ઠાકુર શ્રીરામકૃષ્ણ શુદ્ધાત્મા ભક્તોને મળવાથી આનંદમાં તરી રહ્યા છે. અને નાની પાટ પર બેઠાં બેઠાં તેમને કીર્તન ગાવાવાળીના ચેનચાળાની નકલ કરી બતાવીને હસી રહ્યા છે. ગાવાવાળી બની-ઠનીને પોતાના સાજવાળાઓની સાથે ગાયન ગાઈ રહી છે. હાથમાં રંગીન રૂમાલ; વચ્ચે વચ્ચે ખોટી ખોટી ઉધરસ ખાય છે અને નાકની નથ ઊંચી કરીને થૂંકે છે. એટલામાં વળી કોઈ શ્રીમંત વ્યક્તિ આવી ચડે તો ગીત ગાતાં ગાતાં જ તેનું સ્વાગત કરે છે અને બોલે છે, ‘આવો, આવો!’ વળી વચ્ચે વચ્ચે હાથ પરનું લૂગડું બાજુએ સરકાવીને કડાં, પહોંચી, બાજુબંધ વગેરે અલંકાર દેખાડે છે.

એ નકલ જોઈને ભક્તો બધા ખડખડાટ હસવા લાગ્યા. પલટુ હસી હસીને જમીન પર આળોટવા લાગ્યો. ઠાકુર પલટુની તરફ જોઈને માસ્ટરને કહે છે કે ‘સાવ છોકરું ખરો ને, એટલે હસી હસીને આળોટી પડ્યો છે.’

શ્રીરામકૃષ્ણ (પલટુને, હસતાં હસતાં) – તારા બાપને જઈને આ બધું કહેતો નહિ. નહિતર જે જરાક મારા પ્રત્યે આકર્ષણ છે એય જશે. એક તો એ બધા ઇંગ્લીશમેન. (અંગ્રેજી ભણેલા).

(મધ્યાહ્નનો જપ અને ગંગાસ્નાન સમયે વાતચીત)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – ઘણાય માણસો સંધ્યા-પૂજા કરતી વખતે આખી દુનિયાની વાતો કરે. પણ વાતો તો કરવી ન જોઈએ, એટલે હોઠ બંધ કરીને દરેક જાતના ઇશારા કર્યા કરે, ‘ઉંહ્, આ લઈ આવો, પેલું આપો, ઉંહ્, ઉંહું’ એમ બધું કરે. (હાસ્ય).

‘કોઈ વળી માળાજપ કરવા બેસે, ત્યારે જપ કરતાં કરતાં વળી રીંગણાંનો ભાવ કરે! કાં તો જપ કરતાં કરતાં જ આંગળીથી બતાવી દે કે ‘પેલું રીંગણું નાખ!’ બધીયે ગણતરી બરાબર એ જ વખતે. (સૌનું હાસ્ય).

કોઈ વળી ગંગાસ્નાન કરવા આવે; ત્યારે ભગવાનનું નામ લેવું તો એક બાજુએ રહ્યું. અમથી ગપ્પા મારવા બેસી જાય! આખી દુનિયાની વાતો! તારા દીકરાનાં લગ્નમાં તેઓએ શું ઘરેણું કર્યું? અમુકને ભારે મંદવાડ; અમુકનો સસરો ઘેરથી આવ્યો કે નહિ? અમુક કન્યા જોવા આવ્યા હતા; તે લોકો લગ્ન પ્રસંગે ખૂબ કરિયાવર કરશે. હરીશ અમારો બહુ જ જિદ્દી. હરીશ મારી સાથે બહુ જ હળી ગયેલો છે. એક ઘડીયે આઘો ખસે નહિ. આટલા દિવસ આવી શકી નહિ, બાઈ; કારણ કે અમુકની દીકરીના સગપણના કામમાં બહુ રોકાયેલી હતી.

જુઓ તો ખરા, ગંગા-સ્નાન કરવા આવીને દુનિયા આખીની વાતો!

ઠાકુર છોટા નરેનને એકીનજરે જુએ છે. જોતાં જોતાં સમાધિ-મગ્ન થયા. શુદ્ધાત્મા ભક્તની અંદર ઠાકુર શું નારાયણનું દર્શન કરે છે?

ભક્તો એકીનજરે આ સમાધિ અવસ્થાનું દૃશ્ય નિરખી રહ્યા છે. આટલો હાસ્ય આનંદ થતો હતો, પણ હવે બધું નિ:શબ્દ. ઓરડામાં જાણે કોઈ માણસ જ નહિ. ઠાકુરનું શરીર નિષ્કંપ, ચક્ષુ સ્થિર! હાથ જોડીને ચિત્રમાં આલેખેલની જેમ બેઠા છે.

