શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રી દુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગાપૂજા-મહોત્સવ છે, એટલે એ ઠાકુરને આમંત્રણ આપીને તેડી આવ્યા છે.
આજ બુધવાર, ૧૦મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૩. ૨૪, આસો માસ. શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે પધાર્યા છે. ભક્તોમાં બલરામના પિતા, અને અધરના બંધુ તથા પેન્શનર શાળા-નિરીક્ષક સારદાબાબુ આવ્યા છે. અધરે પાડોશીઓ અને સગાંને નવરાત્રી પ્રસંગે આમંત્રણ આપ્યાં છે. તેઓમાંથીય ઘણાય આવ્યા છે.
શ્રીરામકૃષ્ણ સંધ્યાકાળની આરતીનાં દર્શન કરીને ભાવપૂર્ણ થઈને દેવતાવાળી ઓસરીમાં ઊભા છે. ભાવમગ્ન થઈને માતાજીને ગીત સંભળાવી રહ્યા છે.
અધર છે ગૃહસ્થ ભક્ત. તેમજ કેટલાય ગૃહસ્થ ભક્તો હાજર છે, બિચારા ત્રિતાપથી તાપિત. એથી જાણે કે શ્રીરામકૃષ્ણ સહુના મંગળને માટે જગન્માતાનું સ્તવન કરે છેઃ
ગીતઃ
તારો તારિણી, આ વેળા તારો ત્વરા કરીને,
તપન – તનય – ત્રાસે, ત્રાસિત ઓ મા! પ્રાણ જાય ..
જગત- અંબે, જનપાલિની, જનમોહિની, જગતજનની,
યશોદા-જઠરે જનમ લઈને, સહાય હરિ-લીલા માંય…
વૃંદાવનમાં રાધા વિનોદિની, વ્રજ-વલ્લભ-વિહાર-કારિણી,
રાસ-રંગિની રસમયી થઈ, રાસ કરિયો લીલા પ્રકાશ…
ગિરિજા, ગોપજા, ગોવિંદ-મોહિની, તમે મા ગંગા ગતિ-દાયિની,
ગાંધર્વી ને ગૌરવર્ણી ગાયે ગોલોકમાં ગુણ તવ…
શિવે, સનાતની, શર્વાણી, ઈશાની, સદાનંદમયી સર્વ સ્વરૂપિણી
સગુણા, નિર્ગુણા, સદાશિવ-પ્રિયે, કોણ જાણી શકે મહિમા તવ…
ભાવાવેશમાં શ્રીરામકૃષ્ણની જગન્માતા સાથે વાતો
શ્રીરામકૃષ્ણ અધરના મકાનના બીજે માળે આવેલા દીવાનખાનામાં જઈને બેઠા છે. ઓરડામાં કેટલીયે આમંત્રિત વ્યક્તિઓ આવેલી છે.
બલરામના પિતા અને સારદા બાબુ વગેરે પાસે જ બેઠેલા છે.
ઠાકુર હજીય ભાવમગ્ન. આમંત્રિત વ્યક્તિઓને સંબોધન કરીને બોલે છે, ‘અરે બાબુઓ, મેં ખાધું છે, હવે તમે લોકો પ્રસાદ લો.’
અધરનાં નૈવેદ્ય, પૂજા માએ સ્વીકાર્યાં છે, એટલે શું શ્રીરામકૃષ્ણ જગન્માતાના આવેશમાં બોલે છે કે ‘મેં ખાધું છે, હવે તમે લોકો પ્રસાદ લો?’
ઠાકુર ભાવમગ્ન થઈને જગન્માતાને કહે છેઃ ‘મા, હું ખાઉં? કે તમે ખાશો? મા કારણાનંદરૂપિણી!’
શ્રીરામકૃષ્ણ શું જગન્માતાને અને પોતાને એક જુએ છે? જે મા તે જ શું સંતાનરૂપે લોકોપદેશ કરવાને માટે અવતર્યાં છે? એટલે શું ઠાકુર ‘મેં ખાધું છે’ એમ કહે છે?
