એ બધી વાતો થતાં થતાં, શ્રીપરમહંસદેવ શ્યામપુકુરમાં જે મકાનમાં દવા કરાવવા સારુ રહ્યા છે તે મકાનની સામે આવીને ડૉક્ટરની ગાડી ઊભી રહી. એ વખતે એક વાગ્યાનો સુમાર. ઠાકુર બીજે માળે ઓરડામાં બેઠા છે.સામે કેટલાક ભક્તો બેઠેલા છે. તેમાં શ્રીયુત્ ગિરીશ ઘોષ, છોટો નરેન્દ્ર, શરત વગેરે પણ છે. સૌની ષ્ટિ એ મહાયોગી સદાનંદ મહાપુરુષ તરફ. સૌ જાણે કે મંત્ર-મુગ્ધ સર્પની પેઠે મોરલી વગાડનાર વાદીની સામે બેઠેલા છે. અથવા વરરાજાને લઈને જાનૈયાઓ જાણે કે આનંદ કરી રહ્યા છે. ડૉક્ટર અને માસ્ટર આવીને પ્રણામ કરીને બેઠા.
ડૉક્ટરને જોઈને હસતાં હસતાં શ્રીરામકૃષ્ણ કહે છે કે આજ તો બહુ સારું લાગે છે.
ક્રમે ક્રમે ભક્તો સાથે ઈશ્વર સંબંધી કેટલીય વાતચીત ચાલવા લાગી.
(પૂર્વકથા – રામનારાયણ ડૉક્ટર – બંકિમ સાથે સંવાદ)
(કોલકાતાના બેને-ટોલા નિવાસી ડેપ્યુટી મેજિસ્ટ્રેટ શ્રી અધરલાલ સેનને ઘેર શ્રીયુત્ બંકિમચંદ્ર ચેટરજીની સાથે શ્રી પરમહંસદેવની મુલાકાત થઈ હતી. બંકિમ બાબુએ તેમનાં માત્ર એ એક વાર દર્શન કર્યાં હતાં.)
શ્રીરામકૃષ્ણ – એકલા પંડિત થયે શું વળે ,જો વિવેક વૈરાગ્ય ન હોય તો? ઈશ્વરનાં ચરણકમલનું ચિંતન કરવાથી મારી એક અવસ્થા થાય. એ અવસ્થામાં પહેરેલું વસ્ત્ર નીકળી પડે, સડ સડ કરીને પગથી માથા સુંધી કંઈક ચડવા લાગે ત્યારે સૌ કોઈ ઘાસનાં તણખલાં જેવા લાગે. પંડિતમાં પણ જો જોઉં કે વિવેક નથી, ઈશ્વર પર પ્રેમ નથી, તો ઘાસનાં ફોતરાં જેવો લાગે.
રામનારાયણ ડૉક્ટર મારી સાથે વાદ કરતા હતા, ત્યાં અચાનક એ અવસ્થા થઈ! ત્યારે મેં તેમને કહ્યું કે તમે શું કહેવા માગો છો? શું ચર્ચા કરવાથી ઈશ્વરને સમજી શકાય? તેમની સૃષ્ટિ પણ શું સમજવાના? તમારી તે કેવી જાડી બુદ્ધિ! મારી અવસ્થા જોઈને તે રોવા લાગ્યો અને મારા પગ દાબવા લાગ્યો!
ડૉક્ટર – રામનારાયણ ડૉક્ટર હિંદુ છે ને, વળી ફૂલ-ચંદન પણ લે છે. ખરો હિંદુ છે ને?
માસ્ટર (સ્વગત) – ડૉક્ટર કહેતા હતા કે શંખ-ટોકરીમાં હું માનતો નથી.
શ્રીરામકૃષ્ણ – બંકિમ તમારા એક પંડિત. બંકિમની સાથે મુલાકાત થઈ હતી.
મેં તેને પૂછ્યું કે માણસનું કર્તવ્ય શું? તો એ કહે કે ‘આહાર ,નિદ્રા અને મૈથુન!’ એવી બધી વાતો સાંભળીને મને ઘૃણા આવી. એટલે મેં કહ્યું કે ‘તમારી આ તે કેવી વાત! તમે તો બહુ વાયડા છો! જેનો રાત દિવસ વિચાર કર્યા કરો છો, કામ કરો છો એ જ તમારે મોઢેથી નીકળે છે! મૂળા ખાઈએ એટલે મૂળાના ઓડકાર આવે. ત્યાર પછી તો ઘણીયે ઈશ્વરીય વાતચીત થઈ. ઓરડામાં સંકીર્તન થયું. હું વળી નાચ્યો. ત્યારે કહે છે કે મહાશય! અમારે ત્યાં એક વાર આવજો. મેં કહ્યું કે ઈશ્વરની ઈચ્છા. ત્યારે એ કહે કે અમારે ત્યાંય ભક્તો છે, તે જો જો તો ખરા! મેં હસતાં હસતાં પૂછ્યું કે કઈ જાતના ભક્તો છે, ભાઈ? જેઓ ગોપાલ! ગોપાલ! બોલતા હતા તેવા ભક્તો કે શું?