થોડી વારે સમાધિ ભંગ થઈ. ઠાકુરનો પ્રાણવાયુ સ્થિર થઈ ગયો હતો; તેમણે હવે લાંબો શ્વાસ મૂક્યો. ધીરે ધીરે મન બાહ્ય જગતમાં આવી રહ્યું છે; અને ભક્તોની સામે દૃષ્ટિપાત કરે છે.

ઠાકુર હજીયે ભાવ-અવસ્થામાં છે. હવે દરેક ભક્તને સંબોધીને કોનું શું થશે, અને કોની કેવી (આધ્યાત્મિક) અવસ્થા થશે એ વિશે કાંઈક કાંઈક બોલે છે.

(છોટા નરેનને) – તને જોવા માટે હું વ્યાકુળ થતો હતો, તને (ઈશ્વર-દર્શન) થશે. આવતો રહેજે અવારનવાર. વારુ, તને શું ગમે? જ્ઞાન કે ભક્તિ?

છોટો નરેન

છોટો નરેન – એકલી ભક્તિ.

શ્રીરામકૃષ્ણ – જાણ્યા વિના ભક્તિ કોની કરીશ?

(માસ્ટરને દેખાડીને, હસતાં હસતાં) આમને જો ઓળખ નહિ તો કેમ કરીને એની ભક્તિ કરીશ? (માસ્ટરને) – તો પણ શુદ્ધાત્મા જ્યારે કહે છે કે ‘એકલી ભક્તિ જોઈએ’ એમાં જરૂર અર્થ છે.

એની મેળે ભક્તિ આવવી, એ પૂર્વ-સંસ્કાર ન હોય તો બને નહિ. આ પ્રેમ-ભક્તિનું લક્ષણ, જ્ઞાન-ભક્તિ એ વિચારપૂર્વકની ભક્તિ.

(છોટા નરેનને) – જોઉં, તારું શરીર જોઉં; પહેરણ કાઢ જોઈએ. છાતીની પહોળાઈ સારી છે. તને (ભગવત્-પ્રાપ્તિ) થશે. અવારનવાર આવતો રહેજે.

ઠાકુર હજીએ ભાવમાં છે. બીજા ભક્તોને સ્નેહપૂર્વક એક એકને સંબોધીને વળી બોલે છે.

(પલ્ટુને) – તનેય (ઈશ્વર-પ્રાપ્તિ) થશે. પણ જરા મોડેથી થશે.

(બાબુરામને) – તને ખેંચી લેતો નથી શા માટે? છેવટે શું એક ધાંધલ ઊભું કરવું?

(મોહિનીમોહનને) – તમે તો છો જ; જરાક બાકી છે. એટલુંય જો નીકળી જાય તો કામકાજ, સંસારવહેવાર કાંઈ રહે નહિ. બધુંય જાય એ શું સારું?

એમ કહીને તેની તરફ એકીનજરે સ્નેહપૂર્વક જોઈ રહ્યા, જાણે કે તેના હૃદયના અંતરતમ પ્રદેશના સમસ્ત વિચાર-તરંગો જોઈ રહ્યા છે. મોહિનીમોહન શું એવો વિચાર કરતા હતા કે ઈશ્વરને ખાતર તો બધું જાય એ જ સારું? થોડી વાર પછી ઠાકુર બોલે છે: ‘ભાગવત સંભળાવનાર કથાકારને એક પાશનું બંધન ઈશ્વર રાખી દે; નહિતર પછી ભાગવત કોણ સંભળાવે?

એટલું રાખી દે લોકોપદેશ માટે. માએ એટલા માટે તમને સંસારમાં રાખ્યા છે.

હવે બ્રાહ્મણ યુવકને સંબોધીને કહે છે :

(જ્ઞાનયોગ અને ભક્તિયોગ – બ્રહ્મજ્ઞાનની અવસ્થા અને જીવન્મુક્ત)

શ્રીરામકૃષ્ણ (યુવકને) – તમે જ્ઞાન-ચર્ચા છોડો; ભક્તિ લો. ભક્તિ જ સાર. આજે તમને અહીં રહ્યે શું ત્રણ દિવસ થયા?

બ્રાહ્મણ યુવક (હાથ જોડીને) – જી હા.

શ્રીરામકૃષ્ણ – વિશ્વાસ રાખો, ભરોસો રાખો; તો તમારે પોતાને કંઈ કરવું નહિ પડે. મા કાલી બધું કરશે.

