Identity of God the Absolute and God the Creator, Preserver and Destroyer

ઈશાન ભાટપાડામાં ગાયત્રી-પુનશ્ચરણ કરવાના છે. ગાયત્રી બ્રહ્મ-મંત્ર, વિષય-વાસના સંપૂર્ણ રીતે ગયા વિના બ્રહ્મ-જ્ઞાન થાય નહિ. પરંતુ કળિયુગમાં અન્નને આધારે પ્રાણ; વિષય-વાસના કેમેય જાય નહિ. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ વગેરે વિષયોમાં   મન હંમેશાં રહ્યા કરે. (ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ । અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે।। ગીતાઃ ૧૨.૫) એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ કહે કે કળિયુગમાં જ્ઞાનમાર્ગ ચાલે નહિ. જે બ્રહ્મ, એ જ શક્તિ. શક્તિની ઉપાસના કરીએ એટલે બ્રહ્મની ઉપાસના થઈ ગણાય. જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે, ત્યારે બ્રહ્મને જ શક્તિ કહે. એ બે જુદી જુદી વસ્તુઓ નથી, એક જ વસ્તુ.

The quest of the Absolute and Ishan. The Vedantic position – “I am He” – સોઽહમ્

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): શા માટે તમે ‘નેતિ નેતિ’ કરતા ભટકો છો? બ્રહ્મ વિષે કશુંય કહેવાય નહિ. માત્ર એટલું જ કહી શકાય કે ‘અસ્તિ માત્રમ્’, (નૈવ વાચા ન મનસા પ્રાપ્તું શક્યો ન ચક્ષુષા ।.. અસ્તીત્યેવોપલબ્ધસ્ય તત્ત્વભાવઃ પ્રસીદતિ ।। – કઠઃ ૨.૩.૧૨-૧૩) કેવલઃ રામઃ.

આપણે જે કાંઈ જોઈએ છીએ, વિચારીએ છીએ એ બધું એ આદ્યશક્તિનું, એ ચિત્શક્તિનું ઐશ્વર્ય. સૃષ્ટિ, પાલન, સંહાર, જીવ, જગત, તેમજ ધ્યાન, ધ્યાતા, ભક્તિ, પ્રેમ, એ બધું શક્તિનું ઐશ્વર્ય.

‘પરંતુ બ્રહ્મ અને શક્તિ અભિન્ન. લંકાથી પાછા આવ્યા પછી હનુમાન રામની સ્તુતિ કરે છે અને કહે છે, ‘હે રામ, તમે જ એ પરબ્રહ્મ, અને સીતા તમારી શક્તિ. પરંતુ તમે બેઉ અભિન્ન. જેમ કે સાપ અને તેની વાંકીચૂંકી ચાલ. સાપની ગતિનો વિચાર કરવા જતાં સાપનો વિચાર આવે જ, અને સાપનો વિચાર કરતાંની સાથે સાપની ગતિનો વિચાર પણ આવે જ. દૂધનો વિચાર કરતાંની સાથે જ દૂધની ધોળાશનો વિચાર આવે. દૂધ જેવું ધોળું, એટલે કે તેની ધોળાશનો વિચાર કરતાંની સાથે જ દૂધનો વિચાર આવે. પાણીની ઠંડકનો વિચાર કરતાંની સાથે જ પાણીનો વિચાર આવે, તેમજ પાણીનો વિચાર કરતાં જ પાણીની ઠંડકનો વિચાર આવે.

‘આ આદ્યશક્તિ યા મહામાયાએ બ્રહ્મને ઢાંકી રાખેલ છે. આવરણ ગયું એટલે ‘જે હતો તે જ થયો, હું તે જ તમે, તમે તે જ હું!’

