એમ વાતચીત ચાલી રહી છે, એટલામાં કેટલાક બંગાળી ગૃહસ્થો ઓરડાની અંદર આવ્યા અને ઠાકુરને પ્રણામ કરીને બેઠા. તેઓમાંથી એક જણ ઠાકુરનો પૂર્વ-પરિચિત. એ લોકો તંત્ર-મત પ્રમાણે સાધના કરે, પંચ-મકારની સાધના. ઠાકુર અંતર્યામી, તેમનો અંતરનો ભાવ બધો સમજી ગયા છે. તેઓમાંથી એક જણ ધર્મને નામે પાપ કરે, એ પણ સાંભળ્યું છે. એ વ્યક્તિએ એક મોટા માણસના ભાઈની વિધવા સાથે અયોગ્ય પ્રેમ કર્યો છે, અને ધર્મને નામે તેની સાથે પંચ-મકારની સાધના કરે એ પણ સાંભળ્યું છે.

શ્રીરામકૃષ્ણનો સંતાન-ભાવ. તેઓ પ્રત્યેક સ્ત્રીને માતા રૂપે જાણે, વેશ્યાને સુધ્ધાં! અને ભગવતીનાં એક એક રૂપ તરીકે જાણે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): અચલાનંદ ક્યાં છે? કાલીકિંકર તે દિવસે આવ્યો હતો અને બીજો એક માણસ કોઈ એક સિંગી. (માસ્ટર વગેરેને) અચલાનંદ અને તેના ચેલાઓનો ભાવ જુદો. મારો સંતાન-ભાવ.

આગંતુક ગૃહસ્થો ચૂપ બેઠા છે, મોઢે એક શબ્દ પણ નથી.

પૂર્વકથા – અચલાનંદની તાંત્રિક સાધના

શ્રીરામકૃષ્ણ: મારો સંતાન-ભાવ. અચલાનંદ ક્યારેક ક્યારેક અહીં આવીને રહેતો. ખૂબ દારૂ પીતો. મારો ભાવ સંતાનનો. એ સાંભળીને તે હઠ પકડીને કહેવા લાગ્યો કે સ્ત્રીઓને સાથે લઈને વીર-ભાવની સાધના તમે કેમ માનતા નથી? શિવનાં વચન માનો કે નહિ? શિવ તંત્રો લખી ગયા છે. તેમાં બધા ભાવની સાધના છે. વીર-ભાવની પણ સાધના છે.

મેં કહ્યું કે કોણ જાણે બાપુ, પણ મને તો એ બધું જરાય ગમતું નથી; મારો તો સંતાન-ભાવ.

પિતાનું કર્તવ્ય – સિદ્ધાઈ અને પંચ-મકારની નિંદા

‘અચલાનંદ પોતાનાં છોકરાંછૈયાંની સંભાળ લેતો નહિ. એ કહેતો કે છોકરાંને ઈશ્વર સંભળાશે, એ બધું ઈશ્વરની ઇચ્છા. હું તો એ સાંભળીને ચૂપ જ રહેતો, કે વળી છોકરાંને બીજું કોણ સંભાળે? બૈરી-છોકરાંનો ત્યાગ કર્યો એમ કહીને પૈસા કમાવવાનું એ એક બહાનું! માણસોને લાગે કે આણે બધાયનો ત્યાગ કર્યો છે, એટલે ખૂબ રૂપિયા આવી પડે.

‘મુકદ્દમો જીતવો, ખૂબ પૈસા મળે, મુકદ્દમો જિતાવી દેવો, સંપત્તિ મેળવી દેવી, એ બધાં સારુ શું સાધના? એ બહુ જ હલકી બુદ્ધિની વાત.

પૈસાથી ખાવા-પીવાનું મળે, રહેવાની જગા મળે, દેવતાની સેવા થાય, સાધુ-ભક્તોની સેવા થાય, સામે કોઈ ગરીબ આવી ચડે તો તેને મદદ કરી શકાય. આ બધો પૈસાનો સદુપયોગ, પૈસો શ્રીમંતાઈ ભોગવવા સારુ નથી, દેહના સુખ સારુ પૈસો નથી, કીર્તિ કમાવા સારુ પૈસો નથી.

