ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં ધૂપ દેવામાં આવ્યો. નાની પાટ પર બેસીને તેઓ ઈશ્વર-ચિંતન કરે છે. મણિ જમીન પર બેઠા છે. રાખાલ, લાટુ, રામલાલ, તેઓ પણ ઓરડામાં છે. 

ઠાકુર મણિને કહે છે : ‘વાત એટલી કે ઈશ્વરની ભક્તિ કરવી એટલે તેના ઉપર પ્રેમ આવવો.’ રામલાલને ગાવાનું કહ્યું. રામલાલ મધુરકંઠે ગાય છે. ઠાકુર એક પછી એક ગીત ગાવા કહે છે.

ઠાકુરના કહેવાથી રામલાલ પ્રથમ શ્રીગૌરાંગનો સંન્યાસ ગાય છે.

શું જોયું રે કેશવ ભારતીની કુટિરમાં,

અપરૂપ જ્યોતિ, શ્રી ગૌરાંગ મૂરતિ; બે નયને વહે પ્રેમ શતધારે…

ગૌર મા માતંગની જેમ, પ્રેમાવેશે નાચે ગાય,

ક્વચિત ધરા પર આળોટે, નયન જળે ભર્યાં રે –

રડે અને બોલે હરિ, સ્વર્ગ મર્ત્ય ભેદ કરી સિંહનાદે રે,

વળી દાંતે તૃણ લઈ, પ્રભુ કૃતાંજલિ થઈ,

દાસ્ય-મુક્તિ યાચે વારે વારે –

મુંડાવી સુંદર કેશ, ધારણ કર્યાે યતિવેશ,

દેખી ભક્તિ-પ્રેમાવેશ, પ્રાણ રડી ઊઠે રે;

જીવના દુઃખે દુઃખી થઈ, આવ્યા સર્વ ત્યાગી દઈ પ્રેમ વિતરવા રે…

પ્રેમદાસની વાંછા મનમાં, શ્રી ચૈતન્યના ચરણમાં,

દાસ થઈ ફરું દ્વારે દ્વારે –

એ પછી રામલાલે ગાયું, તેમાં શચીદેવી રડતાં રડતાં કહે છે :‘નિમાઈ! તને છોડીને કેમ કરીને જીવવું?’ ઠાકુર બોલ્યા, ‘પેલું ગીત ગા તો.’ 

ગીત – ‘હું મુક્તિ દેવા નારાજ નાહિ, શુદ્ધ ભક્તિ દેવા રાજી નાહિ, વગેરે

ગીત – રાધાનાં દર્શન પામી શકે બધાં?

રાધાના પ્રેમને પામે બધાં?

એ અતિ સુદુર્લભ ધન, ન કરો આરાધન,

સાધન વગર શું મળે એ ધન?

તુલારાશિ માસે અમાવાસ્યા તિથિ,

સ્વાતિ નક્ષત્રે જે વરસે વારિ, અન્ય માસે વરસે જે વારિ,

સ્વાતિ નક્ષત્ર સમું હોય એ વર્ષાવારિ?

યુવતી સૌ શિશુને ખોળે ધરી

બાળ બોલે, ‘આવ ચાંદ’ બે હાથ ધરી.

બાળક ભલે ભૂલે પણ ચંદ્ર શું ભાન ભૂલે?

ગગન ત્યજીને કેમ ઊગે ચંદ્ર ભૂતલે!…

ગીત – નવ-નીરદ-વર્ણ શાથી માન્ય, શ્યામ-ચાંદ રૂપ જોઈ…

ઠાકુર રામલાલને વળી કહે છે ‘પેલું ગીત ગા :ગૌર નિતાઈ તમે બે ભાઈ.’ રામલાલની સાથે ઠાકુર પણ ગાવામાં ભળે છે.

‘ગૌર નિતાઈ તમે બે ભાઈ, પરમ દયાળ હે પ્રભુ!’

(હું એ સાંભળીને આવ્યો છું, હે નાથ!)

હું તો ગયો, તો કાશી-નગરે, મને કહી દીધું વિશ્વેશ્વરે,

અરે એ બ્રહ્મ શચીને ઘરે (મેં ઓળખ્યું છે રે પરબ્રહ્મ)

મેં જોયા ‘તો બહુ સંત-સાંઈ, પણ આવા દયાળ દેખ્યા નાહીં,’ (તમારા જેવા). 

