એટલામાં નરેન્દ્ર અને વિશ્વનાથ ઉપાધ્યાય આવી પહોંચ્યા. વિશ્વનાથ નેપાલ સરકારના રાજ-પ્રતિનિધિ. ઠાકુર તેમને કેપ્ટન કહેતા. નરેન્દ્રનું વય બાવીસેક વર્ષ; બી.એ.નો અભ્યાસ કરે છે. અવારનવાર, ખાસ કરીને રવિવારે, પરમહંસદેવનાં દર્શન કરવા આવે.

તેઓ પ્રણામ કરીને બેઠા એટલે પરમહંસદેવે નરેન્દ્રને ગીત ગાવાનો આગ્રહ કર્યો. ઓરડામાં પશ્ચિમ બાજુએ તંબૂરો ટીંગાતો હતો. સૌ એક નજરે ગાયકની તરફ જોઈ રહ્યા. બાંયા-તબલાના સૂર મેળવાવા લાગ્યા, ક્યારે ગીત થાય.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને): જો આ (પોતા તરફ બતાવીને) હવે એવું વાગતું નથી.

કેપ્ટન: પૂર્ણ થઈને બેઠું છે ને એટલે શબ્દ નથી (સૌનું હાસ્ય), પૂર્ણ-કુંભ.

શ્રીરામકૃષ્ણ (કેપ્ટનને): પણ નારદ વગેરે?

કેપ્ટન: એમણે પરદુઃખે વાતચીત કરેલી.

શ્રીરામકૃષ્ણ: હાં, નારદ, શુકદેવ વગેરે સમાધિ પછી નીચે ઊતરી આવેલા, દયાને લીધે. બીજાના હિતને સારુ તેમણે ઉપદેશ આપેલો.

નરેન્દ્રે ગીત શરૂ કર્યુંઃ

સત્યં શિવ સુંદર રૂપ પ્રકાશે હૃદયમંદિરે,

નીરખી નીરખી દિન દિન અમે ડૂબીએ રૂપસાગરે…

(એ દિન ક્યારે આવશે) (દીન જનના ભાગ્યમાં)

જ્ઞાન અનંતરૂપ પ્રવેશશે નાથ, મમ હૃદયમાં,

અવાક થઈ અધીરું મન, શરણ લેશે શ્રીપદમાં…

આનંદે અમૃતરૂપે ઊગશે, હૃદય-આકાશ મહીં.

ચંદ્ર ઊગ્યે ચકોર જેમ ખેલે મન હરખી,

અમેય નાથ તેવી જ રીતે મસ્ત થશું તવ પ્રકાશમાં…

શાન્ત શિવ અદ્વિતીય રાજ-રાજ-ચરણે

વેચાઈશું અમે પ્રાણસખા, સફળ કરશું જીવન…

એવો અધિકાર ક્યાં પામશું ફરી વાર, 

સ્વર્ગભોગ જીવનમાં (સશરીરે)

શુદ્ધમપાપવિદ્ધં રૂપ, દેખીને નાથ તમારું,

પ્રકાશ દેખીને અંધારું જેમ જાય નાસી સત્વર,

તેમ જ નાથ તમારો પ્રકાશ નસાડે પાપ-અંધાર…

અરે ધ્રુવતારા! મારા હૃદયમાં દૃઢ વિશ્વાસ,

પ્રકટાવી દીનબંધુ પુરાવો મનની આશ,

હું તો નિશદિન પ્રેમાનંદમાં મગ્ન થાઉં રે,

ભૂલું મને પોતાને પામી તમોને રે… 

(એ દિન ક્યારે થશે રે)

‘આનંદ-અમૃતરૂપે’ એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ગંભીર સમાધિમાં મગ્ન થયા. હાથ જોડીને બેઠા છે. પૂર્વાભિમુખ, દેહ ઉન્નત, આનંદમયના રૂપ-સાગરમાં નિમગ્ન થયા છે. બહારનું જ્ઞાન મુદ્દલે નહિ! શ્વાસ ચાલે છે કે નથી ચાલતો! હૃદયનું સ્પંદન બંધ! આંખો પલકશૂન્ય! ચિત્રમાં આલેખ્યા હોય તેમ બેઠા છે! જાણે કે આ રાજ્ય છોડીને ક્યાંય ગયા છે!

Total Views: 379
ખંડ 15: અધ્યાય 13 : મૃણ્મયીના આધારે ચિન્મયીદેવી - વિષ્ણુપુરમાં મૃણ્મયીનાં દર્શન
ખંડ 15: અધ્યાય 15 : સચ્ચિદાનંદ પ્રાપ્તિના ઉપાય - જ્ઞાની અને ભક્તનો પ્રભેદ