માસ્ટર: દયા પણ શું એક જાતનું બંધન?

શ્રીરામકૃષ્ણ: એ બહુ દૂરની વાત. દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર, પ્રકૃતિથી પર. જ્યાં યથાર્થ બ્રહ્મ-જ્ઞાન, ત્યાં ગુણો જઈ શકે નહિ. જેમ ચોર જાહેર જગ્યાએ જઈ શકે નહિ તેમ. તેને બીક લાગે કે કદાચ પકડાઈ જઈશ. સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણેય ગુણો ચોર. એક વાર્તા સાંભળો. એક માણસ જંગલને રસ્તે થઈને જઈ રહ્યો હતો, એટલામાં તેને ત્રણ ચોર મળ્યા. તેમણે તેને પકડીને તેનું જે કાંઈ હતું તે લૂંટી લીધું. પછી એક ચોર બોલ્યો, ‘હવે આને જીવતો રાખવો શા માટે?’ એમ કહીને તલવાર લઈને તેને મારી નાખવા આવ્યો. એટલે બીજો ચોર બોલ્યો, ‘ના રે ના, એને મારી નાખવો શું કરવા? એના હાથપગ બાંધીને મૂકી દો.’ એ પરથી તેના હાથપગ બાંધીને તેને ત્યાં જ મૂકીને ચોરો ચાલતા થયા. થોડીવાર પછી પેલા ત્રણ ચોરમાંથી એક જણ પાછો આવીને પેલા માણસને કહે છેઃ ‘આહ! તમને કેટલું બધું લાગ્યું છે! ચાલો હું તમારું બંધન ખોલી દઉં!’ એમ કહીને તેનું બંધન છોડીને બોલ્યો, ‘મારી સાથે સાથે આવો. હું તમને ધોરી રસ્તા પર ચડાવી દઉં.’ એ પછી કેટલાય વખત સુધી ચાલ્યા પછી ધોરી રસ્તા પર આવીને ચોરે કહ્યું, ‘આ રસ્તે ચાલ્યા જાઓ. પેલું તમારું મકાન દેખાય છે.’ એટલે પેલો મુસાફર ચોરને કહે, ‘ભાઈસાહેબ, તમે મારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો, તો તમે પણ જરા સાથે મારા ઘર સુધી આવો ને.’ ચોરે કહ્યું, ‘ના મારાથી ત્યાં ન અવાય. પોલીસને ખબર પડી જાય.’

આ સંસાર જ અરણ્ય. આ અરણ્યમાં સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણો રૂપી લૂંટારા જીવનું તત્ત્વજ્ઞાન લૂંટી લે. તમોગુણ જીવનો વિનાશ કરવા ઇચ્છે, રજોગુણ સંસારમાં બાંધે, પરંતુ સત્ત્વ-ગુણ રજસ્, તમસ્થી બચાવે. સત્ત્વગુણનો આશ્રય મળે તો કામ, ક્રોધ, એ બધાં તમોગુણનાં કાર્યોથી રક્ષણ થાય. વળી સત્ત્વગુણ જીવને સંસાર-બંધનથી મુક્ત કરે. પણ સત્ત્વગુણેય આખરે તો ચોર, તત્ત્વ-જ્ઞાન આપી શકે નહિ. પરંતુ એ પરમ-ધામમાં જવાના રસ્તા પર ચડાવી દે. અને કહે, ‘જુઓ, પેલું તમારું ઘર, એ દેખાય!’ જ્યાં બ્રહ્મ-જ્ઞાન ત્યાંથી તો સત્ત્વગુણ પણ ઘણેય દૂર. બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ. જેને બ્રહ્મ-જ્ઞાન થાય તે તેનું વર્ણન કરી શકે નહિ. કહેવાય છે કે કાળાં પાણીએ ગયેલાં વહાણ પાછાં આવે નહિ.’

‘ચાર મિત્રો ફરતાં ફરતાં ચાલ્યા જતા હતા. ત્યાં દીવાલથી ઘેરાયેલ એક જગા જોવામાં આવી. ખૂબ ઊંચી દીવાલ. અંદર શું છે એ જોવા માટે સૌ બહુ ઈંતેજાર થયા. એક જણ દીવાલ ઉપર ચડ્યો. ડોકું તાણીને તેણે જે જોયું તેથી આશ્ચર્ય-ચકિત થઈને ‘આ-હા-હા-હા’ કરતો ને તે અંદર કૂદી પડ્યો. પાછો આવીને તેણે કાંઈ સમાચાર જ ન આપ્યા એ જ પ્રમાણે બીજો, પછી ત્રીજો. જે ચડે તે ‘આ-હા-હા-હા’ કરતો ને અંદર કૂદી પડે. પછી અંદરના ખબર કોણ આપે?’

