બલરામના પિતાની ઓરિસ્સામાં ભદ્રક વગેરે જુદે જુદે સ્થળે જમીનદારી છે. અને જગન્નાથ પુરી, વૃંદાવન, ભદ્રક વગેરે વિવિધ સ્થળે તેમની દેવસેવા, ધર્મશાળા વગેરે છે. એ પોતાના જીવનના અંતિમ ભાગમાં વૃંદાવનમાં શ્રીશ્યામસુંદરની કુંજમાં શ્રીશ્યામસુંદરની સેવા લઈ રહેતા.
બલરામના પિતા પુરાતન વૈષ્ણવ. કેટલાક વૈષ્ણવ ભક્તો શાક્ત, શૈવ અને વેદાન્તીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે નહિ; કોઈ કોઈ તો તેમનો દ્વેષ પણ કરે. પરંતુ શ્રીરામકૃષ્ણ એવો સંકુચિત ભાવ પસંદ કરતા નહિ. તેઓ કહેતા કે અંતરની આતુરતા હોય તો સર્વ મતો, સર્વ માર્ગાે દ્વારા ઈશ્વરને પામી શકાય. કેટલાય વૈષ્ણવ ભક્તો બહારથી માળા, ગ્રંથ-પાઠ વગેરે કરે, પરંતુ ભગવાનની પ્રાપ્તિ માટે તેમનામાં આતુરતા નહિ. એટલે ઠાકુર જાણે કે બલરામના પિતાને ઉપદેશ આપે છે.
પૂર્વકથા – શ્રીરામકૃષ્ણનો વૈષ્ણવ-વૈરાગીનો ભેખ ગ્રહણ અને
રામમંત્ર લેવો
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): મને થયું કે શું કામ એકદેશિયા થવું? મેં’ય વૃંદાવનમાં વૈષ્ણવ વૈરાગીનો ભેખ લીધો હતો. ત્રણ દિવસ એ ભાવમાં રહ્યો હતો. તેમ વળી દક્ષિણેશ્વરમાં રામ-મંત્ર લીધો હતો; લાંબું તિલક ને ગળામાં હીરો. કેટલાય દિવસ પછી વળી બધુંય કાઢી નાખ્યું.
બલરામના પિતાને ઉપદેશ – ઈશ્વર સગુણ, નિર્ગુણ; સાકાર અને નિરાકાર
‘એક માણસની પાસે એક રંગનું કુંડું હતું. માણસો તેની પાસે કપડાં રંગાવવા આવતા. એ કુંડામાં રંગ ઓગાળેલો હતો. પરંતુ નવાઈ જેવું એ કે જેને જેવા રંગે કપડું રંગવું હોય તેવા રંગનું, એ એક કુંડામાં બોળવાથી થઈ જતું. એક જણ એ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયો અને રંગવાળાને કહે કે ‘ભાઈ, મારે તો તું જે રંગે રંગાયેલો છો એ રંગ જોઈએ!’
શું ઠાકુર કહી રહ્યા છે કે સર્વ ધર્મના લોકો તેમની પાસે આવવાના અને ચૈતન્ય જાગૃતિ મેળવવાના?
શ્રીરામકૃષ્ણ વળી કહે છે – ‘એક ઝાડ ઉપર એક કાકીડો હતો. એક માણસે તેને જોયો, તો તે લીલો હતો. બીજા એક માણસે જોયો તો એ કાળો. ત્રીજાએ જોયો તો એ પીળો. એવી રીતે કેટલાય લોકો તેને જુદા જુદા રંગોમાં જોઈને ચાલ્યા ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે એ જીવ લીલો છે, લાલ છે, પીળો છે! અને આપસ આપસમાં ઝગડો કરવા લાગ્યા. એ જોઈને ત્યાં ઝાડ નીચે એક માણસ બેઠો હતોે તે ઊઠીને ત્યાં ગયો અને કહ્યું કે ‘ભાઈઓ, હું આ ઝાડ નીચે રાતદિવસ રહું છું. મને ખબર છે કે એ જીવ કાકીડો છે; એ ક્ષણે ક્ષણે રંગ બદલે. અને ક્યારેક તો તેનો કશોય રંગ હોય નહિ!’
આ ઉપરથી શ્રીરામકૃષ્ણ શું એમ કહી રહ્યા છે કે ઈશ્વર સગુણ, અને અનેક જુદાં જુદાં રૂપો ધારણ કરે; તેમ પાછો નિર્ગુણ, તેનો કશોય રંગ નહિ, વાણી મનથી પર? -અને પોતે ભક્તિ-યોગ, જ્ઞાન-યોગ, સર્વ માર્ગાેથી જઈને ઈશ્વરના માધુર્ય-રસનું પાન કરે છે?
