શ્રીરામકૃષ્ણ અહોરાત્ર સમાધિ-મગ્ન! દિવસ રાત ક્યાંય પસાર થઈ જાય છે! માત્ર અવારનવાર ભક્તોની સાથે ઈશ્વર-કથા કે કીર્તન કરે. ત્રણ-ચાર વાગ્યાને સુમારે માસ્ટરે જોયું કે ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે; ભાવ-મગ્ન. થોડીક વાર પછી જગન્માતાની સાથે વાતો કરે છે. માની સાથે વાત કરતાં કરતાં એક વાર બોલ્યા, ‘મા, તેને શક્તિની એક જ કળા આપી શા માટે?’ ઠાકુર થોડી વાર ચૂપ રહ્યા. વળી બોલે છે, ‘મા, સમજ્યો, એક કળાથી જ બસ થશે. એક કળાથી જ તારું કામ થશે, જીવોને ઉપદેશ થશે.’

શું ઠાકુર આવી રીતે અંતરંગ ભક્તોમાં શક્તિ-સંચાર કરી રહ્યા છે? આ બધી શું તૈયારી થઈ રહી છે કે જેથી તેઓ પાછળથી લોકોને ઉપદેશ દે? માસ્ટર સિવાય ઓરડામાં રાખાલ પણ બેઠેલ છે. ઠાકુર હજીયે ભાવ-મગ્ન! રાખાલને કહે છે, ‘તેં ગુસ્સો કર્યો હતો ને? તને ગુસ્સો કેમ કરાવ્યો, જાણે છે? તેમાં એક અર્થ છે. ઔષધ લાગુ પડે એટલા સારુ. બરોલ મોટી થાય ત્યારે હાથલિયો થોર વગેરે બંધાય.

થોડી વાર પછી બોલે છે, ‘હાજરાને જોયો, તો સૂકું લાકડું! તો પછી અહીં પડ્યો રહે છે શા માટે? એનો એક અર્થ છે. જટિલા-કુટિલા હોય તો રમતનો રંગ જામે.

(માસ્ટરને) ઈશ્વરીય રૂપ માનવાં! જગદ્ધાત્રી-સ્વરૂપનો અર્થ જાણો છો? જગતને જે ધારણ કરી રહ્યાં છે તે. એ જો ધારણ કરી ન રાખે, એ જો પાલન ન કરે તો જગત ભાંગી પડે, તેનો નાશ થઈ જાય. મનરૂપી હાથીને જે વશ કરી શકે તેના જ હૃદયમાં જગદ્ધાત્રી પ્રકટ થાય.

રાખાલ: મન મા કરી!

શ્રીરામકૃષ્ણ: એટલે જ સિંહવાહિનીનો સિંહ હાથીને કાબૂમાં રાખે છે.

સંધ્યાકાળ પછી દેવ-મંદિરોમાં આરતી થઈ રહી છે. સંધ્યા થઈ એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં બેઠા બેઠા ભગવાનનું નામ લે છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો. ઠાકુર હાથ જોડીને નાની પાટ ઉપર બેઠા છે. જગદંબાનું ચિંતન કરે છે. બેલઘરિયાના શ્રીયુત્ ગોવિંદ મુકરજી અને તેમના મિત્રોએ આવીને પ્રણામ કર્યા અને જમીન પર બેઠા. માસ્ટર પણ બેઠા છે. રાખાલ પણ છે.

બહાર ચંદ્ર ઊગ્યો છે. જગત નીરવપણે હસી રહ્યું છે. ઓરડામાં સહુ નિઃશબ્દ બેસીને ઠાકુરની શાંત મૂર્તિને નીરખી રહ્યા છે. ઠાકુર ભાવ-મગ્ન. થોડીક વાર પછી વાત કરે છે. હજીયે ભાવાવસ્થા.

શ્યામારૂપ – પુરુષપ્રકૃતિ – યોગમાયા – શિવકાલી અને રાધાકૃષ્ણ રૂપે વ્યાખ્યા – ઉત્તમ ભક્ત – વિચારપથ

શ્રીરામકૃષ્ણ (ભાવમગ્ન): બોલો, તમને જે કાંઈ શંકા હોય તે કહો. હું બધાનો ખુલાસો કરીશ.

