શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે ભક્તો સાથે બેઠા છે. રાખાલ, માસ્ટર, રામ, હાજરા વગેરે ભક્તો હાજર છે. હાજરા મહાશય બહારની ઓસરીમાં બેઠા છે. આજ રવિવાર, ૨૩મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૩; ભાદરવા વદ સાતમ.
નિત્યગોપાલ, તારક વગેરે ભક્તો રામને ઘેર રહે છે. રામ હેતથી તેમની સંભાળ રાખે છે.
રાખાલ અવારનવાર શ્રીયુત્ અધર સેનને ઘેર જઈને રહે. નિત્યગોપાલ હમેશાં ભાવ-મગ્ન! તારકની પણ અવસ્થા અંતર્મુખ. એ આજકાલ લોકોની સાથે બહુ બોલવાનું રાખે નહિ.
શ્રીરામકૃષ્ણની નરેન્દ્ર પ્રત્યે ભાવના
ઠાકુર હવે નરેન્દ્રની વાત કરે છે.
શ્રીરામકૃષ્ણ (એક ભક્તને): નરેન્દ્ર તમનેય ‘લાઈક’ (પસંદ) કરતો નથી. (માસ્ટરને) કેમ ભલા, અધરને ઘેર નરેન્દ્ર આવ્યો નહિ શા માટે?
‘નરેન્દ્રમાં એકસાથે કેટલા ગુણ? ગાવામાં, બજાવવામાં, ભણવા-ગણવામાં એક્કો. તે દિવસે કેપ્ટનની ગાડીમાં અહીંથી જતો હતો, તે કેપ્ટને તેને પોતાની પાસે બેસવાને કેટલુંય કહ્યું, પણ નરેન્દ્ર પેલી બાજુએ જઈને બેઠો; કેપ્ટનની તરફ ફરીને જોયું સરખુંય નહિ.
શાક્ત ગૌરી પંડિત અને શ્રીરામકૃષ્ણ
‘એકલી પંડિતાઈથી શું વળે? સાધન-ભજન જોઈએ. ઈંદેશનો ગૌરી, પંડિતેય હતો, સાધકેય હતો. શક્તિ-સાધક હતો; માતાજીના ભાવમાં વચ્ચે વચ્ચે ઉન્મત્ત થઈ જતો. અવારનવાર બોલી ઊઠતો કે ‘હા રે રે રે નિરાલંબો લંબોદર-જનનિ કં યામિ શરણમ્,’ ત્યારે પંડિતોય તેની પાસે અળસિયાં જેવા થઈ જતા. હુંય આવેશમાં આવી જતો. મારું ભોજન જોઈને એ કહેતો કે તમે ભૈરવી લઈને સાધના કરી છે.
‘એક કર્તા-ભજાએ નિરાકારની વ્યાખ્યા કરી. નિરાકાર એટલે કે નીરનો આકાર. ગૌરી એ સાંભળીને ખૂબ ખિજાઈ ગયેલો.
‘શરૂ શરૂમાં ગૌરી જરા કટ્ટર શાક્ત હતો; તુલસીનું પાન લાકડીના બે કટકાથી ઉપાડતો, હાથેથી અડતો નહિ. (સૌનું હાસ્ય). ત્યાર પછી પોતાને ઘેર ગયો; ઘરેથી પાછો આવીને પછી હવે એમ કરતો નથી.
‘મેં કાલી-મંદિરની સામે એક તુલસીનો રોપ વાવેલો, પણ એ મરી ગયો. કહે છે કે જ્યાં બલિદાન દેવાય, ત્યાં એ ઊગે નહિ.
‘ગૌરી વ્યાખ્યા કરતો. એ, ઐ!’ ની વ્યાખ્યા એ એમ કરતો કે એ શિષ્ય! ઐ (પેલું) તારું ઇષ્ટ! તેમ વળી રાવણનાં દશ માથાંને કહેતો દશ ઇન્દ્રિયો. તમોગુણથી કુંભકર્ણ, રજોગુણથી રાવણ, સત્ત્વગુણથી વિભીષણ, એટલે વિભીષણે રામને મેળવ્યા હતા.
રામ, તારક અને નિત્યગોપાલ
બપોરે જમ્યા પછી ઠાકુર જરા આરામ કરે છે. કોલકાતાથી રામ, તારક (શિવાનંદ મહારાજ) વગેરે ભક્તજનો આવી પહોંચ્યા. ઠાકુરને પ્રણામ કરીને તેઓ જમીન પર બેઠા. માસ્ટર પણ જમીન પર બેઠા છે. રામ કહે છે કે ‘અમે ખોલ બજાવતાં શીખીએ છીએ.’
શ્રીરામકૃષ્ણ (રામને): નિત્યગોપાલ બજાવવાનું શીખે છે?
રામ: ના, એ અમસ્તું સાધારણ બજાવી શકે છે.
શ્રીરામકૃષ્ણ: તારક?
રામ: એ ઘણે અંશે બજાવી શકશે.