‘જ્યાં સુધી આવરણ રહેલું છે, ત્યાં સુધી વેદાન્તવાદીઓનો સોહમ્ એટલે કે ‘હું જ એ પરબ્રહ્મ’, કહેવું એ બરોબર લાગુ ન પડે. જળનો જ તરંગ, તરંગનું જળ ન કહેવાય. જ્યાં સુધી આવરણ રહ્યું છે ત્યાં સુધી ‘મા મા’ કહીને ભગવાનને બોલવવા એ સારું. તમે મા, હું તમારું સંતાન; તમે પ્રભુ, હું તમારો દાસ, એવો સેવ્ય સેવકનો ભાવ જ સારો. આ દાસ-ભાવમાંથી વળી બધા ભાવો આવે, શાન્ત, સખ્ય વગેરે. શેઠ જો નોકરને ચાહે તો વળી તેને કહે કે આવ, મારી પાસે બેસ; તું ને હું એક જ છીએ ને! પરંતુ જો નોકર પોતે જ ઊઠીને શેઠની પાસે બેસવા જાય તો શેઠ નારાજ થાય.

આદ્યશક્તિ, અવતારલીલા અને ઈશાન – What is Maya? – વેદ, પુરાણ અને તંત્રનો સમન્વય

‘અવતાર-લીલા એ બધું ચિત્શક્તિનું ઐશ્વર્ય. જે બ્રહ્મ, તે જ વળી રામ, કૃષ્ણ, શિવ.’

ઈશાન: હરિ અને હરમાં ધાતુ એક, માત્ર પ્રત્યયનો તફાવત. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ: હાં, એક વિના બે કંઈ જ નહિ. વેદમાં કહેલ છે ૐ સચ્ચિદાનંદઃ બ્રહ્મ, પુરાણમાં કહ્યું છે ૐ સચ્ચિદાનંદઃ કૃષ્ણઃ, તેમ વળી તંત્રોમાં કહ્યું છે ૐ સચ્ચિદાનંદઃ શિવઃ.

‘એ ચિત્શક્તિએ મહામાયારૂપે બધાને અજ્ઞાની કરી રાખ્યા છે. અધ્યાત્મ-રામાયણમાં છે કે રામનાં દર્શન કરીને ઋષિઓ બધા માત્ર આ વાત જ કરે છે કે હે રામ, તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ કરો મા.’ (અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ । ગીતા – ૫.૧૫, દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા । મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ।। ગીતા – ૭.૧૪)

ઈશાન: આ માયા એ શું?

શ્રીરામકૃષ્ણ: જે કંઈ જુઓ છો, સાંભળો છો, વિચાર કરો છો, એ બધું માયા. એક શબ્દમાં કહીએ તો કામિની-કાંચન જ માયાનું આવરણ.

‘પાન ખાવું, માછલી ખાવી, તમાકુ પીવી, શરીરે તેલ લગાવવું એ બધામાં દોષ નહિ. એકલાં એ બધાંનો ત્યાગ કર્યે શું વળે? કામિની-કાંચનના ત્યાગની જ જરૂર. એ ત્યાગ જ ખરો ત્યાગ. સંસારીઓ અવારનવાર નિર્જન સ્થળે જઈને સાધન-ભજન કરી, ભક્તિ-પ્રાપ્તિ કરીને મનથી ત્યાગ કરે. સંન્યાસીઓ બહારથી ત્યાગ અને મનથી ત્યાગ, એમ બંને ત્યાગ કરે.

Keshab Chandra Sen and Renunciation – નવવિધાન અને નિરાકારવાદ – Dogmatism

‘કેશવ સેનને મેં કહેલું કે જે ઓરડામાં પાણીનું માટલું અને અથાણાં-આંબલી હોય, એ ઓરડામાં પિત્ત-વિકારનો દરદી રહે તો એ કેમ કરીને સાજો થાય? માટે સંસારીઓએ અવારનવાર નિર્જન સ્થળે જઈને રહેવું જોઈએ.

એક ભક્ત: મહાશય, નવ-નિધાન કેવું છે? જાણે કે ખીચડા જેવું!

