આવેલ છે. તમારો ઝઘડો તો જાણે શિવ અને રામનું યુદ્ધ. (હાસ્ય). રામના ગુરુ શિવ. યુદ્ધ પણ થયું અને એ બંને જણમાં પાછો પ્રેમ પણ થઈ ગયો. પરંતુ શિવનાં ભૂતડાં અને રામના માંકડાં, એમનો ઝઘડો-કચકચાટ કેમે મટે નહિ. (ખડખડાટ હાસ્ય). પોતાના માણસોમાં તો એમ થયા જ કરે. લવ-કુશે રામની સાથે યુદ્ધ કર્યું હતું. વળી તમને ખબર છે, કે મા દીકરી જુદા જુદા મંગળવાર રાખે? માનું મંગળ અને દીકરીનું મંગળ કેમ જાણે કે જુદાં હોય! પણ માના મંગળથી દીકરીનું મંગળ થાય અને દીકરીના મંગળથી માનું મંગળ થાય. એવી રીતે તમારામાંના એકને એક સમાજ છે તો બીજાને બીજો જોઈએ. (સૌનું હાસ્ય). એ બધું જોઈએ. જો એમ પૂછો કે ભગવાન પોતે લીલા કરી રહ્યા છે, ત્યાં વળી જટિલા-કુટિલાની શી જરૂર? જટિલા-કુટિલા ન હોય તો લીલા જામે નહિ. (સૌનું હાસ્ય). રંગત જામે નહિ (ખડખડાટ હાસ્ય).
રામાનુજ વિશિષ્ટાદ્વૈતવાદી, તેમના ગુરુ હતા અદ્વૈતવાદી. છેવટે બેઉ વચ્ચે મતભેદ. ગુરુ અને શિષ્ય પરસ્પરના મતનું ખંડન કરવા લાગ્યા. એ તો એમ ચાલ્યા જ કરે. ગમે તેમ તોય પોતાનું માણસ.




