ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્રી ખેલાત ઘોષના ઘરમાં પ્રવેશ કરે છે. રાતના દશ વાગ્યા હશે. ઘર અને ઘરનું મોટું આંગણું ચંદ્રના પ્રકાશથી ખીલી ઊઠ્યાં છે. ઘરમાં પ્રવેશ કરતાં કરતાં ઠાકુર ભાવમાં આવી ગયા છે. સાથે રામલાલ, માસ્ટર અને બીજા એક-બે ભક્તો. ચારે બાજુ ઓરડાઓ અને વચ્ચે ચોગાન. ત્યાં મોટું દીવાનખાનું આવેલું છે. ઉપરના માળે ચડીને ઓસરીમાંથી એક વાર દક્ષિણ બાજુ, પછી પૂર્વ બાજુ અને પછી ઉત્તર બાજુ એમ લાંબું અંતર કાપીને અંતઃપુર તરફ જવાય. આ બાજુ આવતાં એમ લાગ્યું કે જાણે ઘરમાં કોઈ નથી; માત્ર કેટલાક મોટા મોટા ઓરડા અને સામે મોટી ઓસરી પડી છે. ઠાકુરને ઉત્તર-પૂર્વના એક ઓરડામાં બેસાડવામાં આવ્યા. ઠાકુર હજીયે ભાવમાં છે. ઘરના જે ભક્તે તેમને બોલાવ્યા છે તેમણે આવીને સ્વાગત કર્યું. એ વૈષ્ણવ, શરીરે તિલક વગેરેની છાપ અને હાથમાં માળા ફેરવવાની ગોમુખી. માણસ મોટી ઉંમરનો. એ ખેલાત ઘોષનો સંબંધી. એ ભક્ત વચ્ચે વચ્ચે ઠાકુરનાં દર્શને જતો. પરંતુ કોઈ કોઈ વૈષ્ણવનો અંતરનો ભાવ અતિ સંકુચિત. તેઓ શાક્તની, જ્ઞાનીઓની બહુ નિંદા કરે. હવે ઠાકુર વાત કરે છે.

શ્રીઠાકુરનો સર્વધર્મસમન્વય – The Religion of Love

શ્રીરામકૃષ્ણ (વૈષ્ણવ અને બીજા ભક્તોને): મારો ધર્મ જ સાચો અને બીજાનો ધર્મ ખોટો એવી માન્યતા સારી નહિ. ઈશ્વર એક જ છે, બે નથી. તેમને જુદાં જુદાં નામ દઈને જુદા જુદા લોકો બોલાવે છે. કોઈ કહે છે ‘ગોડ, કોઈ અલ્લાહ, કોઈ કૃષ્ણ, તો કોઈ શિવ, તો કોઈ કહે છે બ્રહ્મ. જેમ કે એક તળાવમાં પાણી છે. તેને એક ઘાટેથી પાણી ભરનારા લોકો કહેશે કે જળ, બીજા એક ઘાટના માણસો કહેશે કે ‘વોટર’, વળી બીજા એક ઘાટના માણસો કહેશે પાની, હિંદુ કહેશે જળ, ખ્રિસ્તી કહેશે વોટર, મુસલમાન કહેશે પાની, પરંતુ વસ્તુ એક જ. જેટલા મત તેટલા પથ. એક એક ધર્મ એક એક માર્ગ છે. એ બધાય ઈશ્વર તરફ લઈ જાય છે. જેમ કે નદીઓ, જુદી જુદી દિશાઓમાંથી આવીને આખરે સાગરમાં મળે છે. વેદ, પુરાણ, તંત્રોમાં પ્રતિપાદ્ય એ એક જ સચ્ચિદાનંદ છે. વેદમાં સચ્ચિદાનંદ (બ્રહ્મ), પુરાણમાં સચ્ચિદાનંદ (કૃષ્ણ, રામ વગેરે), તંત્રોમાં સચ્ચિદાનંદ (શિવ), સચ્ચિદાનંદ (બ્રહ્મ), સચ્ચિદાનંદ કૃષ્ણ, સચ્ચિદાનંદ શિવ.

બધા શાંત બેઠા છે.

વૈષ્ણવ ભક્ત: મહાશય, ઈશ્વરને યાદ કરવો જ શા માટે?

વૈષ્ણવોને ઉપદેશ – જીવનમુક્ત કોણ? ઉત્તમ ભક્ત કોણ? – ઈશ્વર-દર્શનનાં લક્ષણો

શ્રીરામકૃષ્ણ: એ જ્ઞાન જો કોઈને થઈ જાય તો તો એ જીવન્મુક્ત. પરંતુ સૌ કોઈમાં આ શ્રદ્ધા નથી હોતી. માત્ર મોઢેથી કહે કે ઈશ્વર છે, અને તેમની ઇચ્છાથી આ બધું થાય છે. સંસારી માણસો એ કાને સાંભળી રાખે, તેમાં શ્રદ્ધા હોય નહિ. સંસારીઓનો ઈશ્વર કેવો, ખબર છે? દેરાણી જેઠાણીઓની વઢવાડ સાંભળીને જેમ છોકરાં ઝઘડા કરતાં કરતાં કહે કે ‘ઈશ્વરના સોગંદ!’