શ્રીરામકૃષ્ણ: કોઈ કોઈ કહે છે કે એ આધુનિક. હું વિચાર કરું કે બ્રાહ્મસમાજીઓનો ઈશ્વર શું વળી બીજો એક ઈશ્વર? કહે છે કે નવ-વિધાન એ નવીન વિધાન છે! તે હશે ભાઈ. જેમ છ દર્શન છે, ષડ્દર્શન; તેમ એય બીજું એક કંઈક હશે.

‘પરંતુ નિરાકારવાદીઓની ભૂલ શી થાય છે એ ખબર છે? એમની ભૂલ એ કે તેઓ કહે છે કે પરમાત્મા નિરાકાર જ, બીજા બધા મત ખોટા.

‘હું તો મારા અનુભવથી જાણું છું કે પરમાત્મા સાકાર તેમજ નિરાકાર બેઉ. ઉપરાંત એ કેટલુંય થઈ શકે. એ સર્વ કાંઈ થઈ શકે. (નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરંતપ । એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા – ગીતાઃ ૧૦.૪૦)

God in the ‘Untouchables’

(ઈશાનને) ‘એ ચિત્શક્તિ, એ મહામાયા ચોવીસ (મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ । ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચ ચેન્દ્રિયગોચરાઃ ।। ગીતાઃ ૧૩.૫) તત્ત્વરૂપે થઈ રહેલ છે. હું ધ્યાન કરતો હતો. ત્યાં ધ્યાન કરતાં કરતાં મન ચાલ્યું ગયું (રસિકના) ઘેર. રસિક ભંગી. મનને કહ્યું કે રહે સાલા, અહીં જ રહે. માએ દેખાડી દીધું કે એ ભંગીના ઘરનાં માણસો બધાં હાલેચાલે છે તે ખોખાં માત્ર, અંદર એ જ એક કુંડલિની, એ જ ષટ્ચક્રો!

‘એ આદ્યશક્તિ સ્ત્રી કે પુરુષ? મેં ત્યાં દેશમાં જોયું કે લાહા બાબુને ત્યાં કાલી-પૂજા થાય છે ત્યાં માતાજીના ગળામાં જનોઈ પહેરાવેલી છે! એક જણે પૂછ્યું કે માતાજીના ગળામાં જનોઈ શું કામ? જેને ત્યાં એ પૂજા હતી તેણે કહ્યું કે ‘ભાઈ, તેં જ માને બરાબર ઓળખ્યાં લાગે છે! મને તો ખબર નથી કે મા પુરુષ કે સ્ત્રી. (તદ્વા એતદક્ષરં ગાર્ગ્યષ્ટં દ્રષ્ટૃ, અશ્રુતં શ્રોતૃ, અમતં મન્તૃ, અવિજ્ઞાતં વિજ્ઞાતૃ; નાન્યદતોઽસ્તિ દ્રષ્ટૃ, નાન્યદતોઽસ્તિ શ્રોતૃ, નાન્યદતોઽસ્તિ મન્તૃ, નાન્યદતોઽસ્તિ વિજ્ઞાતૃ;… બૃહદા. ઉપ. ૩.૮.૧૧)

‘એવું કહ્યું છે કે એ મહામાયા શિવને હડપ કરીને ગળી ગયાં. માતાજીની અંદર ષટ્-ચક્રોનું જ્ઞાન લઈ લીધા પછી શિવ માની જાંઘમાંથી બહાર આવ્યા. ત્યાર પછી શિવે તંત્રોની ઉત્પત્તિ કરી.

‘એ ચિત્શક્તિના, એ મહામાયાના શરણાગત થવું જોઈએ.

ઈશાન: આપ કૃપા કરો.

ઈશાનને ઉપદેશ, ‘ડૂબકી મારો’ – ગુરુનું પ્રયોજન શું? બ્રાહ્મણ પંડિત, શાસ્ત્ર અને ઈશાન – Mere Book Learning

શ્રીરામકૃષ્ણ: સરળ ભાવથી બોલો કે ‘હે ઈશ્વર, દર્શન દો!’ અને ઈશ્વર સારુ રડો; અને બોલો કે ‘હે ઈશ્વર, કામિની-કાંચનમાંથી મારું મન હટાવી લો.’

