જીવનનો ઉદ્દેશ – End of Life
બીજે એક દિવસે, ૧૮મી ઓગસ્ટ, ૧૮૮૩, (૨ ભાદરવો, બંગાબ્દ) શનિવાર. સાંજે ઠાકુર બલરામને ઘેર આવ્યા છે. ઠાકુર અવતાર-તત્ત્વ સમજાવી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ (ભક્તોને): અવતાર લોકોને ઉપદેશને માટે ભક્તિ-ભક્તોને લઈને રહે. જેમ કે અગાસીએ પહોંચી જઈને પછી પગથિયાં પરથી આવજા કરવી તેમ. બીજા માણસો અગાસીએ પહોંચવાને માટે ભક્તિ-માર્ગે રહે, જ્યાં સુધી જ્ઞાનપ્રાપ્તિ ન થાય, જ્યાં સુધી બધી વાસના ન જાય ત્યાં સુધી. બધી વાસનાઓ જતાંની સાથે જ એ અગાસીએ ચડી શકાય. દુકાનદાર જ્યાં સુધી હિસાબ ન મળે ત્યાં સુધી ઊંઘે નહિ. ચોપડામાંનો હિસાબ બરાબર કરીને પછી સૂવા જાય.
(માસ્ટરને) (ઈશ્વર સારુ સાધનામાં) ભુસ્કો મારીએ તો (ઈશ્વરપ્રાપ્તિ) થાય ને થાય જ! ભુસ્કો માર્યે જરૂર જરૂર થાય!’
‘વારુ, કેશવ સેન, શિવનાથ વગેરે જે ઉપાસના કરે છે એ તમને કેવી લાગે છે?
માસ્ટર: જી, આપ જે કહો છો ને કે એ લોકો (શેઠના) બગીચાનું જ વર્ણન કરે છે પરંતુ બગીચાના માલિકનાં દર્શન કરવાની વાત બહુ જ ઓછી કહે છે, તેમ મોટે ભાગે બગીચાના વર્ણનથી શરૂઆત અને એનાથી જ અંત.
શ્રીરામકૃષ્ણ: બરાબર. બગીચાના માલિકને શોધવો અને તેની સાથે પરિચય કરવો એ જ ખરું કામ. ઈશ્વર-દર્શન જ જીવનનું ધ્યેય. (… આત્મા વા અરે દૃષ્ટવ્યઃ શ્રોતવ્યો મંતવ્યો નિદિધ્યાસિતવ્યો… – બૃહદારણ્યકઃ ૨.૪.૫)
બલરામને ઘેર થઈને ઠાકુર હવે અધરને ઘેર પધાર્યા છે. સંધ્યા પછી અધરના દીવાનખાનામાં નામ-સંકીર્તન અને નૃત્ય કરે છે. વૈષ્ણવચરણ કીર્તનિયો ગીત ગાય છે. અધર, માસ્ટર, રાખાલ વગેરે હાજર છે.
અધરના ઘરે કીર્તનાનંદ અને અધરને ઉપદેશ
કીર્તન પૂરું થયે ઠાકુર ભાવ-મગ્ન થઈને બેઠા છે. રાખાલને કહે છેઃ ‘અહીં (‘હું’) અષાઢ માસનું પાણી નથી. અષાઢ માસનું પાણી ખૂબ હડેડાટ કરતું આવે અને ચાલ્યું જાય. અહીં (‘હું’) તો પાતાળ ફાડીને નીકળી આવેલા શિવ છું, બેસાડેલા શિવ નહિ. તું ગુસ્સો કરીને દક્ષિણેશ્વરથી ચાલ્યો ગયો; પણ મેં માને કહ્યું કે મા, એનો વાંક ગણીશ નહિ.’
શ્રીરામકૃષ્ણ શું અવતાર? એ શું પાતાળ-ફાડ્યા શિવ?
વળી ભાવ-મગ્ન થઈને અધરને કહે છેઃ ‘બાપુ! તમે જેનું નામ-સ્મરણ કરતા હતા તેનું જ ધ્યાન કરો.’એમ કહીને અધરની જીભે પોતાની આંગળી વડે સ્પર્શ કર્યો અને જીભ પર કંઈક લખી દીધું. આ શું અધરની દીક્ષા થઈ?






