બે-ત્રણ વાગ્યાના સુમારે ભક્તવીર શ્રી અધર સેન અને શ્રી બલરામ આવી પહોંચ્યા અને શ્રીશ્રીઠાકુરને જમીન પર માથું નમાવીને પ્રણામ કરીને બેઠા. તેમણે પૂછ્યું, ‘આપને કેમ છે?’ ઠાકુર બોલ્યા, ‘હા, શરીર સારું છે. પણ મનમાં જરા દુઃખ થયું છે.’ 

હૃદયરામની માંદગી સંબંધે એક શબ્દ પણ બોલ્યા નહિ.

બડાબજારના મલ્લિકોની સિંહવાહિની દેવીની મૂર્તિની વાત નીકળી.

શ્રીરામકૃષ્ણ: હું એકવાર એ સિંહવાહિનીનાં દર્શને ગયો હતો. ઘોષાલપાડા લત્તાના એક મલ્લિક કુટુંબની કુળદેવીનાં દર્શન કર્યાં. જૂનું પુરાણું મકાન. એ લોકો ગરીબ થઈ ગયા છે. એક બાજુ પારેવાંની ચરક, તો બીજી બાજુ લીલ બાઝી ગઈ છે, ત્રીજી બાજુ ભીંતમાંથી ચૂનો ખરે છે એવું બધું. બીજા મલ્લિકોના ઘરમાં જેમ શ્રી નજરે ચડે છે તેમ આ ઘરમાં નહિ. (માસ્ટરને) વારુ, એનો અર્થ શું, કહો જોઈએ? (માસ્ટર મૂંગા બેસી રહ્યા છે).

શ્રીરામકૃષ્ણ: જુઓ, જેનાં જે કર્માેનો ભોગ બાકી હોય તે તેણે ભોગવવો જ પડે. સંસ્કાર, પ્રારબ્ધ એ બધાં માનવાં જોઈએ.

વળી એ ભાંગેલા મકાનમાં જોયું તો ત્યાં પણ સિંહવાહિનીના ચહેરા પરનો ભાવ ઝળહળ ઝળહળ થઈ રહ્યો છે. આવિર્ભાવ માનવો પડે.

વિષ્ણુપુરનું પ્રાચીન મંદિર

‘હું એકવાર વિષ્ણુપુર ગયો હતો. ત્યાં જૂના હિંદુ રાજાઓએ બંધાવેલાં મજાનાં મંદિરો છે. ત્યાં ભગવતીની મૂર્તિ છે, નામ મૃણ્મયી. મંદિરની પાસે મોટાં મોટાં તળાવો છે, કૃષ્ણબંધ, લાલબંધ. વારુ, તળાવના જળમાં ઉવટણાની ગંધ આવી. એ શા માટે, કહો જોઈએ? હું તો જાણતો ન હતો કે સ્ત્રીઓ મૃણ્મયીનાં દર્શને આવે છે ત્યારે માતાજીને ઉવટણું ધરે છે! વળી તળાવની પાસે મને ભાવ-સમાધિ થઈ ગઈ. ત્યાં સુધી મૂર્તિઓ તો હજી જોઈ પણ ન હતી. એ ભાવાવેશમાં તળાવની પાસે મૃણ્મયીનાં દર્શન થયાં, કમર સુધીની મૂર્તિ.’

વિષ્ણુપુરનું લાલબંધ તળાવ

ભક્તોનાં સુખદુઃખ – ભાગવત અને મહાભારતની વાતો

આ સમય દરમિયાનમાં ભક્તો બધા આવીને ભેગા થતા જાય છે. કાબુલના રાજવિપ્લવ અને યુદ્ધ (અફઘાન યુદ્ધ)ની વાત નીકળી. એક જણ કહે છે કે યાકુબખાનને ગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યો છે. તે જ ભક્ત પરમહંસદેવને કહે છે કે પણ મહાશય, યાકુબખાન એક પરમ ભક્ત.

શ્રીરામકૃષ્ણ: વાત એમ છે કે સુખ-દુઃખ એ દેહ-ધારણનું ફળ. કવિ કંકણની રચેલી ચંડીમાં છે કે કાલુવીરને જેલમાં પૂર્યો હતો. તેની છાતી ઉપર મોટો પથ્થર મૂકી રાખ્યો હતો. આમ જુઓ તો કાલુવીર ભગવતીનો વર-પુત્ર! દેહ ધારણ કરીએ એટલે સુખ-દુઃખનો ભોગ છે જ. શ્રીમંત મહાભક્ત. એની મા ખુલના ઉપર ભગવતી કેટલો બધો સ્નેહ રાખતાં. પણ એ જ શ્રીમંતને કેટલી બધી વિપદ્? તેને મારી નાખવા સારુ વધસ્થાનમાં લઈ ગયા હતા.

એક જણ કઠિયારો, પરમ ભક્ત હતો. તેને ભગવતીનાં દર્શન થયાં. ભગવતીએ તેના પર કેટલો સ્નેહ દર્શાવ્યો અને કૃપા વરસાવી. પણ તેનું કઠિયારાનું કામ કાંઈ મટ્યું નહિ. એનું એ, પહેલાંની પેઠે લાકડાં કાપીને જ પેટ ભરવાનું. કારાગારમાં ચતુર્ભુજ શંખ-ચક્ર-ગદા-પદ્મધારી ભગવાને દેવકીને દર્શન દીધાં. પણ તોય તેમનું કેદખાનું કાંઈ મટ્યું નહિ!

માસ્ટર: એકલું કેદખાનું જ મટવાનું શા માટે? શરીર જ બધી જંજાળનું મૂળ. એ શરીર જ જવું જોઈતું હતું.

શ્રીરામકૃષ્ણ: એ શું છે, તમને ખબર છે? પ્રારબ્ધ-કર્મનો ભોગ. એ જેટલા દિવસ સુધી ભોગ હોય, ત્યાં સુધી દેહ ધારણ કરવો જોઈએ. એક કાણિયાએ ગંગાસ્નાન કર્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં. પણ આંખ કાણી મટી નહિ! (સૌનું હાસ્ય). પૂર્વ-જન્મનાં કર્મ હતાં, એટલે એ ભોગ.

મણિ: જે બાણ છૂટી ગયું તેના ઉપર કોઈ જાતનો કાબૂ રહે નહિ.

શ્રીરામકૃષ્ણ: દેહનાં સુખ-દુઃખ ગમે તેટલાં હોય પણ ભક્તને જ્ઞાન-ભક્તિનું ઐશ્વર્ય રહે, તેનું એ ઐશ્વર્ય કદી જવાનું નહિ. જુઓને પાંડવોને કેટલી વિપત્તિ હતી, છતાં એ વિપત્તિમાં પણ તેઓએ એક વાર પણ આત્મ-જાગૃતિ ખોઈ ન હતી. તેમના જેવા જ્ઞાની, તેમના જેવા ભક્તો ક્યાં છે?

Total Views: 356
ખંડ 15: અધ્યાય 12 : દક્ષિણેશ્વર-મંદિરમાં ભક્તો સાથે
ખંડ 15: અધ્યાય 14 : ‘સમાધિભાવ’માં - કેપ્ટન અને નરેન્દ્રનું આગમન