જ્ઞાન મહેલના સર્વસાધારણ ખંડ સુધી જઈ શકે; પણ ભક્તિ છેક અંત:પુરમાં જાય. શુદ્ધાત્મા અલિપ્ત. વિદ્યા-અવિદ્યા બેઉ ઈશ્વરની અંદર છે, પણ તે પોતે અલિપ્ત. વાયુમાં ક્યારેક સુગંધ, તો ક્યારેક દુર્ગંધ હોય, પરંતુ વાયુ પોતે અલિપ્ત. વ્યાસદેવને યમુનાને પેલે પાર જવું હતું.

એટલામાં ગોપીઓ પણ ત્યાં આવી પહોંચી. તેમને પણ યમુના ઓળંગવી હતી. દહીં, દૂધ, માખણ વગેરે વેચવા જવું છે, પરંતુ પાર ઉતારવાની હોડી ન હતી. એટલે સૌ વિચારમાં પડી ગયાં કે હવે પાર જવું કેવી રીતે? એ વખતે વ્યાસદેવ બોલ્યા કે મને બહુ જ ભૂખ લાગી છે. એટલે ગોપીઓએ તેમને મલાઈ, દૂધ, માખણ વગેરે ખાવા આપ્યું. વ્યાસદેવ લગભગ એ બધું ખાઈ ગયા.

એ પછી વ્યાસદેવ યમુનાને સંબોધીને કહે છે: ‘હે યમુને! મેં જો કંઈ ખાધું ન હોય તો તમારા જળના બે ભાગ થઈ જાઓ અને વચ્ચેના રસ્તા પર થઈને અમે ચાલ્યાં જઈએ!’

એ બોલતાંની સાથે જ બરાબર એમ જ થયું. યમુનાના જળના બે વિભાગ થઈ ગયા ને વચ્ચે સામે પાર જવાનો રસ્તો થઈ ગયો. એ રસ્તા પર થઈને વ્યાસદેવ અને ગોપીઓ બધાં પાર થઈ ગયાં!’

‘મેં ખાધું નથી’ એનો અર્થ એ કે હું શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા અલિપ્ત; પ્રકૃતિથી પર. તેને ક્ષુધા-તૃષા નહિ, જન્મ-મૃત્યુ નહિ, અજર અમર સુમેરુવત્.

‘જેને આવું બ્રહ્મ-જ્ઞાન થયું હોય તે જીવન્મુક્ત. એ બરાબર સમજી શકે કે આત્મા અલગ અને દેહ અલગ. ભગવાનનાં દર્શન થાય તો પછી દેહાત્મ-ભાવ રહે નહિ. દેહ અને આત્મા બન્ને અલગ અલગ લાગે. જેમ કે નાળિયેરનું પાણી સુકાઈ જાય એટલે તેની અંદરનું ટોપરું કાચલીથી અલગ થઈ જાય. આત્મા જાણે કે દેહની અંદર ખડખડ કરે. તે પ્રમાણે વિષય-વાસનારૂપી પાણી સુકાઈ ગયે આત્મ-જ્ઞાન થાય. આત્મા જુદો અને દેહ જુદો એમ ભાન થાય. કાચી સોપારીની અંદરની સોપારી યા કાચી બદામની અંદરની બદામ છાલથી અલગ કરી શકાય નહિ.

પરંતુ પાકી અવસ્થામાં સોપારી યા બદામ અલગ ને છાલ અલગ થઈ જાય. પાકી અવસ્થામાં અંદરનો રસ સુકાઈ જાય. તેમ બ્રહ્મ-જ્ઞાન થયે વિષય-રસ સુકાઈ જાય.

‘પરંતુ એ જ્ઞાન બહુ કઠણ. મોઢેથી બ્રહ્મ-જ્ઞાન થઈ જાય નહિ. કોઈ કોઈ જ્ઞાનનો ડોળ કરે. (હસતાં હસતાં) એક જણ બહુ જ ખોટું બોલતો અને એમ કહેતો કે મને બ્રહ્મ-જ્ઞાન થયું છે. એ જોઈને એક માણસે તેનો તિરસ્કાર કર્યો. એટલે તે બોલ્યો, ‘કેમ ભાઈ, જગત તો સ્વપ્નવત્; બધુંય જો મિથ્યા તો પછી સાચું બોલવું એ જ ખરું? મિથ્યા ય મિથ્યા અને સત્ય પણ મિથ્યા!’ (સૌનું હાસ્ય).

Total Views: 356
ખંડ 41: અધ્યાય 5 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સાથે
ખંડ 41: અધ્યાય 7 : ‘ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ - ગૂઢકથા