શું સૌ કોઈ ઈશ્વરને પકડી શકે? તેમણે સારા માણસો કર્યા છે, નરસા પણ કર્યા છે. ભક્તો કર્યા છે તેમ ભક્તિ વિનાનાય કર્યા છે. શ્રદ્ધાવાન કર્યા છે, તેમ અશ્રદ્ધાળુ પણ કર્યા છે. ઈશ્વરની લીલાની અંદર બધી જાતની વિચિત્રતા છે. તેમની શક્તિનો ક્યાંક વધુ પ્રકાશ, તો ક્યાંક ઓછો. સૂર્યનો પ્રકાશ માટી કરતાં પાણીમાં વધુ ને પાણી કરતાં દર્પણમાં વધુ. વળી ભક્તોમાંય કક્ષા છે. ઉત્તમ ભક્ત, મધ્યમ ભક્ત, નિકૃષ્ટ ભક્ત. ગીતામાં આ બધું છે.

વૈષ્ણવ – જી હા.

શ્રીરામકૃષ્ણ: નિકૃષ્ટ ભક્ત કહેશે કે ઈશ્વર છે ત્યાં, આકાશમાં બહુ દૂર. મધ્યમ ભક્ત કહેશે કે ઈશ્વર સર્વ ભૂતોમાં ચૈતન્યરૂપે, પ્રાણરૂપે રહેલ છે. ઉત્તમ ભક્ત કહેશે કે ઈશ્વર જ પોતે આ બધું થઈ રહેલ છે, જે કાંઈ જોઈએ છીએ તે સર્વ કાંઈ ઈશ્વરનું એક એક રૂપ છે, એ પોતે જ માયા, જીવ જગત આ બધું થઈ રહેલ છે, તેમના સિવાય બીજું કાંઈ નથી.

વૈષ્ણવ ભક્ત: એવી અવસ્થા કોઈની થાય?

શ્રીરામકૃષ્ણ: ‘ઈશ્વરનાં દર્શન થયા વિના એવી અવસ્થા થાય નહિ. પરંતુ દર્શન કર્યાં છે કે નહિ તેનાં લક્ષણ છે. જેને દર્શન થાય તે ક્યારેક ગાંડાની પેઠે હસે, રડે ને નાચે ગાય. તેની ક્યારેક નાના છોકરા જેવી પાંચ વરસના બાળક જેવી અવસ્થા થાય. તે સરલ, ઉદાર, અહંકાર વિનાનો હોય. કોઈ વસ્તુમાં તેને આસક્તિ નહિ. કોઈ ગુણને તે વશ નહિ, સદા આનંદમય. ક્યારેક પિશાચ જેવો, પવિત્ર અપવિત્રનું ભાન રહે નહિ, આચાર અનાચાર એક થઈ જાય. ક્યારેક વળી જડ જેવો, જાણે કે કાંઈક જોયું છે એટલે કોઈ જાતનું કામ કરી શકે નહિ, કોઈ જાતનો પ્રયાસ કરી શકે નહિ.’

ઠાકુર શ્રીરામકૃષ્ણ શું પોતાની અવસ્થા સંબંધે ઇશારો કરે છે?

શ્રીરામકૃષ્ણ (વૈષ્ણવ ભક્તને): ‘તમે’ અને ‘તમારું’ એનું નામ જ્ઞાન, ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન.

‘હે ઈશ્વર, તમે સર્વ કંઈના કર્તા અને હું અકર્તા, એ જ્ઞાન. હે ઈશ્વર! આ બધું તમારું; દેહ, મન, ઘરબાર, સ્ત્રી-પુત્ર, જીવ, જગત, એ બધું તમારું, મારું કશું નહિ., એનું નામ જ્ઞાન. જે અજ્ઞાની છે, તે કહેશે કે ‘ઈશ્વર’ ત્યાં ત્યાં,’ બહુ દૂર. જે જ્ઞાની, તે જાણે કે ઈશ્વર અહીં અહીં, અતિ નજીક, હૃદયમાં, અંતર્યામીરૂપે. તેમજ વળી એ પોતે જ આ બધાં સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.’

Total Views: 372
ખંડ 15: અધ્યાય 5 : યદુ મલ્લિકના ઘરે - સિંહવાહિની સન્મુખે - સમાધિભાવમાં
ખંડ 15: અધ્યાય 7 : દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સાથે બ્રહ્મતત્ત્વ અને આદ્યશક્તિની ચર્ચા - વિદ્યાસાગર અને કેશવ સેન વિશે વાતો