‘સિદ્ધિ માટે માણસો તંત્ર-મત પ્રમાણે પંચ-મકારની સાધના કરે. પરંતુ કેવી હલકી બુદ્ધિ! કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે ભાઈ અષ્ટ-સિદ્ધિમાંથી એક સિદ્ધિયે જો તારામાં આવે તો તારી શક્તિ જરા વધી શકશે, પણ તું મને પામીશ નહીં. સિદ્ધાઈ રહે તો માયા જાય નહીં, માયાથી વળી અહંકાર થાય. કેવી હલકી બુદ્ધિ? સ્ત્રી-અંગ જેવાં ઘૃણાનાં સ્થાનેથી ત્રણ ઘૂંટડા દારૂના પીધે ફાયદો શો? કે મુકદ્દમો જીતવો!

દીર્ઘાયુ થવા માટે હઠયોગનું પ્રયોજન શું?

શરીર, રૂપિયા, એ બધું અનિત્ય. એને માટે આટલું બધું કરવું શા માટે? જુઓને હઠયોગીઓની દશા? શરીર શેનાથી દીર્ઘાયુ થાય એ તરફ જ નજર. ઈશ્વર તરફ લક્ષ્ય જ નહિ. નેતી અને ધૌતી, કેવળ પેટ જ સાફ કર્યા કરે! નળ વડે દૂધ ખેંચે! એક સોની હતો. કોઈક રીતે તેની જીભ અવળી થઈને તાળવે ચડી ગઈ. એટલે તેને જડ-સમાધિ જેવું થઈ ગયું. એ હાલે નહિ કે ચાલે નહિ. એ રીતે કેટલાય દિવસ સુધી રહ્યો. સૌ આવીને તેની પૂજા કરતા. આખરે કેટલાંક વરસ પછી તેની જીભ અચાનક સીધી થઈ ગઈ. એટલે પાછું પહેલાંના જેવું જ ચેતન આવ્યું. એટલે વળી પાછો સોનીનું જ કામ કરવા લાગ્યો! (સૌનું હાસ્ય).

‘એ બધું શરીરનું કાર્ય, એમાં ઘણેભાગે ઈશ્વરની સાથે સંબંધ રહે નહિ. પેલા શાલિગ્રામનો ભાઈ (તેના છોકરા બંસલોચનને કારોબાર હતો) બ્યાસી પ્રકારનાં આસનો જાણતો; અને પોતે યોગની સમાધિની વાતો કેટલીયે કહેતો. પણ અંતરમાં મન કામ-કાંચન તરફ હતું. દીવાન મદન ભટ્ટની કેટલાક હજારની એક નોટ પડી હતી. રૂપિયાના લોભથી તે નોટ ટપ કરીને ગળી ગયો, મતલબ કે પાછળથી કોઈક રીતે બહાર કાઢવી. પરંતુ નોટ તે લોકોએ પાછી કઢાવી. છેવટે તેને ત્રણ વરસની કેદ!

‘હું તો સરલ બુદ્ધિથી ધારતો કે એ બહુ જ આગળ વધી ગયો છે, ખરું કહું છું.

પૂર્વકથા – મહેન્દ્રપાલના પૈસા પરત કર્યા – ભગવતી તેલી, કર્તાભજાની સ્ત્રીઓને સાથે રાખીને થતી સાધનાની નિંદા

