માસ્ટર ડૉક્ટરને ત્યાં જઈને જુએ છે તો ડૉક્ટર એક બે મિત્રોની સાથે બેઠેલા છે.

ડૉક્ટર (માસ્ટરને) – આ હજી એક મિનિટ થઈ, તમારી જ વાત કરતા હતા. દસ વાગે તમે આવવાના હતા. એટલા સારુ દોઢ કલાકથી બેઠો છું. વિચારતો હતો કે તબિયત કેમ છે અને શું થયું છે? (મિત્રને) અરે ભાઈ, પેલું ગીત ગાઓ તો.

મિત્ર ગાય છે :

‘કરો પ્રભુનામ-ગાન, જ્યાં સુધી દેહે રહે પ્રાણ…
જેનો મહિમા જ્વલંત જ્યોતિ, જગત કરે રે પ્રકાશ;
પ્રવાહે પ્રેમ પીયૂષ વારિ, સકળ જીવ સુખકારી હે –
કરુણા સ્મરી તન થાય પુલકિત, વાણીથી વર્ણવી ન શકાય,
જેની કૃપાથી એક ક્ષણમાં, સર્વ શોક નિવારાય –
ઊંચે, નીચે, દેશ દેશાન્તરે, જલ-ગર્ભે કે આકાશે;
અંત ક્યાં તેનો, અંત ક્યાં તેનો, એ જ સર્વે સદા પૂછે રે –
ચેતન નિકેતન સ્પર્શ-રતન, એ જ નયન અનિમેષ,
નિરંજન તે, જેનાં દરશનથી, નવ રહે દુઃખ લેશ રે –

ડૉક્ટર (માસ્ટરને)- ગીત બહુ મજાનું, કેમ ખરું કે?

આ જગાનું કેવું? ‘અંત ક્યાં તેનો, અંત ક્યાં તેનો, એ જ સર્વે સદા પૂછે.’

માસ્ટર – હા, ત્યાંનું બહુ સરસ, ખૂબ અનંતનો ભાવ!

ડૉક્ટર (સ્નેહપૂર્વક) – વખત ઘણો થઈ ગયો છે, તમે જમ્યા છો? મારું તો દસ વાગ્યામાં જ જમવાનું પતી જાય. ત્યાર પછી હું દર્દીઓ તપાસવા નીકળું. જમ્યા વિના જો નીકળું તો તબિયત બગડે. અરે, એક દિવસ હું તમને બધાને જમાડવાનો વિચાર કરું છું!

માસ્ટર – ભલે; બહુ સારું, મહાશય!

ડૉક્ટર – વારુ, અહીં કે ત્યાં? જ્યાં તમને ઠીક લાગે ત્યાં.

માસ્ટર – મહાશય, અહીં હો અથવા ત્યાં હો, સહુ આનંદથી જમશે.

હવે મા કાલીની વાત ચાલે છે.

ડૉક્ટર – કાલી તો એક સેંથાલી સ્ત્રી! (માસ્ટરનું ખડખડાટ હાસ્ય).

માસ્ટર – એ વાત શેમાં છે?

ડૉક્ટર – સાંભળ્યું છે એ પ્રમાણે.(માસ્ટરનું હાસ્ય).

આગલે દિવસે શ્રીયુત્ વિજયકૃષ્ણ અને અન્ય ભકતોને ભાવ-સમાધિ થઈ હતી. ડૉક્ટર પણ હાજર હતા. એ વાત ચાલે છે.

ડૉક્ટર – ભાવ તો જોયો, પણ વધુ ભાવ શું સારો?

માસ્ટર – પરમહંસદેવ કહે છે કે ઈશ્વરનું ચિંતન કરીને જે ભાવ થાય તે વધારે હોય તોય કંઈ નુકશાન નહિ. તેઓ કહે છે કે મણિની જ્યોતિથી પ્રકાશ થાય, અને શરીર શીતળ થાય, પણ અંગ દાઝે નહિ.

ડૉક્ટર – મણિની જ્યોતિ; Reflected Light – પ્રતિબિબિંત પ્રકાશ!

માસ્ટર – તેઓ એમ પણ કહે છે કે અમૃત-સરોવરમાં ડૂબ્યે માણસનું મૃત્યુ થાય નહિ.ઈશ્વર અમૃતનું સરોવર. તેમાં ડૂબવાથી માણસનું અનિષ્ટ ન થાય, ઊલટો અમર બને. અલબા, જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો.

ડૉક્ટર – હા, એ ખરું.

