ૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે।
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણાય તે નમ:॥
તવ કથામૃતં તપ્તજીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્ ।
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના: ॥
કથામૃતમાંથી કોઈ પણ શબ્દ શોધો
શ્રીરામકૃષ્ણદેવની સંધ્યા આરતી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીમા શારદાદેવીના આશીર્વાદ
પ્રિય વત્સ (શ્રી ‘મ’),
તમે એમની (શ્રીરામકૃષ્ણ) પહેલી જે બધી વાતો સાંભળી હતી તે સઘળી સાચી છે. એક વખતે એમણે જ તમારી પાસે એ બધી વાતો કહી રાખી હતી. હવે જરૂર પ્રમાણે એ પોતે જ તે પ્રગટ કરાવી રહ્યાં છે. આ બધી વાતો બહાર ન પાડો તો લોકોમાં ચૈતન્ય જાગે નહિ એ જાણજો. તમારી પાસે જે બધી એમની વાતો (લખેલી) છે, તે બધી સાચી છે. એક દિવસ તમારે મુખેથી એ સાંભળીને મને લાગ્યું કે તેઓ (શ્રીરામકૃષ્ણ) પોતે જ આ બધી વાતો કહી રહ્યા છે.
જયરામવાટી, ૪ જુલાઈ, ૧૮૯૭
સ્વામી વિવેકાનંદના આશીર્વાદ
પત્ર – ૧
આભાર ! કોટિ કોટિ ધન્યવાદ ! તમે રામક્રિષ્ટોને (શ્રીરામકૃષ્ણને) બરાબર સમજ્યા છો. અરે, ઘણા ઓછા લોકો એમને સમજી શક્યા છે. મારું હૃદય આનંદથી નાચી રહ્યું છે … અને જ્યારે હું કોઈ ભક્તને શ્રીઠાકુરના સિદ્ધાંતોમાં પૂર્ણરૂપે ડૂબેલો જોઉં છું ત્યારે હું પાગલ નથી થઈ જતો તેનું મને આશ્ચર્ય થાય છે. શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશના માધ્યમથી ભાવિ સમયમાં પૃથ્વી પર અમૃતમય સુખશાંતિની સુખદ વર્ષા થશે.
આંટપુર, નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)
૭ ફેબ્રુઆરી, ૧૮૮૯
પત્ર – ૨
પ્રિય ‘મ’
હવે તમે બરાબર કરો છો. બહાર નીકળો ભાઈ ! આખું જીવન નિદ્રા નહિ – સમય વીતી રહ્યો છે. શાબાશ ! આ જ એકમાત્ર પથ છે.
તમારા પ્રકાશન માટે વારંવાર ધન્યવાદ. એનો મને ભય છે કે આ પેમ્પલેટ-પત્રિકા રૂપે કામ નહિ થાય… કંઈ નહિ, ચાલે કે ન ચાલે, એને (કથામૃતને) પ્રકાશમાં આવવા દો. તમને અનેક વરદાન મળશે અને અભિશાપ તો એનાથી પણ વધારે, પરંતુ એ જ આદિકાળથી જગતની રીત રહી છે. આ જ સુઅવસર છે.
કે/ઓ. લાલા હંસરાજ, રાવળિંપડી, વિવેકાનંદ
ઓક્ટોબર, ૧૮૯૭
પત્ર – ૩
આપની બીજી પત્રિકા માટે અનેક ધન્યવાદ, વારંવાર ધન્યવાદ. વાસ્તવિક રીતે એ વિલક્ષણ છે. જે કાર્ય આપે આરંભ્યું છે તે પૂર્ણ રૂપે મૌલિક છે. જેવું આપે કર્યું છે તેવું આ પહેલાં ક્યારેય પણ કોઈ મહાન ગુરુ-પયગંબરનું જીવન લેખકની પોતાની માન્યતાઓના સ્પર્શથી મુક્ત રહીને આ રીતે, આ રૂપે સામાન્ય પ્રજાજનો સમક્ષ પ્રકાશિત થયું નથી. ભાષા પણ પ્રશંસાતીત છે – ઘણી સરસ હૃદયસ્પર્શી, સાથે ને સાથે સરળ, સહજ અને સાદી. હું આનાથી કેટલો અને કેવો આનંદ અનુભવું છું એ વ્યક્ત કરવા માટે મારી પાસે યોગ્ય શબ્દ નથી. જ્યારે જ્યારે હું એ વાંચું છું ત્યારે ત્યારે સમાધિસ્થ થઈ જાઉં છું. શું આ આશ્ચર્ય નથી ! આપણા ગુરુમહારાજ કેટલા મૌલિક હતા ! આપણામાંના દરેકે મૌલિક બનવું પડશે અને કાં નામશેષ બની જવું પડશે. હવે હું સમજ્યો છું કે અમારામાંથી કોઈએ એમનું જીવનચરિત્ર પહેલાં કેમ નહિ લખ્યું હોય ! આ મહાન કાર્ય તો કેવળ આપના માટે જ સુરક્ષિત રખાયું છે. તેઓ (શ્રીરામકૃષ્ણ) ચોક્કસ આપની સાથે જ છે.
સ્નેહ તથા નમસ્કાર સાથે,
દહેરાદૂન, ગુરુમહારાજનાં શ્રીચરણોમાં
૨૪ નવેમ્બર, ૧૮૯૭ – વિવેકાનંદ
પુનશ્ચ : સોક્રેટિસના સંવાદોમાં સર્વત્ર પ્લેટો છવાયેલ છે, પરંતુ (શ્રીઠાકુરના સંવાદોમાં) આપ સાવ અજ્ઞાત રહ્યા છો અને વળી નાટકીય અંશ તો અત્યંત સુંદર રહ્યો છે. બધાએ – અહીં અને પશ્ચિમમાં – એને ખૂબ પ્રશંસ્યો છે.
– વિવેકાનંદ