અધરે ફળ-મીઠાઈ વગેરે ધરીને પોતાને ઘેર ઠાકુરની સેવા કરી. પછી ઠાકુર બોલ્યા કે આજે યદુ મલ્લિકને ઘેર જવું છે.

ઠાકુર શ્રીયુત્ યદુ મલ્લિકને ઘેર આવ્યા છે. આજે અષાઢ વદ એકમ. (તારીખ ૨૧-૭-૧૮૮૩). રાત્રિ જ્યોત્સ્નામયી. જે ઓરડામાં સિંહવાહિનીની નિત્ય પૂજા થાય છે, એ જ ઓરડામાં ઠાકુર ભક્તો સાથે આવ્યા. ચંદન, પુષ્પ અને પુષ્પમાળાથી માતાજીની પૂજા થઈ છે એટલે ત્યાં અપૂર્વ શોભા થઈ રહી છે. સામે પુરોહિત બેઠેલા છે, ઓરડામાં પ્રતિમાની સામે દીવો બળે છે. ઠાકુરે ભક્તોમાંથી એક જણને માતાજી પાસે રૂપિયો મૂકીને પ્રણામ કરવાનું કહ્યું, કારણ કે દેવતાની પાસે આવીએ ત્યારે તેમની સામે કંઈક પ્રણામી ધરવી જોઈએ.

સિંહવાહિની દેવી

ઠાકુર સિંહવાહિનીની સામે હાથ જોડીને ઊભા છે. પાછળ ભક્તો હાથ જોડીને ઊભા છે. ઠાકુર ઘણી વાર સુધી દર્શન કરી રહ્યા છે. શી નવાઈ! દર્શન કરતાં કરતાં ઠાકુર એકદમ સમાધિ-મગ્ન! પથ્થરની પ્રતિમાની પેઠે નિઃસ્તબ્ધ ઊભેલા છે, નયન પલકહીન! ઘણી વાર પછી ઠાકુરે દીર્ઘ નિશ્વાસ મૂક્યો. સમાધિ ભંગ થઈ. જાણે નશામાં ચકચૂર થઈને બોલે છેઃ ‘મા હું આવું છું!’ પરંતુ ચાલી શકતા નથી; એ જ સ્થિતિમાં ઊભા થઈ રહ્યા છે. એટલે રામલાલને કહે છે; ‘તું પેલું ગીત ગા, ત્યારે હું સ્વસ્થ થઈશ.’ રામલાલ ગાય છેઃ

‘ભુવન ભુલાવિયું મા, હર-મોહિની.’

યદુ મલ્લિકનું નિવાસસ્થાન

ગીત પૂરું થયું. હવે ઠાકુર દીવાનખાના તરફ આવે છે, ભક્તો સાથે છે. આવતી વખતે વચમાં એક વાર બોલે છે, ‘મા! મારા હૃદયમાં રહો.’ શ્રીયુત્ યદુ મલ્લિક પોતાના સ્વજનો સાથે દીવાનખાનામાં બેઠા છે. ઠાકુર હજી ભાવમાં જ છે. આવીને ગાય છેઃ

‘આનંદમયી થઈ મને નિરાનંદ કરો મા!’

ગીત પૂરું થયું એટલે વળી ભાવમાં ઉન્મત્ત થઈને યદુને કહે છે, ‘કહો બાબુ, શું ગાઉં?’ ‘મા! શું હું અધૂરા માસે જન્મેલ છોરું!’ એ ગીત ગાઉં? એમ કહીને ગાય છેઃ

‘મા શું હું અધૂરા માસે જન્મેલ છોરું!

તમે લાલ આંખ કર્યે ભય નવ ધરું.

સંપદ મારી એ લાલ પદ, શિવ ધરે જે હૃત્કમળે;

મારી સંપત્તિ માગવા જતાં, વિટંબણા કેટલી છળે –

શિવની સાક્ષી, સહી રાખી છે હૃદયમાંહી મૂકી;

આ વેળા કરીશ ફરિયાદ નાથની પાસે ‘ડિક્રી’ લઈશ.