ગોવિંદ અને બીજા ભક્તો વિચારવા લાગ્યા.

ગોવિંદ: જી, શ્યામારૂપ થયું શા માટે?

શ્રીરામકૃષ્ણ: એ દૂર છે એટલે. પાસે જાઓ તો કશો રંગ નથી. સરોવરનું જળ દૂરથી કાળું દેખાય. પાસે જઈને હાથમાં લઈને જુઓ તો તેનો કશો રંગ નથી. આકાશ દૂરથી જાણે કે આસમાની લાગે, નજીક જુઓ તો કશો રંગ નથી. ઈશ્વરની જેમ જેમ નજીક જાઓ, તેમ તેમ ધારણા થાય કે એને નામ-રૂપ નથી. પાછા વળીને જરા દૂર આવો એટલે પાછી ‘મારી શ્યામા મા! જાણે કે ઘાસ-ફૂલનો રંગ.’ શ્યામા પુરુષ કે પ્રકૃતિ? એક ભક્તે જગદંબાની પૂજા કરી હતી. ત્યાં એક જણ દર્શન કરવા આવ્યો. તેણે જોયું તો દેવીના ગળામાં જનોઈ પહેરાવી છે. એટલે તેણે કહ્યું કે ‘અરે, તમે દેવીના ગળામાં જનોઈ પહેરાવી છે?’ ત્યારે ભક્તે કહ્યું, ‘ભાઈ, તમે જ બરાબર ઓળખી શક્યા લાગો છો! હું તો હજી સુધી પિછાની શક્યો નથી કે મા પુરુષ કે પ્રકૃતિ? એટલે મેં તો જનોઈ પહેરાવી છે.’

જે શ્યામા, તે જ બ્રહ્મ. જેનું રૂપ, તે જ અરૂપ. જે સગુણ, તે જ નિર્ગુણ. બ્રહ્મ એ જ શક્તિ, શક્તિ એ જ બ્રહ્મ. બન્નેનો અભેદ. સચ્ચિદાનંદમય અને સચ્ચિદાનંદમયી.

ગોવિંદ: યોગમાયા શા માટે કહે છે?

શ્રીરામકૃષ્ણ: યોગમાયા એટલે પુરુષ અને પ્રકૃતિનો યોગ. જે કાંઈ જુઓ છો એ બધું પુરુષ-પ્રકૃતિનો યોગ. શિવ-કાલીની મૂર્તિ જુઓ. શિવની છાતી ઉપર કાલી ઊભી રહેલી છે. શિવ શબ થઈને પડેલ છે. કાલી શિવની સામે જોઈ રહેલ છે. આ બધો પુરુષ-પ્રકૃતિનો યોગ. પુરુષ નિષ્ક્રિય, એટલે એના સૂચકરૂપે શિવ શબ થઈને પડેલ છે. પુરુષના યોગથી પ્રકૃતિ સમસ્ત કાર્ય કરી રહી છે; સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરી રહી છે.

રાધા-કૃષ્ણની યુગલ-મૂર્તિનો અર્થ પણ આ. આ યોગને માટે બંકિમ (બાંકે-બિહારી) ભાવ. એ યોગ દેખાડવા માટે જ તો શ્રીકૃષ્ણના નાકમાં મોતી અને શ્રીમતી રાધિકાના નાકમાં વાદળી મણિ. શ્રીમતીનો ગૌરવર્ણ, મોતીના જેવો ઉજ્જવળ. શ્રીકૃષ્ણનો શ્યામવર્ણ, એટલે શ્રીમતીના નાકમાં વાદળી મણિ. તેમ જ શ્રીકૃષ્ણે પીળું વસ્ત્ર અને શ્રીમતીએ વાદળી વસ્ત્ર ધારણ કર્યું છે. ઉત્તમ ભક્ત કોણ? જે બ્રહ્મ-જ્ઞાન થયા પછી જાણે, કે બ્રહ્મ જ જીવ, જગત ચોવીસ તત્ત્વ થયેલ છે. શરૂઆતમાં ‘નેતિ, નેતિ’ વિચાર કરીને અગાસી પર પહોંચવું જોઈએ. ત્યાર પછી અગાસી જે વસ્તુની બનેલી છે; ઈંટ, ચૂનો વગેરે પથ્થરની સીડી પણ તે જ વસ્તુઓની બનેલી છે. ત્યારે જુએ કે બ્રહ્મ જ જીવ, જગત, બધું થયેલ છે.

