FREE WILL OR GOD’S WILL?
(સ્વતંત્ર ઇચ્છા કે ઈશ્વરની ઇચ્છા?) ‘યંત્રારૂઢાનિ માયયા’
શ્રીરામકૃષ્ણ – હું તો મૂરખ, હું તો કંઈ જાણું નહિ; તો પછી આ બધું બોલે છે કોણ? હું કહું કે મા, હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર; હું ઘર, તમે ઘરનાં માલિક; હું રથ, તમે રથ હાંકનારાં; તમે જેમ કરાવો તેમ કરું; તમે જેમ બોલાવો તેમ બોલું; તમે જેમ ચલાવો તેમ ચાલું, ‘નાઽહં નાઽહં તુંહિ તુંહિ’. ઈશ્વરનો જ જય; હું તો માત્ર યંત્ર જેવો! શ્રીમતી રાધિકા જ્યારે સહસ્રધારાઝારી લઈને જઈ રહ્યાં હતાં ત્યારે જળ જરાય ઢોળાયું ન હતું. તેથી સૌ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી સતી કોઈ થવાની નથી. ત્યારે શ્રીમતીએ કહ્યું કે તમે મારી જય શા માટે બોલાવો છો? કહો કે ‘શ્રીકૃષ્ણની જય, શ્રીકૃષ્ણની જય! હું તો તેમની દાસી માત્ર.’
આ અવસ્થામાં ભાવાવેશમાં વિજયની છાતીએ પગ મૂક્યો! આમ તો વિજય પ્રત્યે આટલી બધી ભક્તિ દર્શાવું છું, એ વિજયને શરીરે પગ લગાડ્યો! તેનું શું કહો છો, બોલો જોઈએ!
ડૉક્ટર – એમ થઈ ગયા પછી સાવચેત થવું ઉચિત.
શ્રીરામકૃષ્ણ (હાથ જોડીને) – હું શું કરું? એ અવસ્થા થાય એટલે હું બેહોશ થઈ જાઉં! શું કરું છું એ કંઈ જાણી શકતો નથી.
ડૉક્ટર – સાવધાન રહેવું જોઈએ, હાથ જોડ્યે શું વળે?
શ્રીરામકૃષ્ણ – એ વખતે હું શું કરી શકું? ત્યારે તમે મારી અવસ્થાને કેવી સમજો છો? જો ઢોંગ માનતા હો તો તમારા સાયન્સફાયન્સમાં ધૂળ પડી!
ડૉક્ટર – મહાશય! જો ઢોંગ માનતો હોઉં તો શું આટલો બધો અહીં આવું? આ બાજુ, બધાં કામ મૂકીને આવું છું. કેટલાય દરદીઓને ઘેર જઈ શકતો નથી. અહીં આવીને છ સાત કલાક સુધી બેસી રહું છું.
(‘ન યોત્સ્યે’ ભગવદ્ ગીતા – ઈશ્વર જ કર્તા, અર્જુન યંત્ર)
શ્રીરામકૃષ્ણ – મથુરબાબુને કહ્યું હતું કે તમે એમ નહિ માનતા કે તમે એક મોટા માણસ છો ને મને માનો છો એટલે હું કૃતાર્થ થઈ ગયો! તમે માનો તોય ભલે, ન માનો તોય ભલે! પણ એક વાત છે : માણસ શું કરે? ઈશ્વર જ મનાવે. ઈશ્વરની શક્તિ આગળ માણસ ઘાસના તણખલા જેવો!
ડૉક્ટર – તમે શું એમ માનો છો કે અમુક મોટા માણસ (મથુરબાબુ) તમને માને છે એટલે હું પણ તમને માનું? અલબા, તમારું સન્માન કરું, તમને રિગાર્ડ (માન) આપું, તે માણસને જેમ રિગાર્ડ (માન) અપાય તેમ –
શ્રીરામકૃષ્ણ – હું શું તમને મને માનવાનું કહું છું?
ગિરીશ ઘોષ – તેઓ શું આપને માનવાનું કહે છે?
ડૉક્ટર (શ્રીરામકૃષ્ણને) – તમે શું કહો છો? ઈશ્વરની મરજી?
શ્રીરામકૃષ્ણ – નહિતર બીજું શું? ઈશ્વરી શક્તિની પાસે માણસ શું કરવાનો હતો? અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં કહ્યું કે ‘હું યુદ્ધ નહિ કરું, સ્વજનવધ કરવો એ મારાથી નહિ બને!’ શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે ‘અર્જુન, તારે યુદ્ધ કરવું જ પડશે, તારી પ્રકૃતિ કરાવશે.’ શ્રીકૃષ્ણે દેખાડી દીધું કે ‘આ બધા માણસો મરી ગયેલા છે.’ (મયૈવેતે નિહતાઃ પૂર્વમેવ। નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્॥ આ બધાને મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું માત્ર નિમિત્તરૂપ થા. ગીતા – ૧૧.૩૩) શીખ સિપાઈઓ કાલી-મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તેમના મત પ્રમાણે ઝાડ પરનાં પાંદડાં હાલે છે તે પણ ઈશ્વરની ઇચ્છાથી, તેની ઇચ્છા વિના એક પાંદડું પણ હાલી શકે નહિ.
