શ્રીરામકૃષ્ણ ગાડી કરીને દક્ષિણેશ્વર કાલી-મંદિરથી નીકળીને કોલકાતા તરફ જઈ રહ્યા છે. સાથે રામલાલ અને એક બે ભક્તો. ફાટકમાંથી ગાડી જ્યાં બહાર નીકળી ત્યાં જોયું તો મણિ હાથમાં ચાર ફજલી કેરી લઈને પગે ચાલતા આવી રહ્યા છે. તેમને જોઈને ઠાકુરે ગાડી ઊભી રાખવાનું કહ્યું. મણિએ ગાડી ઉપર માથું મૂકીને પ્રણામ કર્યા.

શનિવાર, તારીખ ૨૧મી જુલાઈ, ઈ.સ. ૧૮૮૩. અષાઢ વદ એકમ (૬ શ્રાવણ, બંગાબ્દ). ચાર વાગ્યાનો સમય. ઠાકુર અધરને ત્યાં જવાના છે. ત્યાંથી પછી શ્રીયુત્ યદુ મલ્લિકને ઘેર જવાના અને સૌથી છેલ્લે શ્રીયુત્ ખેલાત ઘોષને ઘેર જવાના.

શ્રીરામકૃષ્ણ (મણિને, હસીને): તમેય ચાલોને, અમે અધરને ત્યાં જઈએ છીએ.

મણિ: ‘જેવી આજ્ઞા.’ આમ કહીને ગાડીમાં બેઠા.

મણિ અંગ્રેજી ભણ્યા હતા; એટલે પૂર્વ-જન્મના સંસ્કારમાં માનતા ન હતા. પરંતુ કેટલાક દિવસ થયાં ઠાકુરની પાસે સ્વીકાર કરી ગયા હતા કે અધર પૂર્વ-જન્મના સંસ્કારના કારણે ઠાકુર ઉપર આટલી બધી ભક્તિ રાખે છે. પણ ઘેર પાછા જઈને વિચાર કરીને જોયું તો પૂર્વ-જન્મના સંસ્કાર સંબંધે હજીયે તેમને પૂરેપૂરી શ્રદ્ધા બેઠી નથી. એટલે એ વાત કરવા સારુ જ આજ ઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. ઠાકુર વાત કરે છેઃ

શ્રીરામકૃષ્ણ: વારુ, અધર તમને કેવો લાગે છે?

મણિ: જી, તેનામાં ઈશ્વર પર અનુરાગ ખૂબ છે.

શ્રીરામકૃષ્ણ: અધર પણ તમારાં ખૂબ વખાણ કરે છે. મણિ થોડીવાર ચૂપ રહ્યા. હવે પૂર્વ-જન્મના સંસ્કારની વાત ઉપાડે છે.

કંઈ સમજી શકાય નહિ – અતિગૂઢ કથા

મણિ: મને ‘પૂર્વ-જન્મ’ અને ‘સંસ્કાર’, એ બધામાં એટલી બધી શ્રદ્ધા બેસતી નથી. એથી શું મારી ભક્તિને કાંઈ હાનિ પહોંચવાની?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં સઘળું થઈ શકે એ શ્રદ્ધા હોય તો બસ. હું માનું છું એ જ સાચું, બીજા બધાનું ખોટું એવો ભાવ મનમાં આવવા ન દેવો. પછી ભગવાન જ સમજાવી દેશે.

‘ભગવાનની લીલા માણસ શું સમજી શકે? અનંત લીલા! એટલા માટે હું તો એ બધું સમજવાનો પ્રયાસ કરતો નથી. મેં સાંભળ્યું છે કે ઈશ્વરની સૃષ્ટિમાં બધુંય સંભવે, એટલે એ બધાંનો વિચાર ન કરતાં એકમાત્ર ઈશ્વરનું જ ચિંતન કરું. હનુમાનને એક જણે પૂછ્યું હતું કે આજે તિથિ? ત્યારે હનુમાને જવાબ આપ્યો કે હું તિથિ, નક્ષત્ર જાણતો નથી, માત્ર એક રામનું ચિંતન કરું છું.

શું ઈશ્વરની લીલા જરા જેટલીયે સમજી શકાય? ઈશ્વર આપણી સાવ નજીકમાં નજીક છે તોય એ નથી સમજી શકાતું! બલરામ શ્રીકૃષ્ણને ઈશ્વરરૂપે જાણતા ન હતા, તો બીજાની તો શી વાત!’

મણિ: બરાબર. આપે ભીષ્મ પિતામહની વાત કહેલી તેમ.