‘એકલો વિચાર! થૂ! થૂ જરૂર નથી.’ (ઠાકુરે મુખામૃત ફેંક્યું).

‘વિચાર કરી કરીને શા માટે શુષ્ક બની રહેવું? હું-તું છે, ત્યાં સુધી પ્રભુનાં ચરણ-કમળમાં શુદ્ધ ભક્તિ રહે એ હું ઇચ્છું!

શ્રીરામકૃષ્ણ (ગોવિંદને): ક્યારેક કહું છું કે ‘તમે તે જ હું. હું તે જ તમે,’ વળી ક્યારેક ‘તમે તમે’ જ થઈ જાય! ત્યારે હું શોધ્યોય જડે નહિ.

શક્તિના જ અવતાર. એક મત અનુસારે રામ અને કૃષ્ણ ચિદાનંદ-સાગરના બે તરંગો.

અદ્વૈતજ્ઞાન થાય એટલે ચૈતન્યનું ભાન થાય. ત્યારે જુએ કે સર્વ ભૂતોમાં ચૈતન્યરૂપે પ્રભુ છે. પ્રાપ્તિ પછી આનંદ. અદ્વૈત-ચૈતન્ય-નિત્યાનંદ.

ઈશ્વર સાકાર છે – ભોગવાસના જાય ત્યારે વ્યાકુળતા

(માસ્ટરને) અને તમને કહું છું, ‘રૂપમાં, ઈશ્વરીય રૂપમાં અશ્રદ્ધા રાખો મા, રૂપ છે, માનો! ત્યાર પછી જે રૂપ ગમે તેનું ધ્યાન કરો.’

(ગોવિંદને) વાત એમ છે કે જ્યાં સુધી ભોગની વાસના હોય, ત્યાં સુધી ઈશ્વરને જાણવા કે દર્શન કરવા સારુ મન આતુર થાય નહિ. છોકરું રમતમાં બીજું બધું ભૂલી જાય. પેંડો આપીને ભુલાવો તો થોડીક વાર પેંડો ખાય. પણ જ્યારે રમત પણ ગમે નહિ, પેંડો પણ ગમે નહિ, ત્યારે કહેશે કે ‘મા પાસે જવું છે!’ પછી પેંડો ન જોઈએ. જેને પોતે ઓળખે નહિ, જેને કોઈ કાળે દેખેલ નહિ, તે માણસ પણ જો કહે કે ચાલ તારી મા પાસે લઈ જાઉં, તો તેની પાસે પણ જાય. જે કોઈ તેડીને લઈ જાય તેની સાથે જાય.

સંસારનો ભોગ પૂરો થઈ જાય ત્યારે ઈશ્વરને માટે પ્રાણ-આતુર થાય. કેમ કરીને પ્રભુને પ્રાપ્ત કરવો, કેવળ એ જ વિચાર આવે. પછી એ જ વિષયમાં જે કોઈ જે કાંઈ કહે તે બધું માને.

માસ્ટર (સ્વગત): ભોગવાસના જાય તો જ ઈશ્વર માટે પ્રાણ આકુળવ્યાકુળ થાય?

Total Views: 372
ખંડ 15: અધ્યાય 8 : ‘ગુણત્રય વ્યતિરિક્તં સચ્ચિદાનંદ સ્વરૂપઃ’ ‘બ્રહ્મ ત્રિગુણાતીત - મોઢેથી બોલી શકાય નહિ’
ખંડ 15: અધ્યાય 10 : બલરામના ઘરે ઈશ્વર-દર્શન વિશે વાતો