‘અને ડૂબકી મારો. ઉપર ઉપર તર્યે કાંઈ રત્ન મળે? ડૂબકી મારવી જોઈએ.

‘ગુરુની પાસે જઈને તપાસ કરવી જોઈએ. એક જણ શિવનું બાણ-લિંગ શોધતો હતો. તેને કોઈએ કહી દીધું કે અમુક નદીને કાંઠે જાઓ, ત્યાં એક ઝાડ દેખાશે. એ ઝાડની પાસે એક વમળ છે, તેમાં ડૂબકી મારવી જોઈએ, તો શિવનું બાણ-લિંગ મળે. એવી રીતે ગુરુની પાસેથી ખબર પૂછી લેવા જોઈએ.

ઈશાન: જી હાં.

શ્રીરામકૃષ્ણ: સચ્ચિદાનંદ (પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોઽસ્ત્યભ્યધિકઃ કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। ગીતાઃ ૧૧.૪૩) જ ગુરુ રૂપે આવે. માણસ-ગુરુની પાસેથી જો કોઈ દીક્ષા લે, ત્યારે એ ગુરુને સામાન્ય માણસ સમે કાંઈ આગળ ન વધાય.

ગુરુને સાક્ષાત્ ઈશ્વર સમજવા જોઈએ, ત્યારે તો મંત્રમાં શ્રદ્ધા બેસે ને? શ્રદ્ધા આવી તો તો બધું થઈ ગયું! શૂદ્રે (એકલવ્યે) વનમાં માટીના દ્રોણાચાર્ય બનાવીને બાણ-વિદ્યા પ્રાપ્ત કરી હતી. માટીના દ્રોણાચાર્યની એ પૂજા કરતો, સાક્ષાત્ દ્રોણાચાર્ય સમજીને; અને એથી એ બાણ-વિદ્યામાં સિદ્ધ થયેલો.

‘અને ઈશાન! તમે બ્રાહ્મણ-પંડિતોની સાથે બહુ વધુ પડતું ભળવાનું રાખો મા. એમને તો એક જ કાળજી, કે બે દોઢિયા ક્યાંથી મળે દક્ષિણાના.

‘મેં જોયું છે કે બ્રાહ્મણો સ્વસ્તિ-વાચન કરવા આવ્યા છે, કે ચંડીપાઠ કે બીજો કોઈ પાઠ કરી રહ્યા છે. તે જોયું તો અડધોઅડધ પાનાં એમને એમ ઉલટાવ્યે જાય! (સૌનું હાસ્ય).

‘પોતાના મોત માટે તો એક નખ કાપવાની નરેણીય બસ થઈ પડે. બીજાને મારવા માટે ઢાલ-તલવાર, શસ્ત્રો.

‘જુદાં જુદાં અનેક શાસ્ત્રો જાણવાની (ઉત્તમા તત્ત્વચિન્તૈવ મધ્યમમ્ શાસ્ત્ર ચિંતનમ્ અધમા મન્ત્રચિંતા ચ તીર્થભ્રાન્ત્યધમાધમા ।। મૈત્રેયી ઉપ. ૨.૨૧) કશીયે જરૂર નહિ. જો વિવેક ન હોય તો, એકલી પંડિતાઈથી કંઈ ન વળે. ષટ્-દર્શન ભણ્યેય કંઈ ન વળે. નિર્જન સ્થળે એકાંતમાં રડી રડીને પ્રભુને પુકારો, એ જ બધું કરી દેશે.’

નિર્જન ગુપ્ત સ્થળે સાધના – મરજાદિયાપણું અને ઈશાન

ઈશાન ભાટપાડામાં પુરશ્ચરણ કરવા માટે ગંગાતીરે અષ્ટકોણ મંડપ બંધાવતા હતા એ વાત ઠાકુરે સાંભળી છે.