‘સિંથિનો મહિંદર પાલ અહીંયાં પાંચ રૂપિયા આપી ગયો હતો રામલાલની પાસે. રામલાલે મને એ ચાલ્યો ગયો તે પછી કહ્યું. મેં પૂછ્યું કે શેને માટે આપી ગયો છે? રામલાલે મને કહ્યું કે ‘અહીંને માટે આપ્યા છે.’ ત્યારે મને થયું કે દૂધવાળાના દેવાના બાકી છે, તે એમાંથી થોડાક દેવાઈ જશે. પણ વોય મા! રાતે સૂતો છું, ત્યાં અચાનક ઊંઘ ઊડી ગઈ! અને એકદમ છાતીમાં જાણે બિલાડી નહોર ભરાવતી હોય તેમ થવા લાગ્યું! એટલે ઊઠીને રામલાલની પાસે જઈને પૂછ્યુંઃ ‘એ રૂપિયા કોને માટે આપી ગયો છે? તારી કાકી માટે આપ્યા છે? ત્યારે રામલાલ કહે કે ‘ના, આપને માટે આપ્યા છે.’ એટલે મેં કહ્યું કે ‘ના, તું અત્યારે ને અત્યારે એ રૂપિયા પાછા દઈ આવ, નહિતર ત્યાં સુધી મને શાંતિ નહિ વળે.’

‘રામલાલ સવારમાં વહેલો ઊઠીને રૂપિયા પાછા આપી આવ્યો ત્યારે મન શાંત થયું.’

‘અમારે ત્યાં દેશમાં એક ભોગી (ભગવતીપ્રસાદ) તેલી, કર્તા-ભજાઓની મંડળી માંહેનો હતો. એ પણ સ્ત્રીઓને લઈને સાધના કરતો. એ સંપ્રદાયમાં વળી સાથે એક પુરુષ ન હોય તો સ્ત્રીઓની સાધના થઈ શકે નહિ! એ પુરુષને કહેશે ‘રાગ-કૃષ્ણ’. ત્રણ વાર એ સ્ત્રીને પૂછે, ‘કૃષ્ણ મળ્યા છે’? એ સ્ત્રી પણ ત્રણ વાર બોલે ‘મળ્યા છે!’

‘એ ભોગી (ભગવતીપ્રસાદ) હતો જાતનો શૂદ્ર, તેલી. બધા જઈને તેના પગની રજ લઈને નમસ્કાર કરતા. એ જોઈને ગામના જમીનદારને બહુ ગુસ્સો આવ્યો. મેં તે જમીનદારને જોયો છે. એ જમીનદારે તેની પાછળ એક વેશ્યાને લગાડી દીધી. તેના સપાટામાં એ આવી ગયો ને પેલીને પેટે છોકરું થયું.

‘અહીં એક દિવસે એક પૈસાદાર આવ્યો હતો. મને કહે કે મહાશય! આ કેસ ગમે તેમ કરીને જિતાય એવું કાંઈક કરી આપવું પડશે; આપનું નામ સાંભળીને આવ્યો છું. મેં કહ્યું કે ‘બાપુ, એ હું નહિ, તમારી ભૂલ થાય છે; એ અચલાનંદ.

‘જેની ઈશ્વરમાં ખરેખરી ભક્તિ હોય તે શરીર, પૈસા એ બધાંની પરવા કરે નહિ. એ જાણે, કે દેહના સુખને માટે, કે કીર્તિ માટે, કે પૈસા માટે વળી જપ-તપ શું? એ બધું તો અનિત્ય, બે દિવસને માટે.

હવે આગંતુક ગૃહસ્થો ઊઠ્યા અને નમસ્કાર કરીને બોલ્યા, ‘ત્યારે હવે અમે જઈશું.’ તેઓ ચાલ્યા ગયા. ઠાકુર શ્રીરામકૃષ્ણ સહેજ હસે છે અને માસ્ટરને કહે છે, ‘ચોર સુણે નહિ ધર્મ-કથા!’ (સૌનું હાસ્ય).

Total Views: 408
ખંડ 15: અધ્યાય 20 : દક્ષિણેશ્વર-મંદિરમાં રતન વગેરે ભક્તો સાથે
ખંડ 15: અધ્યાય 22 : આત્મશ્રદ્ધા એટલે ઈશ્વરમાં વિશ્વાસ