થોડી વાર પછી સંધ્યા થવા આવી જોઈને મોટાભાગના માણસો ઘેર ગયા. નરેન્દ્રે પણ રજા લીધી. 

દિવસ પૂરો થવા આવ્યો. સંધ્યા થવાની તૈયારી. ઠાકુર-મંદિરોનો નોકર ચારે બાજુએ દીવા મૂકવાની તૈયારી કરી રહ્યો છે. કાલી-મંદિર અને વિષ્ણુ-મંદિરના બંને પૂજારી ગંગામાં અર્ધ-ડૂબીને બાહ્ય અને અંદરની શુદ્ધિ કરી રહ્યા છે; તુરતમાં જ તેમને આરતી કરવાની છે અને રાત્રિનો ભોગ ધરાવવાનો છે. દક્ષિણેશ્વરમાં રહેતા યુવકો, કોઈના હાથમાં સોટી, તો કોઈ મિત્રોની સાથે બગીચામાં ફરવા આવ્યા છે, તેઓ બંધની ઉપર ફરી રહ્યા છે અને કુસુમ-ગંધ-વાહક નિર્મલ સાંધ્ય સમીરનું સેવન કરતાં કરતાં શ્રાવણ માસનો વેગથી વહેતો સહેજ તરંગ-વિકંપિત ગંગા-પ્રવાહ જોઈ રહ્યા છે. તેઓમાંથી કદાચ વધારે વિચારશીલ પ્રકૃતિવાળા કોઈ પંચવટીની નિર્જન ભૂમિમાં આંટા મારી રહ્યા છે. ભગવાન શ્રીરામકૃષ્ણ પણ પશ્ચિમની ઓસરીમાંથી થોડીક વાર ગંગા-દર્શન કરવા લાગ્યા.

સંધ્યા થઈ. નોકર દીવા પેટાવી ગયો. ઠાકુરના ઓરડામાં આવીને કામવાળીએ દીવો પેટાવીને ધૂપ કર્યો. આ બાજુ બાર મંદિરોમાં શિવની આરતી શરૂ થઈ. તે પછી તરત જ વિષ્ણુ-મંદિરની અને કાલી-મંદિરની આરતી શરૂ થઈ. કાંસિયાં, થાળી અને ઘંટા મધુર અને ગંભીર નાદ કરવા લાગ્યા. મધુર અને ગંભીર, કારણ કે મંદિરની પાસે જ કલકલ-નિનાદિની ગંગા.

તિથિ શ્રાવણ વદ એકમ. થોડા સમયમાં જ ચંદ્રમા ઊગ્યો. વિશાળ પટાંગણ અને ઉદ્યાનમાં આવેલાં વૃક્ષોની ટોચ ઉપર ચંદ્રનાં કિરણો પ્રસરવા લાગ્યાં. આ બાજુ જ્યોત્સ્ના-સ્પર્શથી ભાગીરથીનું જળ કેટલો આનંદ કરતું કરતું વહી રહ્યું છે!

સંધ્યા પછી તરત જ શ્રીરામકૃષ્ણ જગન્માતાને નમસ્કાર કરીને તાલી વગાડતાં વગાડતાં હરિનામ બોલે છે. ઓરડામાં દેવતાઓની ઘણીયે છબીઓ છે, ધ્રુવની, પ્રહ્લાદની, રાજા રામચંદ્રની, મા કાલીની, રાધા-કૃષ્ણની. ઠાકુર એ બધાં દેવી-દેવતાઓને ઉદ્દેશીને અને તેમનાં નામ લઈને પ્રણામ કરે છે. વળી કહે છેઃ ‘બ્રહ્મ-આત્મા-ભગવાન, ભાગવત-ભક્ત-ભગવાન, બ્રહ્મ-શક્તિ, શક્તિ-બ્રહ્મ; વેદ, પુરાણ, તંત્ર, ગીતા, ગાયત્રી, શરણાગત, શરણાગત; નાહં, નાહં, તુંહું, તુંહું; હું યંત્ર, તું યંત્રી’ વગેરે.

નામ-સ્મરણ પછી શ્રીરામકૃષ્ણ હાથ જોડીને જગન્માતાનું ચિંતન કરે છે. બેચાર ભક્તો સંધ્યા થતાં ઉદ્યાનમાં ગંગાને કાંઠે ફરી રહ્યા હતા, તેઓ આરતી પછી થોડી વારે એક પછી એક આવીને ઠાકુરના ઓરડામાં એકઠા થાય છે.

પરમહંસદેવ પાટ ઉપર બેઠેલા છે. માસ્ટર, અધર, કિશોરી વગેરે સામે નીચે બેઠા છે.

કિશોરી

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): નરેન્દ્ર, ભવનાથ, રાખાલ એ બધા નિત્ય-સિદ્ધ, ઈશ્વરકોટી. એ લોકો ઉપદેશ લે તો તે માત્ર ઉપરિયામણરૂપે. જુઓ ને, નરેન્દ્ર કોઈનીયે ‘કેર’ (બચીિ-પરવા) કરે નહિ. મારી સાથે કેપ્ટનની ગાડીમાં આવતો હતો. કેપ્ટને તેને સારી જગ્યાએ બેસવાનું કહ્યું, તો તેના તરફ નજર સરખીયે ન કરી. મારીયે પરવા રાખે નહિ! વળી પોતે જે જાણે છે તે બહાર બોલે પણ નહિ. વખતે હું લોકો પાસે કહેતો ફરું કે નરેન્દ્ર આટલો મોટો વિદ્વાન, એટલા માટે. તેનામાં માયા-મોહ નહિ; જાણે કે કોઈ પ્રકારનું બંધન નહિ. ખૂબ સારો આધાર. એક સાથે અનેક ગુણઃ ગાવા-બજાવવામાં, ભણવા-ગણવામાં એક્કો! આ બાજુ જિતેન્દ્રિય, કહે છે કે વિવાહ નહીં કરું. નરેન્દ્ર અને ભવનાથ, એ બેઉ જણમાં ભારે મેળ, જાણે કે સ્ત્રી-પુરુષ. નરેન્દ્ર બહુ આવતો નથી એ સારું. બહુ આવે તો હું પાછો વિહ્વળ થઈ જાઉં.

Total Views: 404
ખંડ 15: અધ્યાય 16 : નરેન્દ્રની સાથે જ્ઞાન-યોગ અને ભક્તિ-યોગનો સમન્વય
ખંડ 15: અધ્યાય 18 : દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સાથે