શ્રીરામકૃષ્ણ: હાં, હાં. શું કહ્યું હતું? કહો જોઈએ.

મણિ: ભીષ્મદેવ બાણશય્યા પર સૂતા સૂતા રડતા હતા. એ જોઈને પાંડવો શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે ભાઈ, આ શી નવાઈ! પિતામહ આટલા મોટા જ્ઞાની છતાં મૃત્યુનો વિચાર આવતાં રડે છે! શ્રીકૃષ્ણે કહ્યું, એમને જ પૂછો ને, કે શા માટે રડવું આવે છે? એટલે ભીષ્મપિતા બોલ્યા કે મને રડવું એ વિચારથી આવે છે કે ભગવાનનું કાર્ય કશુંય સમજી શક્યો નહિ! હે કૃષ્ણ, તમે આ પાંડવોની સાથે સાથે ફરો છો, ડગલે ને પગલે એમની રક્ષા કરો છો, છતાં એમની વિપત્તિનો અંત નથી!

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરે પોતાની માયાથી બધું ઢાંકી રાખ્યું છે, કશું જાણવા દેતા નથી. કામ-કાંચન એ જ માયા. આ માયાને હઠાવીને જે તેમનું દર્શન કરે તે જ એમને જોઈ શકે. એક જણને આ વાત સમજાવતો હતો ત્યારે (ઈશ્વરે) મને એક નવાઈભરી ઘટના દેખાડી. અચાનક સામે જોયું કે દેશનું (કામારપુકુરનું) એક તળાવ અને એક માણસે તેના પાણી પરથી લીલ હઠાવીને જાણે પાણી પીધું, પાણી સ્ફટિક જેવું નિર્મળ! એથી દેખાડ્યું કે એ સચ્ચિદાનંદ પરમાત્મા માયારૂપી લીલથી ઢંકાઈ રહેલ છે. જે લીલ હઠાવીને પાણી પીએ તે જ તેને પામે.

‘સાંભળો, તમને એક અતિ-ગુપ્ત વાત કહું છું. ઝાઉતલા નીચે શૌચ કરતાં કરતાં જોયું કે ચોર-કોટડીના બારણા જેવું કાંઈક સામે છે. કોટડીની અંદર શું છે એ દેખી શકતો નથી. હું એક નેયણી લઈને તેમાં કાણું પાડવા લાગ્યો, પણ પાડી શક્યો નહિ. કાણું પાડું ને પાછું પુરાઈ જાય! ત્યાર પછી એક વાર આટલું મોટું કાણું પડી ગયું!

ઠાકુર શ્રીરામકૃષ્ણ આટલી વાત કરીને મૌન ધારણ કરી રહ્યા. થોડીક વાર પછી વળી બોલે છે, ‘એ બધી બહુ જ ઊંચી વાત! આ જુઓ, જાણે કે કોઈ મારું મોઢું દાબી રહ્યું છે! જીવનો યોનિમાં નિવાસ મારી સગી આંખે જોયો! એક કૂતરા-કૂતરીના મૈથુન વખતે જોયો હતો.’

‘ઈશ્વરના ચૈતન્યથી જ જગતનું બધું ચૈતન્યમય થઈ રહ્યું છે. ક્યારેક ક્યારેક દેખું કે નાની નાની માછલીઓની અંદર એ જ ચૈતન્ય તરવર તરવર કરી રહ્યું છે!’

ગાડી શોભાબજારના ચોકમાં દરમાહાટીની પાસે આવી પહોંચી. ઠાકુર વળી બોલવા લાગ્યાઃ

‘ક્યારેક ક્યારેક જોઉં છું કે વર્ષાકાળમાં પૃથ્વી જેમ પાણીથી ખૂબ ભેજમય થઈ જાય, તેવી રીતે આખું જગત ચૈતન્યથી ઓતપ્રોત થઈ રહ્યું છે!’

‘પરંતુ આટલાં આટલાં ઈશ્વરીય દર્શન કરું છું, છતાં મને જરાય અભિમાન થતું નથી.’

મણિ (હસીને): આપને વળી અભિમાન!

શ્રીરામકૃષ્ણ: (ખરું કહું છું) મા (કાલી)ના સોગંદ કે મને જરાય અભિમાન થતું નથી!

