આ ઘટના પછી સૌ પાછા બેઠા. રાતના આઠ વાગી ગયા છે. વળી પાછી વાતચીત ચાલવા લાગી.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – આ જે ભાવબાવ જોયું તેને વિશે તમારું વિજ્ઞાન શું કહે છે? તમને શું આ બધું ઢોંગ લાગે છે?

ડૉક્ટર (શ્રીરામકૃષ્ણને) – જ્યાં આટલા બધાને થાય છે ત્યાં ખરેખરું natural (આંતરિક – સ્વાભાવિક) લાગે છે, ઢોંગ લાગતો નથી. (નરેન્દ્રને) જ્યારે તમે ગાતા હતા કે ‘દે મા! પાગલ કરી, હવે કામ નહિ જ્ઞાન વિચાર્યે,’ ત્યારે પછી રહેવાયું નહિ. લગભગ ઊભો થઈ ગયો. ત્યાર પછી ઘણી મહેનતે ભાવ દબાવી દીધો. વિચાર કર્યાે કે ભાવનો display – દેખાવ કરવો નહિ.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને, હસતાં હસતાં) – તમે અટલ, અચલ, સુમેરુવત્. (સૌનું હાસ્ય). તમે ગંભીરાત્મા. રૂપ સનાતનના ભાવની કોઈને ખબર પડતી નહિ. જો છીછરા તળાવમાં હાથી ઊતરે તો પાણી ઊથલ-પાથલ થઈ જાય, પણ મોટા સરોવરમાં ઊતરે તો તેમ થાય નહિ; કાં તો કોઈને ખબરેય ન પડે. શ્રીમતી રાધિકાજીએ સખીઓને કહ્યું કે ‘સખીઓ, તમે તો શ્રીકૃષ્ણ-વિરહમાં કેટલી રડો છો; પણ જુઓ હું કેવી કઠણ, કે મારી આંખમાં આંસુનું એક ટીપુંયે નથી!’ ત્યારે વૃંદાએ જવાબ આપ્યો કે ‘સખી! તારી આંખોમાં આંસુ નથી તેનું એક મોટું કારણ છે. તારા હૃદયમાં વિરહાગ્નિ નિરંતર બળી રહ્યો છે. એટલે આંખોમાં પાણી આવે છે, પણ એ વિરહના અગ્નિના તાપથી સૂકાઈ જાય છે!’

ડૉક્ટર – તમને તો વાતમાં પહોંચાય નહિ. (હાસ્ય).

(એ પછી બીજી વાત નીકળી. શ્રીરામકૃષ્ણ પોતાની પ્રથમ ભાવાવસ્થાનું વર્ણન કરતા હતા અને કામ, ક્રોધ વગેરે કેવી રીતે વશ કરાય તે કહેતા હતા.)

ડૉક્ટર – તમે ભાવાવસ્થામાં પડ્યા હતા અને એક દુષ્ટ માણસે આવીને તમને પગના જોડાની લાતો મારી હતી, એ બધી વાત મેં સાંભળી છે.

શ્રીરામકૃષ્ણ – એ પેલો કાલીઘાટનો ચંદ્ર હાલદાર. મથુરબાબુ પાસે એ હમેશાં આવતો. હું ઈશ્વરીય ભાવમાં જમીન પર અંધારામાં પડ્યો હતો. ચંદ્ર હાલદાર માનતો કે હું ઢોંગ કરીને એમ પડ્યો છું, બાબુનો માનીતો થવા સારુ, તે અંધારામાં આવીને મને પગના જોડાથી મારવા લાગ્યો. એટલા જોરથી મારેલા કે શરીર પર ચાઠાં પડી ગયેલાં. સૌ કહે કે મથુરબાબુને વાત કરીએ. પણ મેં તેમને અટકાવ્યા.

ડૉક્ટર – એ પણ ઈશ્વરનો ખેલ. એથીયે લોકો શીખશે કે ક્રોધને શી રીતે વશ કરવો. લોકો શીખશે કે ક્ષમા કોને કહેવાય.

(વિજય અને નરેન્દ્રને ઈશ્વરીય રૂપદર્શન)

એટલામાં ઠાકુર શ્રીરામકૃષ્ણની સામે વિજયની ભક્તો સાથે કેટલીક વાતચીત ચાલી રહી છે.

વિજય – જાણે કે એક જણ મારી સાથે સદા સર્વદા રહે. હું દૂર હોઉં તોય એ જણાવી દે કે ક્યાં શું બની રહ્યું છે!

નરેન્દ્ર – Guardian angel – રક્ષક દેવની પેઠે!

વિજય – ઢાકામાં આમને (પરમહંસદેવને) જોયા છે, હાથ અડાડીને!

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – એ બીજો કોઈ માણસ હશે!

નરેન્દ્ર – મેં પણ એમને ઘણીયે વાર એવી જ રીતે જોયા છે! (વિજયને) એટલે કેમ કરીને કહું કે આપની વાત માનતો નથી?

Total Views: 435
ખંડ 51: અધ્યાય 18 : ભક્તો સાથે પ્રેમાનંદે
ખંડ 51: અધ્યાય 20 : શ્રીરામકૃષ્ણ - ગિરીશ, માસ્ટર, છોટો નરેન્દ્ર, કાલી, શરદ, રાખાલ, ડૉક્ટર સરકાર વગેરે ભક્તો સાથે