(Liberty or Necessity? – Influence of Motives)
ડૉક્ટર – જો ઈશ્વરની ઇચ્છા હોય તો પછી તમે શા માટે આટલી બધી વાતો કર્યા કરો છો? માણસોને જ્ઞાન આપવા સારુ આટલી બધી વાતો કરો છો શા માટે?
શ્રીરામકૃષ્ણ – ઈશ્વર બોલાવે છે એટલે બોલું છું. હું યંત્ર, એ યંત્ર ચલાવનાર.
ડૉક્ટર – યંત્ર તો કહો છો! કાં તો એમ જ કહો કે હું બોલું છું. નહિ તો ચૂપ રહો. કારણ કે બધુંય ઈશ્વર!
ગિરીશ – મહાશય! આપ ગમે તેમ માનો. પરંતુ ઈશ્વર કરાવે એટલે કરીએ. ઈશ્વરની ઇચ્છાથી વિરુદ્ધ શું એક ડગલુંય કોઈ જઈ શકે? – A single step against the Almighty will?
ડૉક્ટર – સ્વતંત્ર ઇચ્છા – Free Will તો ઈશ્વરે આપી છે ને? મારી ઇચ્છા હોય તો ઈશ્વર-ચિંતન કરી શકું, તેમજ જો ઇચ્છા ન હોય તો ન પણ કરું!
ગિરીશ – ઈશ્વર-ચિંતન અથવા બીજું કોઈ સારું કામ આપને ગમે એટલે આપ કરો છો. આપ પોતે કરતા નથી, પણ એ ‘ગમવું’ કરાવે છે.
ડૉક્ટર – એમ શા માટે? હું કર્તવ્ય સમજીને કરું –
ગિરીશ – એ કર્તવ્ય કર્મ પણ ‘ગમે છે,’ એટલે કરો છો.
ડૉક્ટર – ધારો કે એક છોકરું અગ્નિમાં પડી જઈને બળી જવા લાગ્યું, તો તેને બચાવવા જવાનું કર્તવ્ય સમજીને –
ગિરીશ – છોકરાંને બચાવવામાં આનંદ થાય છે, એ ‘ગમે છે,’ માટે અગ્નિની અંદર પડો છો. અને એ આનંદ જ આપને ખેંચી જાય છે. ચાટણને લોભે કેફ કરો છો! (સૌનું હાસ્ય)
(જ્ઞાનંજ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના (ગીતા : ૧૮.૧૮))
શ્રીરામકૃષ્ણ – કર્મ કરવા જતાં પ્રથમ એક પ્રકારની શ્રદ્ધા તો જોઈએ. તેની સાથે વસ્તુનો ખ્યાલ આવતાં આનંદ થાય, ત્યારે એ વ્યક્તિ કાર્યમાં પ્રવૃત્ત થાય. જમીનની અંદર સોનામહોરનો ભરેલો એક ચરુ છે એ જ્ઞાન, એ શ્રદ્ધા પ્રથમ જોઈએ. ચરુનો ખ્યાલ આવતાં આનંદ થાય. ત્યાર પછી ખોદે. ખોદતાં ખોદતાં ઠન્ન્ શબ્દ થયે આનંદ વધે. ત્યાર પછી ચરુનો કાંઠો દેખાતાં આનંદ એથીયે વધે. એમ ક્રમે ક્રમે આનંદ વધ્યા કરે. મેં પોતે કાલી-મંદિરની ઓસરીમાં ઊભાં ઊભાં જોયું છે કે સાધુઓ ગાંજો તૈયાર કરે છે ત્યારે તેને કમાવતાં કમાવતાંય આનંદ!

ડૉક્ટર – પરંતુ અગ્નિ તાપ પણ આપે. પ્રકાશમાં દેખી શકાય ખરું, પણ તાપથી અંગ બળી જાય. કર્તવ્ય કરવા જાઓ તો એકલો આનંદ થાય એમ નહીં, કષ્ટ પણ થાય!
માસ્ટર (ગિરીશને) – પેટમાં પડે તો પીઠે સહન થાય. કષ્ટમાંય આનંદ.
ગિરીશ (ડૉક્ટરને) – કર્તવ્ય શુષ્ક.
ડૉક્ટર – શા માટે?
ગિરીશ – તો પછી રસપૂર્ણ! (સૌનું હાસ્ય).
માસ્ટર – બહુ સરસ! લો, હવે ચાટણને લોભે કેફ કરવાનું આવી પડ્યું!
ગિરીશ (ડૉક્ટરને) – રસપૂર્ણ, નહિતર કર્તવ્ય કરો શા માટે?
ડૉક્ટર – મનનું ઈંક્લિનેશન – વલણ એવું!
માસ્ટર (ગિરીશને) – જો અભાગિયો સ્વભાવ જ મનને એ બાજુ ખેંચી જાય, (હાસ્ય) જો એક બાજુ વલણ જ થાય, તો Free Will (સ્વતંત્ર ઇચ્છા) ક્યાં રહી?
