ઠાકુર શ્રીરામકૃષ્ણ સાધુની વાત કહેતાં કહેતાં પરમહંસ અવસ્થા બતાવવા લાગ્યા. એ બાળકના જેવી ચાલ, મોઢા પર એકાદ વખત હાસ્ય જાણે કે ફૂટી નીકળે છે! કેડે ધોતિયું નહિ, દિગંબર; ચક્ષુ આનંદથી તગતગે છે!

ઠાકુર વળી નાની પાટ ઉપર બેઠા, વળી પાછી એ જ મનમોહક વાતો. શ્રીરામકૃષ્ણ (મણિને)- મેં નાગાજીની પાસે વેદાંત સાંભળ્યું હતું, બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા. જાદુગર આવીને કેટલાય ખેલ કરે, આંબાનો રોપ ઉગાડે, તેમાં કેરી સુધ્ધાં આવે. પણ આખરે તો એ બધો ખેલ. જાદુગર જ સાચો.

મણિ: જીવન જાણે કે એક લાંબી ઊંઘ! એટલું સમજાય છે કે આ સઘળું દેખાય છે તેવું ખરેખર આપણે જોતા નથી. જે મન દ્વારા આકાશને સમજી શકતા નથી એ જ મનથી જગતને જોઈએ છીએ; એટલે કેમ કરીને કહેવાય કે બરાબર જોઈએ છીએ!

ઠાકુર: બીજી એક રીત છે. આપણે આકાશને બરાબર જોતા નથી, એમ લાગે છે કે એ જાણે જમીન પર આળોટે છે. તે જ પ્રમાણે માણસ બધું બરાબર જુએ છે એમ કેમ કહેવાય? માણસની અંદર વિકાર રહ્યો છે.

ઠાકુર મધુર કંઠે ગાય છે –

આ શો વિકાર શંકરી, કૃપા ચરણતરી, પામ્યે ધન્વંતરી …

‘વિકાર નહિ તો બીજું શું? જુઓ ને, સંસારીઓ ઝઘડા કરે. શા માટે ઝઘડો કરે એનું ઠેકાણું નહિ! અને કેવા ઝઘડા? તારું અમુક થાઓ, તારું નખોદ નીકળી જાઓ, તારું આમ કરું, તારું તેમ કરું! કેટલી બોલાચાલી, કેટલી ગાળાગાળી!

‘મણિ: કિશોરીને મેં કહ્યું હતું કે ખાલી પેટીની અંદર કાંઈ નહિ, છતાં પેટી સારુ તાણાતાણી કરી રહ્યા છે, અંદર રૂપિયા છે એમ સમજીને! આ સંસાર એવો છે.

દેહધારણ-વ્યાધિ – ‘To be or Not to be’ – સંસાર એ આનંદકુટિ

વારુ, શરીર જ સર્વ અનર્થનું મૂળ. એ બધું જોઈને જ્ઞાનીઓ વિચાર કરે કે ખોળિયું છૂટે તો સારું!

(ઠાકુર કાલી-મંદિરમાં જાય છે.)

ઠાકુર: કેમ? આ સંસાર ‘ભ્રમની રચના.’ તેમજ વળી એને ‘મોજની કુટિર’ પણ કહ્યો છે. દેહ રહે તોય વાંધો શો? સંસાર તો ‘મોજની કુટિર’ પણ થઈ શકે.

મણિ: પણ નિરવચ્છિન્ન આનંદ ક્યાં છે?

ઠાકુર: હા, એ ખરું.

ઠાકુર કાલી-મંદિરની સામે આવ્યા છે. જમીન પર નમીને માતાજીને પ્રણામ કર્યા. મણિએ પણ પ્રણામ કર્યા. ઠાકુર કાલી-મંદિરની સામે નીચેના ઓટલા પર આસન વિના મા કાલીની સન્મુખ થઈને બેઠેલા છે. અંગે માત્ર લાલ કિનારનું ધોતિયું. તેનો થોડોક ભાગ પીઠ પર અને ખભા ઉપર. પાછળના ભાગમાં સભામંડપનો એક થાંભલો. પાસે મણિ બેઠેલ છે.

મણિ: જો એમ જ હોય, તો પછી દેહ ધારણ કરવાની શી જરૂર? આ જોઈએ તો છીએ કે કેટલાંક કર્માેનો ભોગ કરવા સારુ દેહધારણ! ઈશ્વર શું કરે છે એ તો કોણ જાણે. વચ્ચે આપણે મરી જઈએ.

ઠાકુર: ચણો ઉકરડામાં પડે તો પણ તેમાંથી ચણો જ ઊગે.

મણિ: તે છતાંય અષ્ટબંધન તો છે જ ને?

સચ્ચિદાનંદ ગુરુ – ગુરુની કૃપાથી મુક્તિ

ઠાકુર: અષ્ટબંધન નહિ, અષ્ટપાશ. તે ભલેને રહ્યા. ભગવાનની કૃપા હોય તો તે એક ઘડીમાં તૂટી જઈ શકે. એ શેના જેવું ખબર છે? જેમ કે હજારો વરસનો અંધારો ઓરડો હોય, તેમાં દીવો લઈને જઈએ તો એક ક્ષણમાં અંધકાર નાસી જાય. થોડું થોડું કરીને જાય નહીં. જાદુગરી જોઈ છે? ગાંઠો વાળેલી દોરીનો એક છેડો જાદુગર પોતાના હાથમાં પકડે. પકડીને દોરીને એક બે વાર આંચકા મારે. જેવો આંચકો મારે તેવી જ બધી ગાંઠો ખૂલી જાય. પણ બીજો કોઈ માણસ એ ગાંઠોને છોડવાનો ગમે તેટલો પ્રયાસ કરેને, પણ તે છોડી શકે નહિ. ગુરુની કૃપા થાય તો બધી ગાંઠો એક ઘડીમાં છૂટી જાય.

