આજ બુધવાર, (૧૦ આસો, બંગાબ્દ), ભાદરવા વદ દશમ, ૨૬મી સપ્ટેમ્બર, ૧૮૮૩. બુધવાર હોવાથી આજે ભક્ત-સમાગમ ઓછો, કારણ કે સૌને કામકાજ હોય. એટલે ભક્તોને મોટે ભાગે રવિવારે વખત મળે એટલે શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા આવે. માસ્ટરને દોઢ વાગે રજા મળી છે. એટલે ત્રણ વાગ્યે દક્ષિણેશ્વર કાલી-મંદિરે ઠાકુરની પાસે આવી પહોંચ્યા. એ અરસામાં ઠાકુરની પાસે રાખાલ, લાટુ ઘણે ભાગે રહે. આજે બે કલાક પહેલાં કિશોરી આવ્યા છે. ઓરડાની અંદર ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. માસ્ટરે આવીને જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. ઠાકુરે કુશળ પ્રશ્ન કરીને નરેન્દ્રની વાત ઉપાડી.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): હેં ભાઈ! નરેન્દ્રની સાથે મેળાપ થયો હતો? (સહાસ્ય) નરેન્દ્ર કહે છે કે ‘એ (ઠાકુર) હજીયે કાલીમંદિરમાં જાય. જ્યારે એમને બરાબર સમજાઈ જશે, ત્યારે પછી કાલી-મંદિરમાં દર્શને જશે નહિ.’

નરેન્દ્ર અવારનવાર અહીં આવે છે. એટલા માટે તેના ઘરનાં માણસો બહુ નારાજ છે. તે દિવસે અહીં આવ્યો હતો, ગાડી કરીને. સુરેન્દ્રે ગાડીભાડું આપ્યું હતું. એટલે નરેન્દ્રની ફોઈ સુરેન્દ્રને ઘેર ઝગડો કરવા ગઈ હતી.

ઠાકુર નરેન્દ્રની વાત કરતાં કરતાં ઊઠ્યા. વાતો કરતાં કરતાં ઉત્તર-પૂર્વ તરફની ઓસરીમાં જઈને ઊભા રહ્યા. ત્યાં હાજરા, કિશોરી, રાખાલ વગેરે ભક્તો છે. સાંજ થઈ ગઈ છે.

શ્રીરામકૃષ્ણ: હેં ભાઈ! તમે આજે આવી ચડ્યા? સ્કૂલ નથી કે શું?

માસ્ટર: જી, આજે દોઢ વાગે રજા પડી હતી.

શ્રીરામકૃષ્ણ: કેમ એટલી વહેલી?

માસ્ટર: વિદ્યાસાગર મહાશય સ્કૂલ તપાસવા આવ્યા હતા. સ્કૂલ વિદ્યાસાગરની છે, એટલે એ આવે ત્યારે છોકરાઓને આનંદ કરવા છુટ્ટી આપવામાં આવે.

વિદ્યાસાગર અને સત્યકથા – શ્રીમુખે કથિત ચરિતામૃત

શ્રીરામકૃષ્ણ: વિદ્યાસાગર સાચું બોલતા નથી કેમ?

‘સત્યવચન ઔર નમ્રતા, પરસ્ત્રી માત સમાન;

ઈતનેસે હરિ ના મિલે, તુલસી જૂઠ જબાન.’

સત્યને પકડી રાખીએ તો ભગવત્પ્રાપ્તિ થાય. વિદ્યાસાગરે તે દિવસે કહ્યું હતું કે હું દક્ષિણેશ્વર આવીશ, પણ પાછા આવ્યા નહિ. પંડિત અને સાધુમાં ઘણો જ તફાવત. જે એકલો પંડિત હોય, તેનું કામિની-કાંચનમાં મન હોય. સાધુનું મન હરિ-ચરણકમલમાં. પંડિત બોલે એક, ને કરે બીજું. સાધુની વાત મૂકી દો. જેમનું હરિ-ચરણકમલમાં મન હોય તેમનું બોલવું ચાલવું બધું જુદું. કાશીમાં નાનકપંથી જુવાન સાધુ એક જોયો. તેની ઉંમર તમારા જેટલી. એ મને ‘પ્રેમી સાધુ’ કહેતો. કાશીમાં તેમનો મઠ છે. એક દિવસ મને નિમંત્રણ આપીને તેમને ત્યાં લઈ ગયો. મહંતને જોયો તો જાણે એક ઘર સંસારવાળી વહેવારી બાઈ! મેં તે સાધુને પૂછ્યું કે (ભગવત્પ્રાપ્તિનો) ‘ઉપાય શો’? તેણે જવાબ આપ્યો કે કળિયુગમાં નારદીય ભક્તિ. તે પાઠ કરતો હતો. પાઠ પૂરો થયા પછી કહેવા લાગ્યો,

જલે વિષ્ણુઃ સ્થલે વિષ્ણુઃ વિષ્ણુઃ પર્વત મસ્તકે । સર્વં વિષ્ણુમયં જગત્ ।।

સૌથી છેલ્લે બોલ્યો, ‘શાન્તિ! શાન્તિઃ! પ્રશાન્તિઃ!’

