ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં નાની પાટ ઉપર બેસીને મણિની સાથે એકાંતમાં વાતો કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠા છે. આજ શુક્રવાર, તારીખ ૭મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૩. ૨૨, ભાદરવા સુદ છઠ. રાતના લગભગ સાડાસાત વાગ્યા છે.

શ્રીરામકૃષ્ણ: તે દિવસે કોલકાતા ગયો ત્યારે જતાં જતાં ગાડીમાંથી જોયું તો જીવો બધાની નીચી દૃષ્ટિ, સહુને પેટની ચિંતા. બધા પેટ સારુ દોડી રહ્યા છે. સૌનાં મન કામ-કાંચનમાં. પરંતુ એક બે જોયા તો ઊર્ધ્વ-દૃષ્ટિવાળા, ઈશ્વર તરફ મન છે.

મણિ: આજકાલ તો પેટની ચિંતા હતી તેથીયે વધી છે. અંગ્રેજોની નકલ કરવા જતાં માણસોનું મન વિલાસ તરફ વધારે દોડ્યું છે. એટલે અભાવ વધ્યો છે.

શ્રીરામકૃષ્ણ: વારુ, એ લોકોનો ઈશ્વર સંબંધી શો મત?

મણિ: એ લોકો નિરાકારવાદી.

પૂર્વકથા – શ્રીરામકૃષ્ણની બ્રહ્મજ્ઞાન અવસ્થાનું અભેદ દર્શન – અંગ્રેજ, હિન્દુ, અંત્યજ અને પીડિત જાતિ (Depressed classes), પશુ, કીટ, વિષ્ટા, મૂત્ર – સર્વમાં એક ચૈતન્યદર્શન

શ્રીરામકૃષ્ણ: અમારે અહીં પણ એવો મત છે.

થોડો સમય બંને શાંત રહ્યા. શ્રીઠાકુર હવે પોતાના બ્રહ્મજ્ઞાનની અવસ્થાનું વર્ણન કરે છેઃ મેં એક દિવસે જોયું તો એક ચૈતન્ય – અભેદ. પ્રથમ દેખાડ્યું કે અનેક માણસો, જીવ-જંતુ બધાં રહ્યાં છે, – તેની અંદર કાલીવાડીના માલિકો પણ છે, અંગ્રેજ, મુસલમાન, હું પોતે, ભંગી, કૂતરાં સુધ્ધાં, – તેમજ એક દાઢીવાળો મુસલમાન, તેના હાથમાં એક માટીની હાંડલી અને તેમાં રાંધેલો ભાત. એ હાંડલીમાંથી ભાત લઈને તે સૌ કોઈના મોઢામાં જરા જરા દઈ ગયો. મેં પણ જરાક ચાખ્યો.

‘બીજે એક દિવસે દેખાડ્યું તો વિષ્ટા, મૂત્ર, અન્ન, શાક વગેરે ચીજો પડી છે. અચાનક (મારી) અંદરથી જીવાત્મા બહાર આવીને એક અગ્નિ-શિખાની પેઠે બધું ચાખવા લાગ્યો, જાણે જીભ લબલબ કરતાં કરતાં બધી ચીજોને એક વાર તેણે ચાખી લીધી. વિષ્ટા, મૂત્ર બધું ચાખ્યું; દેખાડ્યું કે બધું એક, અભેદ.

પૂર્વકથા – પાર્ષદગણદર્શન – ઠાકુર શું અવતાર?

શ્રીરામકૃષ્ણ (મણિને): વળી એક વાર દેખાડ્યું કે અહીંના (મારા) કેટલાક ભક્તો છે, પાર્ષદો, મારા પોતાના જ માણસો. સંધ્યા-આરતીના શંખ-ઘંટા વાગી ઊઠતાં કે તરત હું બંગલાની અગાસી ઉપર ચડીને વ્યાકુળ થઈને બૂમ પાડી ઊઠતો કે ‘અરે, તમે બધા ક્યાં છો? આવો. તમને મળવા સારુ મારા પ્રાણ આકુળવ્યાકુળ થઈ રહ્યા છે!’

(કોઠી) બંગલાની અગાસી, દક્ષિણેશ્વર

‘ઠીક, મારાં આ બધાં દર્શનો વિશે તમને શું લાગે છે?’

મણિ- આપ ઈશ્વરના વિલાસનું સ્થાન છો! એટલું સમજું છું કે આપ યંત્ર, ઈશ્વર યંત્ર ચલાવનાર, ઈશ્વરે બીજા જીવોને જાણે કે સાંચામાં નાંખીને બનાવ્યા છે, પરંતુ આપને તેણે પોતાને હાથે ઘડ્યા છે!