શ્રીરામકૃષ્ણ (બલરામના પિતાને): પુસ્તક હવે વધુ વાંચો નહીં, છતાં ભક્તિશાસ્ત્ર વાંચવું, જેવું કે ચૈતન્ય ચરિતામૃત.
રાધાકૃષ્ણલીલાનો અર્થ – રસ અને રસિક –
The one thing needful
‘વાત એટલી કે ઈશ્વરને ચાહવો, તેની મધુરતાનો સ્વાદ લેવો. ઈશ્વર રસ, ભક્ત રસિક, એ (ઈશ્વરરૂપી) રસનું પાન કરે. ઈશ્વર કમળ, ભક્ત મધમાખી, ભક્ત કમળનું મધ પીએ.
‘ભક્ત જેમ ભગવાન ન હોય તો રહી શકે નહિ, તેમ ભગવાન પણ ભક્ત ન હોય તો રહી શકે નહિ. ત્યારે પછી ભક્ત થાય રસ, ભગવાન થાય રસિક; ભક્ત થાય પદ્મ. ભગવાન થાય મધમાખી. એ પોતાનું જ માધુર્ય ચાખવાને માટે બે રૂપે થયેલ છે, એટલા માટે જ રાધા-કૃષ્ણલીલા.
બલરામના પિતાને ઉપદેશ – તીર્થાદિ કર્માે, ગળામાં માળા, ભેખ વગેરે આચાર કેટલા દિવસ?
તીર્થ-વાસ, ગળામાં માળા ધારણ કરવી, આચાર પાળવા વગેરે બધાં શરૂ શરૂમાં કરવાં જોઈએ. વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનનાં દર્શન થઈ જાય, ત્યારે પછી બહારનો આડંબર ક્રમે ક્રમે ઓછો થતો જાય. ત્યાર પછી ઈશ્વરનું નામ લીધા કરવાનું અને સ્મરણ મનન. (યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ । આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ।। ગીતાઃ ૩.૧૭)
‘સોળ રૂપિયાના છૂટા પૈસાનો મોટો ઢગલો થાય. પરંતુ સોળ રૂપિયા જો આખા મૂકો તો એટલો ઢગલો ન દેખાય. અને એના બદલામાં જ્યારે એક સોનામહોર લઈએ ત્યારે કેટલી સાવ નાની લાગે! અને એનેય બદલે જો એક નાનો હીરો લો તો કોઈને ખબર ન પડે. (A Merchant man sold all, wound up his business, and bought a pearl of great price. – Bible.)
‘કપાળમાં તિલક કે ગળામાં કંઠી, માળા વગેરે તથા આચાર વગેરે ન હોય તો વૈષ્ણવો નિંદા કરે. એટલે શું ઠાકુર કહે છે કે ઈશ્વર-દર્શનની પછી માળા, તિલક, ભેખ વગેરેનો આગ્રહ એટલો રહે નહિ! વસ્તુ-પ્રાપ્તિ થયે બહારનું કર્મ ઓછું થઈ જાય?’
શ્રીરામકૃષ્ણ (બલરામના પિતાને): કર્તાભજાઓ કહે કે તેમના મતમાં સાધકોના ચાર પ્રકારઃ પ્રવર્તક, સાધક, સિદ્ધ ને સિદ્ધનો સિદ્ધ. પ્રવર્તક તિલક તાણે, ગળામાં માળા-કંઠી રાખે, એને આચાર પાળવાની બહુ ચીવટ હોય. સાધકનો એટલો બહારનો આડંબર હોય નહિ, જેમ કે બાઉલ. સિદ્ધને પાકી શ્રદ્ધા હોય કે ઈશ્વર છે. સિદ્ધનો સિદ્ધ, જેવા કે ચૈતન્યદેવ, કે જેણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે અને તેમની સાથે હંમેશાં વાતચીત, બોલવું વગેરે થાય છે. એ સંપ્રદાયમાં સિદ્ધના સિદ્ધને સાંઈ કહે. કહેશે કે ‘સાંઈથી વધુ બીજું નાંઈ.’
બલરામના પિતાને ઉપદેશ – સાત્ત્વિક સાધના, બધા ધર્માેનો સમન્વય અને વેદિયાવેડાનો ત્યાગ કરવો
‘સાધકો ઘણા પ્રકારના. સાત્ત્વિક સાધક લોકો ન જાણે એવી રીતે સાધના કરે. એવો સાધક સાધન-ભજન ગુપ્ત રીતે કરે. દેખતાં સાધારણ માણસના જેવો લાગે; પણ રાત્રે મચ્છરદાનીમાં બેઠો બેઠો ધ્યાન કરતો હોય.