કળિયુગમાં વેદમત ન ચાલે – જ્ઞાનમાર્ગ

તેણે એક દિવસ ગીતા પાઠ કર્યો. પણ તેની એવી નિષ્ઠા કે સંસારી લોકોની સામે જોઈને પાઠ કરે નહિ, મારી સામે ફરીને કર્યો. સાથે મથુરબાબુ હતા. મથુરબાબુની તરફ પીઠ કરીને વાંચવા લાગ્યો. એ નાનકપંથી સાધુએ કહ્યું હતું કે ભગવત્પ્રાપ્તિનો ઉપાય ‘નારદીય ભક્તિ!

માસ્ટર: એ સાધુઓ વેદાંતવાદી નહિ?

શ્રીરામકૃષ્ણ: હા, વેદાન્તવાદી ખરા, પણ ભક્તિ-માર્ગ પણ સ્વીકારે. તમને ખબર છે, અત્યારે કળિયુગમાં વેદમત ન ચાલે. એક જણ કહે કે ‘મારે ગાયત્રીનું પુરશ્ચરણ કરવું છે.’ મેં કહ્યું, શા માટે? કળિયુગમાં તંત્રોનો મત ચાલે, તંત્રમત પ્રમાણે શું પુરશ્ચરણ થાય નહિ?’

‘વૈદિક કર્માે બહુ જ કઠણ. તે ઉપરાંત વળી નોકરી કરવાની હોય. એવું છે કે બાર વરસ કે એવાં કેટલાં વરસ સુધી નોકરી કરવાથી દાસ જ થઈ જવાય. આટલો બધો વખત સુધી નોકરી કરે, તેનો સ્વભાવ નોકરી કરનારામાં આવી જાય. તેની નોકરી કરતાં કરતાં તેનો રજોગુણ, તમોગુણ, જીવ-હિંસા, ભોગ-વિલાસ એ બધાં આવી જાય. માત્ર નોકરી કર્યે જ પતે નહિ, પણ પાછું પેન્શન ખાય!

‘એક વેદાન્તી સાધુ આવ્યો હતો. તે વાદળાં જોઈને નાચતો; વરસાદ-તોફાનમાં તેને ખૂબ આનંદ. ધ્યાનમાં બેસે તે વખતે કોઈ તેની પાસે જતું તો તે બહુ ચિડાઈ જતો. હું એક દિવસ ગયો હતો, એથી એ બહુ જ નારાજ થયેલો. તે હંમેશાં વિચાર કર્યા કરતો, ‘બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા’, માયાથી જુદાં જુદાં રૂપો દેખાય છે.’ એટલે કાચના ઝુંમરની પાંદડી હાથમાં લઈને ફરતો. કાચની પાંદડીમાંથી જોઈએ તો તરેહ તરેહના રંગ દેખાય; પણ ખરું જોતાં કોઈ પણ રંગ નથી હોતો. તે જ પ્રમાણે ખરી રીતે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, પરંતુ માયાથી, અહંકારથી ભિન્ન ભિન્ન વસ્તુઓ દેખાય છે. કદાચ માયા વળગે, આસક્તિ લાગે એટલા સારુ કોઈ પણ ચીજને એક વાર સિવાય બીજી વાર તે જોતો નહિ. સ્નાન કરતી વખતે પક્ષીઓને ઊડતાં દેખીને વિચાર કરતો. બંને સાથે શૌચ જતા. મુસલમાનનું તળાવ છે સાંભળી પાણી લીધું નહીં. હલધારીએ વળી વ્યાકરણ પૂછ્યું. વ્યાકરણ તે જાણતો. વ્યંજન – વર્ગનો વિષય નીકળ્યો હતો. ત્રણ દિવસ અહીં રહ્યો હતો. એક દિવસે પુસ્તાને કાંઠે શરણાઈનો શબ્દ સાંભળીને તે બોલ્યો, ‘જેને બ્રહ્મ-દર્શન થાય તેને આ શબ્દ સાંભળીને સમાધિ થાય!’

Total Views: 382
ખંડ 15: અધ્યાય 26 : દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે - ૨૩ સપ્ટેમ્બર, ૧૮૮૩
ખંડ 15: અધ્યાય 28 : દક્ષિણેશ્વરમાં ગુરુ શ્રીરામકૃષ્ણ - પરમહંસ અવસ્થાનું દર્શન