ડૉક્ટર – હું તદ્દન Free (સ્વતંત્ર) કહેતો નથી. ગાય ખીલે બાંધી હોય, તો દોરડું જેટલું લાંબું હોય તેની અંદર જ ગાયની સ્વતંત્રતા. દોરડું ખેંચાય તો –
(શ્રીરામકૃષ્ણ અને Free Will)
શ્રીરામકૃષ્ણ – આ ઉપમા યદુ મલ્લિકે પણ આપી હતી. (છોટા નરેનને) શું એ અંગ્રેજીમાં છે?
(ડૉક્ટરને) જુઓ, ઈશ્વર જ બધું કરી રહ્યો છે; તે યંત્ર ચલાવનાર, હું યંત્ર. એવી શ્રદ્ધા જો કોઈને બેસી જાય તો તે જીવનમુક્ત. ‘તમારું કામ તમે કરો, મા જગદંબા, લોકો કહે કે અમે કર્યું!’ એ શેના જેવું, ખબર છે? વેદાન્તમાં એક ઉપમા છે. જેમ કે એક તપેલામાં ભાત ચૂલે મૂક્યો છે. તેમાં બટાટાં, રીંગણાં વગેરે બફાવા નાંખ્યાં છે. થોડી વાર પછી ચોખાના દાણા, બટાટાં, રીંગણાં વગેરે ઊછળવા લાગે; જાણે કે અભિમાન કરી રહ્યં છે કે હું કૂદું છું! નાનાં છોકરાંઓ ધારે કે આ ભાત, રીંગણાં, બટાટાં બધાં જીવતાં લાગે છે. એટલે કૂદકા મારે છે! પણ જેઓ ખરી હકીકત જાણે, તેઓ સમજાવી દે કે આ બધાં બટાટાં, રીંગણાં વગેરે જીવતાં નથી, પોતાની મેળે કૂદતાં નથી; તપેલાની નીચે ચૂલામાં અગ્નિ સળગે છે એટલે જ તે કૂદકા મારે છે. જો લાકડું તાણી લેવામાં આવે તો તેઓ કૂદે નહિ. જીવનું ‘હું કર્તા’ એ અભિમાન અજ્ઞાનથી થાય. ઈશ્વરની શક્તિથી જ બધું શક્તિમાન. બળતું લાકડું તાણી લો એટલે બધું ચૂપ. જાદુગરની પૂતળીઓ તેના હાથમાં દોરી હોય ત્યાં સુધી ખૂબ નાચે, હાથ લઈ લે એટલે જરાય હાલે ચાલે નહિ!
‘જ્યાં સુધી ઈશ્વર-દર્શન ન થાય, એ પારસમણિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી ‘હું કર્તા’ એવી ભૂલ થવાની જ; ‘હું સારું કામ કરું છું, નરસું કામ કરું છું,’ એ બધું ભેદજ્ઞાન રહેવાનું જ. એ ભેદબુદ્ધિ ભગવાનની જ માયા, તેમની માયાનો સંસાર ચલાવવાની વ્યવસ્થા. વિદ્યામાયાનો આશ્રય લેવાથી, સન્માર્ગે ચાલવાથી, ભગવાનની પ્રાપ્તિ થાય. જે ભગવાનની પ્રાપ્તિ કરે, જે ઈશ્વર-દર્શન કરે, તે જ માયાની પાર જઈ શકે. ઈશ્વર જ એક માત્ર કર્તા, હું અકર્તા, એવી શ્રદ્ધા જેની થાય એ જ જીવનમુક્ત. મેં એ વાત કેશવ સેનને કરી હતી.
ગિરીશ – Free Will -સ્વતંત્ર ઇચ્છા આપે કેમ કરીને જાણી?
ડૉક્ટર – Reason તર્કવિચારથી નહિ! I feel it! – હું તેનો અનુભવ કરું છું.
ગિરીશ – ત્યારે અમને બધાને એથી ઊલટો જ અનુભવ થાય છે કે આપણે પરતંત્ર Then I and others feel it to be the reverse! (સૌનું હાસ્ય).
ડૉક્ટર – કર્તવ્યની અંદર બે એલિમેન્ટ્સ (વસ્તુ) છે. પ્રથમ ડ્યૂટી-ફરજ સમજીને ડ્યૂટી-કર્તવ્ય કરવા જઈએ. બીજું, પછી આનંદ થાય. પણ initial stage શરૂઆતમાં આનંદ થશે એટલા માટે કર્તવ્ય કરવા જતો નથી. નાનપણમાં હું જોતો કે અમારો પુરોહિત તેને આપવાના પેંડામાં કીડીઓ ચડી ગઈ હોય તો બહુ ચિંતામાં પડી જતો. પહેલેથી જ પેંડાના વિચારથી આનંદ થાય નહિ. (હાસ્ય). પહેલાં બહુ ચિંતા.
માસ્ટર (સ્વગત) – આનંદ પછી થાય કે સાથે સાથે જ થાય એ કહેવું કઠણ! આનંદને જોરે કર્મ થાય, તો પછી Free Will (સ્વતંત્ર ઇચ્છા) ક્યાં રહી?