જડભરત-દત્તાત્રેય, શુકદેવ – એમનું બ્રહ્મજ્ઞાન

‘જડભરત, દત્તાત્રેય એ લોકો બ્રહ્મ-દર્શન કર્યા પછી સમાચાર આપી શક્યા નહિ. બ્રહ્મ-જ્ઞાન પછી સમાધિ થાય, ત્યારે અહંકાર રહે નહિ. એટલે રામપ્રસાદે કહ્યું કે ‘પોતાથી જો ન બને તો મન, રામપ્રસાદને સાથે લેને.’ મનનો લય થવો જોઈએ. તદુપરાંત રામપ્રસાદ અર્થાત્ અહંકારનો પણ લય થવો જોઈએ. ત્યારે જ બ્રહ્મ-જ્ઞાન થાય.

એક ભક્ત: મહાશય, શુકદેવને શું જ્ઞાન થયું નહોતું?

શ્રીરામકૃષ્ણ: કોઈ કોઈ કહે છે કે શુકદેવે બ્રહ્મ-સમુદ્રનાં દર્શન-સ્પર્શન માત્ર કર્યાં હતાં. અંદર ઊતરીને તેમણે ડૂબકી મારી ન હતી. એટલે પાછા આવીને આટલો ઉપદેશ આપ્યો હતો. કોઈ કોઈ કહે છે કે તે બ્રહ્મ-જ્ઞાન પછી પાછા આવ્યા હતા, લોકોને ઉપદેશ આપવા માટે. પરીક્ષિતને ભાગવત સંભળાવવાનું હતું, એ ઉપરાંત કેટલુંય લોકોપદેશનું કામ કરવાનું હતું. તેથી જ ઈશ્વરે તેમના અહંકારનો સંપૂર્ણ લય કરી નાખ્યો નહિ. ફક્ત વિદ્યાનો ‘અહંકાર’ રાખી દીધો હતો.

કેશવચંદ્ર સેનને ઉપદેશ – મંડળ (સાંપ્રદાયિકતા સારી નહિ)

એક ભક્ત: બ્રહ્મ-જ્ઞાન થાય તો સંસ્થા કે સંપ્રદાય રહે?

શ્રીરામકૃષ્ણ: કેશવ સેનની સાથે બ્રહ્મ-જ્ઞાનની વાત ચાલતી હતી! કેશવ કહે, ‘હજી બોલો.’ મેં કહ્યું, વધુ કહીશ તો તમારો સમાજ કે સંપ્રદાય ટકશે નહિ.’ એટલે કેશવ બોલ્યા, ‘તો રહેવા દો, મહાશય! (સૌનું હાસ્ય). તોય કેશવને કહ્યું’ ‘હું, ને મારું’ એ અજ્ઞાન. ‘હું માલિક અને મારાં આ બધાં, સ્ત્રી-પુત્ર, સંપત્તિ માન-અકરામ,’ એવી ભાવના અજ્ઞાન ન હોય તો આવે નહિ. ત્યારે કેશવે કહ્યું કે ‘મહાશય! અહંનો ત્યાગ કરીએ એટલે તો બીજું કાંઈ રહે નહિ.’ મેં કહ્યું, ‘કેશવ, તમને બધો અહં છોડવાનું’ કહેતો નથી, તમે કાચા અહંનો ત્યાગ કરો. હું માલિક, મારાં સ્ત્રી પુત્રો ‘હું ગુરુ,’ એ બધું અભિમાન છે; એ કાચો અહંકાર છે. એનો ત્યાગ કરીને, ‘પાકો અહં’ લઈને રહો. ‘હું પ્રભુનો દાસ, હું પ્રભુનો ભક્ત, હું માલિક નહિ; પ્રભુ માલિક!’

ઈશ્વરનો આદેશ મળે ત્યારે ધર્મપ્રચાર કરવો સારો

એક ભક્ત: પાકો અહં શું સમાજ કે સંપ્રદાય બાંધી શકે?

શ્રીરામકૃષ્ણ: મેં કેશવ સેનને કહ્યું, ‘હું સમાજનો અગ્રણી, હું સંપ્રદાય ચલાવું છું, હું લોકોને ઉપદેશ આપું છું એ અહંકાર કાચો અહંકાર. મત-પ્રચાર બહુ કઠણ. ઈશ્વરના આદેશ સિવાય એ થાય નહિ. ઈશ્વરનો આદેશ જોઈએ. શુકદેવને ભાગવત સંભળાવવાનો આદેશ મળ્યો હતો. જો ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને કોઈ આદેશ મેળવે અને તે જો પ્રચાર કરે, લોકોને ઉપદેશ આપે, તો તેમાં દોષ નહિ. તેનો અહંકાર કાચો અહંકાર નહિ પણ પાકો અહંકાર.