શ્રીરામકૃષ્ણ: ઠીક, હાજરા કહે છે કે ઈશ્વર-દર્શન પછી ષડૈશ્વર્ય પ્રાપ્ત થાય.

મણિ: જેઓ શુદ્ધ ભક્તિ ઇચ્છે, તેઓ ઈશ્વરનું ઐશ્વર્ય જોવા માગે નહિ.

શ્રીરામકૃષ્ણ: એમ લાગે છે કે હાજરા પાછલે જન્મે દરિદ્ર હતો. એટલે આટલું બધું ઐશ્વર્ય જોવા ઇચ્છે છે. હાજરા વળી કહે છે કે શું હું રસોઇયા-બ્રાહ્મણોની સાથે વાત કરું? પાછો કહે છે કે હું ખજાનચીને કહીને તમને એ બધી વસ્તુઓ અપાવીશ. (મણિનું ઉચ્ચ હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને): એ આવી બધી વાતો બોલ્યા કરે અને હું મૂંગો રહું.

માનવ અવતારથી ભક્તોને સહજ ધારણા થાય – ઐશ્વર્ય અને માધુર્ય

આપે તો ઘણીયે વાર કહી દીધું છે કે જે શુદ્ધ ભક્ત હોય તે ઐશ્વર્ય જોવા ઇચ્છે નહિ. જે શુદ્ધ ભક્ત હોય, તે ઈશ્વરને ગોપાલ-ભાવે જોવા ઇચ્છે. પ્રથમ પ્રથમ ઈશ્વર લોહચુંબકરૂપ થાય અને ભક્ત સોય થાય. આખરે ભક્ત પોતે લોહચુંબક થાય અને ઈશ્વર સોય થાય. એટલે કે ભક્તની પાસે ઈશ્વર નાનો થઈ જાય.

શ્રીરામકૃષ્ણ: હા, જાણે કે બરાબર ઉદયકાળનો સૂર્ય. એ સૂર્યને તકલીફ વગર જોઈ શકાય. આંખો અંજાઈ જાય નહિ. ઊલટું આંખોને તૃપ્તિ થાય. તેમ ભક્તને માટે ભગવાનનો નરમ ભાવ થઈ જાય. એ ઐશ્વર્યનો ત્યાગ કરીને ભક્તની પાસે આવે.

બન્ને જણ મૂંગા થઈને બેસી રહ્યા છે.

મણિ: વિચાર આવે છે કે આ બધાં દર્શન સાચાં શા માટે ન હોય? જો એ બધાં ખોટાં હોય તો આ સંસાર એથીયે ખોટો, કારણ કે બન્નેને જોવાનું સાધન તો મન એક જ. ઊલટું એ બધાં દર્શન શુદ્ધ મનથી થાય છે, અને સંસારની વસ્તુઓ તો આ સાધારણ મનથી દેખાય છે.

શ્રીરામકૃષ્ણ: હવે હું જોઉં છું કે તમને સંસાર ખૂબ અનિત્ય લાગે છે. વારુ, હાજરા કેવો છે, કહો તો.

મણિ: એ એક પ્રકારનો માણસ! (ઠાકુરનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ: વારુ, મારી સાથે બીજા કોઈનો મેળ મળે?

મણિ: જી, ના.

શ્રીરામકૃષ્ણ: કોઈ પરમહંસની સાથે?

મણિ: જી ના, આપની તુલના નહિ!

શ્રીરામકૃષ્ણ: ‘અણ-ઓળખ્યું ઝાડ’ સાંભળ્યું છે?

મણિ: જી ના.

શ્રીરામકૃષ્ણ: એ એક જાતનું ઝાડ છે, જોઈને તેને કોઈ ઓળખી શકે નહિ.

મણિ: જી, આપને પણ ઓળખી શકાય નહિ. આપને જે જેટલો સમજશે તે તેટલો ઉન્નત થશે.

મણિ મૂંગા રહીને વિચાર કરે છે કે ઠાકુર ઉદયકાળનો સૂર્ય, ‘અણ-ઓળખ્યું ઝાડ’ એ બધી વાતો જે બોલ્યા એનું જ નામ શું અવતાર? એનું જ નામ શું નર-લીલા? ઠાકુર શું અવતાર? એટલા માટે શું પોતાના પાર્ષદોને મળવા સારુ આતુર થઈને બંગલાની અગાસી પર ચડીને બૂમ મારતા કે ‘અરે તમે બધા ક્યાં છો, આવો?.

Total Views: 460
ખંડ 15: અધ્યાય 18 : દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સાથે
ખંડ 15: અધ્યાય 20 : દક્ષિણેશ્વર-મંદિરમાં રતન વગેરે ભક્તો સાથે