ડૉક્ટર ગાડીમાં બેઠા ; બે ચાર દરદીઓને જોઈને પરમહંસદેવને તપાસવા જવાના. રસ્તામાં વળી માસ્ટરની સાથે વાતો કરવા લાગ્યા. ડૉક્ટરે ‘ચક્રવર્તીના અહંકાર’ની વાત ઉપાડી.

માસ્ટર – પરમહંસદેવની પાસે તેની આવજા છે. અહંકાર હશે તો થોડાક દિવસમાં નીકળી જશે. તેમની પાસે બેસવાથી જીવનો અહંકાર નાસી જાય, અભિમાનના ચૂરા થઈ જાય; કારણ કે ત્યાં અહંકાર નથી ને એટલે. નિરહંકારી માણસ પાસે આવવાથી અહંકાર નાસી જાય. જુઓ વિદ્યાસાગર મહાશય આટલા મોટા માણસ, તેમણે પણ કેટલાં વિનય અને નમ્રતા દર્શાવ્યાં છે! પરમહંસદેવ તેમને મળવા ગયા હતા બાદુડ-બાગાનવાળે બંગલે. જ્યારે વિદાય લીધી ત્યારે રાતના નવ વાગેલા. વિદ્યાસાગર પોતાનાં પુસ્તકોના ઓરડામાંથી ફાનસ લઈને આગળ ચાલતા છેક દરવાજા સુધી સાથે આવ્યા અને ગાડીમાં બેસાડ્યા. જતી વખતે હાથ જોડીને ઊભા રહ્ય.

ડૉક્ટર – વારુ, પરમહંસદેવ વિશે વિદ્યાસાગર મહાશયનો શો મત?

માસ્ટર – તે દિવસે તો તેમણે ખૂબ ભક્તિ કરી હતી. તો પણ વાતચીત કરીને મેં જાણ્યું છે કે વૈષ્ણવો જેને ભાવ કહે છે તે તેઓ બહુ પસંદ કરતા નથી. આપના મતને મળતો મત.

ડૉક્ટર – હાથ જોડવા, પગે માથું મૂકવું એ બધું મને ગમે નહિ. માથું જેમ શરીરનો ભાગ, પગ પણ તે જ. જેમને પગ જુદા એવી માન્યતા હોય તે ભલે કરે.

માસ્ટર – આપને ભાવ-ટાવ બહુ ગમે નહિ. પરમહંસદેવ આપને વચ્ચે વચ્ચે ગંભીરાત્મા કહે છે, તે કદાચ આપને યાદ હશે. તેમણે આપને કાલે કહ્યું હતું કે ‘તળાવડામાં હાથી ઊતરે તો ઊથલપાથલ થઈ જાય. પણ સરોવર મોટું, તેમાં હાથી ઊતરે તો પાણી હલે પણ નહિ. ગંભીરાત્માની અંદર ભાવરૂપી હાથી પ્રવેશ કરે તો કંઈ અસર થાય નહિ.’ તેઓ કહે છે કે આપ ગંભીરાત્મા.

ડૉક્ટર – I don’t deserve the Compliment – હું એ પ્રશંસાને લાયક નથી. ભાવ વળી શું? Feelings – એક ઊર્મિ. ભક્તિ તેમજ બીજી Feelings – ઊર્મિઓ વધારે હોય તો કોઈ દાબી શકે તો કોઈ દાબી ન શકે.

માસ્ટર – જેમ તેમ કરીને Explanation -ખુલાસો કોઈ આપી શકે, અને કોઈ ન પણ આપી શકે. પરંતુ મહાશય! ભાવ ભક્તિ એ અપૂર્વ વસ્તુ! Stebbing on Darwinism -ડાર્વિનના મત ઉપર સ્ટેબિંગનો ગ્રંથ આપની library -લાઈબ્રેરીમાં જોયો. Stebbing -સ્ટેબિંગ કહે છે કે Human mind -માનવમનની ઉત્પત્તિ ગમે તેવી રીતે હોય, evolution -ક્રમવિકાસ દ્વારા હોય કે ઈશ્વરની સ્વતંત્ર રચના હોય; તે equally wonderful -એક સરખી રીતે જ અપૂર્વ વસ્તુ છે. તેમણે એક મજાની ઉપમા આપી છે. theory of light. Whether you know the undulatory theory of light or not, light in either case is equally wonderful. પ્રકાશની તરંગ -ગતિનો સિદૃઘાંત તમે જાણો કે ન જાણો. પણ એ બન્ને અવસ્થામાં પ્રકાશ એકસરખો જ વિસ્મયજનક છે.

ડૉક્ટર- હા, અને જોયું ને કે Stebbing ‘Darwinism’ નો મત માને, અને વળી God ઈશ્વરને પણ માને.

ફરીથી પરમહંસદેવની વાત ચાલી.