હવે ઠાકુર ભાવાવેશમાં દેહની અંદર ષટ્ચક્રો તથા તેની અંદર માતાજીને દેખી રહ્યા છે. એટલે વળી ભાવમાં મગ્ન થઈને ગીત ગાય છે.
ગીતઃ
ભુવન ભુલાવિયું મા, હર-મોહિની,
મૂલાધાર-મહોત્પલે, વીણા-વાદ્ય-વિનોદિની…
આધારે ભૈરવાકાર, ષડ્દલે શ્રી-રાગ બહાર,
મણિપુરમાં મલ્હાર, વસંત હૃત્પ્રકાશિની…
વિશુદ્ધ હિંડોલ-સૂરે, કર્ણાટક આજ્ઞા-પુરે,
તાન-લય-માન-સૂરે, ત્રિસપ્ત-સુર-ભેદિની…
મહામાયા મોહપાશે, બદ્ધ કરો અનાયાસે,
તત્ત્વ લઈ તત્ત્વાકાશે, સ્થિર છો ઓ સૌદામિની…
શ્રીનંદકુમાર કહે, તત્ત્વ ન નિશ્ચય થાય,
તવ તત્ત્વ ગુણ ત્રય, કાકીમુખ આચ્છાદિની..
ગીતઃ ભાવ શો એ વિચારી વિચારીને પ્રાણ ગયો,
જેના નામે હરે કાલ, પદે મહાકાલ
તેનો કાળો રંગ શાને થયો!
કાળાં રૂપ તો ઘણાં ઘણાં છે, પણ નવાઈભર્યો આ કાળો
(જેને) હૃદય મહીં રાખીએ તો હૃદયકમળ ઊજિયાળો!
નામે કાલી, રૂપે કાલી, કાળાથીયે અધિક કાળો,
(તે રૂપ) જો જુઓ તો થાય જ પાગલ, બીજું રૂપ ના ભાળો,
પ્રસાદ બોલે કુતૂહલે, આવી તે નારી ક્યાં ભાળો?
(જેને) જોયા વિણ જ નામ સાંભળ્યે, મન એમાં થાય લિપ્ત જાણો.
અભયાના શરણાગત થયે સર્વ ભય જાય; એટલે જાણે કે ભક્તોને અભય આપે છે અને ગીત ગાય છેઃ
‘અભય-પદે પ્રાણ સોંપ્યા છે, હવે ક્યાં યમનો ભય રાખ્યો છેે!..’
શ્રીયુત્ સારદા બાબુ પુત્ર-શોકથી દુઃખિત છે. તેથી તેમના મિત્ર અધર તેમને ઠાકુરની પાસે લઈ આવ્યા છે. એ છે ગૌરાંગ મહાપ્રભુના ભક્ત. તેમને જોઈને શ્રીરામકૃષ્ણને શ્રીગૌરાંગનું ઉદ્દીપન થયું છે. ઠાકુર ગાય છેઃ
‘મારું અંગ ગૌર કેમ થયું?
ધની! શું આ થયું?
આ તો અકાળે સવાર થયું!
અકાળે ગૌરવર્ણ થયું!
હજુ તો ગૌર થવા દિવસો બાકી છે.
હજુ તો દ્વાપરલીલા બાકી છે,
આ શું થયું રે, કોકિલમયૂર બધું ગૌર થયું!
જે દિશે હું ફેરવું આંખો, (આ શું થયું?)
આ શું? આ શું ગૌરમય બધું જોઉં?
રાધા જાણે મથુરામાં આવિયાં
એથી લાગે અંગ મારાં ગોરાં થયાં!
કીટભ્રમરના ન્યાયે ધની! ગૌર અંગ દીધું?
હમણાં અંગ કાળું હતું, હવે જાણે ગૌર થયું.
રાધાતણા ચિંતને શું રાધા થયું?
(આ શું થયું?)
રાધાજપ જેહ નવ કરે
તેને ધની! રાધા! ગૌરવર્ણ દિયે?
મથુરામાં છું હું કે નવદ્વીપે છું હું,
એની સમજ ન મને.
મહાદેવ હજુ તો અદ્વૈત થયા નથી,
છતાં કેમ ગોરું મારું અંગ છે?
