ત્યાર બાદ ઠાકુર એકાએક ઓરડામાંથી ઉત્તર-પૂર્વની ઓસરીમાં ચાલ્યા ગયા. કેપ્ટન અને બીજા ભક્તો ઓરડામાં જ બેઠા બેઠા તેમના પાછા આવવાની રાહ જોવા લાગ્યા. માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે, કહે કે જગત સ્વપ્નવત્, પૂજા- નૈવેદ્ય એ બધું મનની ભૂલ, કેવળ પોતાના સ્વરૂપનું ચિંતન કરવું એ જ ધ્યેય. અને હું જ તે સોહમ્!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): કેમ ભાઈ? તમારી શી બધી વાતો ચાલે છે?

નરેન્દ્ર (સહાસ્ય): કેટલીય વાતો ચાલે છે, મોટી મોટી વાતો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): પરંતુ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિ એક જ. શુદ્ધ જ્ઞાન જ્યાં લઈ જાય, ત્યાં જ શુદ્ધ ભક્તિ પણ લઈ જાય. પણ ભક્તિ-માર્ગ મજાનો, સહજ માર્ગ.

નરેન્દ્ર: ‘કામ નથી હવે જ્ઞાન-વિચારનું, દે મા મને પાગલ કરી.’ (માસ્ટરને) જુઓ હેમિલ્ટનમાં વાંચ્યુંઃ લખે છે કે A learned ignorance is the end of philosophy and the beginning of religion.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): એનો અર્થ શો, ભાઈ?

નરેન્દ્ર: ફિલસૂફીનો અભ્યાસ પૂરો થયે માણસ પંડિત-મૂર્ખ બની જાય. ત્યારે ધર્મ-ધર્મ કરે. ત્યારે જ ધર્મનો આરંભ થાય.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): Thank you, Thank you! (સૌનું હાસ્ય).

Total Views: 392
ખંડ 15: અધ્યાય 15 : સચ્ચિદાનંદ પ્રાપ્તિના ઉપાય - જ્ઞાની અને ભક્તનો પ્રભેદ
ખંડ 15: અધ્યાય 17 : સંધ્યા સમાગમે હરિધ્વનિ - નરેન્દ્રના કેટલા ગુણ!