ડૉક્ટર- એમ દેખાય છે કે તેઓ (પરમહંસદેવ) કાલીના ઉપાસક છે.

માસ્ટર- તેમનો ‘કાલી ’નો અર્થ જુદો . વેદ જેને પરબ્રહ્મ કહે છે,પરમહંસદેવ તેને જ કાલી કહે છે. મુસલમાન જેને અલ્લાહ કહે છે, ખ્રિસ્તી જેને ‘ગોડ’ કહે છે, પરમહંસદેવ તેને જ કાલી કહે છે . એ અનેક ઈશ્વર જોતા નથી, એક જ જુએ છે. પ્રાચીન બ્રહ્મજ્ઞાનીઓ જેને બ્રહ્મ કહી ગયા છે, યોગીઓ જેને આત્મા કહે છે, ભક્તો જેને ભગવાન કહે છે, પરમહંસદેવ તેને જ કાલી કહે છે.

‘તેમની પાસેથી સાંભળ્યું છે કે એક માણસ પાસે કૂંડી હતી. તેમાં રંગ હતો. જેને કપડું રંગાવવું હોય તે તેની પાસે જતો. એટલે રંગરેજ તેને પૂછતો, તમારે કયો રંગ ચડાવવો છે? ’ જો માણસ કહેતો કે લીલો રંગ તો તરત જ એ રંગરેજ કૂંડીના રંગમાં બોળીને પાછું આપી દેતો ને કહેતો કે આ લો તમારું લીલા રંગમાં રંગેલું કપડું. જો કોઈક કહેતો કે લાલ રંગ તો એ જ કૂંડીમાં કપડું બોળીને તે કહેતો કે આ લો તમારું લાલ રંગેલું કપડું .એ એક જ કૂંડીના રંગમાંથી લીલું, પીળું, વાદળી એ બધા રંગે કપડું રંગાઈ જતું. એ અદ્‌ભુત ઘટના જોઈને એક જણે કહ્યું કે ‘ભાઈ રંગરેજ! મારે કયો રંગ જોઈએ તે કહું? તું પોતે જે રંગે રંગાયો છો તે જ રંગ મને દે! ’ એ પ્રમાણે પરમહંસદેવની અંદર બધા ભાવ છે. સર્વ ધર્મના, સર્વ સંપ્રદાયના લોકો તેમની પાસે આવીને શાંતિ પામે છે અને આનંદ મેળવે છે. એમનો કયો ભાવ, કેટલી ઉચ્ચ અવસ્થા, એ કોણ સમજી શકે?’

ડૉક્ટર – ‘All things to all men – બધાને માટે બધી વસ્તુ! એ પણ ઠીક નહિ; although St. Paul says it. જો કે સંત પોલ કહે છે તો પણ.

માસ્ટર – પરમહંસદેવની અવસ્થા કોણ સમજે? તેમને મુખેથી સાંભળ્યું છે કે સૂતરનો ધંધો કર્યા વિના ચાલીસ નંબરના સૂતર અને એકતાલીસ નંબરના સૂતર વચ્ચેનો તફાવત સમજી શકાય નહિ. ચિત્રકાર થયા વિના ચિત્રકારની કળા સમજી શકાય નહિ. મહાપુરુષની ઉચ્ચ અવસ્થા. ઈશુ જેવા થયા વિના ઈશુના બધા ભાવ સમજી શકાય નહિ.પરમહંસદેવની એ ઉચ્ચ ભાવાવસ્થા. કદાચ ઈશુ જે કહેતા એ જ, કે ઈશ્વરની પેઠે પૂર્ણ થાઓ. Be perfect as your Father in heaven is perfect.

ડૉક્ટર – વારુ, તેમની માંદગીમાં તમે લોકો કેવી રીતે દેખરેખ રાખો છો?

માસ્ટર – હાલ તુરત તો એક જણ સુપર ઇન્ટેન્ડ – દેખરેખ કરે છે. તેમની ઉંમર વધુ છે, કોઈ દિવસ ગિરીશ બાબુ, કોઈ દિવસ રામબાબુ, કોઈ દિવસ બલરામબાબુ, કોઈ દિવસ સુરેશબાબુ, તો કોઈ દિવસ નવગોપાલ, કોઈ દિવસ કાલીબાબુ – આ રીતે.

Total Views: 406
ખંડ 51: અધ્યાય 20 : શ્રીરામકૃષ્ણ - ગિરીશ, માસ્ટર, છોટો નરેન્દ્ર, કાલી, શરદ, રાખાલ, ડૉક્ટર સરકાર વગેરે ભક્તો સાથે
ખંડ 51: અધ્યાય 22 : ભક્તો સંગે - એકલી પંડિતાઈમાં શું છે?