ડૉક્ટર – ગોપાલ! ગોપાલ! એ વાત શી?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એક સોનીની દુકાન હતી. એ સોની મહાભક્ત પરમ વૈષ્ણવ! ગળામાં કંઠી, કપાળે તિલક, હાથમાં હરિનામની માળા! સહુ કોઈ વિશ્વાસ રાખીને તેની દુકાને જ આવતા, એમ ધારીને કે આ પરમ ભક્ત છે,તે કોઈ દિવસ છેતરવાના નહિ. તેમની દુકાને આવનારા જોતા કે કોઈ કોઈ કારીગર બોલે છે,‘કેશવ! કેશવ!’ બીજો એક કારીગર વળી થોડી વાર પછી બોલે છે, ‘ગોપાલ! ગોપાલ!’ વળી થોડી વાર પછી એક જણ બોલી ઊઠે છે, ‘હરિ! હરિ’! એ પછી પાછો કોઈ કારીગર બોલે છે કે ‘હર! હર!’ આટલાં બધાં ભગવાનનાં નામ લેવાતાં જોઈને ઘરાકો મનમાં વિચાર કરવા લાગતા કે આ સોની બહુ જ સારો માણસ લાગે છે! ખરી વાત શી હતી, ખબર છે? જે બોલતો કે ‘કેશવ! કેશવ!’ તેના મનનો ભાવ એવો કે ‘કે સબ? એટલે કે આ બધા ઘરાક કેવા છે? જે બોલતો કે ‘ગોપાલ! ગોપાલ!’ તેનો અર્થ એ કે મેં એ બધાને નીરખીને જોઈ લીધા છે. એ બધા ‘ગોપાલ.’ એટલે કે (બંગાળીમાં) ગાયોનાં ટોળાં જેવા છે! (હાસ્ય). જે ‘હરિ હરિ’ બોલ્યો, તેનો અર્થ એ છે કે જો ગાયનાં ટોળાં હોય તો એને હરિ અર્થાત્ હરણ કરી લેવા. (હાસ્ય) જે ‘હર હર!’ બોલ્યો, તેનો અર્થ એ કે હવે એનું હરણ કરો, હરણ કરો; આ તો છે ગાયની ટોળી. (હાસ્ય)
મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું હાસ્ય). પંડિતો મારી આ અવસ્થા જોઈને અને મારી સાથે વાતચીત કર્યા પછી બોલ્યા, ‘મહાશય! અમે અગાઉ જે કંઈ ભણ્યા છીએ તે બધું તમારી સાથે વાતો કર્યા પછી સાવ નકામું થઈ ગયું! હવે સમજીએ છીએ કે પ્રભુની કૃપા થાય તો જ્ઞાનનો અભાવ ન રહે; મૂર્ખ વિદ્વાન થઈ જાય; મૂગાને વાચા ફૂટે. એટલા માટે કહું છું કે પુસ્તક વાંચ્યે જ જ્ઞાની ન થઈ જવાય!
(પૂર્વકથા – પ્રથમ સમાધિ – આવિર્ભાવ અને મૂર્ખના કંઠે સરસ્વતી)

હા, તેમની કૃપા થયે જ્ઞાનનો શો તોટો રહે? જુઓ ને, હું તો મૂર્ખ, કંઈ જાણતો નથી; છતાં આ બધી વાતો બોલે છે કોણ? આ જ્ઞાનનો ભંડાર અક્ષય. અમારા દેશમાં ડાંગર ભરે ત્યારે ‘રામે રામ, રામે રામ’ એમ બોલતા જાય. એક જણ માપે, અને જેવો ઢગલો થઈ રહેવા આવે કે તરત બીજો એક જણ ઢગલો આગળ ધકેલી દે. તેનું કામ જ એ, કે થઈ રહે એટલે ઢગલો આગળ ધકેલે. હું પણ જે વાતો કહું, તે થઈ રહેવા આવી છે, આવી છે, એમ થાય; ત્યાં મારી મા-જગદંબા તરત તેના અક્ષય જ્ઞાનભંડારનો ઢગલો ધકેલી દે. નાની ઉંમરમાં ઈશ્વરનો આવિર્ભાવ મારામાં થયો હતો. અગિયાર વરસનો હતો ત્યારે ખેતરમાં ઉપર કંઈક જોયું. સૌ કહેતા કે હું બેહોશ થઈ ગયો હતો, કશું ભાન ન હતું! પણ તે દિવસથી (હું) જુદા જ પ્રકારનો થઈ ગયો. મારી અંદર બીજો એક જણ દેખાવા લાગ્યો! જ્યારે ઠાકુરપૂજા કરવા બેસતો ત્યારે પૂજા-દ્રવ્યવાળો હાથ ઘણી વાર દેવતા તરફ ન જતાં મારા પોતાના માથા ઉપર ચાલ્યો જતો અને ફૂલ માથા ઉપર ચઢાવતો. જે છોકરો મારી પાસે રહેતો તે મારી પાસે આવતો નહિ. તે કહેતો કે ‘તારા મોઢા પર એક જાતની જ્યોતિ દેખાય છે! તારી નજીક આવતાં બીક લાગે છે!’