બલરામદાદા પણ નિતાઈ થયા નથી
વિશાખાયે રામાનંદ થયાં નથી!
હજી બ્રહ્મા હરિદાસ થયા નથી.
નારદેય હજુ કંઈ શ્રીવાસ થયા નથી,
યશોદાયે હજી શચીમાતા કંઈ થયાં નથી.
એકલો હું કેમ ભલા ગૌર થયો?
(ભાઈ બલદેવ હજુ નિતાઈ તો થયા નથી)
રાધા જાણે મથુરામાં આવિયાં!
એથી ભલા અંગ મારું ગોરું થયું?
(હજુ) પિતા નંદ જગન્નાથ થયા નથી.
(છતાંયે હું જાણું કે હું ગૌર છું.)
શ્રીરાધાયે હજુ પણ ગદાધર થયા નથી.
મારું અંગ કેમ કરી ગૌર થયું?
હવે શ્રીઠાકુર શ્રી ગૌરાંગના ભાવમાં આવિષ્ટ થઈને ગીત ગાય છે. કહે છે, સારદાબાબુ આ ગાન ખૂબ પસંદ કરે છે.
ગીત –
‘ભાવ થશે રે થશે, ભાવનિધિ શ્રીગૌરાંગને!
ભાવે હસે-રડે-નાચે-ગાય;
વન જોઈ વૃંદાવન ભાવે, સાગર જોઈ શ્રીયમુના ભાવે..
ગૌર ડૂસકે ડૂસકે રડે, જેના અંતરે કૃષ્ણ અને બહાર ગૌર,
ગૌર પોતે જ પોતાનાં ચરણ પકડે…
ગીતઃ
પારકા લોકો વાતું કરે,
ગૌર કલંકિની મુજને કહે
આવી વાતો યોગ્ય શું ખરે?
પૂછું હું પણ પૂછુંય કોને?
પ્રાણ સખી! હું મરું છું લાજે.
એક દિને શ્રીવાસને ઘરે
કીર્તન કરી ધૂમ ચાલે રે,
ગૌરાંગ ભૂમિ પર આળોટે,
શ્રીવાસ કેરે આંગણિયે રે.
હું તો હતી એક બાજુએ ઊભી,
(છુપાઈ લપાઈ છાની છપની).
અચેતન થૈ ઢળી પડી રે,
શ્રીવાસભાર્યા ભાવમાં લાવે.
એક દિવસ કાજીના દમને.
ગૌર કરે કીર્તન નગરે.
ચાંડલાદિ યવનો બધા,
ગૌરને સંગે સરવે હતા. (ગૌરના સંગમાં સર્વે હતા)
‘હરિબોલ ‘હરિબોલ’ બોલી રહ્યા ને,
નદિયા બજારે ઘૂમી વળે રે.
મેંયે તેની સાથે ભળી જઈને
જોયાં હતાં રક્તચરણ બે રે.
એક દિને જાહ્નવીના તટે,
ગૌરચાંદ ઊભા હતા ઘાટે.
ચંદ્રસૂર્ય હતા ગૌર અંગે,
જોઈ છબિ ભૂલી શાક્તભાવ રે.
ગાગર તો પડી ગઈ મારી રે,
જોઈ ગઈ પાછી નણદી રે.
બલરામના પિતા પણ વૈષ્ણવ. એટલે શ્રીરામકૃષ્ણ ગોપીઓના ઉદ્ભ્રાન્ત પ્રેમનું ગીત ગાય છેઃ
‘શ્યામનો પત્તો લાગ્યો નહિ રે, હું શું સુખે રહું ઘર માંહિ રે?
શ્યામ જો મારા કેશ હોત તો પ્રેમથી બકુલફૂલ વેણી એમાં રાખું રે…
શ્યામ બને જો મારાં કંગન, સર્વદા રહે મારે હાથે રે!
સખી રે! (કંગન હલાવીને ચાલું રે) (હાથ ઝટકોરીને ચાલું રે!)
(શ્યામરૂપી કંગન હાથ ધરીને હું ચાલી જતી) (રાજપથે)’