કેશવને કહ્યું હતું, ‘કાચા અહંકારનો ત્યાગ કરો. દાસનો અહંકાર, ભક્તનો અહંકાર, એમાં કાંઈ દોષ નહિ. તમે સમાજ-સમાજ, સંપ્રદાય-સંપ્રદાય કરો છો, પણ લોકો તો તમારો સમાજ છોડી છોડીને ચાલ્યા જાય છે. કેશવ કહે, ‘મહાશય, ત્રણ ત્રણ વરસ સુધી અમારા સમાજમાં રહીને પછી પાછા પેલા સમાજમાં ગયા અને જતી વખતે ઉપરથી ગાળો દેતા ગયા.’ ‘મેં કહ્યું, ‘તમે લક્ષણ કાં જોતા નથી? જેને તેને ચેલો કર્યે શું વળે!’

કેશવને ઉપદેશ – આદ્યશક્તિને માનો

ઉપરાંત કેશવને કહ્યું હતું કે આદ્યશક્તિને માનો. બ્રહ્મ અને શક્તિનો અભેદ. જે બ્રહ્મ તે જ શક્તિ. જ્યાં સુધી દેહભાન હોય, ત્યાં સુધી બેપણાનું ભાન રહે જ. બોલ્યા એટલે જ દ્વૈત. કેશવે કાલી (શક્તિ)ને માની હતી. ‘એક દિવસે કેશવ શિષ્યોની સાથે અહીં આવ્યા હતા. મેં કહ્યું, ‘તમારું લેકચર સાંભળવું છે.’

કેશવે ઘાટ-મંડપમાં બેસીને લેકચર આપ્યું. ત્યાર પછી ઘાટ ઉપર આવ્યા અને સાથે બેસીને ઘણીય વાતચીત કરી. મેં કહ્યું, જે ભગવાન, તે જ એક રૂપે ભક્ત, તે જ બીજે એક રૂપે ભાગવત. તમે સહુ બોલોઃ ‘ભાગવત-ભક્ત-ભગવાન!’ કેશવ બોલ્યા અને શિષ્યો પણ સર્વે એકી સાથે બોલ્યા, ‘ભાગવત-ભક્ત-ભગવાન!’ ‘કેશવને જ્યારે કહ્યું કે બોલો, ‘ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ’, ત્યારે કેશવ બોલ્યા મહાશય, હમણાં એટલે દૂર નહિ, તો લોકો અમને વેદિયા કહેશે.

પૂર્વકથા – માયાકાંડ જોઈને શ્રીરામકૃષ્ણની મૂર્છા

ત્રિગુણાતીત થવું બહુ કઠણ. ઈશ્વર-પ્રાપ્તિ થયા વિના થવાય નહિ. જીવ માયાના રાજ્યમાં જ નિવાસ કરે. એ માયા ઈશ્વરને ઓળખવા દે નહિ. એ માયાએ માણસને અજ્ઞાની કરી રાખેલ છે. એક દિવસ હૃદય એક નાનું વાછડું ક્યાંકથી લઈ આવ્યો. અને એ વાછડાને તેણે બગીચામાં બાંધી રાખ્યું છે. ખડ ખવરાવવા માટે. મેં પૂછ્યું, ‘હૃદય, એ વાછડાને દરરોજ ત્યાં બાંધી રાખે છે શા માટે?’

હૃદય બોલ્યો, ‘મામા, એ વાછડાને દેશમાં મોકલવાનો છે. ત્યાં એ મોટો થઈને હળ ખેંચશે.’ એ એમ બોલ્યો કે તરત જ હું તો મૂર્છા ખાઈને પડી ગયો! મનમાં થયું કે શો માયાનો ખેલ! ક્યાં કામારપુકુર – સિઓડ, અને ક્યાં કોલકાતા? આ વાછડું ત્યાં જવાનું, એટલો લાંબો રસ્તો! ત્યાં હજી મોટું થાય! ત્યાર પછી કેટલાય દિવસે હળ તાણે! આનું જ નામ સંસાર! આનું જ નામ માયા!

કેટલીયવાર પછી મૂર્છા ઊતરી હતી.

Total Views: 576
ખંડ 15: અધ્યાય 7 : દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સાથે બ્રહ્મતત્ત્વ અને આદ્યશક્તિની ચર્ચા - વિદ્યાસાગર અને કેશવ સેન વિશે વાતો
ખંડ 15: અધ્યાય 9 : સમાધિભાવમાં