એ બધી વાતચીત ચાલી રહી છે, એટલામાં ડૉક્ટર સરકાર પરમહંસદેવને જોવા સારુ આવી પહોંચ્યા અને બેઠા. તે કહે છે કે કાલે રાતના ત્રણ વાગ્યાથી મારી ઊંઘ ઊડી ગઈ હતી અને બધો વખત તમારી ચિંતા થયા કરતી હતી કે વખતે

શરદી લાગી ગઈ હશે તો! એ ઉપરાંત બીજાય કેટલાક વિચાર કરતો હતો.

શ્રીરામકૃષ્ણ – ખાંસી થઈ છે, ગળું દુઃખે છે, પાછલી રાતે મોઢું આખું પાણીથી ભરાઈ જાય છે અને અંદર જાણે કે કાંટો ભોંકાતો હોય તેવી વેદના થાય છે!

ડૉક્ટર – સવારે બધા સમાચાર મળ્યા છે.

મહિમાચરણ પોતાના ભારતવર્ષના પ્રવાસની વાતમાં કહે છે કે લંકાદ્વીપમાં ‘હસતો માણસ’ નથી. ડૉક્ટર સરકારે કહ્યું કે ‘હશે, એની તપાસ કરાવવી પડશે!’ (સૌનું હાસ્ય).

(ડૉક્ટરનો વ્યવસાય અને ઠાકુર શ્રીરામકૃષ્ણ)

ડૉક્ટરના વ્યવસાયની વાત નીકળી.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – ડૉક્ટરનું કામ બહુ મહત્ત્વનું એવી ઘણાયની ધારણા છે. જો પૈસા લીધા વિના બીજાનું દુઃખ જોઈને દયાથી કોઈ દવા કરે તો તે મહાન ખરો, તો કામ પણ મહાન. પણ પૈસા લઈને એ બધું કામ કરતાં કરતાં માણસ નિર્દય થઈ જાય. ધંધા અંગે, પૈસા સારુ મળમૂત્ર તપાસવાં! એ હલકા માણસનું કામ.

ડૉક્ટર – જો એટલું જ કરે તો કામ ખરાબ ખરું! તમારી પાસે વધુ બોલવું એ પોતાનું ગૌરવ કરવા જેવી વાત –

શ્રીરામકૃષ્ણ – હા, ડૉક્ટરી કામથી નિઃસ્વાર્થપણે જો કોઈનો ઉપકાર કરી શકાય, તો બહુ સારું.

માણસ ગમે તે કામ કરે ને; પણ સંસારી વ્યક્તિને, વચ્ચે વચ્ચે સાધુસંગની બહુ જરૂર. ઈશ્વરમાં ભક્તિ હોય તો માણસ સાધુસંગ પોતાની મેળે શોધી લે. હું એક ઉપમા આપું કે ગંજેરી ગંજેરીની સાથે રહે. બીજું માણસ જોઈને એ મોઢું નીચું કરીને ચાલ્યો જાય, અથવા સંતાઈ જાય. પણ બીજા એક ગંજેરીને જોતાં ખૂબ આનંદ, વળી તેને ભેટી પણ પડે. (સૌનું હાસ્ય). વળી ગીધ ગીધની સાથે રહે.

(સાધુને સર્વજીવો પ્રત્યે દયાભાવ)

ડૉક્ટર – વળી કાગડાની બીકથી ગીધ ભાગે. હું કહું છું કે કેવળ માણસોની શા માટે, સર્વ જીવોની સેવા કરવી ઉચિત. હું રોજ ચકલીઓને ઘઉંનો લોટ ખવડાવું. ઘઉંના લોટની નાની નાની ગોળીઓ બનાવીને ફેંકી દઉં, એટલે અગાશીમાં ટોળેટોળાં ચકલાં આવીને ખાય.

શ્રીરામકૃષ્ણ – વાહ! એ મોટી બાબત! જીવોને ખવડાવવું એ સાધુનું કામ, સાધુઓ કીડીઓને ખાંડ ખવડાવે (કીડિયારું પૂરે).

ડૉક્ટર – આજે ભજન ગવાશે નહિ?

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – થોડુંક ગા ને?

નરેન્દ્ર ગાય છે તંબૂરાની સાથે. બીજાં વાજિંત્રો પણ સાથે વાગવા લાગ્યાં.

‘સુંદર તમારું નામ દીનશરણ હે!
વરસે અમૃતધાર, શમે શ્રવણ પ્રાણરમણ હે!
એક તવ નામ ધન અમૃત ભવન હે!
અમર થાય તેહ જન, જે કરે કીર્તન હે!
ગભીર વિષાદ-રાશિ, નિમિષે વિનાશે,
જેહ ક્ષણે તવ નામ-સુધા, શ્રવણે સ્પરશે..
હૃદય મધુમય તવ નામ-ગાને,
થાય હે હૃદયનાથ, ચિદાનંદઘન હે…

ગીત

‘મને દે મા પાગલ કરી (બ્રહ્મમયી)
હવે કામ નથી જ્ઞાનવિચારનું જરી,
તારી પ્રેમસુરા પાઈને મતવાલો બનાવ મને,
હે મા! ભક્ત ચિત્ત હરા! મને પ્રેમ સાગરે દે ડુબાડી,
તારા આ પાગલખાનામાં કોઈ હસે, કોઈ રડે
અને વળી કોઈ નાચે આનંદે રે!
ઈશામુશા શ્રીચૈતન્ય પણ અચેતન બન્યા તવ પ્રેમે રે!
હે મા! જોડાઈને તેમની સાથ હું ધન્ય બનું ક્યારે રે!

ગીત પછી વળી અદ્‌ભુત દૃશ્ય! સહુ ભાવમાં ઉન્મત્ત! પંડિત પંડિતાઈનું અભિમાન મૂકીને ઊભા થઈ ગયા છે ને બોલે છે, ‘મને દે મા! પાગલ કરી, હવે કામ નહિ જ્ઞાન વિચાર્યે.’ વિજય સૌથી પહેલાં પોતાની જગા છોડીને ભાવમાં ઉન્મત્ત થઈને ઊભા થઈ ગયા છે. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ. ઠાકુર દેહનો કઠણ અસાધ્ય રોગ એકદમ ભૂલી ગયા છે. સામે ડૉક્ટર. તે પણ ઊભા થઈ ગયા છે. રોગીને ભાન નહિ, ડૉક્ટરને પણ ભાન નહિ. છોટા નરેનને ભાવ-સમાધિ લાગી ગઈ! લાટુને પણ ભાવ-સમાધિ! ડૉક્ટર વિજ્ઞાન ભણ્યા છે, પણ નવાઈ પામી જઈને આ અદ્‌ભુત ઘટના નિહાળવા લાગ્યા. તેમણે જોયું કે જેમને ભાવ થયો છે, તેમને બહારની સંજ્ઞા જરાય નથી. સર્વે સ્થિર, નિષ્કંપ! ભાવ શાંત થતાં કોઈ રુદન કરી રહ્યા છે, કોઈ હસી રહ્યા છે! જાણે કે કેટલાક પીધેલાઓ એકઠા થયા છે!

Total Views: 491
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા
ખંડ 51: અધ્યાય 19 : ભક્તો સાથે - શ્રીરામકૃષ્ણ અને ક્રોધજય