શ્રીરામકૃષ્ણ (વ્યગ્રતાથી ઈશાનને): હેં ભાઈ, એ મંડપ શું તૈયાર થઈ ગયો? પણ હું તમને કહું છું કે આવાં બધાં (સાધનાનાં) કામ લોકોના જાણવામાં જેટલાં ન આવે એટલાં સારાં. જેઓ સત્ત્વગુણી હોય, તેઓ ધ્યાન કરે મનમાં, ઘરના ખૂણામાં, ને કાં વનમાં; કાં તો મચ્છરદાનીની અંદર પથારીમાં બેઠા બેઠા ધ્યાન કરે.

ઈશાન અવારનવાર હાજરા મહાશયને ભાટપાડામાં લઈ જાય. હાજરા ત્યાં મરજાદિયા જેવું આચરણ રાખે. ઠાકુર શ્રીરામકૃષ્ણે તેમને એ પ્રમાણે કરતાં વારેલા.

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): અને જુઓ, હદ ઉપરાંત આચારની આદત રાખો મા. એક સાધુને ખૂબ તરસ લાગેલી. એટલામાં એક ભિસ્તી પાણીની મશક લઈને જતો હતો, તેણે સાધુને પાણી આપવાની ઇચ્છા દર્શાવી. સાધુએ પૂછ્યું કે તારી મશક સાફ છે કે? (નવદ્વારમલસ્ત્રાવમ્ સદાકાલે સ્વભાવજમ્ દુર્ગંધમ્ દુર્મલોપેતમ્ સ્પૃષ્ટવા સ્નાનમ્ વિધીયતે।। મૈત્રેયી ઉપ. ૨.૬) પેલા ભિસ્તીએ જવાબ આપ્યો કે ‘મહારાજ, મારી મશક તો ખૂબ સાફ છે, પણ તમારી મશકની અંદર મળ-મૂત્ર વગેરે કેટલીય પ્રકારના મેલ ભરાયેલા છે. એટલે કહું છું કે મારી મશકમાંથી પાણી પીઓ ને તરસ છિપાવો, એમાં કાંઈ દોષ નહીં લાગે.’ તમારી મશક એટલે તમારો દેહ, તમારું પેટ.

‘અને ઈશ્વરના નામમાં શ્રદ્ધા રાખો, તો પછી તીર્થ વગેરે કરવાનીયે જરૂર રહેશે નહિ. એમ કહીને ઠાકુર ભાવમાં આવી જઈને ગીત ગાય છેઃ

સિદ્ધ અવસ્થામાં કર્મત્યાગ

ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, 

સંધાન નવ પમાય…

દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,

મદનના યાગયજ્ઞ બધું, 

બ્રહ્મમયીના રાતા પાય…

કાલી નામના આવા ગુણો, કોનાથી તે જાણી શકાય,

દેવાધિદેવ મહાદેવ જેના, પંચમુખે ગુણ ગાય…

ઈશાન એ બધું સાંભળીને ચૂપ થઈ ગયા.

ઈશાનને ઉપદેશ – બાળક જેવી શ્રદ્ધા – જનકની જેમ પહેલાં સાધના – ત્યારે સંસારમાં ઈશ્વરપ્રાપ્તિ થાય

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): હવે બીજો કોઈ સંદેહ-સંશય હોય તો પૂછી લો.

ઈશાન: જી, આપ જે કહેતા હતા તે, શ્રદ્ધા.

શ્રીરામકૃષ્ણ: સાચી શ્રદ્ધા વડે જ ઈશ્વરને પામી શકાય. અને બધામાં શ્રદ્ધા રાખ્યે એથીયે વધારે જલદી થાય. ગાય જો વીણી વીણીને ખાય, તો દૂધ ઓછું આપે; પણ દરેક પ્રકારનું ઘાસ, પાન જે આવે તે ખાય તો ભર્ર્ર્ ભર્ર્ કરીને દૂધ દે.