શ્રીરામકૃષ્ણ: તો પછી એ આટલું મોઢું નીચું કરીને રહેશે નહિ. જો એક બાજુએ મન વધારે લાગે તો ઈશ્વરની તરફ એટલું રહે નહિ.
રામ: હું એમ માનું છું કે હું જે શીખું છું તે માત્ર સંકીર્તનને માટે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): તમે, ગીત ગાતાં શીખ્યા છો?
માસ્ટર (સહાસ્ય): જી ના, ખાલી ઉં-આં કરું એટલું જ.
(મારો ખરેખરો ભાવ ‘હવે કામ નહિ કાંઈ જ્ઞાનવિચારનું, મા મને પાગલ કરે’)
શ્રીરામકૃષ્ણ: તમને પેલું (ગીત) આવડે છે? આવડતું હોય તો બોલો ને!
‘હવે કામ નથી જ્ઞાનવિચારનું, દે મા મને પાગલ કરી.’
જુઓ, એ મારો ખરેખરો ભાવ.’
હાજરાને ઉપદેશ – સર્વજીવો પ્રત્યે પ્રેમ – ઘૃણા અને
નિંદાનો ત્યાગ કરો
હાજરા મહાશય કોઈ કોઈના તરફ ઘૃણા બતાવતા.
શ્રીરામકૃષ્ણ (રામ વગેરે ભક્તોને): અમારે ત્યાં દેશમાં હું એક જણને ઘેર અવારનવાર જઈને રહેતો. એ લોકો મારી સરખી ઉંમરના. તેઓ તે દિવસે આવ્યા હતા. અહીં બે ત્રણ દિવસ રહ્યા હતા. તેઓની મા આ રીતે સૌનો તિરસ્કાર કરતી. છેવટે એ માના પગનું હાડકું કોણ જાણે કેમ કરીને ખસી ગયું, અને પગ સડવા લાગ્યો. ઓરડામાં એટલી બધી ગંધ આવવા લાગી કે તેમાં માણસ પેસી ન શકતું.
‘તેથી હાજરાને આ વાત કહું છું, અને કહું છું કે કોઈની નિંદા કરો મા.
સમય લગભગ ચારેક વાગ્યાનો હશે. ઠાકુર હાથ મોઢું ધોવા વગેરે માટે ઝાઉતલા તરફ ગયા. ઠાકુરના ઓરડાની દક્ષિણ-પૂર્વ બાજુની ઓસરીમાં શેતરંજી પાથરવામાં આવી. ઠાકુર ઝાઉતલા તરફથી પાછા આવીને ત્યાં બેઠા. રામ વગેરે હાજર છે. શ્રીયુત્ અધર સેન નાતે સોની. રાખાલ તેને ઘેર જમ્યા હતા. એ વિષે રામબાબુ કંઈક બોલેલા. અધર પરમ ભક્ત. એ બધી વાતો ચાલી રહી છે.
એક ભક્ત રહસ્યમય ભાવે સોની વાણિયાઓ વચ્ચે કેવા કેવા પ્રકારના સ્વભાવ-સંબંધ હોય તેનું વર્ણન કરે છે અને શ્રીઠાકુર હસે છે. બીજી વાનગીઓ હોય કે ન હોય પણ એમને ‘વઘારેલી રોટલી’ ખૂબ ભાવે. તેઓ ઘણા સારા પાતળા ભાત ખાય છે, નાસ્તો કરે અને સાથે ફળ પણ જોઈએ. વિલાયતી આંબોળિયું ઘણું પસંદ, વગેરે. જ્યારે ઘરે કોઈ સારા સમાચાર આવે ત્યારે એલીશ માછલી અને મીઠાઈ તેમનાં કુટુંબનાં ઘરોમાં જવાનાં. જે તે કુટુંબ આ શુભ સમાચાર પોતાના કુટુંબને એ જ પદાર્થાે આપીને પહોંચાડે. આવી જ રીતે એક જ એલીશ માછલી અને મીઠાઈ પંદર-વીશ ઘરોમાં ફરતી હોય. સ્ત્રીઓ બધું કામ કરે પણ ઓરિસ્સાના બ્રાહ્મણ રસોઇયા રસોઈ રાંધે છે; એ જ રસોઇઓ કોઈને ઘરે એક કલાક, બીજાને ઘરે કલાક એમ રસોઈ કરતો રહે. આમ એક જ ઉડિયા બ્રાહ્મણ ક્યારેક ક્યારેક ચાર, પાંચ ઘરોમાં રસોઈ રાંધે.
શ્રીરામકૃષ્ણ હસે છે અને આ અંગે પોતાનો કોઈ મત – અભિપ્રાય આપતા નથી.
ઠાકુર સમાધિસ્થ – તેમની જગન્માતા સાથે વાતો
વાતો કરતાં કરતાં સંધ્યા થઈ. ઓસરીમાં ઉત્તર-પશ્ચિમ ખૂણે શ્રીરામકૃષ્ણ ઊભેલા અને સમાધિસ્થ.