તમે વ્રજમાં હતા કનાઈ બલાઈ, હવે નદિયામાં થયા ગૌર નિતાઈ. (એ રૂપ છુપાવી).

વ્રજનો ખેલ હતો દોડાદોડી, હવે નદિયાનો ખેલ ધૂળમાં રોળારોળી.

(હરિ બોલ બોલ રે.) (પ્રેમમાં મસ્ત થઈ).

હતો વ્રજનો ખેલ, આનંદ કલ્લોલ, આજે નદિયાનો ખેલ, 

કેવળ હરિ બોલ. (ઓહો! પ્રાણ ગૌર)

તમારાં સર્વ અંગ રહ્યાં છે ઢાંક્યાં, માત્ર દેખાય છે 

બે નયન બાંકાં. (ઓહો! દયાળ ગૌર)

તમારું પતિતપાવન નામ સુણી, મનમાં આશા આવી છે ઘણી.

(ઓહો! પતિતપાવન)

મોટી આશાએ આવ્યો ધાઈ, મને રાખો ચરણ-છાયા દઈ, (અરે દયાળુ ગૌર).

જગાઈ તર્યાે, માધાઈ તરી ગયો, પ્રભુ હુંયે એ ભરોસે રહ્યો.

(ઓ હો અધમતારક)

તમે ચંડાળ સહિત સહુને આશ્રય દીધો ખોળો, આશ્રય આપી હરિ-બોલ બોલો. (અરે પરમ કરુણામય!) (ઓ કંગાલના ઠાકુર!)

(ઠાકુર શ્રીરામકૃષ્ણના ભક્તોની એકાંતસાધના)

નોબતખાના પરની ઓરડીમાં મણિ એકલા બેઠા છે. રાત ઘણી વીતી ગઈ છે. આજ માગશર સુદ પૂર્ણિમા. આકાશ, ગંગા, કાલી-મંદિર, મંદિર-શિખર, ઉદ્યાન-માર્ગ, પંચવટી, ચંદ્રના પ્રકાશમાં તરી રહ્યાં છે. મણિ એકલા, શ્રીરામકૃષ્ણનું ચિંતન કરે છે. 

રાતના લગભગ ત્રણ વાગ્યા; તે ઊઠ્યા. ઉત્તરાભિમુખ થઈને પંચવટી તરફ જઈ રહ્યા છે. શ્રીરામકૃષ્ણે પંચવટીની વાત કરી હતી. એટલે હવે તેને નોબતખાનું ગમતું નથી. તેમણે પંચવટીની ઓરડીમાં રહેવાનું નક્કી કર્યું.

ચારે બાજુ નીરવ. રાતના અગિયાર વાગવાને સુમારે ગંગામાં ભરતી આવી છે. એકાદ વાર પાણીનો શબ્દ સંભળાય છે. મણિ પંચવટી તરફ આગળ વધે છે. દૂરથી એક શબ્દ સાંભળવામાં આવ્યો; જાણે કે કોઈક પંચવટીના વૃક્ષમંડપની અંદરથી આર્તનાદ કરીને પોકારી રહ્યું છે :‘ક્યાં છો ભાઈ મધુસૂદન?’

આજે પૂર્ણિમા. ચારે બાજુએ વટવૃક્ષની શાખા-પ્રશાખાઓની મધ્યમાં થઈને ચંદ્રમાનો પ્રકાશ ફૂટી નીકળે છે.

મણિ હજી આગળ વધ્યા. સહેજ દૂરથી જોયું તો પંચવટીમાં ઠાકુરનો એક ભક્ત બેઠો છે. તે જ શાંત નિર્જનમાં એકલો પુકારે છે :‘ક્યાં છો ભાઈ મધુસૂદન?’ મણિ ચૂપચાપ જોયા કરે છે.

Total Views: 356
ખંડ 17: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને મૂર્તિપૂજા - વ્યાકુળતા અને ઈશ્વર-પ્રાપ્તિ
ખંડ 17: અધ્યાય 8 : દક્ષિણેશ્વરમાં ગુરુરૂપી શ્રીરામકૃષ્ણ અંતરંગ ભક્તો સાથે