રાખાલ, બલરામના પિતા, વેણિપાલ, માસ્ટર, મણિ મલ્લિક, ઈશાન, કિશોરી (ગુપ્ત) વગેરે સાથે

આજ મંગળવાર ૧૬મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૩. બલરામના પિતા અને બીજા ભક્તો હાજર છે. બલરામના પિતા પરમ વૈષ્ણવ, હાથમાં હરિનામની માળા લઈને હંમેશાં જપ કર્યા કરતા હોય.

કટ્ટર વૈષ્ણવો બીજા સંપ્રદાયના લોકોને એટલા પસંદ કરે નહિ. બલરામના પિતા અવારનવાર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા જાય. તેમના અંતરનો ભાવ આ બધા વૈષ્ણવો જેવો નહિ.

શ્રીરામકૃષ્ણ: જેઓનો અંતરનો ભાવ ઉદાર હોય તેઓ બધા દેવને માને, કૃષ્ણ, કાલી, શિવ, રામ દરેકને.

બલરામના પિતા: હા. જેમ સ્વામી એક પણ તેના પોશાક જુદા જુદા.

શ્રીરામકૃષ્ણ: પરંતુ નિષ્ઠા-ભક્તિ જેવી એક વસ્તુય છે. ગોપીઓ જ્યારે મથુરામાં ગઈ હતી ત્યારે પાઘડી બાંધેલા કૃષ્ણને જોઈને તેમણે ઘૂંઘટો તાણ્યો, અને બોલી ઊઠી કે આ વળી કોણ? આપણા પીતાંબરધારી, મોહનમૂર્તિ મયૂર-પિચ્છધારી શ્રીકૃષ્ણ ક્યાં છે?

હનુમાનનીયે નિષ્ઠા ભક્તિ. દ્વાપરયુગમાં જ્યારે એ દ્વારકામાં આવ્યા ત્યારે કૃષ્ણે રુકિ્‌મણીને કહ્યું કે હનુમાન સીતા-રામરૂપે નહિ જુએ તો તેને સંતોષ થશે નહિ. એટલે બન્ને સીતા-રામરૂપ ધરીને બેઠાં.

શ્રીરામકૃષ્ણની અદ્ભુત અવસ્થા – નિત્યલીલાયોગ

શ્રીરામકૃષ્ણ: કોણ જાણે બાપુ, મારી તો આ એક પ્રકારની અવસ્થા. હું તો નિત્ય થકી લીલાના રાજ્યમાં ઊતરી આવું, તેમ લીલા થકી નિત્યે પહોંચું. ‘નિત્યે પહોંચવાનું નામ બ્રહ્મ-જ્ઞાન. એ બહુ જ કઠણ. વિષયવાસના સંપૂર્ણ રીતે નીકળી ગયા વિના થાય જ નહિ. ભગવતીએ જ્યારે હિમાલયને ઘેર જન્મ લીધો, ત્યારે તેમણે પિતાને વિવિધરૂપે દર્શન (દેવી ભાગવત ૭ સ્કંધઃ ૩૧ અધ્યાય, ૩૫-૩૬) દીધાં.’ હિમાલયે કહ્યું, ‘મા, હું બ્રહ્મદર્શન કરવા ઇચ્છું છું.’ એટલે ભગવતી બોલ્યાં, ‘પિતા! એ ઇચ્છા જો હોય તો તો પછી આપે સાધુ-સંગ કરવો પડશે. સંસારથી અલગ થઈ એકાંતમાં જઈને વચ્ચે વચ્ચે સાધુ-સંગ કરજો.’