દેખાડીશ હું કેવો છોરું, મુકદ્દમામાં ઊભો રહું તો;

જ્યારે ગુરુદત્ત દસ્તાવેજ, રજૂ થશે ફરિયાદ-કામમાં –

મા-દીકરાનો મુકદ્દમો, ધાંધલ મચશે રામપ્રસાદ બોલે;

હું અટકીશ ત્યારે, જ્યારે મને શાંત કરીને લઈશ ખોળે.

ભાવ જરા ઓછો થયો એટલે ઠાકુર બોલ્યા કે ‘મારે માનો પ્રસાદ ખાવો છે.’

શ્રીસિંહવાહિનીનો પ્રસાદ લાવીને ઠાકુરને આપવામાં આવ્યો. શ્રીયુત્ યદુ મલ્લિક બેઠા છે. પાસે કોચ ઉપર કેટલાક તેમના ભાઈબંધો બેઠા છે. તેમાં કેટલાક ખુશામતિયા પણ છે.

યદુ મલ્લિક તરફ મુખ કરીને ઠાકુર ખુરશી પર બેઠા છે અને હસીને વાત કરે છે. ઠાકુરની સાથેના ભક્તો કોઈ કોઈ બાજુના ઓરડામાં છે. માસ્ટર અને એક બે ભક્તો ઠાકુરની પાસે બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (હસીને): વારુ, તમે ખુશામતિયા કેમ રાખો છો?

યદુ (હસીને): ખુશામતિયા હોય તોય શું? તમે શું તેમનો ઉદ્ધાર નહિ કરો?

શ્રીરામકૃષ્ણ (હસીને): ગંગા દારૂના પીપને પવિત્ર કરી શકે નહિ!

સત્યકથા અને શ્રીરામકૃષ્ણ – પુરુષ એકવચની

યદુએ ઠાકુરની પાસે કબૂલ કર્યું હતું કે તે ઘેર ચંડી-કીર્તન કરાવશે. પરંતુ ઘણા દિવસ થઈ ગયા છતાં તેમણે ચંડી-કીર્તન હજી કરાવ્યું ન હતું. એટલે ઠાકુર પૂછે છે.

શ્રીરામકૃષ્ણ: કેમ ભાઈ, ચંડી-કીર્તનનું શું?

યદુ મલ્લિક

યદુ: ઘણાંય કામકાજ હતાં એટલે આટલા દિવસ સુધી બન્યું નથી.

શ્રીરામકૃષ્ણ: એ શું? પુરુષ માણસની એક વાત! મરદકી બાત, હાથીકા દાંત! શું કહો છો? ખરું ને?

યદુ (હસીને): હા, એ ખરું.

શ્રીરામકૃષ્ણ: તમે ગણતરીબાજ માણસ. કેટલીય ગણતરી કરીને પછી કામ કરો. બ્રાહ્મણની ગાય, ખાય ઓછું, પોદળા કરે ખૂબ અને દૂધેય દે ભર્ર્ ભર્ર્ કરીને. (સૌનું હાસ્ય). ઠાકુર થોડીવાર પછી યદુને કહે છે, ‘એ હું સમજું છું. તમે રામજીવનપુરના પથ્થરના જેવા; અર્ધા ટાઢા, અર્ધા ગરમ. તમારું ઈશ્વરમાંય મન છે, તેમ જ સંસારમાંય મન છે.

ઠાકુરે એક બે ભક્તો સાથે યદુને ઘેર ખીર ફળ-મૂળ, મીઠાઈ વગેરે પ્રસાદ લીધો. પછી ત્યાંથી ખેલાત ઘોષને ઘેર જવાના છે.

Total Views: 438
ખંડ 15: અધ્યાય 4 : શ્રીયુત્ અધરસેનના ઘરે કીર્તનાનંદે
ખંડ 15: અધ્યાય 6 : ખેલાત ઘોષના ઘરે શુભાગમન - વૈષ્ણવોને ઉપદેશ