બીજે દિવસે આસો વદ ત્રીજ; સોમવાર, ૨૬મી ઓક્ટોબર, ૧૮૮૫. શ્રીશ્રીપરમહંસદેવ કોલકાતામાં શ્યામપુકુરવાળા મકાનમાં દવા કરાવવા માટે રહ્યા છે. ડૉક્ટર સરકારની ચિકિત્સા ચાલે છે. ડૉક્ટર પોતે લગભગ રોજ આવે છે, તેમજ પરમહંસદેવના દરદની હકીકત લઈને એક માણસ હંમેશાં તેમને ખબર આપવા જાય છે.

શરદકાળ. થોડાક દિવસ થયા, શારદીય નવરાત્રિની દુર્ગાપૂજા થઈ ગઈ છે. આ મહોત્સવ શ્રીરામકૃષ્ણની શિષ્યમંડળીએ હર્ષ-વિષાદમાં કાઢ્યો હતો. ત્રણ માસથી ગુરુદેવને કઠિન પીડા, કંઠમાં કેન્સર. સરકાર વગેરે ડૉક્ટરોએ ગર્ભિત સૂચન કર્યું છે કે રોગ અસાધ્ય, દવાદારૂથી મટે તેમ નથી. દુર્ભાગી શિષ્યો, એ વાત સાંભળીને એકાંતમાં આંસુ સારે. અત્યારે તેઓશ્રી શ્યામપુકુરવાળા મકાનમાં વાસ કરી રહ્યા છે. શિષ્યો પ્રાણપણે શ્રીરામકૃષ્ણની સેવા કરે છે. નરેન્દ્ર વગેરે નવયુવાન, વૈરાગ્યવાન શિષ્યગણ આ મહાન સેવાપ્રસંગ દ્વારા કામ-કાંચનના ત્યાગને પગથિયે ચડતાં શીખવાની હમણાંથી શરૂઆત કરી રહ્યા છે.

ઠાકુરને આટલી પીડા, પરંતુ ટોળેટોળાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણની પાસે આવતાં જ શાંતિ અને આનંદ પામે. પરમહંસદેવ અહૈતુક કૃપાસિંધુ. તેમની દયાનો પાર નહિ. સૌ કોઈની સાથે વાતો કરે છે, કેમ કરીને તેમનું મંગલ થાય એટલા સારુ. છેવટે ડૉક્ટરોએ, ખાસ કરીને ડૉક્ટર સરકારે, વાતચીત કરવાની બિલકુલ મનાઈ કરી. પરંતુ ડૉક્ટર પોતે જ છ-સાત કલાક સુધી ત્યાં રહે. તેઓ કહે કે બીજા કોઈની સાથે વાતચીત કરવાની નહિ, માત્ર મારી સાથે વાતચીત કરવી!

શ્રીરામકૃષ્ણના કથારૂપી અમૃતપાનથી ડૉક્ટર સાહેબ એકદમ મુગ્ધ થઈ જાય, એટલે આટલી બધી વાર સુધી બેસી રહે.

દસેક વાગ્યે ડૉક્ટરને ખબર આપવા સારુ માસ્ટરને જવું છે. એટલે તે શ્રીરામકૃષ્ણ સાથે વાતચીત કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – દરદ ખૂબ હલકું પડી ગયું છે. ખૂબ આરામ છે. વારુ, ત્યારે શું દવાથી એમ થયું છે? તો પછી એ જ દવા કેમ લેવી નહિ?

માસ્ટર – હું ડૉક્ટરને ત્યાં જાઉં છું, તેમને બધું કહીશ; ને પછી એ જે ઠીક લાગશે તે કરશે.

શ્રીરામકૃષ્ણ – જુઓ, પૂર્ણ (શ્રીયુત્ પૂર્ણચંદ્રનું વય ૧૪-૧૫) બે ત્રણ દિવસ થયાં આવતો નથી, તેને માટે મનમાં જાણે કંઈક કંઈક થાય છે.

માસ્ટર – કાલી બાબુ, તમે જાઓને પૂર્ણને બોલાવવા.

કાલી – આ ચાલ્યો.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ડૉક્ટરનો દીકરો સારો છે. તેને એક વાર આવવાનું કહેજો.

Total Views: 422
ખંડ 51: અધ્યાય 19 : ભક્તો સાથે - શ્રીરામકૃષ્ણ અને ક્રોધજય
ખંડ 51: અધ્યાય 21 : માસ્ટર અને ડૉક્ટરનો વાર્તાલાપ