‘એ એકમાંથી જ અનેક થયેલ છે, નિત્યમાંથી જ લીલા. એક અવસ્થામાં ‘અનેક’ ચાલ્યા જાય, તેમ વળી ‘એક’ પણ ચાલ્યો જાય, કારણ કે એક હોવાની સાથે જ બે. એક (પરમાત્મા) ઉપમા રહિત, ઉપમા દઈને એ સમજાવી ન શકાય. અંધકાર અને પ્રકાશની વચ્ચેની અવસ્થા. આપણે જે પ્રકાશ જોઈએ એ પ્રકાશ નહિ, આ જડ પ્રકાશ નહિ. (તચ્છુભ્રં જ્યોતિષામ્ જ્યોતિઃ તદ્યદાત્મવિદો વિદુઃ – મુંડકોપનિષદઃ ૨.૨.૯)

‘વળી જ્યારે ઈશ્વર અવસ્થા બદલી નાખે, જ્યારે મન લીલામાં ઉતારી  લાવે, ત્યારે જોઉં કે ઈશ્વર,માયા, જીવ, જગત, એ બધું જ એ થઈ રહેલ છે. (ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખઃ – શ્વેતાશ્વતર ઉપ. ૪.૩)

ઈશ્વર કર્તા – ‘તમે અને તમારું’

‘તેમ વળી ક્યારેક ઈશ્વર બતાવે કે એમણે જ આ બધું, જીવ-જગત બનાવ્યું છે; જેમ કે શેઠ અને તેમનો બગીચો.

‘ઈશ્વર માલિક અને તેનું જ આ આખું જીવ સહિતનું જગત, એનું નામ જ્ઞાન. અને ‘હું માલિક’, ‘હું ગુરુ’, એનું નામ અજ્ઞાન, મારાં આ બધાં, – ઘર, પરિવાર, ધન, જન એનું નામ અજ્ઞાન.

બલરામના પિતા: જી હા.

શ્રીરામકૃષ્ણ: જ્યાં સુધી ‘હે ઈશ્વર! તમે માલિક’, એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી ફરી ફરીને સંસારમાં આવવું પડે, વળી પાછો જન્મ લેવો પડે. ‘તમે માલિક’ એવું જ્ઞાન થાય તો પછી પુનર્જન્મ થાય નહિ.

‘જ્યાં સુધી ‘તુંહિ તુંહિ’ ન કરો ત્યાં સુધી છૂટવાના નથી. આવાગમનના ફેરામાં પુર્નજન્મ થવાનો જ, મુક્તિ થવાની નહિ. અને ‘મારું મારું’ કરીનેય શું વળવાનું? શેઠનો માળી કહેશે કે ‘આ અમારો બગીચો, અમારો પલંગ, અમારો કોચ’ વગેરે. પણ શેઠ જ્યારે બરતરફ કરે ત્યારે પોતાની નાની પેટુકડીયે લેવા જવાની હિંમત રહે નહિ. એ પણ શેઠ બીજા નોકરની મારફત રવાના કરી દે.’

‘હું અને મારું’ એને લીધે જ સત્ય ઢંકાઈ રહ્યું છે.

અદ્વૈતજ્ઞાન અને ચૈતન્યદર્શન

‘અદ્વૈતજ્ઞાન થયા વિના ચૈતન્ય-દર્શન થાય નહિ. ચૈતન્ય-દર્શન થાય ત્યારે નિત્ય-આનંદ. પરમહંસ અવસ્થામાં આ નિત્ય-આનંદ.

‘વેદાન્ત મત મુજબ અવતાર નહિ. એ મત પ્રમાણે ચૈતન્યદેવ અદ્વૈતની એક ધારા.

‘ચૈતન્ય-દર્શન શેના જેવું? અંધારા ઓરડામાં જેમ દીવાસળીની કાંડી સળગતાં અચાનક પ્રકાશ થઈ જાય તેમ!

અવતાર કે માનવરત્ન

‘ભક્તિ-મત પ્રમાણે અવતાર. એક કર્તા-ભજા સંપ્રદાયની બાઈ મારી અવસ્થા જોઈને બોલી ઊઠી કે ‘બાબા, અંદર વસ્તુ-પ્રાપ્તિ થઈ છે. એટલું બધું નાચોબાચો નહિ. દ્રાક્ષનું ફળ સંભાળીને રૂ ઉપર રાખવું જોઈએ. વહુના પેટમાં બાળક આવ્યે સાસુ ધીમે ધીમે કામ ઓછું કરી નાખે. ભગવાન-દર્શનનું લક્ષણ, કે ક્રમેક્રમે કર્મત્યાગ થઈ જાય. માણસની અંદર એ ‘માણસ-રત્ન’ છે.’