કેશવ સેનના પરિવર્તનનું કારણ શ્રીરામકૃષ્ણ

વારુ, કેશવ સેન આટલા બધા બદલાઈ ગયા કેમ, કહો જોઈએ? પરંતુ અહીંયાં ઘણી વાર આવતા. નમસ્કાર કરતાં તો અહીંથી શીખ્યા. એક દિવસ મેં કહ્યું કે સાધુઓને એવી રીતે (હાથ ઊંચા કરીને) નમસ્કાર ન કરાય. એક દિવસ ઈશાનની સાથે ગાડીમાં બેસીને હું કોલકાતા જતો હતો. તે વખતે તેણે કેશવ સેનની બધી વાતો સાંભળી. હરીશ મજાનું કહે છે કે અહીંથી બધા ચેક પાસ કરાવી લેવા જોઈએ, તો જ બેંકમાંથી રૂપિયા મળે. (ઠાકુરનું હાસ્ય).

મણિ નવાઈ પામીને આ બધી વાતો સાંભળી રહ્યા છે! તે સમજ્યા કે ગુરુરૂપે સચ્ચિદાનંદ ચેક પાસ કરે.

પૂર્વકથા, નાગાજી (તોતાપુરી)નો ઉપદેશ – તેને ઓળખી શકાય નહીં

ઠાકુર: વાદ કરો મા. ઈશ્વરને કોણ જાણી શકે? નાગાજી કહેતા તે મેં સાંભળી રાખ્યું છે કે ઈશ્વરના એક અંશમાં જ આ બ્રહ્માંડ.

હાજરા બહુ ગણતરીબાજ. એ ગણતરી કરે, કે આટલું જગત થયું ને આટલું બાકી રહ્યું. તેનો હિસાબ સાંભળીને મારું માથું ભમવા માંડે. હું જાણું છું કે હું કાંઈ જાણતો નથી.

ક્યારેક એમ લાગે કે ઈશ્વર સારો છે, તો ક્યારેક વળી એમ લાગે કે તે નરસો છે. ઈશ્વરને આપણે શું સમજી શકીએ?

મણિ: જી હા, ઈશ્વરને શું સમજી શકાય? જેની જેટલી બુદ્ધિ હોય તેટલી લઈને તે ધારે કે પોતે બધું સમજી નાખ્યું છે. આપ જેમ કહો છો ને કે એક કીડી સાકરના પહાડની પાસે ગઈ હતી. તે એક દાણામાં તેનું પેટ ભરાઈ ગયું. પછી તે વિચાર કરવા લાગી કે હવે જઈને આખો પહાડ જ દરમાં લઈ જાઉં!

ઈશ્વરને શું જાણી શકાય? ઉપાય શરણાગતિ

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરને જાણી કોણ શકે? હું એને જાણવાનો પ્રયાસેય ન કરું. હું તો માત્ર ‘મા’ કહીને પોકારું. મા જેમ કરે તેમ. તેમની ઇચ્છા હોય તો જણાવે, ઇચ્છા ન હોય તો ન પણ જણાવે. મારો બિલાડીનાં બચ્ચાં જેવો સ્વભાવ. બિલાડીનું બચ્ચું માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કર્યા કરે. પછી તેની મા તેને ગમે ત્યાં રાખે, ક્યારેક ચૂલાની આગમણમાં, તો ક્યારેક શેઠની પથારીમાં રાખે. નાનું છોકરું માને જ ઇચ્છે. માનું કેટલું ઐશ્વર્ય, એ બધું એ જાણે નહિ; જાણવા માગેય નહીં. તે જાણે કે મારે મા છે, એટલે મારે શી ચિંતા? કામવાળીનું છોકરું પણ જાણે કે મારે મા છે. શેઠના છોકરા સાથે જો કજિયો થાય તો કહેશે, ‘હું’ મારી બાને કહી દઈશ. મારે મા છે.’ મારો પણ સંતાન-ભાવ.

અચાનક ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાને ચીંધીને પોતાની છાતી પર હાથ મૂકીને મણિને કહે છે, ‘વારુ, આની અંદર કોઈક છે; તમે શું કહો છો?’

મણિ અવાક થઈને શ્રીરામકૃષ્ણને નિહાળી રહ્યા છે. એમ લાગે છે કે તે વિચાર કરી રહ્યા છે કે ઠાકુરના હૃદયમાં શું સાક્ષાત્ જગદંબા બિરાજે છે? જગદંબા શું દેહ ધારણ કરીને આવ્યાં છે, જીવોના મંગળને માટે?

Total Views: 406
ખંડ 15: અધ્યાય 27 : પંડિત અને સાધુ વચ્ચેનો પ્રભેદ - કળિયુગમાં નારદીય ભક્તિ
ખંડ 15: અધ્યાય 29 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ રાખાલ વગેરે ભક્તો સાથે