બીજે એક દિવસે ઠાકુર દક્ષિણેશ્વર-મંદિરે દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીનાં પગથિયાં પર બેઠા છે. સાથે રાખાલ, માસ્ટર, હાજરા. ઠાકુર ગમ્મત કરતા કરતા બચપણની કેટલીયે વાતો કહે છે.

દક્ષિણેશ્વરમાં સમાધિસ્થ શ્રીરામકૃષ્ણની જગન્માતા સાથેની વાતો

ઠાકુર સમાધિ-મગ્ન. સંધ્યા થઈ છે. પોતાના ઓરડામાં આવીને નાની પાટ પર બેઠા છે અને જગદંબાની સાથે વાતો કરે છે. કહે છે કે ‘મા, આટલી બધી ધમાલ શા માટે કરે છે? મા, હું શું જાઉં? મને લઈ જા, તો જાઉં.’

ઠાકુરની કોઈક ભક્તને ઘેર જવાની વાત થઈ હતી. તેથી શું જગદંબાની આજ્ઞા સારુ એ પ્રમાણે શબ્દો બોલે છે?

જગદંબાની સાથે શ્રીરામકૃષ્ણ વળી પાછા વાતો કરે છે. આ વખતે કોઈ અંતરંગ ભક્તને માટે પ્રાર્થના કરે છે એમ લાગે છે. એ કહે છે કે ‘મા, તેને પૂર્ણરૂપે શુદ્ધ કરો. મા, એને એક કળા આપી શા માટે?’

ઠાકુર જરા ચૂપ રહ્યા છે. પાછા કહે છે, ‘ઓ સમજ્યો, એટલાથી જ તારું કામ થશે.’

સોળ કળાની એક કળા જેટલી શક્તિથી તારું કામ એટલે કે લોકોપદેશ થશે, એ વાત શું ઠાકુર કહી રહ્યા છે? હવે ભાવ-મગ્ન અવસ્થામાં માસ્ટર વગેરેને આદ્યશક્તિ અને અવતાર-તત્ત્વ વિષે કહે છે.

‘જે બ્રહ્મ તે જ શક્તિ. તેને જ મા કહીને બોલાવું છું. જ્યારે એ નિષ્ક્રિય, ત્યારે તેને બ્રહ્મ કહું; પણ વળી જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, સંહારરૂપી કાર્ય કરે ત્યારે તેને શક્તિ કહું. જેમ કે સ્થિર જળ અને જળમાં મોજાં ઊઠ્યાં છે. શક્તિ-લીલાને લીધે જ અવતાર. અવતાર પ્રેમ-ભક્તિ શીખવવા આવે. અવતાર જાણે કે ગાયના આંચળ. દૂધ આંચળમાં થઈને જ મળી શકે.

‘પરમાત્મા માણસમાં અવતીર્ણ થાય. જેમ ખાડાની અંદર માછલાં આવીને ભેગાં થાય, તેમ.

ભક્તો કોઈ કોઈ વિચાર કરી રહ્યા છે કે શ્રીરામકૃષ્ણ શું અવતાર? શ્રીકૃષ્ણ, ચૈતન્યદેવ, Christ – ઈશુ ખ્રિસ્ત જેવા?

Total Views: 314
ખંડ 15: અધ્યાય 10 : બલરામના ઘરે ઈશ્વર-દર્શન વિશે વાતો
ખંડ 15: અધ્યાય 12 : દક્ષિણેશ્વર-મંદિરમાં ભક્તો સાથે