‘રાજકૃષ્ણ બાંડુર્જેના છોકરાએ વાત કરેલી કે એક જણને આદેશ થયો કે જો, આ ઘેટામાં જ તારા ઇષ્ટને દેખીશ. એણે એમાં જ શ્રદ્ધા રાખી, કારણ કે સર્વભૂતમાં ઈશ્વર જ રહ્યા છે.

‘ગુરુએ ભક્તને કહી દીધું, કે ‘રામ હિ ઘટઘટમેં લેટા.’ એ ભક્તને તે સાથે જ શ્રદ્ધા બેઠી. એક કૂતરું તેની રોટલી લઈને ભાગવા માંડ્યું, એટલે ભક્ત ઘીનું વાસણ હાથમાં લઈને પાછળ પાછળ દોડવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે ‘રામ, જરા ઊભા રહો, રોટલીમાં ઘી ચોપડ્યું નથી!’

‘વળી, કૃષ્ણકિશોરનો શો વિશ્વાસ! તે કહેતો કે ‘ૐ કૃષ્ણ! ૐ રામ!’ એ ઉચ્ચારણ કર્યે કરોડો સંધ્યાનું ફળ મળે!’

‘વળી, કૃષ્ણકિશોર મને છાનોમાનો કહેતો કે ‘કોઈને કહેશો મા, મને સંધ્યા-બંધ્યા ગમતી નથી!’

‘મનેય એ પ્રમાણે થાય. મા દેખાડી આપે કે એ પોતે જ બધું થઈ રહેલ છે. ઝાઉતલા તરફ શૌચ જઈને પંચવટી તરફ આવી રહ્યો છું. જોઉં છું તો સાથે એક કૂતરું આવે છે. ત્યારે પંચવટી પાસે એક વાર ઊભો રહ્યો, એમ ધારીને કે મા જો આની મારફત કંઈ બોલાવે તો!’

‘એટલે તમે જેમ કહ્યું તેમ, શ્રદ્ધાથી બધું મળે. (સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ। અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ।। ગીતાઃ ૧૮.૬૬)

The difficult Problem of the Householder and the 

Lord’s Grace

ઈશાન: પરંતુ અમે તો ગૃહસ્થાશ્રમમાં રહ્યા છીએ.

શ્રીરામકૃષ્ણ: તેનો વાંધો નહિ. ઈશ્વરની કૃપા (With man it is impossible but nothing is impossible with the Lord – Christ) થાય તો અસંભવિત પણ સંભવિત થઈ જાય. રામપ્રસાદે ગીતમાં ગાયું હતું કે-

‘આ સંસાર છે ભ્રમની રચના’. તેને એક જણે ઉત્તર આપેલો કે

‘આ સંસાર તો મજાની કુટિ, ખાઈ પી ને મેં મજા લૂંટી,

જનક રાજા મહાન તેજી, તેને હતી રે શેની ત્રુટિ;

આણીગમ તેણીગમ બેઉ ગમ રાખી, પીધી હતી તેણે દૂધની વાટી.’

પરંતુ પહેલાં ગુપ્ત રીતે એકાન્તમાં સાધના કરી ઈશ્વર-પ્રાપ્તિ કરીને સંસારમાં રહ્યે જનક રાજા થવાય, એ વિના કેમ કરીને થવાય!

‘જુઓ ને, કાર્તિક, ગણેશ, લક્ષ્મી, સરસ્વતી, બધાંય છે; પરંતુ શિવ ક્યારેક સમાધિ-મગ્ન, તો ક્યારેક ‘રામ, રામ’ કરીને નૃત્ય કરે!’

Total Views: 509
ખંડ 15: અધ્યાય 24 : શ્રીયુત્ અધરનું ઘર - રાખાલ, ઈશાન વગેરે ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
ખંડ 15: અધ્યાય 26 : દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે - ૨૩ સપ્ટેમ્બર, ૧૮૮૩