કેટલીયે વાર પછી મન બાહ્ય જગતમાં ઊતરી આવ્યું. ઠાકુરની શી નવાઈભરી અવસ્થા. આજકાલ મોટેભાગે સમાધિ-મગ્ન રહે. સાવ સામાન્ય ઉદ્દીપન થતાં જ બાહ્ય-ભાન રહિત થાય. ભક્તો જ્યારે આવે ત્યારે સહેજ વાતચીત કરે, નહિતર હમેશાં અંતર્મુખ. પૂજા-જપ વગેરે કર્માે હવે કરી શકતા નથી.
શ્રીરામકૃષ્ણની કર્મત્યાગની અવસ્થા
સમાધિ-ભંગ થયા પછી ઠાકુર ઊભા ઊભા જ જગન્માતાની સાથે વાતો કરે છે. કહે છે, ‘મા, પૂજા ગઈ, જપ ગયો; (યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ । આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ।। ગીતાઃ ૩.૧૭) જુઓ મા, સાવ જડ કરતા નહિ. સેવ્ય-સેવક ભાવે રાખો, કે જેથી વાતો કરી શકું, તમારું નામ-સ્મરણ કરી શકું અને તમારું નામ-ગુણ-કીર્તન કરું, તમારાં ગીત ગાઉં, મા! અને શરીરમાં જરા બળ આપો, કે જેથી મારી મેળે સહેજ ચાલી શકું, જ્યાં તમારી કથા થતી હોય, જ્યાં ભક્તો હોય,એ બધી જગાએ જઈ શકું.’

શ્રીરામકૃષ્ણે આજ સવારે કાલી-મંદિરે જઈને જગન્માતાનાં ચરણોમાં પુષ્પાંજલિ આપી છે. વળી પાછા તેઓ જગન્માતાની સાથે વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘મા, આજે સવારે તમારે ચરણે બે ફૂલ ચડાવ્યાં; વિચાર આવ્યો કે સારું થયું, વળી પાછું (બાહ્ય) પૂજાની તરફ મન જાય છે. ત્યારે પછી વળી પાછું આમ થયું શા માટે? પાછો જડ જેવો શા માટે કરી નાખો છો?’
ભાદરવા વદ સાતમ. હજીયે ચંદ્રનો ઉદય થયો નથી. રાત્રિ અંધકારમય. શ્રીરામકૃષ્ણ હજીએ ભાવપૂર્ણ. એ અવસ્થામાં જ પોતાના ઓરડાની અંદર નાની પાટ ઉપર બેઠા. વળી પાછા જગદંબાની સાથે વાતો કરે છે.
ઈશાનને ઉપદેશ – કળિયુગમાં વેદમત ન ચાલે – માતૃભાવે સાધના કરો
હવે, એમ લાગે છે, કે ઠાકુર ભક્તોની બાબતમાં માને કંઈક બોલે છે. ઈશાન મુખોપાધ્યાયની વાત કરે છે. ઈશાને કહ્યું છે કે ‘હું ભાટપાડામાં જઈને ગાયત્રીનું પુરશ્ચરણ કરવાનો છું.’ શ્રીરામકૃષ્ણ તેને બોલ્યા હતા કે કળિકાળમાં વેદમત ચાલે નહિ, જીવોના અન્નમય પ્રાણ, આયુષ્ય ઓછું, દેહભાન, વિષયી બુદ્ધિ સાવ જાય નહિ. એટલે ઈશાનને તંત્રમત પ્રમાણે માતૃભાવે સાધના કરવાનો ઉપદેશ આપ્યો હતો. અને ઈશાનને કહ્યું હતું કે જે બ્રહ્મ, તે જ મા, તે જ આદ્યશક્તિ.
ઠાકુર ભાવના આવેશમાં આવીને બોલે છે, ‘વળી પાછું ગાયત્રીનું પુરશ્ચરણ! એક ખોળિયામાંથી પેલા ખોળિયામાં ઠેકડો!.. કોણે એને એ બાબત બતાવી છે? પોતાની જ ઇચ્છાથી કરે છે! વારુ, જરા પુરશ્ચરણ કરશે.’
(માસ્ટરને): વારુ, મારું આ બધું (બોલવું), વાયુને લીધે કે (ઈશ્વરીય) ભાવથી?
માસ્ટર આશ્ચર્યચક્તિ થઈને જુએ છે કે ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાની સાથે એ પ્રમાણે વાતો કરે છે. તે નવાઈ પામીને જોઈ રહ્યા છે કે ઈશ્વર આપણી અતિ નિકટ, બહાર તેમજ અંદર. અતિ નિકટ ન હોય તો શ્રીરામકૃષ્ણ છાનામાના તેની સાથે વાતો કેમ કરીને કરે છે? (તદ્ વિષ્ણો પરમંપદમ્ સદા પશ્યન્તિ સૂરયઃ । દિવીવ ચક્ષુરાતતમ્ ।। ઋગ્વેદ. ૧.૨૨.૨૦)