મણિ: ગ્રીસ દેશમાં એક માણસ હતો. તેનું નામ હતું સોક્રેટિસ. એક વખતે આકાશવાણી થઈ કે બધા માણસોમાં એ જ્ઞાની! એ માણસ નવાઈ પામી ગયો. તેણે નિર્જન સ્થાનમાં જઈને લાંબા વખત સુધી વિચાર કર્યો. એટલે પછી તે સમજી શક્યો. ત્યારે તેણે પોતાના મિત્રોને કહ્યું કે એકલો હું જ સમજ્યો છું કે હું કાંઈ જાણતો નથી. બીજા બધાય માણસો કહે છે કે પોતાને ઘણું જ્ઞાન થયું છે. પરંતુ ખરું જોતાં બધાય અજ્ઞાની!

શ્રીરામકૃષ્ણ: ક્યારેક ક્યારેક મને વિચાર આવે કે હું વળી શું જાણું છું કે આટલા માણસો મારી પાસે આવે છે! વૈષ્ણવચરણ એક મોટો પંડિત હતો. તે કહેતો કે તમે જે બધી વાતો કહો છો તે બધી શાસ્ત્રોમાં તો મળે છે, તોપણ તમારી પાસે શા માટે આવીએ છીએ, ખબર છે? તમારે મુખેથી એ બધી સાંભળવા આવીએ છીએ.

મણિ: આપની બધી વાતો શાસ્ત્રોની સાથે મળે. નવદ્વીપ ગોસ્વામી પણ તે દિવસે પેનેટીમાં એ જ વાત કહેતા હતા. આપે કહેલું કે ‘ગીતા, ગીતા’ બોલતાં બોલતાં ‘ત્યાગી, ત્યાગી’ થઈ જાય. વાસ્તવિક રીતે ‘તાગી’ થાય; પરંતુ નવદ્વીપ ગોસ્વામી બોલ્યા કે તાગીનો જે અર્થ થાય, તે જ ‘ત્યાગી’નો થાય, તગ્ કરીને એક ધાતુ છે, તેમાંથી જ ‘તાગી’ થાય.

શ્રીરામકૃષ્ણ: મારી સાથે બીજા કોઈનો મેળ મળે? કોઈ પંડિત, કોઈ સાધુનો?

મણિ: આપને ઈશ્વરે પોતે પોતાને હાથેથી ઘડ્યા છે; જ્યારે બીજા માણસોને જાણે કે સંચામાં નાખીને તૈયાર કર્યા છે, જેમ બધી સૃષ્ટિ નિયમ પ્રમાણે થાય છે, તેમ.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં રામલાલ વગેરેને): અરે, આ બોલે છે શું? ઠાકુરનું હસવું ખાળ્યું જાય નહિ. છેવટે કહે છે કે ‘માના સોગંદ, હું ખરેખર કહું છું કે મારામાં જો લગરીકેય અભિમાન હોય તો!’

મણિ: વિદ્યાથી એક ફાયદો થાય. એટલું સમજાય કે હું કાંઈ જાણતો નથી અને હું કાંઈ નથી.

શ્રીરામકૃષ્ણ: બરાબર, બરાબર, હું કાંઈ જ નથી હું કાંઈ જ નથી! વારુ, તમે અંગ્રેજી ખગોળશાસ્ત્રમાં માનો?’

મણિ: ખગોળશાસ્ત્રના નિયમો પ્રમાણે નવીન શોધ (Discovery) થઈ શકે, યુરેનસ (Uranus) ગ્રહની આડીઅવળી ગતિ જોઈને દૂરબીનમાંથી શોધતાં શોધતાં દેખાયું કે એક નવીન ગ્રહ નેપ્ચ્યુન (Neptune) ઝળઝળ, ઝળઝળ કરી રહ્યો છે. તેવી રીતે ગ્રહણની ગણતરી પણ થઈ શકે.

શ્રીરામકૃષ્ણ: એ થાય ખરી.

ગાડી ચાલતી જાય છે, લગભગ અધરના મકાનની નજીક આવી પહોંચી, ઠાકુર મણિને કહે છેઃ

‘સત્યને વળગી રહેજો, તો એથી જ ઈશ્વર-પ્રાપ્તિ થશે.’

મણિ: બીજી એક વાત આપે નવદ્વીપ ગોસ્વામીને કહેલી કે હે ઈશ્વર! હું તમને જ માગું છું. જો જો, ભુવનમોહિની માયાના ઐશ્વર્યમાં મોહિત કરતા નહિ! હું માત્ર તમને જ માગું છું!’

શ્રીરામકૃષ્ણ: હા, એ ખરા અંતરથી બોલવું જોઈએ.

Total Views: 398
ખંડ 15: અધ્યાય 2 : વિવિધભાવે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં અને ભક્તગૃહે
ખંડ 15: અધ્યાય 4 : શ્રીયુત્ અધરસેનના ઘરે કીર્તનાનંદે