ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં બિરાજે છે. આજ શ્રાવણ વદ એકમ, (૩ ભાદ્ર, બંગાબ્દ) ૧૯મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૩. રવિવાર. હજી હમણાં જ ભોગની આરતી સમયે શરણાઈ વાગતી હતી. મંદિરો બંધ થયાં. ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રસાદ લીધા પછી સહેજ આરામ કરી રહ્યા છે. આરામ લીધા પછી હજી બપોર જ છે. તેઓ પોતાના ઓરડામાં નાની ખાટ પર બેઠા છે. એ વખતે માસ્ટરે આવીને પ્રણામ કર્યા. થોડીક વાર પછી તેમની સાથે વેદાન્ત સંબંધે વાતચીત થવા લાગી.
વેદાંતવાદીઓનો મત – કૃષ્ણકિશોરની વાત
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): જુઓ અષ્ટાવક્ર-સંહિતામાં આત્મ-જ્ઞાનની વાત છે. આત્મ-જ્ઞાનીઓ કહે કે સોહમ્, એટલે કે હું જ તે ‘પરમાત્મા’. એ બધો વેદાન્તવાદી સંન્યાસીઓનો મત. ગૃહસ્થીઓ માટે એ ઠીક નહિ. બધું કર્યે જઈએ છીએ, છતાં ‘હું જ એ નિષ્ક્રિય પરમાત્મા’ એ કેવી રીતે બની શકે? વેદાન્તવાદીઓ કહે કે આત્મા અલિપ્ત. સુખ-દુઃખ, પુણ્ય-પાપ, એ બધાં આત્માને કંઈ હાનિ કરી શકે નહિ. પરંતુ દેહાભિમાની લોકોને કષ્ટ આપી શકે. ધુમાડો ભીંત કાળી કરે, પણ આકાશને કશું કરી શકે નહિ. કૃષ્ણકિશોર જ્ઞાનીઓની પેઠે કહેતો કે હું ‘ખ’, એટલે કે આકાશ જેવો. પરંતુ એ તો પરમ ભક્ત, તેને મોઢે એમ કહેવું કદાચ શોભે, પણ સૌને મોઢે નહિ.
પાપ અને પુણ્ય – માયા કે દયા?
‘પરંતુ, ‘હું મુક્ત,’ એ અભિમાન બહુ જ સારું, ‘હું મુક્ત’ એમ કહેતાં કહેતાં મુક્ત થઈ જવાય. તેમ જ ‘હું બદ્ધ, હું બદ્ધ’ એમ કહેતાં કહેતાં એમ કહેનારો બદ્ધ જ રહી જાય. જે કેવળ એમ કહ્યા કરે કે ‘હું પાપી,’ ‘હું પાપી,’ તે સાળો પડી જ જાય. ઊલટું એમ કહેવું જોઈએ કે ‘મેં ભગવાનનું નામ લીધું છે, મને વળી પાપ શેનું? બંધન શેનું?’
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): જુઓ, મારું મન આજે બહુ બેચેન બની ગયું છે. હૃદુએ કાગળ લખ્યો છે કે પોતે બહુ માંદો થઈ ગયો છે. આ શું માયા કે દયા? (હૃદયે ઈ.સ. ૧૮૮૧ સ્નાનયાત્રાના દિવસ સુધી કાલીમંદિરમાં રહીને લગભગ ત્રેવીશ વર્ષ સુધી શ્રીઠાકુરની સેવા કરી હતી. હૃદય તેમના ભાણેજ હતા. તેનું જન્મસ્થાન હુગલી જિલ્લાનું અંદરના ભાગે દૂર આવેલ સિઓડ ગામ હતું. આ ગામ શ્રીરામકૃષ્ણના જન્મસ્થળ કામારપુકુરથી ૨ કોસ દૂર આવેલું છે. ૬૨ વર્ષની વયે તેઓ પોતાની જન્મભૂમિમાં બંગાબ્દ ૧૩૦૬ વૈશાખમાં અવસાન પામ્યા.)
માસ્ટર શું જવાબ આપે? મૂંગા બેસી રહ્યા.
શ્રીરામકૃષ્ણ: માયા કોને કહે, ખબર છે? બાપ-મા, ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, ભાણેજ-ભાણેજી, ભત્રીજો-ભત્રીજી એ બધાં સગાવહાલાં ઉપર પ્રેમ. દયા એટલે સર્વભૂતો પર પ્રેમ. મને આ શું થયું, માયા કે દયા?

હૃદયનાથ
પરંતુ હૃદુએ મારા માટે ઘણું કર્યું હતું, મારી બહુ સેવા કરેલી, મારો ઝાડો પોતાને હાથેથી સાફ કરતો. પણ છેલ્લે છેલ્લે ત્રાસ પણ એવો જ દીધેલો. એટલો ત્રાસ આપેલો કે હું પુસ્તા ઉપર જઈ ગંગામાં કૂદકો મારીને દેહત્યાગ કરવા ગયેલો! પણ મારા માટે તેણે ઘણું કર્યું હતું! અત્યારે તેને કાંઈક (રૂપિયા) મળે તો મન શાંત થાય. વળી કયા બાબુને કહેવા જવું? કોણ કહેતું ફરે?