‘રાજસિક સાધક બહારનો આડંબર રાખે. તેના ગળામાં માળા, ભેખ, ભગવાં, રેશમી અબોટિયું, સોના ચાંદીના દાણાવાળી જપની માળા, તિલક-ત્રિપુંડ વગેરે; જાણે કે ‘સાઈન-બોર્ડ’ મારીને બેસવું.
વૈષ્ણવ ભક્તોને વેદાન્ત મતની ઉપર અથવા શાક્ત મતની ઉપર એટલી શ્રદ્ધા નહિ. બલરામના પિતાને એવો સંકુચિત ભાવ છોડી દેવા માટે ઠાકુર ઉપદેશ આપે છે.
શ્રીરામકૃષ્ણ (બલરામના પિતા વગેરેને): ગમે તે ધર્મ હોય ને, ગમે તે મત હોય ને, પણ બધા એ એક જ ઈશ્વરને બોલાવે છે. એટલા માટે કોઈ ધર્મ કે કોઈ પંથ કે મત તરફ અશ્રદ્ધા યા ઘૃણા કરવી નહિ. વેદમાં એ ઈશ્વરને જ કહેલ છે સચ્ચિદાનંદઃ બ્રહ્મઃ; ભાગવત વગેરે પુરાણમાં તેને જ કહે છે સચ્ચિદાનંદઃ કૃષ્ણઃ; તંત્રોમાં એને જ કહે છે સચ્ચિદાનંદઃ શિવઃ; – એ એક જ સચ્ચિદાનંદ.
‘વૈષ્ણવોમાંય જુદા જુદા વર્ગાે છે. વેદમાં એને બ્રહ્મ કહે; એક વર્ગના વૈષ્ણવો તેને કહે છે આલેક (અલખ) નિરંજન. અલખ એટલે કે જેને લક્ષ્ય કરી શકાય નહિ, ઇંદ્રિયો વડે દેખી શકાય નહિ તે. તેઓ કહે કે રાધા અને કૃષ્ણ અલખની બે ધારા.
‘વેદાન્ત મતમાં અવતાર નહિ. વેદાન્તવાદીઓ કહે, રામ, કૃષ્ણ, એ સચ્ચિદાનંદ સાગરનાં બે મોજાં.’
‘એક સિવાય બે નથી જ. જેને જેમ ઠીક લાગે તેમ બોલાવે, પણ જો સાચા અંતરથી ઈશ્વરને પુકારશે તો તે તેની પાસે જરૂર પહોંચશે. આતુરતા હોય તો બસ.
શ્રીરામકૃષ્ણ ભાવમાં મગ્ન થઈને ભક્તોને આ બધી વાતો કહી રહ્યા હતા. હવે જરા સ્વસ્થ થયા છે અને કહે છે, ‘તમે બલરામના બાપ?’
બલરામના પિતાને ઉપદેશ – ‘વ્યાકુળ બનો’
સૌ ચૂપ બેઠા છે. બલરામના વૃદ્ધ પિતા મૂંગા મૂંગા હરિનામની માળા ફેરવી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને): વારુ, આ લોકો આટલા જપ કરે, આટલાં તીરથ કરે છે, તોય આમ કેમ? જાણે કે અઢાર મહિનાનું વરસ!
‘હરીશને કહ્યું કે કાશીએ ગયે શું વળવાનું છે, જો અંતરમાં આતુરતા ન હોય તો? આતુરતા હોય તો અહીંયાં જ કાશી!
‘આટલાં આટલાં તીરથ, આટલા જપ કરે, છતાંય (ઈશ્વર-પ્રાપ્તિ) થાય નહિ શા માટે? અંદર આતુરતા નહિ. આતુર બનીને ઈશ્વરને પુકારો તો એ દર્શન દે.
‘કૃષ્ણ-લીલાના આરંભમાં ખૂબ ઝક-પક, ઝક-પક, ઝક-પક કરે. ત્યાં સુધી શ્રીકૃષ્ણ દેખાય નહિ. ત્યાર પછી નારદ ઋષિ જ્યારે આતુર થઈને વૃંદાવનમાં આવે, વીણા વગાડતાં વગાડતાં પ્રભુને પુકારે અને બોલે, ‘પ્રાણ હે ગોવિંદ મમ જીવન!’ ત્યારે પછી કૃષ્ણ રહી શકે નહિ, પોતાના ગોવાળિયાઓની સાથે સામે આવીને દર્શન દે અને બોલે, ‘ધવલી રવ, ધવલી રવ!’