‘મારા ભોજન વખતે એ કહેતી કે બાબા, તમે ખાઓ છો કે બીજા કોઈને ખવરાવો છો?’

‘આ હું-પણા’ના જ્ઞાને જ આવરણ કરી રાખ્યું છે. નરેન્દ્ર કહેતો હતો કે આ હું-પણું જેટલું જશે તેટલો તેમને ‘અહં’ (પાકો અહં) આવે. કેદાર કહે, ‘ઘડાની અંદરની માટી જેટલી વધુ રહે તેટલું આ બાજુએ પાણી ઘટે.’

‘કૃષ્ણે અર્જુનને કહેલું કે ‘ભાઈ, અષ્ટસિદ્ધિ માંહેની એક સિદ્ધિ હોય તોય તું મને પામીશ નહિ. જરાક શક્તિ આવશે ખરી, તાવીજ-કવચ વગેરે દ્વારા ઝાડફૂંક કરવું, જડીબુટ્ટી, ઔષધિથી રોગ મટાડવા વગેરે જેવી (સિદ્ધિ). એનાથી લોકોને જરા ઉપકાર થાય, કેમ?

‘એટલે માતાજીની પાસે મેં માત્ર શુદ્ધ ભક્તિ જ માગી, સિદ્ધાઈ ન માગી.

બલરામના પિતા, વેણી પાલ, માસ્ટર, મણિ મલ્લિક વગેરેને આ શબ્દો કહેતાં કહેતાં શ્રીરામકૃષ્ણ સમાધિ-મગ્ન થયા, બાહ્ય-ભાન-રહિત, પૂતળાની પેઠે બેઠેલા છે!

સમાધિ ઊતર્યા પછી શ્રીરામકૃષ્ણ ગીત ગાય છેઃ

‘થયો જેના સારુ પાગલ, તેને પામ્યો ક્યાં?…’

હવે શ્રીયુત્ રામલાલને ગીત ગાવાનું કહે છે. પહેલાંવહેલાં જ એ ગાય છે ગૌર-સંન્યાસ.

શું જોયું રે કેશવ ભારતીની કુટિરમાં,

અપરૂપ જ્યોતિ, શ્રી ગૌરાંગ મૂરતિ; 

બે નયને વહે પ્રેમ શતધારે…

ગૌર મા માતંગની જેમ, પ્રેમાવેશે નાચે ગાય,

ક્‌વચિત્‌ ધરા પર આળોટે, નયન જળે ભર્યાં રે –

રડે અને બોલે હરિ, સ્વર્ગ મર્ત્ય ભેદ કરી સિંહનાદે રે,

વળી દાંતે તૃણ લઈ, પ્રભુ કૃતાંજલિ થઈ,

દાસ્ય-મુક્તિ યાચે દ્વારે દ્વારે –

એમાં ચૈતન્યદેવની ‘પાગલ’, પ્રેમોન્માદની અવસ્થાનું વર્ણન ગાયા પછી ઠાકુરની સૂચનાથી રામલાલ પાછા ગોપીઓની ઉન્માદ અવસ્થાનું ગીત ગાય છે –

ગીત – ‘ધરો મા, ધરો મા રથચક્ર, રથ શું ચક્રે ચાલે?

જે ચક્રના ચક્રી હરિ, જેના થકી જગત ચાલે.’

ગીત – નવ-નીરદ-વર્ણ શાથી માન્ય, શ્યામ-ચાંદ રૂપ જોઈ,

હાથે બંસી, અધરે હાસી, રૂપે ભુવન પ્રકાશે,..

Total Views: 442
ખંડ 15: અધ્યાય 31 : શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મસમન્વય - બલરામના પિતા સાથે વાતો
ખંડ 15: અધ્યાય 33